ઉત્સવ

વલો કચ્છ : લખપતિ પીર ગોશ મહમદનું અધ્યાત્મિક ને સાહિત્યિક ગૌરવ…

-ડૉ. પૂર્વી ગોસ્વામી

ઇતિહાસમાં લખપતને એક મહત્ત્વપૂર્ણ વેપાર કેન્દ્ર તરીકે માનવામાં આવતું હતું. ગુજરાત અને સિંધને જોડતું એ કેન્દ્રબિંદું હતું. ત્યારે સિંધુ નદી લખપતમાં પ્રવાહિત થતી, જેનાં કારણે અહીં પાણીની અછત ન હતી અને વ્યાપક પ્રમાણમાં ચોખાની ખેતી થતી. ચોખાના ઉત્પાદન તથા બંદરગાહ દ્વારા થતી વેપારી પ્રવૃત્તિઓથી લખપત દરરોજ લાખ કોરીની આવક પામતું એટલે સંભવત: નામ ‘લખપત’ પડ્યું. એવું લખપતને સમર્પિત વતની ઓસામણ ચાચા પાસે એકવાર સાંભળેલું. લખપતના અન્ય સ્મારકો ગુરુદ્વારા પહેલી પાતશાહી, શાહ અબુ તુરગની દરગાહ અને હાટકેશ્વર મહાદેવ મંદિર સાથે મળીને પીર ગોશ મહમદનો મકબરો આ પ્રદેશના ધર્મસહિષ્ણુ વારસાનું જીવંત પ્રતિનિધિત્વ કરે છે. અંધારાને વીંઝતી આશાની જેમ આજે લખપત શાંત છે, પણ એના ઈતિહાસના પાનાંમાં ધર્મ, સંસ્કૃતિ અને કળાઓના સંગમની ઝાંખી મળે છે.

ગતાંકે કહેલું તેમ પીરની કાફીઓ વિષે પણ થોડી વાત કરી લઈએ. કચ્છની સ્થાપત્ય કલાના એક અનુપમ નમૂનારૂપ લખપત બંદર પર 19મી સદીનો મકબરો જેના સન્માનને શોભાવી રહ્યું છે, એવા પીર ગોશ મહમ્મદ એક સૂફી સંત હોવા સાથે કચ્છી કાફીઓના રચનાર એક ઉત્તમ કોટિના કવિ પણ હતા. જે હિન્દુ અને મુસ્લિમ બંને પરંપરાઓને અપનાવવા માટે જાણીતા હતા. બાલ્યકાળથી જ એમણે સંસારથી પરે રહી વૈરાગ્યનું જીવન પસંદ કર્યું હતું. ફકીરી જીવનમાં જંગલોમાં ભટકવું એમને ખૂબ ગમતું. અને આજ ભ્રમણ કદાચ એમને સુંદર કાફી રચવા પ્રેરી શક્યું હશે! તેમના ભક્તિપૂર્ણ કાવ્યોમાં કૃષ્ણપ્રેમની ઝલક સ્પષ્ટ જોવા મળે છે. તેઓ ભગવાન શ્રીકૃષ્ણને ‘પ્રીતમ’ અને પોતાને ‘વિરહમાં તડપતી આત્મા’ ગણાવે છે. તેમના કાવ્યોમાં સૂફી તત્ત્વ અને ભક્તિ મર્મ સમાન રૂપે વહે છે. ઉદાહરણરૂપ તેમનો પ્રખ્યાત રાગ ‘કારાઈડો’માં રચાયેલ કાફી:

આ પણ વાંચો: વલો કચ્છ : સૌથી મોટી મૂડી સદગુણ…

મુખ તાં વતાંઈધો વોં,
વલા ! અસાંકે મુખ તાં વતાંઈધો વોં,
નમાણેં નેણલેં મેં મારેઓ તો. વલા.
હર્થે પેરેં આંઈ પ્યારા લગો તા, આંજા ગુલાબીડા નોં. વલા.
ઉરેઆ અચો આઈ પરેઆ મ વેજા, શ્રીનાથજીજા સોં.વલા.
ઘિલ કે વારિયાં કી ન વરેતો, જેં કે લગી આંજી લોં. વલા.
‘પીર ગોશ’ બોલે પ્રીતમ મૂંજા, મિઠડો અવાંજો મોં. વલા.

અર્થાત્ પીર રચના દ્વારા પરમાત્માને અરધાસ કરે છે કે તમારા દર્શનની લૂછ લાગી છે, એટલાં પ્યારા લાગો છો કે મારા લોચન વાટું જુવે છે તમારા દીદારની. તમારા દિલને સમજાવવાની કોશિશ કરું છું પણ માનતું નથી. આવો એટલે છોડીને ન જજો તમને શ્રી નાથજીના સમ છે. અહીં તેમનો ક્રૃષ્ણપ્રેમ જોઈ શકાય છે.

બીજી કાફી ‘અંગણ આયો થી વલા!’ પણ અત્યંત હૃદયસ્પર્શી છે:

અંગણ આયો થી વલા ! અસાંજે અંગણ આયો થી.

ઝિઝો આંકે સારે જિયડો હી. અસાંજે.

વાર વિછાઈયાં નેણ નિસારીઆં, પ્રીતમ મૂંજા પિરીં. અસાંજે.

પ્રેમ રસીલા પાસે મ થિયો, હેડી હિંયારી ડઈ. અસાંજે.

ધિલ ધૂતારા ધુતે ગિડે તો, મૂંસેં કેડી કઈ? અસાંજે.

જલ ધારાં જીં મછલી તલખે, તલખે તનમન તીં. અસાંજે.

‘પીર ગોશ’ બોલે ઘડીએ ન વિસરે, પ્રીતલડી પિરયન જી. અસાંજે.

આ પણ વાંચો: વલો કચ્છ : કચ્છનો આ અષાઢી મેહુલિયો છેલબટાઉ છોરો!

અર્થાત્ વ્હાલા પ્રભુજી અમારા આંગણે પધારો, મારો જીવડો આપને ખૂબ યાદ કરી સાદ કરે છે. મારું દિલ તો ધુતારા ધૂતી ગયા છે. જેમ જળ માટે માછલી તડપે એવા મારા તનમનની હાલત છે. એક પણ ઘડી આપને વિસરી નથી શકાતું કૃપા કરી આપ મારા આંગણે પધારો.

1855માં એમના અવસાન પછી એમની કબર પર સંવત 1911ની સાલે મકબરાનું બાંધકામ તેમના ભાઈ બાવા મિયાના માર્ગદર્શન હેઠળ સંતના અનુયાયીઓના યોગદાનથી શરૂ થયું અને એ બાંધકામ દશ-બાર વર્ષની કામગીરી પછી કલાના ધામરૂપ આ આરામગાહ તૈયાર થઈ શક્યું. સ્થાપત્યની દ્રષ્ટિએ, મકબરો કાળા પથ્થરથી બનાવવામાં આવ્યો છે, જે 54 ફૂટ ચોરસ અને 7 ફૂટ ઊંચું છે. મકબરામાં મુખ્ય અષ્ટકોણીય મંડપ છે, જે ઉપરથી શંકુ આકારના મુખ્ય ગુંબજથી ઢંકાયેલું છે. આ ગુંબજ 63 ફૂટ 3 ઇંચ જેટલું ઊંચું છે. તેની આસપાસ આઠ નાના ગુંબજો છે જે માળાની જેમ ગોઠવાયેલા છે. દરગાહમાં 12 દરવાજા છે અને અંદરની દીવાલો તથા બારીઓ પર પથ્થરની જાળીઓનું અત્યંત બારીક કોતરકામ કરવામાં આવ્યું છે. આ જાળીઓ ભુજના પ્રસિદ્ધ આયના મહેલની જાળીઓ સાથે સરખાવાય તેવી સુંદર છે. વિશિષ્ટ ઘૂમટવાળો અર્ધચંદ્રાકાર ખંડની મધ્યમાં પીર ગોશ મહમદની કબર આવેલી છે. અને અંતે, પીર ગોશ મહમદ લખપતના આધ્યાત્મિક રત્ન હતા. તેમની જીવંત કૃતિઓ કચ્છના સાહિત્ય અને સંસ્કૃતિનું પ્રતિબિંબ છે. (તસવીર અને પૂરક માહિતી: પ્રદીપ ઝવેરીના સહયોગથી પ્રાપ્ત)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button