વ્યંગ: આ જાણીને પગ નીચેની જમીન સરકી જશે…

- ભરત વૈષ્ણવ
‘સાહેબ, આ કાગળ જુવો તો’ પ્રવીણ પ્રામાણિકે એના ખિસ્સામાંથી ચાર ગડી વાળેલો કાગળ કાઢ્યો. ચંદુ ચૌદસ અમારે ત્યાં ટ્રાફિક ક્ધટ્રોલર હતો. ચંદુની સાચી અટક ચૂડગર, ચૂડાસમા કે ચૌધરી હતી, પરંતુ, ચંદુની ચૌદશવેડા કરવાની ટેવને લીધે ચંદુ ચૌદસ તરીકે કુખ્યાત હતો.
‘પ્રવીણ, કાગળમાં શું છે?’ ચંદુએ કાગળ પકડતાં પૂછયું. ચંદુને ફેસબુક કે બેંક પાસબુક સિવાય કોઇ પણ કાગળિયા વાંચવાનો ભયંકર કંટાળો હતો.
‘સાહેબ, તમે જ વાંચી લો.’ પ્રવીણ પ્રામાણિકે કાગળ વાંચવાનો આગ્રહ કર્યો.
‘પ્રવીણ, આ તો તારો સસ્પેન્શન ઓર્ડર છે. એમાં મેં જ સહી કરી છે.’ ચંદુ બોલ્યો.
‘સાહેબ, મને શું કામ સસ્પેન્ડ કર્યો? મારો વાંક શું? મારો ગુનો શું? પ્રવીણે કેશુબાપા જેવી લોંગ પ્લે રેકર્ડ વગાડી.
‘પ્રવીણ , તું વાંકમાં આવે ત્યાં સુધી મારે રાહ જોવાની? તું ઘાટમાં આવ્યો હોઇશ એટલે તને અમે લસોટી નાાંખ્યો.’ ચંદુએ સફાઇ મારી.
‘સાહેબ, હું એસટીમાં કેટલા વરસથી નોકરી કરું છું?’ પ્રવીણે લેગબ્રેક બોલ જેવો સવાલ પૂછયો.
‘પ્રવીણ, તારી નોકરીને પચીસ વરસ થયા.’ ચંદુએ ગણતરી કરીને કહ્યું.
‘પચીસ વરસની નોકરીમાં એક પણ પેસેન્જરની તમને મારા વિરુધ્ધમાં ફરિયાદ મળી છે? હું પેસેન્જરને સાહેબ, મેડમ, બા, દાદા કહીને જ પ્રેમથી બોલાવું છું. કોઇને તુંકારો કર્યો નથી.’ પ્રવીણ ગૌરવથી બોલ્યો.
‘એ તારી વાત સાચી. કોઇની ફરિયાદ નથી. ઊલટાનું લોકો તો તારો રૂટ પણ ન બદલવા સિફારીસ કરે છે.. પણ…’ ચંદુએ જવાબ આપ્યો
‘કોઇ પેસેન્જરને છૂટા ન આપ્યા હોય તેવી રાવ ઉઠી છે? મારી પાસે છૂટા ન હોય તો પેસેન્જરની ટિકિટ પાછળ લખીને સહી કરી આપી છે.’ પ્રવીણે બીજો બચાવ રજૂ કર્યો. પ્રવીણ ચાર્જશીટ સિવાય બચાવનામું પેશ કર્યું.
‘ના એવું પણ બન્યું નથી, પણ ચંદુએ કાન પકડ્યો
‘પેસેન્જરને ઇસ્યુ કરેલ ટિકિટ પેસેન્જર બસમાંથી ઉતરે ત્યારે એ ટિકિટ પરત લઇ કોઇ પેસેન્જરને ધાબડી એસટીની આવકને ચૂનો ચોપડ્યો એવી મારી વિરુધ્ધ કમ્પ્લેઇન્ટ આવી છે?’ પ્રવીણે તેની બેગુનાહીનો વધુ એક પુરાવો રજૂ કર્યો.
‘ના, હઅમમમ્… પણ. ચંદુ શું બોલી શકે?’
‘સાહેબ, બસમાં ડયુટી પર હોઉં તો બસમાં મારા બાપા કે બૈરી મુસાફરી કરતાં હોય તો ખુદના પૈસે તેમની ટિકિટ લીધી છે. સગાં વ્હાલાને ખુદાબક્ષ કે સ્ટાફ કહીને મફત મુસાફરી કરાવી નથી.’ પ્રવીણે પ્રામાણિક્તાનો પુરાવો રજૂ કર્યો.
‘પ્રવીણ, તું એસટી તંત્રમાં અપવાદરૂપ આદમી કમ ઓલિયો છે, પણ. ચંદુએ પ્રવીણની ફરજ પરસ્તીને બિરદાવી પડી.
‘સાહેબ, મેં કદી એસટીએ નક્કી કરી હોય તેવી હાઇવે હોટલ પર બસ ઉભી રાખી મફત જમવા ઉપરાંત બક્ષિસ લેવાનો કડદાકાંડ કર્યો નથી.’ પ્રવીણે તેની બેગુનાહીનો વધુ એક પુરાવો રજૂ કર્યો.
‘હું જાણું છું પ્રવીણ, પણ…’ ચંદુ બોલ્યો.
‘સાહેબ, આપણી એસટીનું સૂત્ર છે કે હાથ લાંબો કરો અને મુસાફરી કરો. એક પેસેન્જરે સ્મશાન પર હાથ લાંબો કરેલ અને મેં તેને બસમાં લીધેલ પછી ખબર પડી કે તે ભૂત હતો. બીજા કોઇ પણ ડ્રાઇવર તો બસ સ્ટેન્ડ પર પણ ગાડી ઊભી રાખતા નથી. મને કેમ મારી કર્તવ્ય નિષ્ઠાની સજા મળી?; પ્રવીણે સવાલ રજૂ કર્યો.
‘હું એ પણ જાણું છું. પણ…’ ચંદુની કેસેટ બરાબર ચોંટી ગઇ હતી.
‘સાહેબ, મેં સો લિટર ડીઝલ બસમાં ભરાવી બસો લિટરનું બિલ રજૂ કરી સો લિટર ડીઝલના ફદિયાં ગજવે ઘાલ્યાં નથી. ગાડી વોશ ન કરાવી હોય તો ગાડીવોશ કરાવ્યાનું બિલ રજૂ કર્યું નથી.’
‘પ્રવીણ, કળયુગમાં તું સત્યવાદી હરિશ્ચંદ્ર છું… પણ…’
‘સાહેબ, એસટીના બીજા ડ્રાઇવર ઉનાળાની બપોરમાં જાણી જોઇને પેસેન્જરને પરેશાન કરવાની પરપીડનવૃત્તિ દાખવીને ધક્કા મરાવતા હોય છે. મેં ક્યારેય પેસેન્જર પાસે બસને એક ધક્કા ઓર દો, હઇસો કરાવેલ નથી.’ પ્રવીણે ેચંદુનું ધ્યાન દોર્યું .
‘માય ડિયર, પ્રવીણ આઇ નો ધેટ, પણ…’ ચંદુએ સ્ટાઇલ મારી.
‘સાહેબ, હમણા એક એસટી બસના ડ્રાઇવર- કંડકટરે બસમાં પંકચર પડતાં પેસેન્જર પાસેથી ઉઘરાણું કરીને પંકચર રીપેર કરાવેલ હતું. મેં મારા ખિસ્સાના રૂપિયા કાઢીને પંકચર કે નાનું મોટું રિપેરીંગ કરાવેલ હતું તેનો શિરપાવ આપવાને બદલે સસ્પેન્શન? આ તો અન્યાય છે. મારા જેવા કર્મઠ કર્મચારીઓના નૈતિક જુસ્સા પર વિપરીત અસર પડશે.’ પ્રવીણે સંદેહ દર્શાવ્યો.
‘પ્રવીણ, તું એસટીની એસેટ એટલે કે મિલકત છે.’ ચંદુએ પ્રવીણની પ્રસંશા કરી. કોઇ તંત્ર સસ્પેન્ડ થયેલ કર્મચારીની તારીફ કરે એવું પહેલી વાર બન્યું હશે.
‘સાહેબ, મને એસટીએ ત્રણ વાર બેસ્ટ એમ્પ્લોયી- ‘શ્રેષ્ઠ કર્મચારી’નો એવોર્ડ પણ આપેલ છે અને આજે તમે મારા એવોર્ડ પર પાણી ફેરવી દીધું.’
‘પ્રવીણ, તું સસ્પેન્શનનું કારણ જાણવા માગે છે?’ ચંદુએ ગંભીર થઇને પૂછયું.
‘હા કેમ નહીં? મેં કેવા ગુલ ખિલાવ્યા છે કે તમે મને સસ્પેન્ડ કરવા જેવું આત્યંતિક પગલું લેવું પડ્યું?’ પ્રવીણેે કટાક્ષ કરતાં પૂછયું.
‘ પ્રવીણ, તે એસટી જેવી મહાન સંસ્થાની આબરૂને બટો લગાડ્યો છે.’ ચંદુએ રહસ્યોદઘાટન કરવાની શરૂઆત કરી.
‘કેવી રીતે ?’ પ્રવીણે ડઘાઇને પૂછયું.
‘પ્રવીણ, તે એસટીની આબરૂને જ બટો લગાવ્યો નથી, પરંતુ આર્થિક નુકસાન પણ કરાવેલ છે. એ પણ અસાધ્ય .’ ચંદુએ પ્રવીણને તહોમતનામું સંભળાવી દીધું.
‘એટલે તમે કેવા શું માગો છો?’ પ્રવીણ કોલસાની જેમ ધગી ગયો.
‘પ્રવીણ , કંડકટરની ડયુટીનો ટાઇમ સવારના આઠથી સાંજના આઠ એટલે કે બાર કલાક હોય છે. તું મહિનામાં બે વાર સવારે 8.00 વાગ્યાને બદલે 8.01 વાગ્યે એટલે કે એક મિનિટ મતલબ સાંઠ સેક્ધડ મોડો આવ્યો હતો.
મહિનાનાં એક મિનિટ એટલે બે મિનિટ મોડો આવ્યો છું. તારા મોડા આવવાને લીધે એસટીને 15,000 રૂપિયાનું માતબર નુકસાન થયું છે.’ ચંદુએ પ્રવીણને સસ્પેન્શનનું કારણ જણાવી દીધું. અહીં તો ચંદુએ વટાણા, અડદ, મગ, મઠ વેરી દીધા. પ્રવીણે એસટીને 15,000 નુકસાન કેવી રીતે થયું તેની ગણતરી કેવી રીતે કરી હશે એ તો ભગવાન પણ જાણતા નહીં હોય.
એક મિનિટ એટલે સાંઇઠ સેક્ધડ. એક મિનિટનું ડીલે કોઇને સસ્પેન્ડ કરાવી શકે?
લો બોલો, ખોદ્યો ડુંગરને કાઢ્યો ઉંદર. ફિલ્મમાં હંમેશાં પોલીસ ઘટના સ્થળે
મોડી પડતી હોય છે. કેટલાક લોકો આખી જીંદગી નોકરીના સ્થળે મોડા તો ઠીક પહોંચતા નથી. છતાં, પૂરો પગાર તોડતા હોય છે. સરકારી ઓફિસમાં કાયમ મોડા પડતા હોય છે. તેમને સજા થવાના બદલે સોનાના થાળમાં પ્રમોશન મેળવતા હોય છે અને તગડા પેન્શન પણ મેળવતા હોય છે. આપણે ત્યાં મોડા પડવાની ઘટનાને ‘ઇનિડિયન સ્ટાન્ડર્ડ ટાઇમ’ જેવું મજાકિયું નામ આપવામાં આવે છે. ભારતમાં રેલવે પણ ચોવીસ કલાક મોડી પડતી હોય છે. ફલાઇટ પણ ચારપાંચ કલાક મોડી પડતી હોય છે.
પ્રવીણ તો હકકોબકકો થઇ ગયો. ચંદુએ આપેલ કારણ સાંભળી પ્રવીણના પગ નીચેની જમીન સરકી ગઇ.
વાંચકો, તમારા પગ નીચેની જમીન સાબુત છે ને?!