ઉત્સવ

ભારતના વેનિસ ને નેધરલેન્ડ્સ છે કેરળમાં!

હેં… ખરેખર?! – પ્રફુલ શાહ

વાઉઉઉ, માવજીભાઈ વેનિસ ગયા. ને શિલ્પા તો નેધરલેન્ડ્સ પહોંચી ગઇ હોં. સરસ. આ બંનેએ કે તમે આપણા પોતીકા વેનિસ કે નેધરલેન્ડ્સ જોયા છે? શું ભારતમાં વેનિસ ને નેધરલેન્ડ્સ?!

કુટ્ટનાડ શા માટે ભારતનું નેધરલેન્ડ્સ કહેવાય છે? ડચ લોકોએ પાણી સાથે જીવવાની રીત શોધી, એ રીતે અહીંના ખેડૂતોએ પણ આધુનિક એન્જિનિયરિંગની બોલબાલાથી તે અગાઉ જ બંધ, કેનાલો જેવી સ્માર્ટ પાણી નિયંત્રણ પદ્ધતિઓ વિકસાવી લીધી હતી. આજે કુટ્ટનાડમાં જવું કોઈ પ્રવાસ કરતા વધારે, એક અલૌકિક શાંતિભર્યો ચમત્કાર છે.

યસ. ક્યાં છે ભારતના વેનિસ તથા નેધરલેન્ડ્સ એવો સવાલ પૂછાય એ અગાઉ શરૂ કરી દઇએ મુસાફરી. વિમાનની મુસાફરી પસંદ હોય તો કોચિન ઈન્ટરનેશનલ એરપોર્ટ પહોંચી જાઓ. ત્યાંથી આ જગ્યા લગભગ 40 કિમી દૂર છે. અને સીધા અલપ્પુઝા સુધી એરપોર્ટથી બાય રોડ 1.5 કલાકમાં પહોંચી શકાય. જો મજા રેલ પ્રવાસમાં આવતી હોય તો અલપ્પુઝા રેલવે સ્ટેશન ભારતના મોટા શહેરો સાથે જોડાયેલું છે. અહીંથી સ્થાનિક પરિવહનથી સીધું આપણા લોકેશન પહોંચી જવાય. અને બાય રોડમાં તો અલપ્પુઝા ચંગનાસેરી માર્ગ પર ડ્રાઇવિંગની જ એક અનોખી મજા છે. સતત ગામડાંનું જીવન, મસ્ત ખેતરો, પાણી ભરેલી કેનાલ જોતા મંઝિલ ભણી આગળ વધતા રહો…

અને લો તમે પહોંચી ગયા વેનિસ, નેધરલેન્ડ્સ કે અંડરવોટર વિલેજ. સબુર, ભારતનું આ અંડરવોટર વિલેજ કોઈ પાણીમાં ડૂબેલું અવશેષ નથી. એય કેરળનો અનોખો પ્રદેશ છે. નામ છે એનું કુટ્ટનાડ. આ અહીંના વ્યાપક કેનાલ નેટવર્ક, તળાવો અને પાણી સાથે જોડાયેલી અનોખી જીવનશૈલીથી સભર છે. આથી જ એ ભારતનું વેનિસ કે નેધરલેન્ડ્સ કહેવાય છે.

અહીં જીવનો આધાર અને સર્વસ્વ પાણી, જળ, નીર, વોટર છે. માનવામાં ન આવે પણ ચોમેર પાણી હોવા છતાં ખેતી થાય છે. ને ખેતરો પાછા સમુદ્રની સપાટીથી નીચે હોય. ખરેખર, ખેતી સમુદ્ર સપાટીથી લગભગ 2 મીટર નીચે થાય છે. અહીં રસ્તા કે મોટર નથી, ઠેરઠેર પાણી ને નાવડી છે. માત્ર કેનાલો છે. જાણે એક તરતું વિશ્વ – વોટર વર્લ્ડ જોઇ લો.

હકીકતમાં અહિ કેરળના બેકવોટર્સમાં વાસ્તવિક ગામડાંનું જીવન જોવા મળે છે. આ કુટ્ટનાડની મુખ્ય વિશેષતાઓ સમજવા જેવી છે. સ્થાનિક ખેડૂતો ખાસ પ્રકારના ચોખા જેવું ધાન ઉગાડે છે.

આ ખેતરોને માટીના બંધ દ્વારા સુરક્ષિત રાખવામાં આવે છે. આ પ્રકારની ખેતી દુનિયામાં વિશ્વમાં બહુ ઓછી જગ્યાએ થાય છે. આ વિસ્તાર કેરળનો ભાતનો ભંડાર ગણાય છે. ઉપરાંત કુટ્ટનાડ તેની વિશિષ્ટ ધાન ખેતી માટે પ્રખ્યાત છે, જેમાં કુટ્ટનાડ મટ્ટા જેવી ખાસ જાતો ઉગાડવામાં આવે છે.

ભેજવાળા પ્રદેશોની આસપાસ માટીના બંધ બનાવીને બંધ ખેતીભૂમિ તૈયાર થાય છે. આ ખેતરો પાણી વચ્ચે આવેલા ટાપુઓ જેવા લાગે ને ઓળખાય પાડશેખરમ તરીકે.

આ લગભગ જમીન-રસ્તા વિહોણો વિસ્તાર છે. સૌ નાવ દ્વારા જ અવરજવર કરે, માલસામાન મેળવે-મોકલે અને ટપાલ મેળવે છે. આને એક સંપૂર્ણ પાણી આધારિત સમુદાય કહી શકાય.

કુટ્ટનાડવાસી નથી પાણીથી ડરતા કે નથી એની સામે લડતા. બલકે પાણી સાથે સહ-અસ્તિત્વ દિલથી સ્વીકારી લીધું છે, એની સાથે દોસ્તી કરી લીધી છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button