હેં… ખરેખર?!: હસવા સાથે જ બેહોશી જેવી ઊંઘમાં સરી પડે!

- પ્રફુલ શાહ
આજકાલ હસવું મુશ્કેલ બનતું જાય છે. નફરતનો માહોલ વધતો જાય છે. કડવાશ, કટાક્ષ, બદનામી, બદમાશી, આક્ષેપબાજી, ભ્રષ્ટાચાર અને જુઠ્ઠાડાપણા વચ્ચે કોઈ હસી કેવી રીતે શકે? આપણે સાંભળતા રહીએ છીએ કે હસવું સ્વસ્થ આરોગ્ય માટે લાભદાયક છે. હસતા રહેવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન બરાબર રહે તો હૃદયની માંદગીય ન થાય એ મતલબનું ડૉક્ટર કહેતા રહેતા હોય છે.
પરંતુ એક યુવતીને હવે હસવાથી ડર લાગે છે. એને હસતા અગાઉ આસપાસ જોવું પડે છે. સતત ફફડાટ રહે છે કે અચાનક હસવું આવી ગયું તો મારું શું થશે? આવા વિચારોથી બેલા કિલમાર્ટિનને સતત લાગે છે કે હસના મના હૈ. બ્રિટનના બર્મિંગહામની રહેવાસી બેલા હાલ પચીસ વર્ષની છે. ફાર્માસિસ્ટ તરીકે કામ કરતી બેલા ટીનએજર હતી ત્યારે પુલમાં અકસ્માત નડ્યા બાદ તેની જિંદગી એકદમ બદલાઈ ગઈ હતી. એ વર્ષ હતું 2015નું.
આ અકસ્માતને લીધે કે યુગાનુયોગે એના પછી બેલાને તકલીફ થવા માંડી. તબીબી તપાસમાં ડૉક્ટરોએ નિદાન કર્યું કે એ નાર્કોલેપ્સી (Narcolepsy)થી પીડાઈ રહી છે. હકીકતમાં આ કોઈ રોગ નથી પણ ડાયાબિટીઝ, થાઈરોઈડ અને એલોપેશિયા જેવો એક ડિસઓર્ડર છે. આ ડિસઓર્ડરથી માણસને બહુ વધારે ઊંઘ આવે. આટલું ઓછું હોય એમ વધુ એક ડિસઓર્ડર એના શરીરમાં ઘર કરી ગયો. બીજાનું નામ કેટાપ્લેક્સી (cataplexy). આમાં કોઈ પણ માનવીય સંવેદના વધુ પડતી પ્રભાવશાળી બની જાય એટલે મગજ તરત શરીર પરથી અંકુશ ગુમાવી બેસે. બેલાના કેસમાં આ સંવેદના નીકળી હસવાની.
પહેલી નજરે આ બંને ડિસઓર્ડરથી થનારી તકલીફ ન સમજાય. એટલે બેલા સાથે શું થવા માંડ્યું એ જાણીએ. બેલાને હસવું આવે કે તરત ઊંઘ આવી જાય. જ્યાં, જે સ્થળે, જે અવસ્થામાં હોય ત્યાં ઊંઘી જાય. હાસ્યને લીધે એનું શરીર શટડાઉન મોડ પર જતું રહે. ઘૂંટણ એકદમ નબળા પડી જાય. પગ પાણી-પાણી થઈ જાય. માથું નીચે તરફ ઢળવા માંડે. એ ભાનમાં હોય અને શું બની રહ્યું છે, એની સાથે શું બની રહ્યું છે એની જાણ સુધ્ધાં હોય પણ તે કંઈ કરી ન શકે. એ શરીરને હલાવી જ ન શકે. ક્યારેક ચા પીતી વખતે કોઈ કોઈક રમૂજી બોલે ને બેલાને હસવું આવે તો ગરમાગરમ ચા એના પર ઢોળાઈ જાય. એ ન ચાના પ્રવાહીને હાથ લંબાવીને રોકી શકે કે ન દૂર હટી શકે. આ અચાનક બને અને એ રોકી ન શકે. એને તરત ઊંઘ આવી જાય.
એક વખત સ્વીમીંગ પુલમાં હસવું આવ્યું ને એને પાણીમાં જ ઊંઘ આવી ગઈ. એ માંડમાંડ ડૂબી જતા બચી હતી. એક વાર તો નાઈટક્લબમાં પાર્ટીમાં ઓચિંતા હસવાથી ઊંઘી ગઈ હતી.
આ સ્થિતિ જોખમી છે. ક્યારેક જીવલેણ બની શકે છે. આનો ઉપાય કે ઇલાજ નથી. આથી બેલાને હસવા પહેલા બેવાર વિચારવું પડે છે, પરંતુ એ કાયમ શક્ય બનતું નથી. કોઈ ક્યારે રમૂજી વાત કરી દે એ કેવી રીતે ખબર પડે? આથી બેલા ખાસ ધ્યાન રાખે કે અન્ય કોઈ સાથે વાતચીત કરે ત્યારે પોતે સલામત સ્થળે હોય. ઘરની અંદર, ખુરશીમાં બેઠી હોય, ઑફિસની કેબિનમાં હોય કે પલંગ પર હોય, ત્યારે વાતચીત કરવાનું પસંદ કરે. અચાનક હસવું આવે અને ઊંઘી જવાય તો વાંધો નહીં. હવે એ રોડ પર, બગીચા, જાહેર સ્થળ, દરિયા કિનારે કે નાઈટક્લબ જેવાં સ્થળે જવાનું ઓછું પસંદ કરે છે. સ્વિમિંગ પુલ અને ડ્રાઈવિંગને તો કાયમ માટે તિલાંજલી આપી દેવાની ફરજ પડી છે.
હકીકતમાં બેલા કિલમાર્ટિનને થયેલા ડિસઓર્ડર એકદમ દુર્લભ-રેર છે. આની શરૂઆત વખતે તો અલગ જ સીનારિયો સર્જાયો હતો. કેટાપ્લેક્સીના આરંભે પોતાને હૃદયની બીમારી થયાનું સમજીને એ ખૂબ ગભરાઈ ગઈ હતી.
આરંભમાં તો હસવું આવે એટલે સાધારણ ચક્કર આવવા માંડે. પછી આંખ ખોલ-બંધ થવા લાગે. આંખ જોઈને એવું લાગે કે તેણે નશો કર્યો છે. કુટુંબીજનોય ડરી ગયા કે બેલા કેફી દ્રવ્યો લેવા માંડી છે. શરૂઆતનાં દિવસોમાં તો કંઈ ન સમજાતા એ પડી જતી હતી, ઇજા પણ થતી હતી, પરંતુ નિદાન થયા બાદ સંજોગોને સ્વીકારીને બેલા કિલમાર્ટિને પોતાની જીવન-શૈલી બદલી નાખી. કહો કે બદલી નાખવી પડી. બાકી, એની ઉંમરે કાર ડ્રાઈવિંગ, સ્વિમિંગ પુલ કે ક્લબ-પાર્ટીથી દૂર રહેવું થોડું ગમે?
આપણે ટેન્શન વહોરી લઈને હસવાનું ભૂલી જઈએ છીએ ત્યારે બિચારી બેલા જેવી વ્યક્તિઓને હસવાનું રોકી રાખવું પડે છે. મનમાં સતત ફફડાટ રહે કે ક્યાંક હસવું આવી ન જાય, નહીંતર પોતે બેહોશ થઈ જશે.ઉ