હાસ્ય વિનોદ: લો…સાંભળો, બુધમાં બુધવાર નથી હોતો! | મુંબઈ સમાચાર
ઉત્સવ

હાસ્ય વિનોદ: લો…સાંભળો, બુધમાં બુધવાર નથી હોતો!

વિનોદ ભટ્ટ

‘બુધ ગ્રહમાં બુધવાર નથી હોતો…’ એવો પ્રચાર જ્યોતિષીઓ કરતા હોય છે તેમ છતાં આ બુધ ગ્રહને યુવરાજ તરીકે ઓળખવામાં આવે છે. તે ચિરયુવાન રહે છે. આ બુધથી પ્રભાવિત જાતકને મોટી ઉંમર સુધી માથા પર હેરડાઈ કરવી પડતી નથી. તેના વાળ કાળા રહે છે. અલબત્ત, તેને કારણે, તેના સંપર્કમાં આવનાર માણસોના વાળ સફેદ થઈ જાય છે! તે રજોગુણી મનાયો છે. ઉત્તર દિશાને તો કદાચ એની ખબર પણ નહીં હોય કે તે ઉત્તર દિશાનો સ્વામી છે. તેની પ્રકૃતિ સ્વામી થવાની છે એટલે તેથી અર્થવેદનો પણ સ્વામી ગણવામાં આવે છે.

સૂર્યનો તે ખાસ લાડકો – નિયરેસ્ટ અને ડિયરેસ્ટ હોવાને કારણે સૂરજની તે તદ્દન નજીક રહે છે. ગમેતેવી ઈમર્જન્સીમાં પણ સૂર્યથી તે વધારે દૂર રહેવાનું પસંદ નથી કરતો. સૂર્યથી તે ખાસ દૂર પણ નથી – ફક્ત પાંચ કરોડ સાત લાખ કિલોમીટરના અંતરે જ છે, પરંતુ સૂર્યની પ્રદક્ષિણા કરતી વખતે તે તેની નજીકમાં નજીક, એટલે કે માંડ બે કરોડ એકયાસી લાખ કિલોમીટર જેટલો દૂર હોય છે. કરોડની પાછળ ઘણાં, ગણવામાં અગવડ પડે એટલાં બધાં મીંડા હોવાથી આ અંતર આપણને વધારે લાગે. પણ પૃથ્વીની તુલનામાં તે સૂર્યની સાવ પાસે છે.

આ કારણે સૂરજ તરફથી તેને આપણા કરતાંય સાતગણાં વધારે પ્રકાશ અને ગરમી સાવ મફતમાં મળ્યા કરે છે. આ હિસાબે ત્યાં વસવાટ કરનારને ઈલેક્ટ્રિકનાં મસમોટાં બિલ ન આવે. સૂર્યની પ્રદક્ષિણા તે ફક્ત અઠ્યાસી દિવસમાં જ પૂરી કરે છે અને પોતાની ધરીની આસપાસ 59 દિવસમાં ફરે છે. ત્યાં વર્ષ 88 દિવસનું જ હોય છે. પૃથ્વી પર 365 પાંસઠ દિવસનું વરસ હોય છે, જેમાં ભારતની જ વાત કરીએ તો તેની સરકારી કચેરીઓમાં શનિ-રવિ, રાષ્ટ્રીય, સામાજિક તેમ જ ધાર્મિક ઉત્સવોની રજાઓ, પ્રધાનો પાછા થાય એ દિવસની રજા, સી.એલ., ઈ.એલ., મેડિકલ લીવ, ફ્રેન્ચલીવ, હડતાળો, ગો-સ્લો, નો મૂડ સ્ટ્રાઈક વગેરે વગેરે, હોવા છતાં વરસ ઘણું વસમું, લાં…બું અને કંટાળાજનક લાગે છે એ રીતે ધારો કે બુધ પર લોકો વસતાં હોય તો તેમને પણ 88 દિવસનું વર્ષ સ્વાભાવિકપણે જ લાં…બું અને બોરિંગ લાગવાનું – માણસ કોને કહ્યો છે!

બુધ પર દિવસે 770 ફેરનહીટ ગરમી પડે છે અને રાત્રે માનવશરીરનાં હાડકાંનો ભૂકો થઈ જાય એવી અસહ્ય ઠંડી પડે છે. આથી અહીંથી કોઈને બુધ પર ધંધો કરવા જવાનું મન થાય તો એ લોકો દિવસના ભાગમાં બરફ, આઈસક્રીમ, ઠંડાં પીણાં, ફ્રીજ, એરકંડીશનર્સ, કુલર્સ વગેરે વેચી શકે ને એ જ લોકો રાતે ગરમ કોર્ટ, સ્વેટર્સ, ધાબળા તેમજ રૂમ હીટર્સનો ધંધો અનાયાસે સફળતાથી કરી શકે.

કેટલાક પ્રેમી પોતાની સખીને ચૌદહવીં કા ચાંદ અથવા તો ચંદ્રમુખી કહીને ચંદ્રને નાનો બનાવી દીધો છે અને બુધનું કદ પણ લગભગ ચંદ્ર જેવડું છે. આ બુધ પર માત્ર કહેવા પૂરતું જ વાતાવરણ છે. ત્યાં હવા અને પાણીનો સદંતર અભાવ છે. આ પરથી કહી શકાય કે બુધ પાસે આપવા જેવું ખાસ કશું છે જ નહિ. ત્યાંની સ્થિતિ ભારતના છેવાડાનાં ગામડાંઓ જેવી છે, જ્યાં પીવાનું શુદ્ધ પાણી કે ચોખ્ખી હવા નથી. ત્યાં જોકે વસતિ હોવાના પુરાવા મળ્યા નથી. બાકી તેમ હોત તો ત્યાંના નેતાઓ એક વાતે સુખી હોત.

ચૂંટણી ટાણે પોતાના પ્રચારમાં તે કહી શકત કે અમને ચૂંટશો તો અમે ઘેર ઘેર ચોખ્ખું પાણી મળે એ માટેનો પ્રબંધ કરીશું ને અહીંનું વાતાવરણ છે એનાથી વધારે ખરાબ નહીં થવા દઈએ, પ્રદૂષણથી વાતાવરણને કલૂષિત નહીં થવા દઈએ – બસ, તમે અમને સત્તા આપો એટલી જ વાર… બુધ પર વાદળો ઘેરાતાં નથી એટલે કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓને એ વાતે નિરાંત રહેશે કે ત્યાંના કોઈ કવિ કાલિદાસને ‘મેઘદૂત’ લખવાની પ્રેરણા નહીં મળે એટલે તે ટેક્સ્ટબુક બની અભ્યાસક્રમમાં નહીં આવે. આમ ‘મેઘદૂત’ ગોખવામાંથી વિદ્યાર્થીઓને આપોઆપ મુક્તિ મળી જશે !

શુક્ર અને મંગળના ગ્રહો નરી આંખે જોઈ શકાય છે એ રીતે બુધ નરી આંખે નીરખી શકાતો નથી. અલબત્ત, કોપરનીક્સે મરણપથારીએથી ફરિયાદના સ્વરે કહ્યું હતું કે પોતે બુધના ગ્રહને જોયા વગર જ ગુજરી જશે! આમ તેને મરી જવા કરતાં બુધને નહીં જોઈ શકવાનો વસવસો વધારે હતો… આંકફરક રમનાર સટોડિયાઓની જાણ માટે લખવાનું કે બુધનો આંક પાંચ છે.

બુધને શાણા, સહનશીલ અને નિરુપદ્રવી માણસ સાથે સરખાવાયો છે. સજજન માણસોના ભાગે ગાળગલોચ અને અપમાનો વેઠવાનાં આવે છે એવી જ સ્થિતિ બુધની પણ છે. બુધ પર આકાશમાંથી અસંખ્ય વાર પથ્થરમારો થયા કરે છે, છતાં આ અંગે તે લાગતાવળગતાઓને પૂછવા નથી જતો કે ભાઈ, આ પ્રેમવર્ષા કયા ઉત્સવની ઉજવણી નિમિત્તે કરો છો? પથર સામે પથ્થરો ફેંકવાને બદલે તે સ્થિતપ્રજ્ઞની માફક આ પથ્થરબાજી સહન કર્યા કરે છે.

આ બુધના જન્મની એક કથા એવી છે કે કશ્યપમુનિને ધનુ યાને ધનગૌરી નામની પત્ની હતી. અને તેમને રજ નામનો પુત્ર હતો. તેનાં લગ્ન વરુણની પુત્રી જોડે થયાં. સંસ્કારી હોય કે અર્ધસંસ્કારી, પણ પતિ-પત્ની વચ્ચે નાની-મોટી વાતે તકરાર થતી જ હોય છે. પતિને બતાવી આપવા જ કદાચ રજની પત્ની એક દિવસ નદીમાં કૂદી પડી. શકય છે કે એ સમયમાં ચંદ્ર ફાયર બ્રિગેડમાં માનદ્ સેવાઓ આપતો હશે. તેને આ છોકરીને પાણીમાંથી જીવતી બહાર કાઢી લાવવાની કામગીરી સોંપવામાં આવી. ચંદ્ર પાણીમાં પડ્યો, પણ દીકરી હાથ લાગી નહીં, એને બદલે એક પુત્ર પાણીમાંથી મળી આવ્યો, જેનું નામ બુધ પાડવામાં આવ્યું. જાત્તીય -પરિવર્તનનો આ કદાચ પ્રથમ કિસ્સો હશે, પણ ત્યારથી બુધને એક નપુંસક ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે.

તેનામાં કોઈનું અહિત કરવાની તાકાત નથી એમ કહેવામાં આવે છે. તે નિર્દોષ હોવાને લીધે આમ તો તેને શુભ માનવામાં આવે છે. (સામેથી આવતા વ્યંઢળને પણ આ કારણસર આપણે શુકનવંતો માનીએ છીએ.) કોઈને છેડછાડ ન કરે, ફોન પર કોઈની જાતીય પજવણી ન કરે એવો આ બિનહાનિકર્તા ગ્રહ છે. તે બુદ્ધિનો કારક મનાયો છે, એ અર્થમાં બુદ્ધિજીવીઓને પણ ઈમ્પોટન્ટ ગણવામાં આવે છે, જે માત્ર વિચારવા સિવાય બીજું કશું જ કરી શકતા નથી. નિષ્ક્રિય રહે છે. દલીલબાજી તેમની હોબી હોય છે, પાછળથી કેટલાકનો તે ધંધો બની જાય છે. મારામારી કરી શકવાની ત્રેવડ નહીં હોવાથી બુધપ્રધાન જાતકનો સ્વભાવ મિલનસાર હોય છે, તેમનું મિત્રવર્તુળ વિશાળ હોય છે. સ્ત્રીઓને તે આકર્ષી શકે છે, પણ તેમને પ્રેમ કરવામાં તે સફળ થતા નથી, કેમ કે પ્રેમ એ હૃદયનો વિષય છે.

જે મનુષ્ય 120 વરસનું આયુષ્ય ભોગવે છે તેના જીવન દરમિયાન બુધની દશા ટુકડે ટુકડે સત્તર વર્ષ સુધી આવતી હોય છે. આથી જ ભારતના લોકો 120 વર્ષ જેટલું લાં…બું અને કષ્ટદાયક જીવન જીવવાનું પસંદ નથી કરતા.
આમ તો આ ગ્રહ શુભ અર્થાત્ પોઝિટિવ છે, પરંતુ તે પ્રવાહી પ્રકૃતિનો છે, જે પાત્રમાં તેને રેડવામાં આવે એનો આકાર તે ધારણ કરી લે છે, જે ગ્રહોની સોબત મળે એ અસરો ગ્રહી લે છે – સંગ તેવો રંગ તેના પર લાગી જાય છે. તે પાપગ્રહ સાથે જોડાય ત્યારે અશુભ બને છે. બાકી વ્યક્તિગત રીતે તે કોઈને ફાયદો યા નુકસાન કરાવતો નથી. તે લાંચ નહીં લેનાર તેમ જ કોઈનું કાયદેસર કામ પણ નહીં કરનાર એક પ્રામાણિક, બીકણ ગવર્નમેન્ટ ઑફિસર જેવો છે – આ તેનો જન્મગત સ્વભાવ છે.

જોકે, કેટલાક જ્યોતિષીઓની દૃષ્ટિએ બુધની ગણતરી એક શૂરવીરની છે, જે એક સ્ત્રીની આંખ પર પ્રેમથી હાથ દાબી, બીજી પપી કરી લેનાર, એકબીજીને ખબર ન પડે એટલી ચોકસાઈ સાથે ઘણી સ્ત્રીઓને ચાહનાર, તેમની સારસંભાળ રાખનાર, જરૂર પડે તેમના માટે જીવ આપનાર કે લેનાર થવાનું તેને ગમે છે – સાથે સાથે એ પણ એટલું સાચું છે કે પ્રાણ આપવા યા લેવા સુધી જવાનું તે કોઈ ને કોઈ તરકીબ વડે ટાળી શકે છે.

બુધનો જે જાતક પર પ્રભાવ હોય તેને હસતાં હસતાં વાત કરવાની ટેવ હોય છે. કોઈને ‘જોક’ સંભળાવતી વખતે પણ તેના પર પહેલો અને છેલ્લો હસનાર એ પોતે જ હોય છે. તેની પ્રિય ધાતુ કાંસું છે, તેને કાંસાના તાંસળામાં દૂધ અને રોટલો પીરસવામાં આવે ત્યારે પ્રસન્નાથી તેના બત્રીસે કોઠે દીવા થયાની લાગણી તે અનુભવે છે. મિશ્ર ધાન્ય કે મિશ્ર રસનો તે ભોગી છે અર્થાત્ જે બુધથી ગ્રસિત હોય એ જાતકને કોઈ એક બ્રાન્ડનો દારૂ પીવાને બદલે ‘કોકટેલ’ પીવાનું વધારે ગમે છે. કયા પદાર્થમાં શું ભેળવી શકાય એની હૈયાઉકલત બુધ પાસેથી તેને મળી રહે છે. તેને રાતોરાત ધનવાન બની જવાની ખેવના હોય છે. તે ગણિતમાં પાકો હોય છે. દરેક વાતમાં તે ગણિત માંડે છે. પ્રેમમાં પણ લાકડાવાળાનું ગણિત કામે લગાડવા મથે છે. મંગળે ભેટમાં આપેલી આ તેની ખાસિયત છે.

આ પણ વાંચો…હાસ્ય વિનોદ : મંગળ અમંગળ

લેખનમાં તેને રહસ્યકથાઓ લખવાનું વધારે ગમે છે. વાર્તામાં ખોટો સસ્પેન્સ ઊભો કરી, વાર્તાનાં સાવ નિર્દોષ પાત્રો તરફથી શંકાની સોંય તાકી વાચકોને ગૂંચવી નાખી ગેરમાર્ગે દોરવામાં તેને ક્રૂર આનંદ આવે છે, આ પ્રકારના પરપીડનથી તેનો આત્મા ખુશખુશાલ થઈ જાય છે. આ રહસ્યકથાઓને વધારે રસપ્રદ બનાવવા તેમાં આવતી વિષક્ધયાઓનું અફલાતૂન વર્ણન કરવાની કલા તેને સહજસાધ્ય હોય છે.

આ પ્રકારના લેખન દ્વારા સુંદર સ્ત્રીઓને વશ કરી લેવાનું સામર્થ્ય તે ધરાવે છે. પણ એક વાત છે – તેણે પોતે લખેલ રહસ્યકથાના પ્લોટ મુજબ જાતક કોઈ આર્થિક કૌભાંડ આચરવા જશે તો તેમાં તે ધરાર નિષ્ફળ જશે ને એમાં સપડાઈ જવાનો પૂર્ણ યોગ છે. જેનો બુધ બળવાન હોય એ જાતક બેંકોના કામકાજમાં પાવરધો, અંગ્રેજીમાં કહીએ તો પાવરફુલ બની જાય છે અને પછી આત્મવિશ્ર્વાસ વધી જવાથી તે બેંકના નાણાં અને પોતાનાં નાણાં વચ્ચે અદ્વૈત રચી લે છે. પણ એમાં એકાદ ખોટી ગફલત થઈ જવાથી તેમાં ક્યાંય એકાદ એન્ટ્રીનું છીંડું રહી જાય છે – જે છીંડામાંથી પોલીસ તેની તરફ ધસી જાય છે.

બુધથી ગ્રસિત જાતક દૂધમાંથી પોરા શોધવાની હોંશ ધરાવે છે. તેનામાં પડેલી આ વૃત્તિ ક્રિટિક કહેતાં વિવચેક અથવા તો વિરોધ પક્ષના નેતા તરીકે સફળતા અપાવે છે. બુધને સુંવાળપ સાથે ઘરવટ છે એ કારણે બુધથી પ્રભાવિત નરજાતકો માદાઓને બંગડીઓ પહેરાવવાનો, શૃંગાર પ્રસાધનોનો તેમજ બ્યૂટી પાર્લરનો ધંધો સરળતાથી ચલાવી શકે છે. આ ઉપરાંત તેને ગમતા વ્યવસાયોમાં ચોપડા કે ચોપડી લખવાનો (કે ભૂતિયા લેખકોને રોકીને તેમની પાસે લખાવવાનો) અથવા તો છાપાં કાઢીને તે દ્વારા બ્લેકમેલિંગ કરવાનો હોય છે.

જો એ જાતકના બુધ સાથે રાહુની યુતિ થતી હોય એવા સંજોગોમાં તે કાવ્ય-સંગ્રહો તેમજ દીકરાના દીકરા નિરાંતે વેચી શકે એવા દળદાર વિવેચનગ્રંથો પ્રગટ કરવા ભણી દોરવાશે. જાતકનો બુધ જો મંગળ અને રાહુ યા કેતુથી દૂષિત હોય તો તે એકસરસાઈઝ નોટબુકો છાપવાનો ધંધો કરે છે તેમ જ એ નોટોની વચ્ચે વચ્ચે કરન્સી નોટો છાપવામાંય લલચાય છે. આ જાતક જો સટ્ટો યા જુગાર રમવાની કલબો ચલાવવાના ધંધામાં પડે અને પોલીસખાતાને સાચવી લે તો ધંધામાં તેને સારી એવી બરકત મળે…

આ પણ વાંચો…હાસ્ય વિનોદ : મંગળ કોના પિતાશ્રીનો?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button