ક્લોઝ અપ : સર, આઈ હેવ ડન ઈટ…! જાણો રિલ નહીં પણ રિયલ હીરોની સ્ટોરી, તેની જ જુબાની

- ભરત ઘેલાણી
તાજેતરમાં OTT પ્લેટફોર્મ પર ફિલ્મ ‘ઈન્સપેકટર ઝેન્ડે’ રિલીઝ થઈ છે, જેમાં નિર્મમ હત્યારા -સિરિયલ કિલર ચાર્લ્સ શોભરાજને તિહાર જેલમાંથી છટક્યા પછી મધુકર ઝેન્ડે એને ગોવાથી કઈ રીતે ઝડપી લે છે એ ઘટનાને કેન્દ્રમાં રાખવામાં આવી છે. ફિલ્મ જેના પર આધારિત છે એ સાચુકલી દિલધડક કડીબદ્ધ કથાના મૂળ નાયક એવા નિવૃત્ત ઈન્સપેકટર મધુકર ઝેન્ડે પાસેથી આજે સાંભળવા જેવી છે, જેથી ફિલ્મ પાછળની ખરી કથાની ઝલક મળે…
*આજે નિવૃત્ત મધુકરભાઉનો પરિવાર
*2 પુત્રી –
*1 પુત્ર સાથે … પત્ની વિજયાની વિદાય એ હજુ ભૂલી નથી શક્યા..
*ચાર્લ્સને ઝબ્બે કર્યો એ વખતના અને આજના મધુકર ઝેન્ડે
*ફિલ્મના છેલ્લાં દૃશ્યમાં રિયલ ઝેન્ડે સાથે રીલના ઝેન્ડે- અભિનેતા મનોજ બાજપેયી …!
*‘… આવી રીતે ચીલઝડપે કરાટે સ્ટાઈલમાં મેં ચાર્લ્સનો હાથ જકડી લીધો…’ કહીને ઝેન્ડેએ પત્રકારના હાથને આંટી મારી એ વખતનું દૃશ્ય ભજવી બતાવ્યું..
‘સર, મી મધુકર બાપુરાવ ઝેન્ડે…!’
એવા રૂવાબદાર અવાજ સાથે પોતાના ઉપરીને એક પોલીસમેનને છાજે એવી કડક સલામ ઠોકતા ‘ઈન્સપેકટર ઝેન્ડે’ ફિલ્મમાં મધુકર ઝેન્ડેનો રોલ અદા કરતા જાણીતા અભિનેતા મનોજ બાજપેયી કહે છે…
બસ, આવા જ ઠસ્સાદાર અવાજ સાથે 39 વર્ષ પહેલાં ઓરિજનલ ઈન્સપેકટર મધુકરભાઉએ અમને એમના નિવાસ સ્થાને એક મોડી રાતે આવકાર્યા હતા… એની બરાબર પાંચ રાત પહેલાં એમણે કુખ્યાત ભાગેડુ હત્યારા ચાર્લ્સ શોભરાજને ગોવામાંથી ઝડપી લીધો હતો. એ સમાચારે ત્યારે માત્ર ભારતમાં જ નહીં- વિશ્વભરમાં ચકચાર જગાવી હતી કેમ કે એના નામે દેશ -વિદેશમાં 30થી વધુ જેટલી નિર્મમ હત્યા અને અનેક લૂંટફાટ પોલીસ ચોપડે બોલાતી હતી. એ જે રીતે વિદેશી મહિલા પર્યટકોને શિકાર બનાવતો હતો તેથી એ ‘બિકિની કિલર’ અને પોલીસના હાથથી એ જે રીતે સરકી જતો હતો એથી એ ‘સર્પન્ટ’ના નામે ઓળખાતો હતો. એ છેલ્લે છેલ્લે દિલ્હીની તિહાર જેલમાંથી જે રીતે છટકી ગયો અને 21 દિવસ બાદ એને જે રીતે ઝબ્બે કર્યો એ કમાલની કામગીરીએ મુંબઈ પોલીસના મધુકર ઝેન્ડેને રાતોરાત વિશ્વભરમાં જબરી નામના અપાવી હતી…
તાજેતરમાં ‘ઈન્સપેકટર ઝેન્ડે’ ફિલ્મ ‘નેટફ્લિકસ’ના ઘઝઝ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે, જેમાં નિર્મમ હત્યારા -સિરિયલ કિલર ચાર્લ્સ શોભરાજને તિહાર જેલમાંથી છટકયા પછી મધુકર ઝેન્ડે એને કઈ રીતે ઝડપી લે છે એ ઘટનાને કેન્દ્રમાં રાખવામાં આવી છે. ફિલ્મમાં ચાર્લ્સનું પાત્ર જિમ સર્ભ તથા મધુકર ઝેન્ડેની ભૂમિકા મનોજ બાજપેયી જેવા કુશળ અદાકારે ભજવી છે. ફિલ્મમાં મૂળ કથાથી અમુક છૂટ લેવામાં આવી છે -અમુક વાત થોડી હળવાશથી પેશ થઈ છે, છતાં ચાર્લ્સ જેવા એક ખૂંખાર સિરિયલ કિલરને સપડાવતા મુંબઈના એક કાબેલ પોલીસમેનની વાત રસપ્રદ રીતે રજૂ થઈ છે.
ખેર, આપણે અહીં એ ફિલ્મની સમીક્ષા નહીં, પણ એ ફિલ્મ જેના પર આધારિત છે એ સાચુકલી દિલધડક કડીબદ્ધ કથાના મૂળ હીરો એવા ઈન્સપેકટર મધુકર ઝેન્ડેએ ખુદ મને ‘ચિત્રલેખા’ સાપ્તાહિક માટે વર્ણવી હતી. એ વિશેષ કથા- ઈન્ટરવ્યૂનું ઍકશન રિ -પ્લેના અમુક અંશ અહીં રજૂ કરવા છે, જેથી એ ફિલ્મ જોનારા દર્શકોને-વાચકોને ફિલ્મ પાછળની ખરી કથાની ઝલક મળે…
થોડા ફ્લેશ બેકમાં જઈએ તો 1971માં ભારત-મુંબઈમાં એને સર્વપ્રથમ પકડવાનું શ્રેય મળ્યું હતું ક્રાઈમ બ્રાંચના ઈન્સપેકટર મધુકર ઝેન્ડેને જ્યાં રોજના દોઢ-બે કરોડ રોકડ રૂપિયાની લેતી-દેતી થતી એ મુંબઈની ‘ન્યુ ઈન્ડિયા એસ્યોરન્સ કંપની’ને લૂંટવાનો પ્લાન ચાર્લ્સે ઘડ્યો હતો, પરંતુ એની બાતમી મળી જતાં મધુકર ઝેન્ડેએ એને ઝડપી લીધો હતો. ત્યારે એની પાસેથી ગેરકાયદે શસ્ત્રો અને વિભિન્ન નામે 8-10 નકલી પાસપોર્ટ મળી આવ્યા હતા. કોર્ટ કાર્યવાહી પછી ચાર્લ્સ દિલ્હીની તિહાર જેલમાં લાંબી સજા ભોગવી રહ્યો હતો. દસેક વર્ષના કારાવાસ દરમિયાન ચાર્લ્સે આજ્ઞાંકિત કેદી તરીકે પોતાની સાખ જમાવી દીધી હતી. એક દિવસ ‘પોતાનો જન્મદિવસ છે’ એમ કહીને જેલ અધિકારીઓ-સ્ટાફને ઘેનની મીઠાઈ વહેંચીને-એમને બેહોશ કરીને ચાર્લ્સ અન્ય 16 કેદીઓ સાથે તિહાર જેલમાંથી નાસી છૂટ્યો!
તિહાર જેવી જેલમાંથી જે દિલધડક રીતે ચાર્લ્સ આબાદ છટકી ગયો એ ઘટના પોલીસ તેમ જ અપરાધજગતમાં જબરી ગાજી હતી.
આવા નાટ્યાત્મક રીતે ભાગી છૂટેલા ચાર્લ્સને શોધવા ભારતભરની પોલીસને રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું. દેશમાં- મુંબઈના એક માત્ર ઈન્સ્પેકટર મધુકર ઝેન્ડે જ હતા, જેણે ચાર્લ્સને અગાઉ ઝડપેલો. ચાર્લ્સની ગુનાહિત ચાલચલગત-સ્વભાવ અને એની લાક્ષણિકતાથી એ પૂરતા માહિતગાર હતા.
ગોવાના પણજી અને માપુસાને જોડતા રોડને ત્રિભેટે કાલંગુટ ગામ છે. ગામથી થોડે દૂર એક કાર આવીને થોભે છે. એમાંથી બે વ્યક્તિ ઊતરે છે. થોડા પગપાળા ચાલીને બન્ને સાહેબ ખોબા જેવા ગામની ‘ઓ કોક્યુરો’ બાર-રેસ્ટોરાંમાં પ્રવેશે છે. વિદેશી પ્રવાસીઓ માટે આ બાર – રેસ્ટોરાં બહુ જાણીતી છે.આ પીઠાના પ્રવેશદ્વારમાંથી અંદર દાખલ થયેલા પેલા બન્નેમાંથી એક ઊંચો અને સશક્ત છે. એણે લાલચટક રંગનું શર્ટ તથા બ્રાઉન પેન્ટ પહેર્યાં છે. એ આગળ ચાલે છે, બીજો એની પાછળ પાછળ…
લાલ શર્ટવાળાએ અંદર પ્રવેશતાંની સાથે જ આખા બારમાં ઝડપથી નજર દોડાવી લીધી. પછી એ મોટા ગોળાકાર ટેબલ સુધી પહોંચે છે ત્યાં બીજી બે વ્યક્તિ અગાઉથી બેઠેલી જ છે. એકના હાથમાં સિગારેટ છે અને બીજાના હાથમાં બિયરનો ગ્લાસ.
વેઈટર નવા મહેમાનો માટે ઑર્ડર લઈ જાય છે. લાલ શર્ટવાળાનો આ સહયોગી ગોવાનો વિખ્યાત દારૂ ફેની મગાવે છે, પણ લાલ શર્ટવાળો પોતે લિમકાનો ઑર્ડર આપે છે. કારણ કે એ શરાબનું સેવન નથી કરતો..
લાલ શર્ટવાળો બેઠો છે એનાથી થોડે દૂર ટીવી સેટ છે. એની પીઠ પાછળ રેસ્ટોરાંનું બાર કાઉન્ટર છે થોડી વારમાં લાલ શર્ટવાળો જાણે કંટાળી ગયો હોય એમ નજર ટીવી પરથી હટાવી લઈ મુખ્ય પ્રવેશદ્વારમાંથી આવતા-જતા લોકો પર માંડે છે. હવે ‘બાર’ માણસોથી ઊભરાતું જાય છે. રેસ્ટોરાંમાં એક ગોવાનીઝ યુગલની મેરેજ પાર્ટી થોડી વાર પહેલાં જ શરૂ થઈ હોવાથી રોજ કરતાં આજે ગિરદી વધુ છે, પણ લાલ શર્ટવાળો જે મિત્રની ઉત્સુકતાથી આટલી રાહ જોતો હતો એનું નામ હતું:
‘સુજિત મહેરા!’
સુજિત મહેરા…ચાર દિવસ પહેલાં જ અસ્તિત્વમાં આવેલા આ નામની જાણ ભારતભરમાં માત્ર આઠથી દસ વરિષ્ઠ પોલીસ અધિકારીઓને જ હતી. સવારે બરાબર નવના ટકોરે અગ્રીપાડા પોલીસસ્ટેશને ‘બીપ… બીપ…’ કરતો વાયરલેસ સંદેશો ગુંજી ઊઠ્યો હતો:
‘સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર મધુકર ઝેન્ડેને તાત્કાલિક હેડક્વાટર્સ પહોંચવાનું કહો. સોમણસાહેબ યાદ કરે છે…!’
ગણતરીની મિનિટોમાં પોતાના સ્કૂટર (એ જમાનામાં પોલીસવાળા આજની જેન બાઈક પર નહીં – ‘હમારા બજાજ સ્કૂટર પર ડયૂટી બજાવતા!) પર પોલીસ હેડક્વાટર્સ પહોંચી જાય છે.
તિહાર જેલમાંથી છટકી ગયેલા અઠંગ આંતરરાષ્ટ્રીય ગુનેગાર શોભરાજને શોધવા પોલીસ રાષ્ટ્રવ્યાપી જાળ બિછાવી હોવા છતાં દિવસો પછી પણ પોલીસને ચાર્લ્સ શોભરાજ તો ઠીક એના પડછાયા સુધ્ધાંની ભાળ મળી શકી નહોતી.
વચ્ચે પોલીસ કમિશનર સોમણસાહેબને બાતમી મળી કે તિહારથી છટકેલો શેતાન તમારી જ હદની જુહૂની એક હોટેલમાં બબ્બે રાત વિતાવી ગયો ત્યારે સોમણસાહેબને બહુ વસમું લાગ્યું હતું. શોભરાજ મુંબઈ પોલીસનું નાક કાપી ગયો! આ અપજશને જશમાં ફેરવી નાખવા સોમણ સાહેબે સામેથી મધુકર ઝેન્ડેને બોલાવીને બહુ જ ઝડપથી રજેરજ વિગતો આપે છે. મધુકરભાઉએ એમના ખાસ બાતમીદારોનાં ચક્રો ગતિમાન કરી દીધા. એમને બાતમી મળી કે ચાર્લ્સ ગોવા તરફ ગયો છે.!
શોભરાજ ગોવાથી પરિચિત હતો. અગાઉ પણ એ, ગોવા જ ગયેલો એટલે આ વખતે પણ ગોવા પહોંચે એ સ્વાભાવિક હતું. ચુનંદા ઑફિસરોની ત્રણ ટીમને ત્રણ સ્થળે: ગોવા-ભોપાળ તથા કર્ણાટક મોકલવાનું નક્કી થયું. ત્રણેય ય ટીમની શોભરાજ-શોધની કામગીરીને અલગ કોડ નામ આપવામાં આવ્યાં. મધુકર ઝેન્ડેએ ‘ઑપરેશન સુજિત મહેરા’ની જવાબદારી ઉપાડી લીધી.
ત્રીજી એપ્રિલની સવારે પોલીસ કમિશનર સોમણસાહેબની ચેમ્બરમાં આખી બાજી ગોઠવાઈ ગઈ. મધુકર ઝેન્ડેને સૂચના આપવામાં આવી: ‘આજે બપોરે જ તમે ગોવા પહોંચો… હવે તમારે અગ્રીપાડા પોલીસસ્ટેશને જવાની જરૂર નથી. અહીંથી ફોન પર જ જાણ કરો કે પાંચેક દિવસની છૂટી પર ઊતરી ગયા છો… તમારા ઉપરી, નિકટના કોઈ પણ સાથી કે તમારા કુટુંબના કોઈ પણ માણસને જાણ થવી ન જોઈએ કે ખરેખર તમે ક્યાં જાવ છો… કયા કામે જાવ છો… છેલ્લી અને બહુ જ અગત્યની સૂચના: ગો ફુલ્લી આર્મ્ડ! ગન સાથે લઈને જ જજો. વીફરેલો શોભરાજ મરણિયો થાય તો એને ઠાર કરી દેવાની તમને છૂટ!’
(નોંધ : ફિલ્મમાં ઝેન્ડેની ટીમ શસ્ત્ર વિના ગોવા જાય છે એવું દર્શાવ્યું છે! )
બપોરે બાર ને પાંચે મધુકર ઝેન્ડેના હાથમાં વિમાનની ટિકિટ પકડાવી દેવામાં આવી. આ અગાઉ એ કયારેય ફ્લાઈટમાં બેઠા પણ ન હોતા…ફ્લાઈટની ટિકિટ પર પેસેન્જરનું (બનાવટી) નામ હતું: ‘શશી રાઉત!’
બે વાગ્યાની ફ્લાઈટ પકડવાની હતી. ટિકિટ હાથમાં આવતાં મધુકર ઝેન્ડેએ ઘેર ફોન પર પત્નીને કહી રાખ્યું: ‘હમણાં જ ઘેર પહોંચું છું. મારી બેગ તૈયાર રાખ.’ 26 વર્ષ સુધી ક્રાઈમ બ્રાન્ચના એક પોલીસ ઈન્સ્પેક્ટરનું પડખું સેવનાર પત્ની વિજયાતાઈ બરાબર જાણતી હતી કે અચાનક બહાર જતા પતિની જરૂરિયાત શું શું હતી. એ પ્રમાણે પત્ની વિજયાએ બેગમાં વેશપલટા માટેની થોડી સામગ્રી, એક સફારી સૂટ, બે શર્ટ એક સફેદ અને બે ડાર્ક પેન્ટ અને કશુંક યાદ આવ્યું હોય તેમ છેલ્લે ઉમેર્યું:
લાલચટક રંગનું એક શર્ટ!
‘ઓ કોક્યુરો’ બારમાં બેઠેલા સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર મધુકર ઝેન્ડેએ પોતાના લાલ શર્ટની બાંય ઊંચી કરીને કાંડાઘડિયાળમાં ટાઈમ જોયો. રાતના દસ થવા આવ્યા છે. બે-સવા બે કલાક વીતી ગયા, હજુ શિકાર નજરે ચઢ્યો નથી. આગલા બે દિવસ અને રાતની જેમ આજે પણ તપશ્ર્ચર્યા અફળ નહીં જાય ને!
ત્રીજી એપ્રિલની નમતી બપોરે મધુકર ઝેન્ડેએ ગોવા પહોંચીને ત્યાંના જાણીતાં -અજાણ્યાં બાર -હોટલ્સ ફરી વળ્યા હતા. બીજે દિવસે સાથીઓએ ચક્કર ચાલુ રાખ્યાં ત્યારે મધુકર ઝેન્ડેએ નવી જ દિશામાં પ્રયત્ન શરૂ કર્યો શોભરાજની શોધ માટે. બીજાની નજરે સામાન્ય લાગે, પણ ચકોર મધુકર ઝેન્ડે માટે બહુ જ અગત્યની ગણાય એવી નાની ક્લૂ (કડી) મળી ગઈ. એમણે તપાસ કરી કે રોજ ગોવાથી વિદેશના કેટલા કોલ થાય છે અને વધુ કયા બાર- હોટેલમાંથી થાય છે? ટેલિફોન એક્સચેન્જમાંથી માહિતી મળી કે ‘સાહેબ, તમારે જલદી વિદેશનો કોલ મેળવવો હોય તો ‘ઓ કોક્યુરો’ બારમાં પહોંચી જાવ. વિદેશ બુક કરેલા કોલ ત્યાં ગણતરીની મિનિટોમાં જ મળી જાય છે.’
બસ, આટલી માહિતી મધુકર ઝેન્ડે માટે પૂરતી હતી. એમને ખબર હતી કે ચાર્લ્સની ફ્રાન્સમાં રહેતી અમેરિકન પત્નીને ફોન કરવા જરૂર આવા બારમાં આવશે…
ઝેન્ડે અને સાથીઓ હવે ઉચાટ અનુભવતા થયા. જુદા જુદા સ્વાંગમાં અહીં બે સાંજ ગાળી ચૂકેલા મધુકર ઝેન્ડે જાણતા હતા કે 11 વાગે બાર બંધ થઈ જાય છે ગોવાનીઝ યુગલની લગ્નપાર્ટી પણ પૂરી થવા આવી હતી. મધુકર ઝેન્ડે પોતાની ચેરમાં થોડા અસ્વસ્થ થઈને ચાતક નજરે પ્રવેશદ્વાર પર મીટ માંડીને બેઠા રહ્યા. લગ્નપાર્ટી પૂરી થવા આવી છે એ સૂચવતું એક કોંકણી ગીત થોડા મોટા અવાજે બારના માઈક્રોફોન પર ગુંજવા લાગ્યું. શોભરાજ હજુ સુધી ડોકાયો નહીં એટલે ‘ટેન્સ’ થઈ ગયેલા સાથીઓનો મૂડ બદલવા કોંકણી ભાષા જાણતા એકે કહ્યું:
‘સર, અત્યારે કયું ગીત વાગી રહ્યું છે, જાણો છો એ?’ કહીને એણે સમજાવ્યું:
‘ગળ્યાત સાખળી સોન્યાચી…’ અર્થાત્ પ્રિયતમના ગળામાં સોનાની સાંકળી!’
આ સાંભળીને આટલા તંગ વાતાવરણમાં પણ મધુકર ઝેન્ડે હસી પડ્યા: કુદરતની પણ કેવી કરામત છે… જેલના સળિયા સાથે જેણે જિંદગીભર જડાઈ રહેવું જોઈએ એવા અઠંગ અપરાધીને હું લોખંડની હાથકડીમાં જકડી લેવા આવ્યો છું ત્યારે અહીં પ્રિયતમને સોનાની ચેઈનમાં જકડી લેવાનું લગ્નગીત ગવાઈ રહ્યું છે!
બીજી ત્રણેક મિનિટ વીતી ગઈ એ જ વખતે બારની બહાર એક સફેદ રંગની લક્ઝરી ‘ફિયાટ’ ઊભી રહેતી દેખાઈ. તેમાંથી બે આસામી નીચે ઊતર્યા. બન્ને બારમાં પ્રવેશ્યા…
ત્યાં જ મધુકર ઝેન્ડેને થયું મારી આંખ દગો તો નથી દઈ રહીને? પેલા બન્નેમાંથી એક હાફ પેન્ટ, ટી-શર્ટ પહેરેલો પરદેશી છે અને એની પાછળ ઢીલા પગલે ચાલતો પેન્ટ-શર્ટમાં સજ્જ ઘઉંવર્ણો માણસ છે, ચહેરા પરથી એક ગોવાનીઝ લાગે છે. ગોવાનીઝ કટની દાઢી-મૂછ અને થોડા વેરવિખેર, પણ બહુ જ વિચિત્ર લાગે એવી સ્ટાઈલમાં ઓળેલા વાળ, એક હાથમાં ગોલ્ફર કેપ છે, ચહેરા પર ચશ્માં નથી, બીજા ખભે ઝૂલે છે એક બેગ…
પ્રવેશતાંની સાથે જ ગોવાનીઝ લાગતો પેલો આસામી સાવચેતીભેર ગોલ્ફ કેપ પહેરી લે છે. એને જોતાં જ મધુકર ઝેન્ડે સતર્ક થઈ જાય છે. જેમની શોધ હતી એ જ સુજિત મહેરા ઉર્ફે ચાર્લ્સ શોભરાજ આવી રહ્યો છે!
આવનાર બન્ને પોતાના શિકાર જ છે કે નહીં એ પાકું કરી એ ઊભા થઈને પેલા બન્ને બેઠા હતા એમની બરાબર પાછળના ટેબલ પર ગોઠવાઈ જાય છે. ત્યાં થોડું અંધારું હતું.. થોડી વારમાં મધુકર ઝેન્ડેએ હવે શું કરવું એનો વ્યૂહ ઘડી કાઢ્યો.
ઘડિયાળમાં 10 ને 28 મિનિટ થઈ હતી. હવે જ શોભરાજ પર ત્રાટકવું જોઈએ. પંદર વર્ષ પહેલાં એમના હાથે પહેલી વાર શોભરાજ ઝડપાયો ત્યાર પછી 1974માં એ ઝેન્ડેના હાથમાં ફરી સપડાયો પણ છેલ્લી મિનિટે થાપ આપીને છટકી ગયો હતો. આજે એની સાથે આ ત્રીજી ટક્કર થવાની હતી.
જોકે, અહીં આવતાં પહેલાં મધુકર ઝેન્ડેએ સોમણસાહેબની બે સૂચના ઉવેખી હતી. ઍરપોર્ટ જતી વખતે એ પત્ની વિજયાને કહીને આવ્યા હતા કે ‘શોભરાજને પકડવા જાઉં છું…’ અને બીજું ‘સાથે ગન રાખજો જ’ની સોમણસાહેબની તાકીદનો અમલ કરવાને બદલે મધુકર ઝેન્ડે અહીં અત્યારે બારમાં તદ્દન નિ:શસ્ત્ર બેઠા હતા! અગાઉ શોભરાજ, હાજી મસ્તાન, કરીમ લાલા, અમીરજાદા, હમીદ કે કુંઝુ જેવા ખૂનખારને પકડ્યા ત્યારે પણ એમણે કદી ગન સાથે રાખી નહોતી!
ચાર્લ્સ શોભરાજ વેઈટરને બોલાવે છે. ડ્રિન્કની વરદી આપે છે. મધુકર ઝેન્ડેએ પોતાના સાથીઓના ટેબલ તરફ જોઈ લીધું. તુરંત જ એમણે ઈશારાથી સ્ટુવર્ડને પોતાની પાસે બોલાવી લે છે. મોટો ઑર્ડર હશે એમ સમજીને સ્ટુવર્ડ સામે આવીને ઊભો રહી જાય છે. ધીમા સાદે પોતાની ખરી ઓળખ આપીને પેલાને કહ્યું:
‘મારો ઑર્ડર લખતો હો તેમ તારી ઑર્ડર બુકમાં હું કહું તે નોંધતો જા…’ કહી મધુકર ઝેન્ડે સૂચના લખાવતા ગયા:
‘પેલા ટેબલ પર બેઠેલા મારા બે ઑફિસરોને કહો કે બહાર ઊભેલી સફેદ ફિયાટના ડ્રાઈવરને પૂછે કે એની કારમાં આવેલા બે જણા કોણ છે? ક્યાંથી આવ્યા છે? એકને કહો કે કમ્પાઉન્ડ વોલની નજીક ગેટ પાસે ઊભો રહે અને જે કોઈ દોડીને બહાર નીકળે એને ઝડપી લે… અને છેલ્લેે ટેબલ પર બેઠેલા પેલા ઊંચા પાતળા યુવાનને કહો ધીરેથી એની સીટ છોડી મારા ટેબલ પર આવી બેસી જાય… ઍન્ડ માઈન્ડ વેલ, જરા પણ કોઈને શંકા ન જાય એ રીતે મારા સાથીઓના ટેબલ પર ડ્રિન્ક સર્વ કરતી વખતે જ આ બધી સૂચનાઓ પાસ કરવાની છે… નાવ મૂવ!’
થોડી મિનિટોમાં એમની સૂચનાનો અમલ થઈ જાય છે. મધુકર ઝેન્ડેના સાથીઓ બોસની સૂચના મુજબ બારમાં વિખેરાઈ ગયા.
હવે એમની નજર ગેટ પાસે ઊભેલી ફિયાટ કાર પર છે. એમના બે સાથીદારોએ ડ્રાઈવરની ઊલટતપાસ આરંભી દીધી પછી પેલાને કશો વહેમ ગયો હોય એમ એ બારની અંદર આવે છે. તેને શોભરાજવાળું ટેબલ શોધતો જોઈ મધુકર ઝેન્ડેનું હૃદય ધબકારો ચૂકી ગયું. ડ્રાઈવર હજુ ટેબલ સુધી પહોંચે એ પહેલાં એમણે ફેંસલો કરી લીધો: ત્રાટકવાની ઘડી આવી પહોંચી છે. હવે ખેલ ખરાખરીનો છે…ખેલ ખરાખરીનો છે!
પોતાની સાથે ગોઠવાઈ ગયેલા ઈન્સ્પેક્ટરએ મોલિકને કહ્યું:
‘હું ચાર્લ્સ પાસે પહોંચું છું. તું પાછળથી એની બેગ આંચકી લે…’ ખભે ઝૂલતી બેગમાં હંમેશાં ટચૂકડી રિવોલ્વર રાખવાની શોભરાજની ખાસિયતથી મધુકર ઝેન્ડે બરાબર વાકેફ હતા. ઈન્સ્પેક્ટરએ મોલિકને પોતાના ટેબલ પર રાખવાનું એક ખાસ કારણ એ હતું કે એની પાસે લોડેડ ગન હતી. ઉપરાંત મુંબઈ પોલીસ દળના શ્રેષ્ઠ નિશાનબાજ તરીકે એ જાણીતો હતો…
ઝેન્ડેએ પેસેજની લંબાઈ-પહોળાઈ અને બન્ને ટેબલ વચ્ચેનું અંતર આંખથી માપી લીધું. પાંચેક લાંબા ડગ ભરીને શોભરાજ સુધી પહોંચી શકાય એમ છે… મધુકર ઝેન્ડે ચિત્તાની જેમ પોતાની ચેરમાંથી ઊછળીને લાંબા કદમ ભરતા શોભરાજ પાસે પહોંચે છે…
ચીલઝડપે શોભરાજનો જમણો હાથ કરાટે સ્ટાઈલમાં પાછળથી જકડી લઈ ભીતરનો ઉશ્કેરાટ કાબૂમાં રાખતાં કહે છે:
‘હાઈ, ચાર્લ્સ શોભરાજ…!’
પેલો સહેજ ચમકીને પાછળ ડોક ફેરવી જવાબ આપે છે:
‘એસ્ક્યુઝ મી, તમારી ભૂલ થતી લાગે છે!’
ત્યારે મધુકર ઝેન્ડે પોતાનો ઉશ્કેરાટ કાબૂમાં રાખી શકતા નથી. એ ત્રાડ પાડી ઊઠે છે:
‘બાસ્ટર્ડ, મને ભૂલી ગયો?! તું જ ચાર્લ્સ છે!’
શોભરાજનો ડાબો હાથ ચેર પર ઝૂલતી એની બેગ તરફ લંબાય એ પહેલાં આંખના પલકારામાં એમોલિક એની બેગ આંચકી લે છે. ઝડપભેર બેગમાંથી રિવોલ્વર બહાર કાઢી એમાંથી કારતૂસ કાઢી લે છે!
સામે બેઠેલો ચાર્લ્સનો સાથી ડેવિડ હોલ અવાચક બની જાય છે, છતાં શોભરાજ તો આનાકાની ચાલુ રાખી છે:
‘ના, હું ચાર્લ્સ શોભરાજ નથી…..!’
હવે મધુકર ઝેન્ડે વધુ ઉશ્કેરાઈ ગયા. ઝપાઝપીમાં શોભરાજની ગોલ્ફ કેપ તો ઊડી જ ગઈ હતી એટલે એના ઉઘાડા માથાના વાળ પકડીને ઝડપથી હેરસ્ટાઈલ બદલી નાખતાં ટેબલની આસપાસ એકઠા થયેલા લોકોનું ધ્યાન ખેંચી બરાડે છે:
‘લિસન, આ બાસ્ટર્ડ કહે છે કે હું શોભરાજ નથી!’
શોભરાજનો વિરોધ ગણકાર્યા વિના મધુકર ઝેન્ડેએ એમના સાથીઓને કહ્યું:
‘આ બન્નેને દોરડાથી બાંધીને ઢસરડી જાવ…’
બારના બીજા લોકો હજુ કશું સમજે-વિચારે એ પહેલાં ઈન્સ્પેકટર મધુકર ઝેન્ડેની ટીમ તો 21 દિવસ પહેલાં દિલ્હીની તિહારમાંથી નાસી છૂટેલા ખોફનાક અપરાધી ચાર્લ્સ શોભરાજને ઝબ્બે કરીને ઘટનાસ્થળેથી રવાના સુદ્ધાં થઈ ગઈ !
જતાં પહેલાં બારના જે ફોનનો ઉપયોગ કરીને શોભરાજે છટકી જવાનો પેંતરો રચ્યો હતો એ જ ફોન પરથી મધુકર ઝેન્ડેએ લાઈટનિંગ કોલ કરીને મુંબઈ પોલીસ કમિશનરને ગર્વભેર કહ્યું:
‘સર, આઈ હેવ ડન ઈટ!’
ત્યારે સામેથી સર પૂછે છે: ‘મધુ, તારી ભૂલ તો નથી થતી ને?’
‘આર યુ શ્યોર?’
‘સેન્ટ પર્સન્ટ શ્યોર!’
‘બ્રેવો!’
મુંબઈથી કહેવામાં આવ્યું ગુનેગારોને લઈને સીધા અહીં પનવેલ -મુંબઈ આવી પહોંચો. ‘ઓ કોક્યુરો’ બારની બહાર કાર તૈયાર હતી. શોભરાજ, ડેવિડ હોલને એમાં બેસાડતાં પહેલાં મધુકર ઝેન્ડેએ કહ્યું:
‘પેશાબ જવું હોય તો હમણાં પતાવી લો. રસ્તામાં એક મિનિટ પણ મારી કાર થોભાવીશ નહીં…’
શોભરાજે ના પાડી તો પણ દોરડા સહિત ઊંચકીને મધુકર ઝેન્ડેના એક સાથીએ પોતાના હાથે પેલાની પેન્ટની ઝિપ ખોલી પરાણે લઘુશંકા કરાવી!
આગળની સીટમાં મધુકર ઝેન્ડે બેઠા અને પાછળ શોભરાજ- ડેવિડના ખોળામાં જ બે અધિકારી બેસી ગયા! પછી એ કારમાંથી કૂદીને ભાગવાનો પ્રયત્ન જ ક્યાં કરે?!
છેવટે ચાર્લ્સે ઈન્સ્પેક્ટર ઝેન્ડેને કહ્યું:
‘યુ આર મોર લકી ધેન મી- તું મારા કરતાં વધારે ભાગ્યશાળી છો… મને પકડ્યો એટલે તમારી નામના વધી ગઈ!’
એના એ દોઢ-ડહાપણના જવાબમાં મધુકર ઝેન્ડેએ આંખો કાઢીને કટાક્ષમાં ચાર્લ્સને કહ્યું :
‘બાય ધ વે, હેપી બર્થ-ડે ચાર્લ્સ!’
જોગાનુજોગ એ દિવસે ચાર્લ્સનો 42મો જન્મદિવસ હતો એ વાત પણ મધુકર ઝેન્ડેને બરાબર યાદ હતી ! આ સાંભળીને એની બોલતી બંધ થઈ ગઈ…
બસ, પછી તો ગોવા-મુંબઈ માર્ગ પર સતત 17 કલાકની મુસાફરી દરમિયાન જાણે પોતે જ ઘેનની મીઠાઈ ખાધી હોય એમ ચાર્લ્સ રસ્તામાં ઘોરતો જ રહ્યો…!
આજકાલ મધુકર ઝેન્ડે શું કરે છે…?
ખતરનાક ક્રાઈમ કુંડળી ધરાવતો સૌથી અત્યંત કુખ્યાત અપરાધીનું પૂરું નામ છે ચાર્લ્સ ગુરુમુખ શોભરાજ હોટચંદ ભવાની ઉર્ફે ચાર્લ્સ શોભરાજ!
*ભારત-નેપાળમાં છૂટક છૂટક થઈને 40 વર્ષ સજા ભોગવ્યા પછી ચાર્લ્સને જેલ મુક્તિ મળી એની નાદુરસ્ત તબિયતને કારણે… નેપાળ સરકારે એના વતન ફ્રાન્સ પરત મોકલી દીધો છે.
*આવા ખૂંખાર અપરાધીને બબ્બે વાર ઝડપનારા ઈન્સ્પેક્ટરનું નામ આજકાલ ફરીથી ગાજતું થયું છે ‘નેટફ્લિકસ’ પર તાજેતરમાં રજૂ થયેલી ફિલ્મ ‘ઈન્સપેક્ટર ઝેન્ડે’ ને લીધે… એ ફિલ્મની રજૂઆતના બીજે દિવસે મારી સાથે એક ખાસ ટેલિફોનિક ઈન્ટરવ્યૂમાં એમણે ભૂતકાળ અને વર્તમાનના જીવનની ઘણી ઘણી વાતો કરી.
*નિવૃત્ત એવા મધુકર ઝેન્ડે આજે પૂણેમાં મજેથી રહે છે. આજે 88 વર્ષે પણ રોજ યોગ -હળવી કસરત અને વોકિંગ -જોગિંગ કરતાં મધુકરભાઉ ઈચ્છા થાય માઉન્ટેનિયરિંગનો એમનો શોખ પણ પૂરો કરીને ચુસ્ત રહે છે.
*અવનવું વાંચવાનો અને બાગકામમાં રસ ધરાવતા મધુકરભાઉનાં પત્ની વિજયાનું પાંચેક વર્ષ પહેલાં અવસાન થયું છે. વિજયાતાઈને આજે પણ યાદ કરતા મધુકરભાઉ બહુ ગળગળા થઈ જાય છે. એ કહે છે :
‘મારી અતિ વ્યસ્ત પોલીસ કેરિયર દરમિયાન વિજયાએ મને સતત સાથ અને પ્રોત્સાહન આપ્યું છે. એણે મારો ઘરસંસાર બહુ સારી રીતે સાચવી -સંભાળી લીધો..સંતાનોનો ઉછેર પણ ઉત્તમ કર્યો…’
*ફિલ્મમાં પણ એ બન્નેનો ઘરસંસાર ટૂંકમાં પણ બહુ હ્રદયસ્પર્શી રીતે દર્શાવવામાં આવ્યો છે. નામી મરાઠી અભિનેત્રી ગિરિજા ઓકે વિજયાનો રોલ બહુ સ-રસ રીતે અદા કર્યો છે.
*ચાર્લ્સને ગોવાથી ઝડપ્યો ત્યારે મધુકર ઝેન્ડેએ જે લાલ રંગનું શર્ટ પહેર્યું હતું એ પત્ની વિજયાએ એમને ભેટ આપેલું. આજે પણ એ શર્ટ મધુકરભાઉ પત્નીને યાદ કરીને અવારનવાર પહેરે છે…
ફિલ્મમાં મનોજ બાજપેયી પણ પરાકાષ્ઠાનાં દૃશ્યોમાં આવું જ લાલ શર્ટ પહેરે છે!
*બે પુત્રી શર્મિલા અને સંગીતા પરણી ગઈ છે. દાદા ઝેન્ડેની એ બન્ને પૌત્રી આજે અમેરિકા સેટલ છે. પુત્ર જય વિદેશમાં જોબ કર્યા પછી હવે બેંગ્લુરુમાં એક જાણીતી NGO માં ટોપ પોસ્ટ પર છે.
*ગોવાની જે બાર -રેસ્ટોરાં ‘ઓ કોક્યુરો’માંથી ઈન્સપેક્ટર ઝેન્ડેએ ચાર્લ્સને ઝબ્બે કર્યો હતો ત્યાં શરૂઆતમાં ચાર્લ્સની એક પ્રતિમા રાખવામાં આવી હતી અને ઈન્સપેક્ટર ઝેન્ડેને નામે ત્યાંના મેનુમાં ‘મીટ એન્ડ ફિશ’ની એક ખાસ ડિશ પણ ઉમેરવામાં આવી હતી. જોકે આજે પેલા પૂતળાને ખસેડી નાખવામાં આવ્યું છે, પણ ‘ઝેન્ડે પ્લેટર’ ડિશ આજે પણ ત્યાંના ટુરિસ્ટો માણે છે ..!
*આશ્ર્ચર્ય લાગે એવી વાત મધુકરભાઉ કહે છે કે ‘ચાર્લ્સને પકડીને કારમાં પનવેલ -મુંબઈ પહોંચાડ્યો. મારી અને ચાર્લ્સની એ છેલ્લી મુલાકાત … પનવેલથી દિલ્હી -મુંબઈ પોલીસ દ્વારા એને સ્પેશિયલ ફ્લાઈટમાં દિલ્હી લઈ જવામાં આવ્યો. બસ, ત્યારથી અત્યાર સુધી અમે બન્ને કયારેય રૂબરૂ મળ્યાં જ નથી!’
*6 એપ્રિલ 1986ની 39 વર્ષ પહેલાંની એ નાટયાત્મક ઘટનાને આજે પણ તાદૃશ્ય યાદ કરતા નિવૃત્ત એસીપી મધુકર ઝેન્ડે આજે પણ કહે છે : ‘નેપાળની જેલમાંથી ભલે ચાર્લ્સને મુક્તિ મળી ગઈ, પરંતુ આવા નિર્દય-રીઢા અપરાધી જેલમાં જ રહે એમાં સમાજનું ભલું છે. આજે પણ 81 વર્ષે સર્પ જેવી એની ડંશીલી વૃત્તિ ગઈ નથી..તક મળે તો એ હજુય ગંભીર અપરાધ આચરી શકે તેમ છે.’
આપણ વાંચો: હેં… ખરેખર?! : કૈલાસ મંદિર કોણે-ક્યારે બનાવ્યું… એલિયન્સે?