વલો કચ્છ : કચ્છ કનેક્શન વિથ કલામ: રણથી રાષ્ટ્રદ્રષ્ટિ સુધી

- ડૉ. પૂર્વી ગોસ્વામી
અમદાવાદ ખાતે વર્ષ 2004માં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આયોજિત પર્યટન સેમિનારના ઉદ્ઘાટન પ્રસંગે ભાષણ આપતી વખતે તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામના શબ્દોમાં કચ્છ પ્રત્યે લાગણી સાફસાફ ઝલકતી જોવા મળી હતી, કદાચ એટલે જ તો મિસાઈલ મેનની દીર્ઘદ્રષ્ટિનો નરેન્દ્ર મોદીએ કયાસ કાઢી લીધો હશે. તે સમયે મોદીસાહેબ ગુજરાતના મુખ્યમંત્રી પદે બિરાજમાન હતા.
કચ્છમાં પ્રવાસનને વેગ આપવા રણોત્સવ શરૂ કરાવ્યા પછી તેમણે સ્વ. કલામની ઈચ્છાને પોતાની રજૂઆતમાં વર્ણવ્યા પણ છે. કલામસાહેબની એ સ્પીચના અમુક અંશો અહીં રજૂ કરવાના અમુક કારણો મને ત્વરિત યાદ આવે છે તે છે, કચ્છ કનેક્શન વિથ કલામ (તેમની જન્મ અને પુણ્યતીથી બંને એકજ 15 ઓક્ટોબરના આવે છે એ સંદર્ભે), કચ્છની અદ્ભુત પ્રવાસન સફળતાની ચર્ચા તો સમગ્ર દેશમાં હોય તો આપણે કેમ ને પાછળ રહેવાય! અને કચ્છના પ્રવાસનનું કમાઉ પ્રકલ્પ એટલે રણોત્સવ પણ ગણતરીના દિવસોમાં શરૂ થવાનું છે.
મિત્રો, હું તાજેતરમાં થયેલો એક અનુભવ શેર કરવા માગુ છું. 11 સપ્ટેમ્બર 2004ના રોજ હું નવી દિલ્હીથી મુંબઈ મારફતે તાન્ઝાનિયાની રાજધાની દારેસલામ જતો હતો. મુંબઈ પરથી પસાર થતી વેળાએ હવામાંથી ભારતીય મહાસાગરના મોજાં કિનારે અથડાતા જોયાં. પાંચ કલાકની ઉડાન પછી દારેસલામ પહોંચ્યો, ત્યાં પણ એ જ ભારતીય મહાસાગરનાં મોજાં કિનારે અથડાતા નજરે પડ્યાં. મને લાગ્યું કે આ સમુદ્રે બંને દેશોને જોડ્યા છે. પછી હું ઝાંઝીબાર ટાપુ ગયો. ત્યાંના મ્યુઝિયમમાં મેં એક બહુ-પાંખિયું વહાણ જોયું, જે આપણા ગુજરાતના (સૌ પ્રથમ કચ્છના ભાટિયા ગ્રૃહસ્થોએ ઝાંઝીબાર ગયેલા) પૂર્વજો સૌપ્રથમ ઝાંઝીબાર પહોંચવા માટે વાપરતા હતા અને ત્યાંની સંસ્કૃતિને સમૃદ્ધ બનાવતા હતા. આ બાબત ઝાંઝીબારના ઐતિહાસિક દસ્તાવેજોમાં લખાયેલ છે. ત્યાંના નાગરિકોને મળીને મને લાગ્યું કે હું નાના ગુજરાતમાં આવી ગયો છું. એ અનુભવ ખૂબ જ સુંદર હતો.
ભારતનો સાંસ્કૃતિક વારસો હિમાલયથી ક્ધયાકુમારી, જમ્મુ-કાશ્મીરથી ઉત્તરપૂર્વ, મધ્ય ભારત, બિહાર, પશ્ચિમ પ્રદેશો, દરિયાકાંઠા, આંદામાન-નિકોબાર અને લક્ષદ્વીપ પ્રવાસીઓને આકર્ષવા માટે ઘણું બધું છે. મુખ્ય આકર્ષણોમાં આધ્યાત્મિક પર્યટન, આરોગ્ય પર્યટન, પર્યાવરણ પર્યટન અને તહેવાર પર્યટનનો સમાવેશ થઈ શકે. દેશના તમામ પ્રદેશોની મુલાકાત પછી મને લાગ્યું છે કે પર્યટન ઉદ્યોગ દેશ માટે વિશાળ સમૃદ્ધિ સર્જી શકે છે. પરંતુ આ માટે સુદૃઢ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અત્યંત જરૂરી છે. આંતરિક જળમાર્ગ, હોટેલ, સંચાર સુવિધા અને પ્રચાર પર ભાર મૂકવો આવશ્યક છે. જો આપણે સસ્ટેનેબલ ટૂરિઝમને પ્રોત્સાહિત કરીએ તો તે ભારતની વિશિષ્ટતા બની શકે છે. (રણોત્સવની જાજરમાન સફળતા પછી હવે જરૂર છે તેની બારમાસી ઉજવણીની)
આ પણ વાંચો…વલો કચ્છ : મશરૂની સંઘર્ષથી રાષ્ટ્રીય સન્માન સુધીની કલાયાત્રા…
પ્રવાસન ઉદ્યોગ, જે વિશ્વની અર્થવ્યવસ્થાના વિસ્તરણનો મોટો હિસ્સો છે, એ વિશે જાણવું જરૂરી બની જાય છે કે કયા દેશોમાં સૌથી વધુ પ્રવાસીઓ જાય છે. તે સમયે પર્યટનની સ્થિતિ વિષે કલામસાહેબે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે વિશ્વના પર્યટન બજારમાં ભારતનું નામ ટોચના 30 દેશોમાં પણ નથી. (વર્લ્ડ ટ્રાવેલ એન્ડ ટૂરિઝમ કાઉન્સિલ (WTTC) મુજબ 2024 વર્ષના રેકોર્ડ મુજબ, વૈશ્વિક પ્રવાસન યાદીમાં ફ્રાન્સ ટોચ પર છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમની ટ્રાવેલ એન્ડ ટૂરિઝમ સ્પર્ધાત્મકતા યાદીમાં વારંવાર ટોચ પર રહેલાં સ્પેઇનનો બીજો ક્રમ છે. પાડોશી દેશ ચીન પણ ઝડપથી વધતી આધુનિકતા અને ઐતિહાસિક વારસો પ્રસ્તુત કરવામાં સફળ બન્યો હોવાથી ત્રીજા સ્થાન પર છે.)
તેઓ ઉમેરે છે કે, પ્રવાસીને મુખ્યત્વે શું જોઈએ? આરામદાયક મુસાફરી, સ્વચ્છ અને યોગ્ય નિવાસ, આરોગ્યપ્રદ વાતાવરણ, મૈત્રીપૂર્ણ વ્યવહાર, સામાજિક સુમેળ, સુરક્ષા. દુબઈમાં મારી મુલાકાત દરમિયાન મેં જોયું કે ત્યાં સરકારે પર્યટન વધારવા માટે દરેક મંત્રાલયે એકસાથે પ્રયાસ શરૂ કર્યા: નવા એરપોર્ટ, નવા વિમાન, હાઈવે લેન, વધારાની હોટેલ સુવિધા, સ્વચ્છતા અને પાણી વ્યવસ્થા. આ સંકલિત પ્રયાસમાંથી આપણે શીખવું જોઈએ. દેશનો વિકાસ પર્યાવરણની સ્વચ્છતા પરથી પણ આંકવામાં આવે છે. સૌપ્રથમ આપણે નદીઓ અને ધાર્મિક સ્થળોની સ્વચ્છતા જાળવવી જરૂરી છે.
પ્રવાસીઓને તેમના સમયમાંથી વધુમાં વધુ લાભ મળે એ માટે ઝડપી અને વિશ્વસનીય પરિવહન જરૂરી છે. આંતરિક સ્થળો માટે હવાઈ કનેક્ટિવિટી, ઝડપી ટ્રેન સેવા (જેમ કે શતાબ્દી એક્સપ્રેસ), બહુલેન રોડ, જળમાર્ગ પરિવહન આ તમામ કામો સરકારી-ખાનગી ભાગીદારી દ્વારા થઈ શકે. પરંતુ, શહેરોમાં સતત વીજ પુરવઠો નથી, એ ખામી દૂર કરવી જ પડશે. સૌર ઊર્જા, કચરામાંથી વીજ ઉત્પાદન, કાર્યક્ષમ વિતરણ અને ઊર્જા કાર્યક્ષમતા પર ભાર મૂકવો જરૂરી છે. ગુણવત્તાસભર અને અવિરત વીજ પુરવઠો પ્રવાસીઓની ન્યૂનતમ જરૂરિયાત છે.
ગુજરાતમાં ઘણા આકર્ષક પર્યટન કેન્દ્રો છે: કચ્છ જિલ્લાના ધોળાવીરામાં સિંધુ ખીણ સંસ્કૃતિના અવશેષો, કચ્છનું રણ, ગીરના સિંહ, દુર્લભ પક્ષીઓ અને પ્રાણીઓના અભયારણ્યો, દરિયાકિનારા, દ્વારકાધીશ મંદિર વગેરે. માનવ જીવનની સાચી ઓળખ એ છે કે તે પ્રામાણિકતા અને સંસ્કારથી ભરેલું હોય. રાજકારણ, નોકરશાહી કે સામાજિક સેવા દરેક ક્ષેત્રમાં સન્માનપૂર્ણ વર્તન જરૂરી છે. પોતાનો સન્માન મેળવવાનો એકમાત્ર માર્ગ બીજાને માન આપવાનો છે. દરેક પ્રવાસીને પોતાના મહેમાન તરીકે માન આપવું જોઈએ. અતિથિ દેવો ભવ એ જ આપણો સંસ્કાર છે. આ વિચારો સાથે હું આ પર્યટન સેમિનારનું ઉદ્ઘાટન કરી આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું.
આ પણ વાંચો…વલો કચ્છ” કચ્છ પ્રવાસની પૂર્વભૂમિકા: ગાંધીજીનું મુંબઈમાં ભાષણ…