કવર સ્ટોરીઃ માલેગાંવ-મુંબઈ: બોમ્બધડાકા બધા જ ‘આરોપી’ નિર્દોષ!

-વિજય વ્યાસ
બેદરકાર અને ભ્રષ્ટ તંત્રને નિર્દોષોના લોહીની કોઈ કિંમત નથી… માલેગાંવ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ભાજપનાં ભૂતપૂર્વ સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર સહિત તમામ 7 આરોપીને વિશેષ કોર્ટે 17 વર્ષ પછી નિર્દોષ છોડી મૂક્યાં…. આ પહેલાં મુંબઈના 2006ના ટ્રેન બોમ્બ બ્લાસ્ટ કેસમાં પણ તમામ આરોપી નિર્દોષ ઠર્યા હતા… એ બન્ને ઘટનાએ ભારે ચકચાર જગાવી છે કેમ કે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (ગઈંઅ) હસ્તકના આ બન્ને કેસના તમામ આરોપી સાવ નિર્દોષ છૂટી ગયા છે!
થોડા ફ્લેશ બેકમાં જઈએ…મહારાષ્ટ્રના માલેગાંવમાં 29 સપ્ટેમ્બર, 2008ના દિવસે 3 બોમ્બ ધડાકામાં 7નાં મોત સાથે 80 લોકો ઘાયલ થયા હતા…એ જ રીતે, 11 જુલાઈ, 2006ના મુંબઈ લોકલ ટ્રેનના સાત કોચમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોમાં 189 લોકો માર્યા ગયા ને 824 લોકો ઘાયલ થયા હતા…. ભારતમાં બનેલી આતંકવાદની સૌથી મોટી ઘટનાઓમાંની આ એક ઘટના હતી.
ગયા અઠવાડિયે બોમ્બે હાઈકોર્ટે આ કેસમાં તમામ 12 આરોપીને નિર્દોષ છોડી મૂકેલા. ‘મકોકા સ્પેશિયલ કોર્ટ’માં 5 આરોપીને ફાંસી અને 7 આરોપીને આજીવન કેદની સજા ફરમાવી હતી, પણ હાઈકોર્ટે ફરિયાદ પક્ષના કેટલાક સાક્ષીઓની વિશ્વસનીયતા અને કેટલાક આરોપીની ટેસ્ટ આઇડેન્ટિફિકેશન પરેડ (TIP) સામે સવાલ કરીને એ તમામ આરોપીને બાઈજ્જત બરી કરી દીધા. આના માટે તપાસ એજન્સી NIA એ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવો આ ચુકાદો તાજો જ છે ત્યાં માલેગાંવમાં પણ હમણાં એ જ ચુકાદાનું પુનરાવર્તન થયું છે. તેથી NIA અને ન્યાયતંત્રની પણ વિશ્વસનિયતા સામે અનેક ગંભીર સવાલ ઊભા થઈ ગયા છે.
માલેગાંવ કેસની તપાસે ભારતમાં તપાસ એજન્સીઓ સત્યની શોધ નથી કરતી, પણ સત્તામાં બેઠેલાં લોકોને ખુશ કરવા માટે ગમે એને ફિટ કરી દેતાં પણ ખચકાતી નથી એ પણ પ્રજાની નજરે સાબિત થયું છે.
માલેગાંવના એ બોમ્બ ધડાકા જિહાદના નામે નિર્દોષ લોકોનાં લોહી વહેવડાવતા આતંકવાદી સંગઠન ‘સિમી’ એ કરાવ્યા હોવાનો દાવો કરાયેલો પણ કેસની મહારાષ્ટ્રની એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ) પાસે તપાસ જતાં જ નવો વળાંક આવ્યો. એ સમયે મહારાષ્ટ્ર એટીએસના વડા તરીકે હેમંત કરકરે હતા.
કરકરેએ આ કેસની તપાસમાં ધડાકો કરેલો કે, અમદાવાદમાં જુલાઈ 2008માં થયેલા બોમ્બ ધડાકાનો બદલો લેવા ‘હિન્દુ જાગરણ મંચ’ અને ‘અભિનવ ભારત’ નામનાં બે હિન્દુવાદી સંગઠનોએ આ ધડાકા કરાવ્યા હતા. ATS એ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર, કર્નલ પ્રસાદ શ્રીકાન્ત પુરોહિત, મેજર રમેશ ઉપાધ્યાય, શ્યામ સાહુ, એસ.એન. કલસાગરા, સમીર કુલકર્ણી તથા દયાનંદ પાંડેને રાતોરાત ઊંચકીને જેલમાં ધકેલી દીધાં હતાં.
આ પણ વાંચો…કવર સ્ટોરી : અભિવ્યક્તિના નામે સદંતર જૂઠાણાં ફેલાવતાં સોશ્યલ મીડિયાને કઈ રીતે નાથી શકાય?
ATSનો આરોપ હતો કે, બોમ્બ કર્નલ પ્રસાદ શ્રીકાન્ત પુરોહિતે બનાવ્યા હતા અને એ એક બાઈકમાં ફિટ કરવામાં આવ્યા હતા. આ બાઈક સુરતમાંથી પ્રજ્ઞા ઠાકુરે ખરીદીને મોકલી હતી. એ પછી સાધ્વી પ્રજ્ઞા તથા બીજા હિન્દુવાદીઓ સામે ‘મકોકા’ (‘મહારાષ્ટ્ર ક્ધટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝડ ક્રાઈમ એકટ’) સહિતના કાયદા હેઠળ કેસ ઠોકી દેવાયેલા. ‘મકોકા’ હેઠળ કેસ થાય પછી જેલમાંથી બહાર આવવાના રસ્તા બંધ થઈ જતા હોય છે કેમ કે પોલીસ જે પુરાવા રજૂ કરે એ માન્ય રખાતા હોય છે. પોલીસ મારઝૂડ કરીને આરોપીઓ પાસે નિવેદનો લખાવે એ પણ માન્ય ગણાતા હોય છે તેથી સાધ્વી પ્રજ્ઞા, કર્નલ પુરોહિતને બીજા લોકો બહાર આવશે જ નહીં એવું જ મનાતું હતું.
મહારાષ્ટ્ર ATSએ રજૂ કરેલા આક્ષેપોએ આખા દેશને ખળભાવી મૂકેલો કેમ કે ભારતમાં પહેલી વાર આતંકવાદી ઘટનામાં હિંદુવાદીઓની સંડોવણી બહાર આવી હતી. 2011માં આ કેસ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને સોંપાયો પછી આ એજન્સીએ પણ ATSની તપાસ લાઈન પર આગળ વધીને સાધ્વી સહિતનાં આરોપીઓને આતંકવાદી ચિતરવાનું ચાલુ રાખ્યું, પણ 2014માં કેન્દ્રમાં સત્તા પરિવર્તન થયું ને ભાજપની સરકાર આવી એ સાથે જ ‘નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી’ એ પલટી મારી દીધી.
2016 મેમાં મુંબઈની કોર્ટમાં મૂકેલા આરોપનામામાંથી સાધ્વી પ્રજ્ઞાનું નામ કાઢી નાખ્યું કેમ કે પ્રજ્ઞા ભાજપનાં સાંસદ બની ગયેલાં. પ્રવીણ ટક્કલકી ઉર્ફે પ્રવીણ મુતાલિક ઉર્ફે પ્રદીપ વી. નાઈક સહિત બીજા ત્રણ નામ પણ કાઢી નખાયાં જ્યારે કર્નલ પ્રસાદ પુરોહિત સહિતના બીજા આરોપીઓ સામે ‘મકોકા’ની કલમો દૂર કરીને અનલોફુલ એક્ટિવિટીઝ (પ્રીવેન્શન્સ) એક્ટ હેઠળ આરાપો મૂકાયા. આમ NIAના નવા આરોપનામાના કારણે બધા આરોપીની જેલમાંથી મુક્તિનો માર્ગ મોકળો થઈ ગયો હતો.
અહીં સવાલ એ છે કે, આતંકવાદ જેવી ગંભીર ઘટનામાં દેશની બે ટોચની એજન્સીઓની તપાસ અલગ કેમ પડી? મહારાષ્ટ્ર ATS જેમને ખૂંખાર આતંકવાદી ગણાવતી હતી એ બધાં છૂટી કઈ રીતે ગયાં? ATS એ તો સાધ્વી પ્રજ્ઞા, કર્નલ પુરોહિત સહિતના આરોપીઓ દ્વારા માલેગાંવમાં બ્લાસ્ટ કરવા માટેનું કાવતરું કઈ ATS એ તો સાધ્વી પ્રજ્ઞા, કર્નલ પુરોહિત સહિતના આરોપીઓ દ્વારા માલેગાંવમાં બ્લાસ્ટ કરવા માટેનું કાવતરું કઈ રીતે ઘડાયું અને કઈ રીતે પાર પડાયું તેની સિલસિલાબંધ વિગતો પુરાવા સાથે કોર્ટમાં રજૂ કરેલી. કોર્ટે બધા પુરાવા માન્ય રાખતાં 2008થી 2015 સુધી પુરોહિત, સાધ્વી પ્રજ્ઞા તથા એના સાથીઓ જેલમાં હતાં.
હવે NIA અને કોર્ટ બંને કહે છે કે, એ પુરાવા ખોટા છે તેનો મતલબ એ થયો કે, મહારાષ્ટ્ર ATS દ્વારા જૂઠાણાં ચલાવાયેલાં અને મનઘડંત વાર્તા-સ્ક્રિપ્ટ રજૂ કરીને કોર્ટમાં આરોપનામા તરીકે રજૂ કરી દીધી હતી ! સવાલ એ છે કે, તો પછી NIA સાચી કે પછી મહારાષ્ટ્ર ATS?
બીજો સવાલ એ છે કે, કોર્ટે મહારાષ્ટ્ર ATSના ખોટા પુરાવા કઈ રીતે માન્ય રાખ્યા? એટલું જ નહીં, કેન્દ્રમાં ભાજપની સત્તા આવી પછી NIA એ આરોપીઓને જામીન સામે વાંધો ન લીધો તેમાં 2017 સુધીમાં બધા આરોપી બહાર આવી ગયેલા. હવે વધારાનો સવાલ એ પણ છે કે, NIAને આરોપીઓ ખોટા છે એ કહેવામાં પાંચ વર્ષ કેમ લાગી ગયાં? માલેગાંવ કેસ ભારતમાં સિસ્ટમ એવી બેદરકાર અને કઈ હદે ભ્રષ્ટ છે તેનો ક્લાસિક કેસ છે.
બીજી તરફ, મુંબઈ ટ્રેન બોમ્બ બ્લાસ્ટ કેસમાં 189 લોકોનાં મોત થયેલાં ને માલેગાંવમા 7 લોકો માર્યાં ગયાં. લગભગ 200 નિર્દોષ લોકોનો ભોગ લેનારી આતંકવાદની બે મોટી ઘટનામાં એક પણ વ્યક્તિને સજા નથી થઈ તેનો મતલબ એ થયો કે, આપણું તંત્ર કશું કરતું જ નથી. આપણે આતંકવાદ સામે ઝીરો ટોલરન્સના ફડાકા મારીએ છીએ ને 200 લોકોના જીવ લેનારી બે ઘટનામાં એક પણ દોષિતને સજા કરાવી શકતા નથી તો એ ક્યા પ્રકારનું ઝીરો ટોલરન્સ છે?
આઘાત એ જોઈને પણ લાગે છે કે, આ દેશની પ્રજા આ નઘરોળપણા સામે સાવ ચૂપ છે. લોકોએ સરકારને સવાલ કરવો જોઈએ,એજન્સીઓને સવાલ કરવો જોઈએ પણ કોઈ હરફ નથી ઉચ્ચારતું. પાકિસ્તાનમાં આમ થયું ને મુસ્લિમોએ ફલાણું કર્યું તેના મેસેજ હોંશે હોંશે વાયરલ કરનારી પ્રજા આતંકવાદીઓએ 200 લોકોનો જીવ લેનારી ઘટનામાં કોઈને સજા ના થાય તેની સામે ચૂપ રહે તેના કરતાં વધારે માનસિક નપુંસકતા શું હોઈ શકે ?!
‘હિન્દુ ટેરરિઝમ’નું તૂત બૂમરેંગ સાબિત થયું…
ભારતમાં સમઝૌતા એક્સપ્રેસ બ્લાસ્ટ, માલેગાંવ બ્લાસ્ટ સહિતની ઘટનાઓના કારણે કૉંગ્રેસ શાસનમાં ‘સેફ્રોન ટેરર’ એટલે કે ભગવા આતંકવાદનું તૂત ઊભું કરવામાં આવ્યું હતું. કૉંગ્રેસના નેતા દિગ્વિજયસિંહ આ તૂતના પ્રણેતા હતા. ગુજરાતનાં 2002નાં રમખાણો પછી પત્રકાર પ્રવીણ માલીએ વાપરેલા ‘સેફ્રોન ટેરર’ શબ્દોને પકડી લઈને દિગ્વિજયે ‘હિંદુ ટેરિરિઝમ’ નામે નવો શબ્દ આપ્યો.
સમઝૌતા બ્લાસ્ટના પગલે 2007ના ચૂંટણી પ્રચારમાં એમણે આ શબ્દ રમતો કર્યો પછી મુસ્લિમોને ખુશ કરવા માટે હિંદુઓ પણ આતંકવાદના રવાડે ચડ્યા છે એ સાબિત કરવા કૉંગ્રેસના નેતા મચી પડ્યા હતા. સીબીઆઈ, એનઆઈએ, એટીએસ સહિતની એજન્સીઓએ એમના ઈશારે કામ કરીને આ ગંદા કામમાં યોગદાન આપેલું.
આ દેશમાં બનેલી આતંકવાદની ચાર ઘટનાઓ એમણે ‘હિન્દુવાદી ટેરરિઝમ’ના નામે ચડાવી દીધેલી, પણ આ બધા કેસમાં પુરાવાના અભાવે હિંદુવાદીઓ છૂટી ગયા. કૉંગ્રેસે રાજકીય ફાયદાને ખાતર શરૂ કરેલો આ ખેલ તેના માટે બૂમરેંગ સાબિત થયો કેમ કે ભગવા આતંકવાદની બકવાસ વાતોના કારણે હિંદુત્વની લાગણી પ્રબળ બની.
આ પણ વાંચો…કવર સ્ટોરી : બિહારમાં મતદાન યાદીની સુધારણા: કેન્દ્રીય ચૂંટણી પંચના વાદ-વિવાદ ને વિખવાદ…