હેં… ખરેખર?!: દુનિયાનો સૌથી મોટું મંદિર કૉરીડોર રામેશ્વરમમાં છે…

-પ્રફુલ શાહ
વિશ્વનો સૌથી લાંબો કૉરીડોર નહીં, પણ સૌથી લાંબો મંદિર કૉરીડોર ભારતમાં છે. હા, તામિલનાડુના રામેશ્વરમ સ્થિત શ્રી અરુલમિગુ રામનાથસ્વામી મંદિર ખાતે. એ રામનાથસ્વામી કે રામેશ્વરમ સ્વામી મંદિરની એક વિશિષ્ટતા છે. એની રચના, બાંધણી, કળા, બારીકી, નજાકત અને જાળવણી જોઈને આંખો પહોળી થઈ જાય. એમાં પણ આ મંદિર-કૉરીડોર જે સમયે બંધાયા ત્યારે કેટલી કાળજી, મહેનત અને જહેમત લેવાઈ હશે એની કલ્પનાથી જ મગજ બહેર મારી જાય.
Also read : સનાતન ધર્મ સામે દ્રાવિડિયનોને કેમ વાંધો છે?
રામેશ્વરમ સ્વામી મંદિર એટલે ભારતના સૌથી પવિત્ર સ્થળોમાંનું એક. બાર જ્યોતિર્લીંગમાંનું એક અહીં છે. રાવણની લંકા પાર કરતા અગાઉ ભગવાન શ્રીરામે અહીં શિવલીંગની સ્થાપના કરીને પૂજા કરી હતી. આ સ્થળનો ચારધામની જાત્રામાં સમાવેશ થાય છે. 12મી સદીમાં પાંડ્ય શાસકોએ એનું વિસ્તરણ કર્યું હતું. ત્યાર બાદ જાફના રાજ્યના શાસકોએ પણ એનો જિર્ણોધ્ધાર કર્યો હતો.
અહીં ભારતનું સૌથી લાંબુ મંદિર કૉરીડોર છે, જે રાજા મથુરાલિંગમ સેતુપતિએ બંધાવ્યો હતો. ભારતના તામિલનાડુ રાજ્ય અને શ્રીલંકા વચ્ચે આવેલ આ પવિત્ર જગ્યા ભગવાન શિવને સમર્પિત છે. એવું કેમ? આ સવાલના જવાબ એક ક્યા છે. ભગવાન શ્રીરામ સીતા મૈયાને છોડાવવા લંકા ભણી આગળ વધી રહ્યાં હતા, ત્યારે અહીં તરસ છિપાવવા રોકાયા હતા.
તેઓ પાણી પીવે એ અગાઉ ગેબી અવાજ સંભળાયો કે અહીંના દેવની પૂજા કર્યા વગર પાણી પીશો? પ્રભુ શ્રીરામ સમજી ગયા કે એ ભગવાન શંકરનો અવાજ હતો. તેમણે દરિયાની રેતીમાંથી શિવલિંગ બનાવીને પૂજા કરી. સાથોસાથ તેમણે રાવણને પરાસ્ત કરવા માટે આશીર્વાદ પણ માંગ્યા. આશીર્વાદ મળ્યા બાદ પ્રભુરામે ભોળાનાથને વિનંતી કરી કે આપ કાયમ અહીં વસવાટ કરજો કે જેથી માનવજાતને લાભ મળે.
ભોળાનાથે એમની વિનવણી માની લીધી. ફળસ્વરૂપે અહીં એમનું સ્થાનક ઊભું કરાયું. શરૂઆતમાં તો કાચી ઝૂંપડીમાં આ મંદિર હતું. સદીઓ વિતવા સાથે એનો વિકાસ થયો. બારમી સદીમાં વ્યવસ્થિત મંદિર બન્યું. હાલના શ્રીલંકામાં આવેલા પોલોન્નારુવાના રાજા પરાક્રમબાહુ પહેલાએ એ કાર્ય કર્યું હતું. જ્યારે 17મી સદીમાં સેતુપતિ વંશના શાસકે મંદિરને ભવ્યતા બક્ષી હતી.
Also read : મારી ક્ષમાપનામાં જાયયમ Speed Breaker JEALOUSY
આ ભવ્ય મંદિરની અનેક વિશિષ્ટતા છે પણ એમાં દિવ્યાતિ દિવ્ય અને ભવ્યતમ છે એનો કૉરીડોર. ભારતના આ સૌથી લાંબા મંદિર કૉરીડોરની વિશાળતા અદ્ભુત છે. લંબાઈ લગભગ 1.2 કિલોમીટર. અંદાજે 3850 ફૂટમાં પ્રસરેલા ત્રણ ભાગના કૉરીડોરનું મંત્રમુગ્ધ કરતું પાસું છે. એના 1212 સ્તંભ અર્થાત્ પિલ્લર અહીં શિલ્પકારો અને નકશીકામ કરનારાઓએ અલૌકિક કામગીરી બજાવી છે.
મંદિર સંકુલના વિવિધ ભાગ-ભવનને જોડતા આ સ્તંભોની ઊંચાઈ 30 ફૂટ છે. દ્વાવિડ સ્થાપત્યકળાની બેનમૂન કલાકૃતિ સમા આ સ્તંભ ભાવિકો અને યાત્રાળુઓ માટે આસ્થાના પ્રતીક છે. 1224 મીટરમાં પ્રસરેલા કૉરીડોરના સ્તંભો ચિત્રકળા, કોતરણી અને સ્થાપત્ય થકી આપણા ભવ્ય સાંસ્કૃતિક અને કળાત્મક વારસાનું દર્શન કરાવે છે. આત્મ-શુદ્ધિ અને ભક્તોના આધ્યાત્મિક ઉત્થાન માટે કરાતી પરિક્રમા માટે કૉરીડોર રચાયો છે.
અહીંના બાંધકામમાં ગોપુરમ, મોટા સ્તંભથી બનેલા વિશાળ મંડપો પવિત્ર સ્થાન આસપાસની પ્રદક્ષિણાને શક્ય બનાવે છે. એનો લાભ લેનારાને અનન્ય માનસિક શાંતિ અને આધ્યાત્મિક શાંતિનો અનુભવ થાય છે. અહીંના સ્તંભ અને ભીંતો ભારતના વિવિધ દેવ-દેવીઓના સુંદર પેઈન્ટિંગ, પ્રતિમાઓ અને શિલ્પોથી શોભાયમાન છે. આમાં આપણા ધર્મગ્રંથોના ઘણા કથાનક દૃશ્યો પણ દૃષ્ટિમાન થાય છે.
આ કૉરીડોર એમાં આવેલા 108 લિંગ અને મહાગણપતિ (ગણેશજીના 32 સ્વરૂપમાંના એક)ની પ્રતિમા માટે કાયમ રહી જાય એવું છે. અહીંના શિવમંદિરમાં શિવજીની પૂજાનું અત્યંત મહત્ત્વ છે. એ મૂર્તિનો શણગાર જોવા દુનિયાભરમાંથી શ્રદ્ધાળુઓ અહીં આવતા રહે છે.
Also read : ચાલો આજે કુદરતને નવા અંદાજમાં મળીએ અલિપ્ત એવા તરાઈના જંગલ દુધવા-કિશનપુરમાં ફરીએ
ભારત અને હિન્દુ ધર્મની આસ્થા, શ્રદ્ધા, સંસ્કૃતિ અને સ્થાપત્યનો અમૂલ્ય વારસો એટલે આપણા દેશનો સૌથી લાંબો મંદિર કૉરીડોર (હવે રામેશ્વરસ્વામી મંદિરે જઈએ તો આ દૃષ્ટિકોણથી પણ સાંસ્કૃતિ-ધાર્મિક ભવ્યતાની અનુભૂતિ કરીશું?)