ઉત્સવ

ટૅક વ્યૂહ : લો, ટેક્સી-બાઈક હવે હવામાં ઊડશે…! હોવરબાઈક યુગનો થઈ રહ્યો છે આરંભ

-વિરલ રાઠોડ

‘સ્ટારવોર્સ’ જેવી સાયન્સ ફિક્શન ફિલ્મમાં ટેકનોલોજી જોઈને આશ્ચર્ય થાય. અક્કલ કામ ન કરે એવાં ઉપકરણ અને અવનવી ટેક્નિકભરી જાદુઈ નગરીનો અહેસાસ થાય. હવામાં ઉડતાં વિમાન જેવાં મિની વાહનો અને અવાજ વગર પણ સરળતાથી કામ કરી જાય એવાં ગેઝેટ્સથી ઘણીવાર વિચાર આવે કે, ખરેખર આવી વસ્તુ શક્ય છે ખરી ?

સતત થતાં સંશોધન અને પર્યાવરણને બચાવી પ્રગતિ કરવાના અભિગમ હેઠળ હવે આ અશક્ય મનાતી વસ્તુ શક્ય થઈ છે ખરી. દુનિયાની પહેલી એરટેક્સી આવતા વર્ષે દુબઈમાં શરૂ થવાની છે. આને લઈને દુબઈ ઓટો માર્કેટમાં અત્યારથી પ્રમોશન શરૂ થઈ ગયુ છે. એરપોર્ટથી સીધા જ પામ જુમેરાહ સુધી હવે એર ટેક્સીની ક્નેક્ટિવિટી મળશે. આ સેવા શરૂ થાય એ પહેલાં પોલેન્ડની એક ઓટો કંપનીએ ટેકનોલોજીની મદદથી દુનિયાની પહેલી હોવરબાઈક શરૂ કરી છે. પરીક્ષણ હેઠળ આ બાઈકનો પ્રયોગ પહેલા જંગલ અને પહાડી વિસ્તારમાં કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો….ટૅક વ્યૂહ: ગૂગલ સર્ચના વળતાં પાણી?


રસ્તા પરના ટ્રાફિક અને હાઈ-વે પર થતા જામથી બધા ક્યારેક તો કંટાળી જાય. એ સમયે બધા વિચારે કાશ, ‘સ્ટાર વોર્સ’માં દેખાતી બાઈક ખરેખર અમલમાં આવી જાય તો વિમાન કરતાં ઓછી ઊંચાઈએથી સફર કરી શકાય અને નક્કી કરેલા સ્થળ સુધી ઝડપથી પહોંચી શકાય.

પોલેન્ડની કંપનીની આવી બાઈક હવામાં ઊડે છે અને 128 કિલોમીટર સુધીની સ્પીડ આપે છે. વિમાન કરતાં ઓછી ઊંચાઈએ ઊડતી હોવાથી ઘણા પડકારો તો છે જ. એથી3થી 4 હજાર ફીટની ઊંચાઈ પર ઉડતી બાઈક સરળતાથી ગગનચૂંબી ઈમારત વચ્ચેથી પસાર થાય એ વિચારથી જ કંપનીએ આ બાઈકની પાંખ જ નથી બનાવી.

આ પણ વાંચો….ટૅક વ્યૂહ : જિઓ ટેગિંગ: ફોટોગ્રાફ સાચવો લોકેશન સાથે

હવે પાંખ વગર કોઈ વસ્તુ ઊડે કેવી રીતે? વિમાનને પણ ઊંચાઈ સુધી પહોંચવા પાંખની જરૂર પડે. આ બાઈકમાં કોઈ હેલિકૉપ્ટરમાં જેવી પાંખ હોય છે એવી કોઈ પાંખનો ઉપયોગ નથી કરાયો, જેને વિમાનની ભાષામાં પ્રોપેલર્સ કહેવાય છે. તેમ છતાં હોવરબાઈક સરળતાથી હવામાં ઊડે છે. સ્થિર થાય છે અને લેન્ડ પણ કરી શકે છે.

વિમાનમાં જે રીતે પાંખની નીચે ગોળાકારમાં બ્લેડ ટાઈપના પંખા હોય છે એ જ પ્રકારની આકૃતિનો ઉપયોગ કરીને બાઈક તૈયાર કરવામાં આવી છે, જેને જેટ પ્રોપલ્સન કહેવાય છે, જેમાં બ્લેડ જેવા પંખા ગોળાકાર શિલ્ડમાં હોય છે. જે સામેથી આવતી હવાને કાપે છે. એ ઈંધણ અને બેટરીની મદદથી વારંવાર ગોળ ફરે છે. આને કારણે પ્રેશર જનરેટ થાય છે અને બાઈક હવામાં ઊંચકાય છે અને ઊડે છે.

અહીં ખાસ વાત એ છે કે, પંખા માટેની જગ્યા ફાળવવાના બદલે એક નાનકડા પાઈપ પર આ વસ્તુ સેટ કરીને બાઈક તૈયાર કરવામાં આવી છે, જેમાં એક વ્યક્તિ સરળતાથી બેસીને હવાઈ રાઈડ કરી શકે છે. ઓટો કંટ્રોલ અને સરળતાથી સ્પીડ કંટ્રોલિંગ હોવાથી આ માટે કોઈ પાઈલટ જેવી ટ્રેનિંગ લેવાની જરૂર પડતી નથી.

આ પ્રકારનું એક ડેમો મોડેલ તૈયાર કરીને પોલેન્ડની કંપનીએ એવિએશન ક્ષેત્રે કંઈક નવું કરી રહેલાં લોકોને ચોંકાવી દીધા છે. જે રીતે સીએનસી ગેસથી વાહન ચાલે છે એ રીતે અહીં ગેસનો ઉપયોગ એક ઈંધણ તરીકે કરવામાં આવ્યો છે. પૃથ્વી પરના ગુરૂત્વાકર્ષણને એક ફોર્સથી ધક્કો મારે અને હવામાં ગતિ પકડીને આગળ વધે એ સિદ્ધાંતના સથવારે બાઈકનું મેકેનિઝમ કામ કરે છે.

સૌથી મોટી અને ખાસ વાત એ છે કે, આ હોવરબાઈકનું એન્જિન કોઈ સામાન્ય બાઈક કરતાં વજનમાં સાતગણું હલકું છે. કાર્બન ફાઈબર સામગ્રીનો ઉપયોગ કરીને આ એન્જિન તૈયાર કરવામાં આવ્યું છે. કલાકમાં 300 માઈલનું અંતર એ સરળતાથી કાપી શકે છે. આ બાઈકના કેટલાક પાર્ટ સરળતાથી છૂટા પાડી શકાય છે અને જ્યારે રાઇડ કરવી હોય ત્યારે ફરી એને એસેમ્બલ કરી શકાય છે.

એટલું જ નહીં, જ્યારે પાર્ક કરવાનું હોય ત્યારે એનું એન્જિન પણ લોક કરી શકાય છે. જે રીતે વાહનમાં ફ્યુલ ખતમ થવામાં હોય ત્યારે ઇન્ડિકેશન આપે છે એમ આમાં ધીમા અવાજથી સાઈરન વાગે છે. વધુ પડતી ઊંચાઈ એ ઊડવું જોખમી હોય છે એટલે આ પ્રકારના વાહનમાં ઊંચાઈ માટે પણ મીટર હોય છે જે ભયજનક સપાટી કે આવરણ સુધી પહોંચતા એલર્ટ પણ કરે છે. આવી શોધ પરથી એટલું તો કહી શકાય કે મુંબઈ અને દિલ્હી જેવાં મહાનગરમાં ફલાઈંગ ટેક્સી આવશે એ દિવસો દૂર નથી. બસ, એ ખિસ્સાને કેટલું પરવડશે એ જોવાનું છે.

આઉટ ઓફ બોક્સ
રોબોટિકસની દુનિયામાં જાપાનનો દબદબો છે, પણ રોબોટનો પ્રથમવાર ઉપયોગ ગેરેજમાં થયો હતો. જનરલ મોટર્સ નામની કંપની પતરાની શીટ માટે રોબોટ લાવી શિફ્ટિંગ કરેલું.

આ પણ વાંચો….ટૅક વ્યૂહ : સર્વિસ ક્રેશ ને યુઝર્સ હેંગ… સર્વર સ્લો કેમ થાય છે?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button