અન્યની માન્યતા કે અપેક્ષા પ્રમાણે નહીં, પણ જાતને વફાદાર રહીને જીવો…

સુખનો પાસવર્ડ – આશુ પટેલ
‘ધૂરંધર’ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપર સફળ થઈ ગઈ એ પછી એના વિશે તો ઘણું બધું લખાયું, પરંતુ એ ફિલ્મના એક અભિનેતા અક્ષય ખન્ના વિશે પણ ખૂબ લખાયું. એ જુદી માટીના આદમી એવા અક્ષય ખન્નાની કેટલીક જૂની-નવી સરસ મુલાકાતો પણ યુટ્યુબ પર વાઈરલ થઈ ગઈ. આવી એક રીલ એડવોકેટ મિત્ર સંતોષ દૂબેએ વોટ્સ એપ પર શેર કરી. એ પછી એ મુલાકાતની બીજી વીડિયો ક્લિપ્સ પણ જોઈ.
સામાન્ય રીતે ફિલ્મ સ્ટાર્સ તેમનાં નિવેદનોથી લોકોને આંજી નાખવાની કોશિશ કરતાં હોય છે તો ક્યારેક તેઓ બેફામ નિવેદન થકી વિવાદ ઊભો કરતાં હોય છે. પોતાની ફિલ્મની રિલીઝ વખતે તો મોટા ભાગના કલાકારો લોકોનું ધ્યાન ખેંચવા માટે જાતભાતના તિકડમ કરતા હોય છે. પણ ક્યારેક અલગ રીતે જીવનારા કલાકારો જીવનમાં ઉતારવા જેવી વાતો કહી જતા હોય છે. અક્ષય ખન્નાએ એ મુલાકાતમાં જે વાતો કરી એ હૃદયને સ્પર્શી ગઈ એટલે વાચકમિત્રો સાથે શેર કરવાનું મન થયું.
એ મુલાકાતમાં એક મહિલા પત્રકારે અક્ષય ખન્ના ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પાર્ટીઝમાં જતા નથી એ મુદ્દે સવાલ કર્યો તો ખન્નાએ કહ્યું, ‘તમે મને કહો કે હું પાર્ટીઝમાં નહીં જાઉં, પત્રકારોને મુલાકાતો નહીં આપું, લોકો સાથે હળીશ મળીશ નહીં તો હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી આઉટ થઈ જઈશ’ તો હું ચોક્કસ આઉટ થઈ જવાનું પસંદ કરીશ!’ એ શબ્દો બોલીને અક્ષય જોરથી ચપટી વગાડે છે અને પછી ઉમેરે છે કે ‘હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ટકી રહીશ કે નહીં એવા ડરથી મારી જાતને બદલવાનો નથી. હું જે છું, જેવો જ છું એવો જ રહેવાનો છું.’
અક્ષયે બીજી પણ એક સરસ વાત કરી કે ‘સફળતા શું છે? માની લો કે મારી પાસે 500 કરોડ રૂપિયા હોય તો હું જ્યાં સુધી ધીરુભાઈ અંબાણી કે રતન ટાટા કે અઝીમ પ્રેમજી ન બનું ત્યાં સુધી હું મને નિષ્ફળ માનું તો એ અર્થહીન છે કે હું એક અભિનેતા તરીકે વિચારું કે હું શાહરુખ ન બની શકું તો મારું જીવન નિષ્ફળ છે એ ખોટું છે. 120 કરોડ લોકોના આ દેશમાં માંડ 15-20 જણાને લીડ એક્ટર તરીકે એટલે કે હીરો તરીકે કામ કરવાની તક મળે છે તો એમાંનો એક હું છું. મને એનાથી સંતોષ હોવો જોઈએ અને છે.’
એણે એ પણ ઉમેર્યું કે ‘હું કોઈ ફિલ્મ ન કરતો હોઉં એ વખતે મુંબઈથી દૂર (અલીબાગ) મારું એક નાનકડું ઘર છે ત્યાં જતો રહું છું. ત્યાં એક સુંદર બગીચો છે. હું રોજ ત્રણ ચાર કલાક ગાર્ડનિંગમાં વિતાવું છું, સાંજે ચાલવા જાઉં છું, એક-બે કલાક સાઈકલ ચલાવવા માટે નીકળી પડું છું, મિત્રોને મળું છું, ફેમિલી સાથે સમય વિતાવું છું, એક્સરસાઇઝ કરું છું, ઘણું બધું વાંચું છું, ફિલ્મો પણ જોઉં છું. જિંદગીને માણું છું.’
આમ જિંદગીને માણતા અક્ષય ખન્નાની આ વાત દરેક વ્યક્તિએ જીવનમાં ઉતારવા જેવી છે. ‘લોકો શું કહેશે, હું આમ નહીં કરું તો અલગ પડી જઈશ, ફેંકાઈ જઈશ.’ એવા ડરથી ઘેટાની જેમ જીવતા માણસોએ તો એની આ વાતો પરથી ખાસ પ્રેરણા લેવા જેવી છે.
લોકો શું કહે છે એના આધારે આપણી જિંદગી ન વિતાવવી જોઈએ. આપણને ગમતું હોય એ પ્રમાણે જીવવું જોઈએ. આપણી માન્યતા સાચી હોય અને આપણી એ માન્યતાને કારણે આપણે કોઈના માટે દુ:ખનું કારણ ન બનતા હોઈએ તો (હા, આપણે આપણી માન્યતા પ્રમાણે જીવતા હોઈએ એને કારણે ઈર્ષાને કારણે કે અપેક્ષાભંગ થવાને કારણે કોઈ દુ:ખી થતાં હોય તો એ તેમનો પ્રોબ્લેમ છે!) આપણે આપણી માન્યતાને વળગી રહીને જ જીવવું જોઈએ. આપણને જેમ મજા આવે એ પ્રમાણે જ જીવન જીવવું જોઈએ. બીજા લોકો શું કહેશે એની પરવા ન કરવી જોઈએ.
આપણી જાતને વફાદાર રહીને જીવવું જોઈએ. લોકોની પરવા કરતા રહીએ તો આપણે આપણી જાતને વફાદાર ન રહી શકીએ.
કોઈ પણ સ્થિતિમાં લોકો ટીકા-ટિપ્પણી કરવાના છે – સલાહ આપવાના છે. તેમની ટીકાટિપ્પણી સહન કરવી કે તેમની સલાહ લેવી કે ન લેવી એ આપણા પર છે. હવે તો સોશ્યલ મીડિયાના સમયમાં ગમે એટલો મોટો માણસ હોય એ પણ લોકોની ટીકાનો ભોગ બનતો હોય છે. ગમે એટલા પાવરફુલ માણસને પણ લોકો બહુ ખરાબ શબ્દપ્રયોગથી ટ્રોલ કરતાં હોય છે. લોકોને આપણી બધી વાત કે કેટલીક વાતો પસંદ આવવાની નથી જ, પણ લોકોની માન્યતા પ્રમાણે કે અપેક્ષા પ્રમાણે જીવવું છે કે નહીં આપણી જાતને વફાદાર રહીને એ આપણે નક્કી કરવું જોઈએ.
આપણ વાંચો: એક જ શબ્દના અનેક અર્થ ને દરેક અર્થમાં એક નવી દુનિયા!



