ઉત્સવ

સૂફી પ્રેમભક્તિના ગઝલ ગાયક ખલીલ ભાવનગરી

સર્જકના સથવારે – રમેશ પુરોહિત

ખલીલ ભાવનગરી

મિત્રો અનેક પ્રકારના હોય છે એમાં મોટાભાગના તાળી મિત્રો હોય છે. એ તમારો લાભ લઈ શકાય ત્યાં સુધી મિત્ર નહીં તો અહેસાનફરામોશ. આની સામે જીવન સટોસટના ખેલમાં તમારી સાથે ખભેખભા મેળવીને ઊભા રહે તે સાચો મિત્ર ગણી શકાય. ગુજરાતી ગઝલને આવા બે મેધાવી ખલીલ મળ્યા. શરૂઆતમાં ખલીલ’ ભાવનગરી અને સાંપ્રત સમયમાંખલીલ’ ધનતેજવી બંને પ્રતિભાવંત શાયરો હતા. સૌરાષ્ટ્રમાં ભાવનગર સૂરતની જેમ ગઝલનું ગૌરવવંત થાણું રહ્યું છે.

નાઝિર દેખૈયા જેવા અપકર્મી ગઝલકારોની એક આખી પેઢીએ ગઝલના બાગને નવપલ્લવિત રાખ્યો હતો. કિસ્મત કુરૈશી, મુકબિલ કુરૈશી, વલી લાખાણી, શાહબાઝ, મજનૂ જેવા શાયરોની હરોળમાં બેસી શકે એવા શાયર `ખલીલ’ ભાવનગરીનું મૂળ નામ ઈબ્રાહીમ સુલેમાન સમેજા હતું. તેમનો જન્મ ઈ.સ. 1911માં જામનગરમાં થયો હતો. જામ રણજિતસિંહના સમયમાં તેમના પિતા રાજગાયક હતા. ઈબ્રાહીમ 11 વર્ષના હતા ત્યારે તેમના પિતા ખુદાને પ્યારા થઈ ગયા. પિતા પાસે શરૂ કરેલી સંગીત તાલીમ આદિતરામજી ઘરાણાના ગાયક લાધાભાઈ તેમજ જામનગરના અન્ય ઉસ્તાદો અલારખ માસ્તર, જુસુફ ખમીસા, ઈસા ઉસ્તાદ વગેરેના માર્ગદર્શન નીચે ચાલુ રહેવા પામી. એ વખતના શાયરો ગુજરાતીમાં ગઝલ કહેતા પણ સાથોસાથ ઉર્દૂ-ફારસી ભાષાની તાલીમ પણ આત્મસાત્‌‍ કરતા.

ખલીલે’ કાવ્યશાસ્ત્ર અને સૂફી તત્ત્વજ્ઞાનની તાલીમ તેમના ઉસ્તાદ બાબા શમ્સ-ઉર્દૂ-દીન ફારૂકી ચિશ્તી અમદાવાદી પાસેથી મેળવી હતી. તેમના આ ગુરુ એ સમયે ઉચ્ચ કક્ષાના કવિ હતા. કાળક્રમેખલીલ’ના પરિવારે જામનગરથી ભાવનગર સ્થળાતંર કર્યું. જોકે આ ક્યારે થયું તેની નોંધ ક્યાંય જોવા મળતી નથી, પરંતુ અનુમાને 1920-22ની આસપાસ થયું હોવું જોઈએ, કારણ કે ખલીલે’ ભાવનગરમાં 18 વર્ષ સુધી પોલીસ બેન્ડમાં નોકરી કરી હતી. સાથે સાથે તેમણે કાવ્યસર્જન અને ગઝલની ઉપાસના ચાલુ રાખી હતી. શ્રી અનંતરાય ઠક્કરે લખ્યું છે તેમ ચિશ્તીમાં સંપ્રદાયની પ્રેમભક્તિખલીલ’ની ગઝલનો આત્મા હતો. સૂફીઓ વિષયના ગહનતમ ઊંડાણમાં ઊતરે ત્યારે એમની દૃષ્ટિમાં જે વિશાળતા આવે છે તે તાજુબી પમાડે એવી હોય છે. આવી વિશાળતાનું દર્શન `ખલીલ’ની ગઝલોમાં થાય છે.

ખલીલ સ્મારક સમિતિ'એ માર્ચ 1956માંખલીલ’ની શાયરી નામનો સંગ્રહ 110 પાનામાં કર્યો છે. લીલા રંગના સુંદર મુખપૃષ્ઠથી શોભતો આ રૂપકડો સંગ્રહ ત્યારે ફક્ત એક રૂપિયાના ભાવે વેચાતો હતો. આ પુસ્તક બે ભાગમાં વહેંચાયેલું છે: (1) ઉર્દૂ વિભાગ અને (2) ગુજરાતી વિભાગ. ઉર્દૂ વિભાગ કુલ 69 પાનાં રોકે છે, જ્યારે 71 થી 105 ક્રમમાં પાનામાં તેમની ગુજરાતી રચનાઓ ચૂંટીને મુકાયેલી છે. ઉર્દૂ વિભાગમાં હમ્દ, ના’ત, મુખમ્મસ, તઝમીન તેમજ ગઝલ સ્વરૂપની રચનાઓ છે. તો ગુજરાતી વિભાગમાં ગઝલો, પંચ પદી અને ષટ્ પદી પ્રકારની રચનાઓ શામેલ કરાયેલી છે.

સંગ્રહના અંતભાગમાં `ખલીલ’ને અંજલિ આપતી અન્ય કવિઓની રચનાઓ લેવામાં આવી છે.

સાક્ષર શ્રી અનંતરાય ઠક્કરે નોંધ્યું છે તે પ્રમાણે 21 એપ્રિલ, 1953ની રાતે 12 વાગ્યે `ખલીલ’ એક જગ્યાએ જવાની તૈયારી કરતા હતા. એટલામાં થોડા વખતથી ચાલતો બ્લડપ્રેશરનો હુમલો શરૂ
થવા લાગ્યો. હાથમાં પાક કુરાન લઈ શાંતિથી વાચવા બેઠો.

પરિવારને પ્રાર્થના કરવાનું કહ્યું: `એક સાચો સૂફી કેવી શાંતિથી દુનિયાનો ત્યાગ કરે છે એની સાક્ષી પૂરજો’ એટલું કહીં ચિર નિદ્રાને આધીન થઈ ગયા. વળતી સવારે પોલીસને યોગ્ય રીતે અપાતા મરતબા સાથે એમની દફનક્રિયા થઈ.

આવા એક સૂફી સંત જેવા શાયરની એક આખી ગઝલથી શરૂઆત કરીને અંજલિ આપીએ:

તમારી યાદમાં મુજને જીવન ભાસ્યું જીવન જેવું વૃથા ઉત્પાત પરવારી અમન પામ્યો અમન જેવું મળી નજરોથી નજરો ત્યાં જ દુનિયા દિલની પલટી ગઈ ભરેલું જે તમારી આંખનાં શું સંવનન જેવું યદિ મારી નજર સામે તમે છો તો બધુંયે છે

તમારા વિણ મને આ વિશ્વ લાગે છે વિજન જેવું
ફક્ત એક દિલ હતું તે પણ તમારું થઈ ગયું ચાહક
રહ્યું ના કોઈપણ મારું હવે વિશ્વને સ્વજન જેવું
વિતાવી આગમન આશા મહી રાતોની રાતો મેં છતાં દર્શન તો દર્શન, પણ ના દીઠું મેં સ્વપ્ન જેવું તમોને દિલ તો શું અસ્તિત્વ પણ અર્પણ કરી દીધું હવે મુજ પાસ ક્યાં છે કંઈ મરણ જેવું જીવન જેવું તમારે દ્વાર આવીને અહર્નિશ એ જ યાચું છું પ્રણય ગુણગાન ગાવાને કવન આપો કવન જેવું છુપાયેલી મઝા છે ઓખલીલે’ એની વ્યથા મોહ
નથી હોતું પ્રણયમાં કંઈ દરદ, દુ:ખ કે દમન જેવું

તમારા સમ, તમારા રૂપનું મુજ દિલ પૂજારી છે
પળે પળ જિંદગી મેં પ્રેમ-ભક્તિમાં ગુજારી છે

અશ્રુઓ હું જો વહાવો છું વિયોગે આપના
દોસ્ત તો શું દુશ્મનોને રડાવી જાઉં છું

આપો ભરીને સાકી, પ્યાલા પ્રણય સુરાના,
તરસ્યા, દુઆઓ દિલથી પીને કરી જવાના

દીપકને જોઈ બળતા બોલી ઊઠયા પતંગા,
બીજાને બાળનારા નિત્યે બળ્યા કરે છે.

ના કોઈનાં આંસુ જોઈ રડી પડે, ના કોઈના દુ:ખ દેખી પીગળો
એ આંખને અંધ હું સમજું છું, એ દિલને પથ્થર સમજું છું.

સુખમાં અનેક હાજિયા મિત્રોને યાર હોય છે,
દુ:ખમાં જ સાથી એક ફક્ત પરવરદિગાર હોય છે

પ્રેમ પુષ્પો ખીલી ખીલી ને કરમાશે કદી,
મુજ હૃદય ઉપવન હંમેશાં પાનખરથી દૂર છે

આ પણ વાંચો…સર્જકના સથવારે: જન્મ શતાબ્દી વંદના: શબ્દના શિલ્પી ને સંયમી વાણીના કવિ નિરંજન ભગત

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button