ઈકો-સ્પેશિયલ: આવો, નેશનલ પેન્શન સિસ્ટમ (એનપીએસ)ના સુધારાને સમજી લઈએ … | મુંબઈ સમાચાર
ઉત્સવ

ઈકો-સ્પેશિયલ: આવો, નેશનલ પેન્શન સિસ્ટમ (એનપીએસ)ના સુધારાને સમજી લઈએ …

જયેશ ચિતલિયા

નેશનલ પેન્શન સિસ્ટમ (એનપીએસ)એ જાહેર જનતા માટેની પેન્શન સ્કીમ છે, જેમાં તાજેતરમાં સરકારે નોંધપાત્ર સુધારા કર્યા છે, જેનું લક્ષ્ય મહિલાઓ અને ગિગ વર્કર્સને તેમાં આકર્ષવાનું પણ છે. આ સ્કીમ સમજવી દરેક માટે મહત્ત્વની છે

પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીએ ‘એનપીએસ’માં તાજેતરમાં સીમાચિહ્નરૂપ સુધારો કર્યો છે.

પીએફઆરડીએ એ બિન-સરકારી ક્ષેત્રના સબ્સ્ક્રાઇબર્સ માટે મલ્ટિપલ સ્કીમ ફ્રેમવર્ક (એમએસએફ) રજૂ કર્યું છે. આ ઉપરાંત, નિયમનકારે સોના અને ચાંદીના એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ (ઇટીએફ), વેન્ચર કેપિટલ, ખાનગી ક્રેડિટ અને વૈકલ્પિક રોકાણ ભંડોળ (ઓલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ)ને મંજૂરી આપીને, ડેટ અને ઇક્વિટી પરથી પેન્શન ફંડ રોકાણના ફલકને વધુ વિસ્તૃત કરવા વિચારણાનો નિર્દેશ આપ્યો છે.

નિયમનકારે ઉપાડ મર્યાદાને કોર્પસના 60% થી વધારી 80% કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ 80% ઉપરાંતનું બાકીનું 20% કોર્પસ એન્યુઇટી પ્લાન માટે ફાળવવામાં આવશે. સબ્સ્ક્રાઇબર્સ 15 વર્ષ પછી અથવા નિવૃત્તિ સમયે એનપીએસમાંથી એક્ઝિટ થઇ શકશે. જોકે એમને 85 વર્ષની વય સુધી એમના એનપીએસ એકાઉન્ટને ચાલુ રાખવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે.

કસ્ટમાઈઝડ યોજનાઓ :

1 ઓક્ટોબરને ‘એનપીએસ’ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તે દિવસથી બિન-સરકારી એનપીએસ સબ્સ્ક્રાઇબર્સ તેમના ફાળાની 100% સુધીની ફાળવણી ઇક્વિટી માટે કરી શકશે. વધુમાં હવે એક જ કાયમી નિવૃત્તિ એકાઉન્ટ નંબર-પરમેનન્ટ રિટાયરમેન્ટ અકાઉન્ટ નંબર (પ્રાન) હેઠળ વિવિધ સીઆરએસએ (સેન્ટ્રલ રેકોર્ડ-કીપિંગ એજન્સીઓ), જેવી કે પ્રોટેન, કેમ્સ અને કે ફિનટેકમાં બહુવિધ યોજનાઓ પસંદ કરી શકે છે.

આવી નવી સ્કીમ્સની પસંદગીમાં કોર્પોરેટ કર્મચારીઓ, સેલ્ફ-એમ્પ્લોયડ વ્યક્તિઓ કે ડિજિટલ અર્થતંત્ર (પ્લેટફોર્મ-આધારિત) કામદારો જેવા રોકાણકારો પોતાની પસંદગી પ્રમાણે કસ્ટમાઇઝ્ડ યોજનાઓમાં રોકાણ કરી શકશે. પરિણામે આવી વ્યક્તિઓ એક જ ખાતા હેઠળ બહુવિધ પેન્શન યોજનાઓનું સંચાલન કરી શકશે, જે એમને નિવૃત્તિ આયોજનમાં વધુ પસંદગી, સુગમતા અને પારદર્શિતા પ્રદાન કરશે. આ દરેક નવી યોજના, જે દરેક પેન્શન ફંડ મેનેજર દ્વારા પૂરા પાડવામાં આવતા હાલના સ્કીમ (સામાન્ય યોજનાઓ) વિકલ્પો ઉપરાંતના હશે અને તેમાં ઓછામાં ઓછા બે પ્રકાર હશે – એક મધ્યમ જોખમનો વિકલ્પ અને બીજો ઉચ્ચ જોખમનો! ઉચ્ચ જોખમ વિકલ્પોમાં વર્તમાન 75% ની તુલનામાં 100% સુધી ઇક્વિટી એક્સપોઝરની મંજૂરી હશે. રોકાણકાર વિવિધ પેન્શન ફંડ્સની જૂની યોજનાઓમાં રોકાણ કરવાને બદલે એમએસએફ (મલ્ટિપલ સ્કીમ ફ્રેમવર્ક) હેઠળ નવી યોજનાઓ પસંદ કરી શકશે.

વાર્ષિક ધોરણે એયુએમના અંદાજે 0.30%ના ખર્ચની મર્યાદા હશે અને નવા સબ્સ્ક્રાઇબર્સ લાવતા પીએફ માટે વધારાનું 0.10% પ્રોત્સાહન પણ હશે. જો કોઈને નવી યોજનાની કામગીરી પસંદ ન પડે તો એમએસએફ સબ્સ્ક્રાઇબર્સને વિવિધ યોજનાઓ વચ્ચે સ્વિચ કરવાની સુગમતા પણ અપાશે. જો કોઈ રોકાણકાર 15 વર્ષ પૂરા થાય તે પહેલાં એમએસએફ હેઠળ નવી યોજનામાંથી સ્વિચ કરવા માગે છે, તો સ્વિચ ફક્ત સંબંધિત પેન્શન ફંડની ‘સામાન્ય યોજના’માં જ કરી શકાશે. 15 વર્ષનો સમયગાળો પૂર્ણ થઈ જાય તે પછી ગ્રાહક પ્રતિબંધો વિનાની યોજનાઓમાં મુક્તપણે આગળ વધી શકે છે. કરલાભો ચાલુ રહેશે

અહીં નોંધનીય છે કે, એનપીએસ નોંધપાત્ર કરલાભો આપવાનું ચાલુ રાખે છે. સબ્સ્ક્રાઇબર દ્વારા કરવામાં આવેલા યોગદાન પર પગારના 10% અથવા કુલ આવકના 20% સુધી કપાતનો લાભ મળે છે, જે 1.5 લાખ સુધી મર્યાદિત છે. વધુમાં, એનપીએસ યોગદાનમાં વધારાના અઢી લાખ રૂપિયા માટે પણ કપાત ઉપલબ્ધ હોવાથી કુલ વ્યક્તિગત લાભ વાર્ષિક 2લાખ રૂપિયા સુધી થાય છે. કર્મચારીના એનપીએસ ખાતામાં નોકરીદાતાના યોગદાન પર પણ કર મુક્તિ મળે છે – પગારના 10% સુધી, અથવા નવા વ્યક્તિગત કર માળખાં હેઠળ કર્મચારીઓના કિસ્સામાં 14% સુધી. વધુમાં ખાતું બંધ કરતી વખતે અથવા એનપીએસમાંથી બહાર નીકળતી વખતે, વ્યક્તિને આવા ખાતામાંથી પ્રાપ્ત થતી રકમના 60% પર કરમુક્તિ મળે છે. એનપીએસ ખાતામાંથી આંશિક ઉપાડના કિસ્સામાં કર્મચારી 25% યોગદાન પર કર મુક્તિ મેળવવા માટે પણ પાત્ર છે.

આ પણ વાંચો…ઈકો-સ્પેશિયલ: જીએસટી સુધારા – સેબીનાં પગલાં રિયલ એસ્ટેટ સેક્ટરને કેટલાં ફળશે?

સ્કીમમાં બદલાવ શું છે?

હાલની એનપીએસ યોજનાઓ મૂળભૂત રીતે બધા માટે એક સમાન જ છે. નિયમનકાર હવે આ નવા પગલાં દ્વારા તેને બદલવા માગે છે. પેન્શન ફંડ્સ વ્યક્તિ-આધારિત, વય-આધારિત, અથવા પસંદગી-આધારિત અભિગમો અપનાવી શકે છે. મહિલાઓ, કૃષિ કામદારો, ગિગ વર્કર્સ અથવા કોર્પોરેટ્સ જેવી ચોક્કસ શ્રેણીઓ માટે અલગ અલગ યોજનાઓ શરૂ કરી શકે છે. આવી યોજનાઓની સંખ્યા પર કોઈ મર્યાદા નથી – રોકાણકારો તેમની જરૂરિયાતો અનુસાર ઉચ્ચ, મધ્યમ અને ઓછા જોખમવાળા વિકલ્પોમાં તેમના યોગદાનને વિભાજિત કરી શકે છે.

પ્રારંભિક તબક્કામાં, નવી પેન્શન યોજનાઓમાં ઇક્વિટી એક્સપોઝર 100% હોવાની અપેક્ષા છે. આ હાઇબ્રિડ પ્રોડકટની જેમ કાર્ય કરશે, જ્યાં સંપત્તિ ફાળવણીનું સંચાલન સબસ્ક્રાઇબર નહીં પણ ફંડ મેનેજર દ્વારા કરવામાં આવે છે. બજારની સ્થિતિ પર આધાર રાખીને, ફંડ મેનેજર્સ પોર્ટફોલિયોને ફરીથી સંતુલિત કરશે, જે અસરકારક રીતે એવા સબ્સ્ક્રાઇબર્સ માટે ચિંતામુક્ત રોકાણ વિકલ્પ પ્રદાન કરશે.

યુવા રોકાણકારોનું આકર્ષણ…

બિન-સરકારી સબ્સ્ક્રાઇબર્સ માટે એનપીએસમાં 100% ઇક્વિટી ફાળવણીને મંજૂરી આપવી એ નિ:શંકપણે યુવાન રોકાણકારો માટે આકર્ષક લાગે છે કેમ કે એમને બુલ માર્કેટનો જ અનુભવ હોવાથી તેને ધ્યાનમાં રાખીને 100% ઇક્વિટીનો આ પ્રસ્તાવ સ્વીકારે પણ એમાં જોખમો પણ છે. ઇક્વિટી સ્વાભાવિક રીતે અસ્થિર હોય છે, અને 100% ઇક્વિટી ફાળવણી સમગ્ર એનપીએસ નિવૃત્તિ ભંડોળને બજારના ભરોસે છોડે છે. મોટા ઘટાડાથી ગભરાઇને અયોગ્ય સમયે વેચાણની સંભાવના પણ રહે છે. ઇક્વિટી હંમેશાં વધુ ઊંચું વળતર આપે એવું નથી એવી ચેતવણી અમુક નિષ્ણાતોએ આપી છે. જોકે મ્યુચ્યુઅલ ફંડ્સની તુલનાએ એનપીએસમાં ફાયદો એ છે કે તેમાં ઓછા ખર્ચ છે, અને વધુ અગત્યનું, તેનું લોક-ઇન એને શિસ્તબદ્ધ રોકાણ સાધન બનાવે છે.

જોકે જોખમ હંમેશાં ઉંમર સાથે જોડાયેલું નથી. 60 વર્ષની વ્યક્તિ હજુ પણ 80-100% ઇક્વિટી એક્સપોઝર સાથે સાનુકૂળ હોઈ શકે છે, જ્યારે 25 વર્ષની ઉંમરના વ્યક્તિને જોખમ લેવાની ભૂખ ન પણ હોય એવું ફંડ મેનેજર વર્ગનું માનવું છે. ટૂંકમાં 100% ઇક્વિટી ફાળવણી સાથેની નવી યોજનાના પ્રકારો ઇક્વિટી-લિંક્ડ મ્યુચ્યુઅલ ફંડ્સ જેવા જ જોખમો ધરાવશે. જો કે, ભૂતકાળના ડેટા પર નજર કરીએ તો, મધ્યમથી લાંબા ગાળાના સમયગાળા દરમિયાન એસેટ ક્લાસ તરીકે ઇક્વિટીએ સતત ફુગાવાને મ્હાત કર્યો છે.

આ પણ વાંચો…ઈકો-સ્પેશિયલ : ગ્લોબલ મંચ પર માનવબળ કરતાં બુદ્ધિબળની વધુ ડિમાંડ રહેશે…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button