ઉત્સવ

કિનખાબી ક્રાઈમ વાયા QR કોડ!

ડિજિટલ ટેકનોલોજીની એક સરળ, છતાં બહુ ઉપયોગી દેન છે આ QR કોડ. એને લોકો હવે બહુ ઝડપથી સ્વીકારી રહ્યા છે ત્યારે એના દ્વારા સાયબર ઠગ ટોાળકીઓ પણ જબરી લૂંટ ચલાવી રહ્યા છે, એનાથી આપણે કઈ રીતે સાબદા રહી શકીએ?

ક્લોઝ-અપ – ભરત ઘેલાણી

કેદારનાથ જેવાં ધર્મસંકુલમાં આવાં બનાવટી બોર્ડ મૂકીને ભગવાન આસ્થાળુઓને લૂંટવાનો પ્રયાસ
QR CODEના જાપાની શોધક માશાહીરો હારા.

દુનિયાભરમાં ચોતરફ સાયબર લૂંટ વધી રહી છે. જાતજાતના અને ભાતભાતન આ સાયબર ફ્રોડ ક્રાઈમ એની પરાકાષ્ઠાએ છે. દર બીજે દિવસે સાયબર ગઠિયા લૂંટની અવનવી ટ્રીક્સ શોધી કાઢે છે. સાયબર ક્રાઈમ વિભાગ હજુ નવી ટ્રીકનાં પગેરું મેળવે એને રોકવાના ઉપાય લોકો સુધી પહોંચાડે એ પહેલાં તો ભેજાબાજ સાયબર ઠગ કોઈ નવી જ ટ્રીકનો પરચો દેખાડીને લાખોની રકમ સાથે સરકી પણ ગયો હોય…!

જસ્ટ, આ આંકડાઓ પર ઝડપથી એક નજર દોડાવી જોઈએ, જેમકે…

2025 દરમિયાન સમસ્ત ભારતમાં રૂપિયા 20 હજાર કરોડ જેટલી જબરજસ્ત રકમ લોકોએ ગુમાવી છે…

આમાં એકલા 2025માં ‘ડિજિટલ એરેસ્ટ’ના 143 કેસ નોંધાયા,જેમાં મોટા ભાગના શિકાર સિનિયર સિટિઝન વરિષ્ઠ નાગરિકો હતા, જેમણે 114 કરોડ રૂપિયા ગુમાવ્યા છે…

છેલ્લાં પાંચ વર્ષમાં 20 હજારથી વધુ સાયબર ફ્રોડના કેસમાં મુંબઈગરાઓએ 2 હજાર કરોડ રૂપિયાથી વધુ રકમ આ અપરાધમાં ગુમાવી છે…

આમ સાયબર છેતરપિંડીનું એક સમસ્ત ચિત્ર જે આપણી સમક્ષ ઊપસે છે એ અનુસાર : દેશમાં છેલ્લાં પાંચ વર્ષમાં સાયબર ફ્રોડના કેસમાં અધધધ કહી શકાય એવો 900% નો વધારો થયો છે!

આ વધારામાં ઉત્તર પ્રદેશ સૌથી વધુ આશરે 9634 સાયબર ફ્રોડના કેસ સાથે પ્રથમ ક્રમાંકે છે. ત્યાર પછી આમચી મહારાષ્ટ્રમાં 7611 કેસ એ પછી દિલ્હીમાં 5139 કેસ નોંધાયા છે. આ બધા પછી આપણું ગુજરાત 4935 કેસ સાથે ચોથા ક્રમે છે…

અહીં આપણે વાત કરી સમસ્ત સાયબર સ્પેસમાં થતી ગુનાખોરીની. આ પ્રકારની લૂંટ પણ અનેક રીતે પ્રકારે થતી રહે છે, જેમકે OTP શિકારના ડાટા ચોરીને ક્રેડિડ-ડેબિટ કાર્ડનું ફિશિંગ -ક્લોનિંગ (આબેહૂબ કાર્ડ તૈયાર કરવા) પાસવર્ડ ચોરીને કોઈના બેન્ક ખાતામાં ઘૂસી જઈને એની બેલેન્સ સફાચટ કરવી (હેકિંગ) કોઈની ઓળખ ચોરવી કે બદલવી (ડિપ ફેક), ઈત્યાદિ,ઈત્યાદિ…

જોકે આ બધાની વચ્ચે સૌથી સરળ, છતાં સચોટ કહી શકાય એવી સાયબર ગુનાખોરી થાય છે QR Code દ્વારા… !

અહીં સૌથી ચોંકાવનારા ન્યૂઝ એ છે કે ગયા વર્ષે એક સાયબર ઠગે ખુદ ભગવાનને લૂંટવાનો પેંતરો કર્યો હતો ! ઘટના કંઈક આમ છે.

ચારધામ યાત્રાનો પ્રારંભ થયો ત્યારે લાખો ભક્તો ઊમટ્યાં. કેદારનાથના કપાટ ખોલવાના દિવસે મંદિરના દ્વાર પર કોઈએ ક્યૂઆર કોડ લગાવીને દાન કરવા માટેનું બોર્ડ ગોઠવી દઈને એવી સૂચના લખી કે ‘જે શ્રદ્ધાળુ દાન આપવા ઈચ્છતા હોય એ આ ક્યૂઆર કોડ સ્કેન કરીને ઈશ્વરને સીધું ઓનલાઈન દાન આપી શકે છે! એ પછી સંખ્યાબંધ આસ્થાળુઓએ શ્રદ્ધાપૂર્વક પોતાનું દાન ક્યૂઆર કોડ સ્કેન કરીને નોંધાવ્યું પણ હતું! મંદિર સંકુલમાં આવાં ઓનલાઈન દાન માટેનાં પાંચથી વધુ બોર્ડ હતા! હકીકતમાં બદ્રીનાથ- કેદારનાથ મંદિરના સંચાલકોએ કહ્યું કે આવું કોઈ બોર્ડ અમે મૂક્યું જ નહતું …!

આમ ઉપરવાળા ઈશ્વર અને એ નીચેવાળા એના આસ્થાળુઓને આ રીતે ખંખેરી નાખવાનો આવો પ્રયાસ ગુજરાતના સોમનાથ, દ્વારકા ઉપરાંત મુંબઈના સિદ્ધિ વિનાયક જેવાં ધર્મસ્થાનકોમાં પણ થયો હતા,પણ સાયબર ક્રાઈમ વિભાગની અગમચેતાથી એ ‘લૂંટ’ થતી રહી ગઈ. માત્ર ભારતમાં જ નહીં,જગતભરમાં આવાં ક્યૂઆર કોડના સાયબર અપરાધ વધી રહ્યાં છે.

વાત જરા વિગતે જાણીએ તો ડિજિટલ ટેકનોલોજીનો એક બહુ જાણીતો ઉપયોગ છે QR CODE.. કમ્પ્યુટર દ્વારા સંઘરેલી માહિતી- ડેટાને ‘વાંચવા’ માટે સમાંતરે જે ઊંચી-નીચી રેખાનું આયોજન કરવામાં આવે એને આપણે ‘બારકોડ’ તરીકે ઓળખીએ છીએ. આવા બારકોડમાં પુષ્કળ માહિતી સંઘરી શકવાની ક્ષમતા છે. એ બધી માહિતી આપણે સેલ ફોન કે કમ્પ્યુટર દ્વારા સરળતાથી વાંચી શકીએ છીએ એટલે આ સામૂહિક માહિતીવાળા બારકોડ Quick Response અર્થાત QR CODE તરીકે ઓળખાય છે. ડિજિટલ દુનિયામાં આવા ક્યૂઆર કોડનો આજે વ્યાપક ઉપયોગ થાય છે. એક અંદાજ મુજબ, આજે અમેરિકામાં 100 મિલિયને એટલે કે 10 કરોડથી વધુ અને આપણે ત્યાં પણ આજે આશરે 7 કરોડથી વધુ લોકો ક્યૂઆર કોડનો ઉપયોગ કરે છે…!

આપણે ત્યાં નોટબંધી પછી ઓનલાઈન આર્થિક લેતી-દેતી વધી એ સાથે ક્યૂઆર કોડનો ઉપયોગ પણ અણધાર્યો વધવા લાગ્યો. નાની એવી કરિયાણાની દુકાનથી લઈને વિશાળ મોલની દરેક શોપના કેશ કાઉન્ટર પર ક્યૂઆર કોડના પ્રતીક નજરે ચઢવા લાગ્યા. તમારો સ્માર્ટ ફોન એના તરફ ક્લિક કરો-સ્કેન કરો એટલે તમારા બેન્ક અકાઉન્ટમાંથી જરૂરી પેમેન્ટ શોપકીપરને પહોંચી જાય…કયૂઆર કોડની આ પ્રકિયા જેટલી ઝડપી છે એટલી જ સરળ છે. બાળકો સુધ્ધાં વાપરી શકે. આપણે ભલે આ ક્યૂઆર કોડની દુનિયામાં નવા છીએ, પણ એનો ઉપયોગ આટલી ઝડપે આવો વ્યાપક થશે એની કલ્પના ખુદ એના જાપાની શોધક માશાહીરો હારાને પણ નહોતી.

વ્યવસાયે ઈજનેર એવા માશાહીરોએ 1994માં આ કોડની પરિકલ્પના કરીને વિકસાવ્યો હતો. આજે એ 68 વર્ષીય ઈજનેર કહે છે : ‘આ કોડ મેં માત્ર ઉત્પાદનની માહિતી આપવા પૂરતો બનાવ્યો હતો, પણ એનો આવો જબરો ઉપયોગ આજે લગભગ બધા જ ફિલ્ડમાં થશે અને એમાંય નાણાકીય લેતી-દેતીમાં થશે એ તો ખુદ મારા માટે મોટું આશ્ર્ચર્ય છે.’

આવા એક ‘ક્વિક રિસ્પોન્સ કોડ’માં આશરે સાત હજાર અક્ષરની માહિતી સમાવવા ઉપરાંત એમાં ચિત્ર-આકૃતિ પણ ઉમેરી શકાય છે. આ કોડ દ્વારા ચોક્કસ વેબ સાઈટની લીંક પર પહોંચી શકાય, જ્યાં તમને વિસ્તૃત માહિતી મળી શકે.

આજે તમે નામ આપો એ ક્ષેત્રમાં ક્યૂઆર કોડ પ્રવેશી ચૂક્યું છે. કરિયાણાની દુકાનથી લઈને મોલ -એરપોર્ટ-રેલવે સ્ટેશન- હોટલ-રેસ્ટોરાંનાં મેન્યુ કાર્ડ – બેન્ક- હોસ્પિટલ -થિયેટર-ઈકોમર્સનાં અનેક ઉત્પાદનોની જાણકારી- જાહેરાત સુધ્ધાંમાં ય આ કોડ સર્વવ્યાપી ઈશ્વરની જેમ મોજૂદ છે. અરે, મેડિકલ ફિલ્ડમાં તો એણે કમાલ કરી છે. ડોકટર દર્દી માટે એ જબરો ઉપકારક બની રહ્યો છે. દરદીએ પોતાનાં ઍકસ-રે અને મેડિકલ રિપોર્ટસની ફાઈલ્સ પોતાની સાથે ફેરવવાની જરૂર નથી. એની કયૂઆર કોડ ઈમેજ કાફી છે.

તમારો પ્રોફાઈલ પણ તમે આવા કોડમાં પલટાવીને જોબ માટે મેલ કરી શકો. આ રીતે જ લગ્નોઉત્સુક મુરતિયા-ક્ધયા પણ એમની વિગત મેટ્રિમોનિયલ સાઈટ પર મૂકી શકે છે.!

જો કે આ કયૂઆર કોડની વધુ પડતી સરળતા કોઈને પણ સાયબર ક્રાઈમનો શિકાર પણ બનાવી શકે…આપણને ડિજિટલ ટેકનોલોજીના જાણકારો અને સાયબર ક્રાઈમના નિષ્ણાતો વારંવાર ચેતવતા રહે છે કે અજાણ્યા ઈ-મેલ પર આવેલી લિન્ક જિજ્ઞાસા ખાતર પણ ખોલવી નહીં. એ લિન્ક તમારી ઘણી બધી ડિજિટલ માહિતી કોઈ સાયબર બદમાશને હાથોહાથ પહોંચાડી દેશે, જેના આધારે પેલો તમારા બેન્કખાતામાં ખાતર પાડીને લૂંટી શકે.

આવું જ ક્યૂઆર કોડનું છે. એક ક્લિક કરો, જે તમને ફ્રોડ લિન્ક તરફ ફંટાવી શકે, જ્યાં પેલો ‘મિસ્ટર ઠગ’ તમારાં કપડાં ઉતારી લેવા તત્પર ઊભો જ હોય…

આવા સાયબર બદમાશોની મોડસ ઑપરેન્ડી એક જ સરખી હોય છે. તમે ઓનલાઈન કોઈ ચીજ-વસ્તુ વેંચવાની જાહેર કરો એટલે ગ્રાહક તરીકે અપરાધી પ્રગટે. ભાવતાલ કરે પછી ઓનલાઈન રકમ ચૂકવવાની તૈયારી બતાવે અને એક ક્યૂઆર કોડની ઈમેજ તમને મોકલીને કહે : ‘આને ક્લિક કરો એટલે તમારા ખાતામાં રકમ જ્મા થઈ જશે ’ તમે એ ક્લિક કરો ને એટલે પત્યું … એક ક્લિક સાથે તમારા બેન્ક ખાતામાંથી તગડી રકમ તણાય જશે!

આમ કોઈ પણ નવી ટેકનોલોજીની ખૂબીઓની સાથે એની કેટલીક ખામીઓ પણ સંકળાયેલી હોય છે, જેનો ગેરફાયદો અપરાધીઓ હંમેશાં લેતા રહે છે, પણ એના ડરથી આપણે નવી ટેકનોલોજીનો લાભ લેવાનું જતું ન કરી શકીએ. માત્ર એના જોખમને ધ્યાનમાં રાખીને સતર્ક રહી એની વિશેષતાને વધાવી લેવી જોઈએ.

-તો પછી ક્યૂઆર કોડના ફ્રોડથી કઈ રીતે બચવું…?

વેલ, સાયબર ક્રાઈમ સેલના નિષ્ણાતોની આ ત્રણ વાત ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે, જેમકે.

ક્યૂઆર કોડથી તમે માત્ર પેમેન્ટ કરી શકો. એના દ્વારા ક્યારેય રકમ મેળવી ન શકો એટલે તમને કોઈ કહે કે ‘આ કોડ સ્કેન કરો તો તમને તમારી રકમ મળી જશે’ એ વાત સાવ હંબગ છે-એમ કરવા જશો તો અચૂક છેતરાશો તમે આ કોડ સ્કેન કરો ત્યારે તમારી બધી જ ડ઼િજિટલ માહિતી સામેવાળાને ત્યાં પહોંચી જશે, જેનો એ ભવિષ્યમાં દુરુપયોગ પણ કરી શકે માટે શંકા પડે એવા અજાણ્યાકોડથી દૂર રહો ક્યૂઆર કોડ તમને કોઈ એક વેબસાઈટ તરફ દોરી જાય ત્યારે ખાસ જો જો-ચેક કરજો કે એ તમારી જોઈતી જ વેબસાઈટ છેને.. કોઈ ભળતી-ફ્રોડ સાઈટ તો નથીને?

બસ, આટલા મુદ્દા ધ્યાનમાં રાખીને તમે QR કોડનો ઉપયોગ કરો તો એમાં ફ્રોડના શિકાર થતા બચી જશો..

આ પણ વાંચો…ક્લોઝ અપ : આજનાં જુવાન હૈયાંઓનું લીલુછમ્મ ‘ઈલ્લુ…ઈલ્લુુ’!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button