આજે આટલું જઃ કાનસેન અને તાનસેન (2) | મુંબઈ સમાચાર

આજે આટલું જઃ કાનસેન અને તાનસેન (2)

શોભિત દેસાઈ

અકબર, ગુણગ્રાહી અકબર એટલે જ તો મહાન અકબર તરીકે ઓળખાયા. આંગળીના વેઢે ગણી શકાય એટલા જ દુનિયાના મોટાભાગની આવડતોના મહાન સામર્થ્યો એમના દરબારના નવરત્નોમાં સામેલ છતાંય અકબરે દરેકના સામર્થ્યને પોતે શિખવાનો કદી પ્રયાસ ન કર્યો. ક્યારેય સાંભળ્યું છે કે અકબરે તાનસેન પાસેથી શીખીને માલકૌંસ રાગમાં એક ભજન ગાયું? ના… એણે પોતાના રાજ કરવાના સામર્થ્યને બાદ કરતાં બાકીના બધા સામર્થ્યોની ઈજ્જત કરી અને દરેકને પોતાની ઉસ્તાદી વિકસાવવા બાદશાહના સ્તરનું યત્કિંચિત બળ પૂરું પાડ્યું.

હવે મૂળ વાત પર આવીએ… નક્કી કર્યા મુજબ કાનસેન (અકબર) અને તાનસેન જમુના કિનારે મહાસમર્થ તાનસેનના અતિમહાસમર્થ ગુરુ હરિદાસની ઝૂંપડીની આજુબાજુમાં રાતના બે વાગે ગોઠવાઈ જાય છે. નિરવમાં શ્ર્વસનનો રવ પણ ખલેલ ન પહોંચાડે એવી ઉત્સુકતા સાથે બન્ને ઘડીઓ ગણી રહ્યા છે… અને રાતના ત્રણ વાગે સ્વામી હરિદાસના એકતારાનો ટંકાર હવામાનમાં ગુંજે છે એ ક્ષણ પુરતો તો આગિયા પોતાનો કારોબાર અટકાવી દે છે, જાણે પ્રકાશની ગતિ ઉપર અવાજની ગતિએ સરસાઈ ના મેળવી હોય! ગુંજારવની અમલિન પવિત્રતા અકબરની બન્ને પાંપણ બીડી દે છે, એક લહેર જળની બન્ને આંખથી ડાબી જમણી ચિબુક તક વહે છે, મુખ પર અતિપ્રસન્નતાના ભાવાવેશની મૃદુ શિથિલતા છે. આંખનાં જળ તો રોક્યાં રોકાય નહીં…

એટલા આહ્લાદિત થાય છે અકબર, જાણે જીવનમાં ક્યારેય ન થયા હોય. તાર બજતા રહે છે, સુર છેડાતા રહે છે, બંધ આંખોમાં કશુંક પારલૌકિક અજાણ્યું આકારાતું રહે છે ક્યાંય સુધી… સંગીતના શમન પછી પણ છે અકબર નિશ્ર્ચેતમાં. તાનસેનના સંબોધનથી તન્મય તંદ્રા ત્યાગીને બન્ને રથ પર પાછા ફરે છે ત્યારે મહેલ સુધીના આખાય પંથ પર અકબર સંપૂર્ણ મૌન, બંધ આંખથી અતિપ્રસન્ન હાવભાવની દરકાર સાથે સંપૂર્ણ મૌન… અકબર, એવી મસ્તીમાં પાદશાહ અકબર કે શબ્દો સુઝે નહીં, જ્યારે મહેલના પગથિયાં ચઢવા માંડ્યા ત્યારે બોલાયુ તાનસેનને.

તાનસેન! હું વિચારતો’ તો કે તારો કોઈ મુકાબલો નથી આખી દુનિયામાં… હવે વિચારું છું કે તું ક્યાં! તારી ક્યાં ગણત્રી! તારા ગુરુનો કોઈ મુકાબલો નથી. તારા ગુરુ ગોદડીના લાલ… ખરેખર… સાવ સાધારણમાં જન્મેલું કોઈ અત્યંત અસાધારણ અસ્તિત્વ… કોઈને ખબરેય નથી… અડધી રાતે સંગીત પ્રસારે છે… કોણ સાંભળવાનું…? કોઈને જાણ પણ નહીં થાય અને આવા અદ્ભુત સ્વરસંગીત બજતા રહેશે અને લીન થઈ જશે. તારા ગુરુના આ અલૌકિક સૌંદર્ય, આ પારલૌકિક સંગીતનાં શું રહસ્ય શું ભેદ શું રાઝ!!! તું વર્ષો એમની પાસે રહ્યો, મને બોલ…

આ પણ વાંચો…આજે આટલું જ : કાનસેન અને તાનસેન

તાનસેને કહ્યું: રાઝ સીધો સાદો છે. બે ને બે ચાર જેવડો સીધો સાદો છે ભેદ. હું વગાડું છું એટલે કે જેથી મને કંઈ મળે, અને એ વગાડે છે એટલે કે એમને કંઈ મળી ગયું છે. એ જે મળી ગયું છે ત્યાંથી એમનું સંગીત વહે છે … માંગ નથી ત્યાં. અનુભવ, આનંદ, સમર્પિતભાવ છે ત્યાં. આનંદ સૌપ્રથમ છે.

પછી એ આનંદથી સર્જાતું સંગીત છે. મારું સંગીત તો ભિખારીનું સંગીત છે. આમ તો બજવું છું વીણા, પણ આંખો તો ગણત્રીમાં ઉલ્ઝાયેલી છે કે શું મળશે! હૃદય તો પૂછયા કરે છે આજે પુરસ્કાર શું મળશે? આજે સમ્રાટ શું દેશે? વીણાવાદનથી પ્રસન્ન છે કે નહીં? આપનો ચહેરો જોયા કરું છું નથી જોતોના ડોળ સાથે. નથી હોતો પૂરેપૂરો વીણામાં. બિલકુલ બરાબર કહો છો તમે કે મારી એમની સાથે શું તૂલના… એ હોય છે તો પૂરા હોય છે…

જગતના મહાનતમ વાર્તાકાર ઓશોની અહંકારભંજનની ત્રિવેણીની રજૂઆત પછી આજે ચાલો સમષ્ટિ સાથે સુર માંડીએ… ગાઈએ…

થઈ સુનેરી રંગમાં ચકચુર ગાતાં હોય છે
દરસવારે પંખીઓ ભરપૂર ગાતાં હોય છે
માંડણી સાથે વિધિસર ગાનનો ક્યાં છે સમય
સૂર્ય સામે ઓસ ક્ષણભંગુર ગાતાં હોય છે
હોય છે માથા ફરેલાં સાધકો સૂર તાલનાં
વટહુકમ સૌ ફાડી ફેંકી દૂર-ગાતાં હોય છે
નાશ કરવાનીય છે તાકાત કુમળા સૂરમાં
મેઘતાંડવમાં નદીના પૂર ગાતાં હોય છે
શુદ્ધ છે એ મહેફિલોનાં ક્યાં કદી મોહતાજ છે
કાનમાં, અથવા જઈને દૂર ગાતાં હોય છે
એક સરસ છે કલ્પના કે થાય જ્યાં મારો પ્રવેશ
જન્નતો, જન્નતનશીનો, હૂર ગાતાં હોય છે
એમની સરગમનું સ્તર સાવ જ જુદુ હોઈ શકે
હીટલરો, ઔરંગઝેબો ક્રૂર ગાતાં હોય છે
જે ક્ષણે નખલી અડે છે શિવજીની તારને
એક સાથે આંઠ દસ સંતુર ગાતાં હોય છે
એમણે મારા સુધી જ્યાં પહોંચવું નક્કી કર્યું
મારા ઘરનાં સૌ ગરીબ ગોપુર ગાતાં હોય છે
શક્ય છે, વિનવો અગર શોભિતને તો માને નહીં
પણ જરા જેવા થયાં ચકચૂર-ગાતાં હોય છે.
આજે આટલુંજ

આ પણ વાંચો…આજે આટલું જ : આખર પછીની અદલાબદલી…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button