વલો કચ્છ: કારીગર કળાને જીવે છે ને આમ વારસો આગળ વધે છે…

- ગિરિરાજ
કચ્છની ધરતી પર કળા અને જીવન વચ્ચે કોઈ ભેદરેખા નથી. અહીં કળા રોજિંદા જીવનમાં શ્વાસ લે છે વસ્ત્રોમાં, ઘરગથ્થુ વસ્તુઓમાં, ઉજવણીઓમાં અને યાદોમાં. હસ્તકળાને માત્ર પરંપરા તરીકે નહીં પણ જીવંત અભિવ્યક્તિ તરીકે સ્થાપિત કરનારા કારીગરો પૈકી એક નામ મેઘીબેન રૂપા મેરિયાનું છે. હમણાં જાન્યુઆરીમાં તેઓ વિદાય લઇ ગયા એટલે આજે એમની કારીગરીને યાદ કરતા સ્મૃતિ લેખ લખાય છે. તેમના નિધનથી હસ્તકળા જગત, કારીગર સમાજ અને કચ્છની સાંસ્કૃતિક ધરોહરમાં એક ઊંડો ખાલીપો સર્જાયો છે.
મેઘીબેન માત્ર ભરતકામ કરનાર કારીગર નહોતાં, તેઓ કાપડ પર રીતસરની વાર્તા લખતા. નવાઈ લાગી? હા, એમનાં ટાંકા બોલતાં. આમ તો એ એપ્લીક કળા. સુંદર પેચ અને ટેભા (ટાંકા)ની મદદથી એ આખું વાર્તાચિત્ર ઊભું કરતાં. મેઘીબેનનું કળાશિક્ષણ ઔપચારિક સંસ્થામાં નહોતું, તે ઘરઆંગણે મળેલું. માતાથી શીખેલી પરંપરાગત ભરતકામ કળા તેમનો મુખ્ય આધાર અને એજ આધારે તેમણે પોતાનો અનોખો સર્જન માર્ગ રચ્યો. પરંપરાગત આહીર ભરતકામની નજાકત સાથે તેમણે કથાત્મક એપ્લીક અને પેચવર્કને જોડીને એક નવી દૃશ્યભાષા ઊભી કરી. તેઓ ઘટના, સંદેશ અને અનુભવોના વાહક હતાં કારણકે તેમની રચનાઓમાં પેટર્ન માત્ર શણગાર માટે નહોતા. 2001ના ભૂકંપે કચ્છની ધરતી સાથે સમગ્ર માનવજીવનની ગોઠવણીને હચમચાવી નાખી હતી. આ વિનાશ પછી કારીગર સમુદાયે કળાને પુનર્નિર્માણના સાધન તરીકે અપનાવ્યું અને આ સમયગાળા દરમિયાન કથાત્મક કાપડ કળાનો એક શક્તિશાળી પ્રવાહ ઊભો થયો જેમાં મેઘીબેન અગ્રેસર રહ્યાં, કળા તો નિશંક જૂની જ છે, પરંતુ કચ્છની આ હસ્તકળા પર સૌનું ધ્યાન ભૂકંપ પછી વિશેષ ગયું, એ પહેલા માત્ર વિદેશી સહેલાણીઓ આ ખજાનાને પામવા અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ધૂમ મચાવવા કચ્છમાં આવતા. ભૂકંપ પછી કચ્છના સર્વાંગી વિકાસ અને પ્રવાસને અગત્યની ભૂમિકા ભજવી.
તેમણે દુ:ખ, નુકસાન અને બચાવની વાર્તાઓને કાપડ પર ઉતારી. આ કૃતિઓ વ્યક્તિગત પણ હતી અને સામૂહિક પણ. આ રીતે હસ્તકળા દસ્તાવેજ બની, જાણે ઇતિહાસની વિકલ્પિક નોંધ! એનિમેટેડ દસ્તાવેજી ફિલ્મ ટાંકો બોલે છે માં (યુટ્યૂબ પર અવશ્ય જોવું) દર્શાવાયેલ કારીગરોની યાત્રામાં મેઘીબેનની કથાત્મક કળા મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. આ વિચાર કે ટાંકા પણ બોલે છે એ મેઘીબેનના જીવનની સત્યતા હતી. પ્રદેશમાં કારીગર કેન્દ્રિત વિચારધારા મજબૂત બનાવવામાં કેટલીક સંસ્થાઓએ મહત્ત્વનું કામ કર્યું, જેમાં કલા રક્ષા મહત્ત્વપૂર્ણ છે જેમાં મેઘીબેન સ્થાપક સ્તરે જોડાયેલા રહ્યાં. અહીં તેમણે સહકારી સર્જન, ડિઝાઇન સંવાદ અને પરંપરા નવાચારનું સંકલન આગળ વધાર્યું એટલે તેમની કૃતિઓએ વૈશ્વિક કળા જગતમાં પણ પોતાનું સ્થાન બનાવી લીધું. યુનેસ્કો સીલ ઓફ એક્સેલન્સ એવોર્ડ મળવો એ તેમના કાર્યની ગુણવત્તા અને નવીનતાનો પુરાવો છે. વિદેશી પ્રદર્શનોમાં તેમની રચનાઓએ દર્શકોને કચ્છની સંસ્કૃતિ સાથે પરિચિત કર્યા.
પર્યાવરણના હિમાયતી, ઓસ્ટે્રલિયન કલાકાર અને કોન્શિયસ ક્લોથ કંપનીના સ્થાપક કેરોલ ડગ્લાસ છેલ્લા અઢી દાયકાથી કચ્છના રંગકારો અને વણકરોમાં ઊંડાણપૂર્વક સામેલ થયા છે અને તેમણે અને કલારક્ષાએ તેમના સ્થાપક સભ્ય મેઘીબેનને યાદ કરતા ફોટા મૂક્યા હતા જે અહીં સંદર્ભ તરીકે લેખમાં રજૂ કર્યા છે.
આજે મેઘીબેન શારીરિક રીતે હાજર નથી, પણ તેમનો વારસો જીવંત રહેશે તેમની કૃતિઓમાં, સહકારી કારીગરોમાં અને કચ્છની કળાસંસ્કૃતિમાં. ટાંકામાં જીવતી સ્મૃતિના પ્રતીક મેઘીબેન રૂપા મેરિયાને ભાવાંજલિ.



