
-શોભિત દેસાઈ
મારે પૂરતી છે એક ચાદર, પણ-
જિંદગીનો હુકમ છે- રળતર વણ…
છેતરાતા નહીં! અહમ છે નર્યો
નમ્રતા થઈને આવ્યો છે આ ક્ષણ
જી હા, આંખાકર્ષક શીર્ષકની વાત આગળ વધારું એ પહેલાં તમે અનેકવાર અનુભવ્યું હશે તમારી આજુબાજુમાં એ વાત તમને જણાવી દીધી. ઈઝરિયલની મુખ્યા ગોલ્ડામિરે તો આ શેર કરતાંય અનેકગણી આગળની વાત કરી હતી, વિનમ્ર ના બનતા. તમે એટલા મહાન નથી…
છતાંય, કેટલાક જન્મજાત જિનિયસમાં કુદરતી નમ્રતા એમની સાદાઈ પાછળ એવી સુંદર લપાઈ જાય કે તમને એ સહજતાનું ઉદાહરણ લાગવા માંડે. આજે આ રહી એવી એક વિનમ્રતાની ત્રિવેણી.
નવરત્ન સજ્જ દરબાર ધરાવતા અકબર વિષે એમ કહેવું કે ઉત્તમ પારખુ હતા તો એ પુનરુક્તિ દોષ થઈ જાય, અકબર એટલે જ પારખુ. સંગીતમાં પ્રવેશે ત્યારે અકબર મટી જાય અને બની જાય કાનસેન અને પાછા એમના દરબારરત્ન કોણ?! સ્વયમ્ સુર: તાનસેન…
આ પણ વાંચો…આજે આટલું જ : આખર પછીની અદલાબદલી…
એ કાનસેન એકવાર તાનસેનને બોલ્યા: તાનસેન! બહુ વાર તારા સંગીતને સાંભળી હું એવો આંદોલિત થઈ જાઉં છું કે મને એમ થવા માંડે છે કે આ પૃથ્વી પર તારા જેવું કોઈ નહીં… તું બેજોડ છે, તું અદ્વિતીય છે, પણ ક્યારેક સવાલ પણ ઊઠે છે કે… કાલે રાતે જ થયું તું વીણા વગાડીને ગયો પછી અને હું ગદગદ હતો અને કલાકો તલ્લીન રહ્યો; તું તો ચાલી ગયો, વીણા પણ વધાવી લીધી પણ મારી અંદર કંઈક બજતું રહ્યું બજતું રહ્યું અને એ બજવાનું બંધ થયું ત્યારે મને આ સવાલ ઉઠ્યો, આ સવાલ ઘણી વાર પહેલાં પણ ઉઠ્યો છે,
આજે તને પૂછી જ લઉં છું… સવાલ મને હંમેશાં એ થાય છે કે તું કોઈ પાસેથી શીખ્યો હશે, કોઈ ગુરુ હશે… કોણ જાણે તારા ગુરુ તારાથી પણ અદ્ભુત હશે. તેં ક્યારેય કહ્યું નહીં, મેં કોઈ દિવસ પૂછ્યું નહીં, આજે પૂછું છું, છુપાવતો નહીં. તારા ગુરુ જીવિત છે? અગર જીવિત હોય તો મારે એમના દર્શન કરવા છે. જો જીવિત હોય તો એકવાર એમને દરબાર લઈ આવ… એમનું સંગીત સુણું… જેથી આ જીજ્ઞાસા મારી મટી જાય.
તાનસેને કહ્યું: મારા ગુરુ જીવિત છે. હરીદાસ એમનું નામ છે. એ એક ફકીર છે. એ યમુનાના તટ પર એક ઝૂંપડામાં રહે છે, પણ તમે જે માગ કરો છો એ પૂરી કરવી મારા બસની બહાર છે. એમને દરબાર ન લાવી શકાય, હા દરબારને ત્યાં જવું હોય તો વાત ઔર છે. એ અહીં નહીં આવે. એમની કોઈ માગ જ નથી. હું તો અહીં આવું છું, મારી તો માંગો છે કેટલીય… હું તો અહીં આવું છું કારણ ધનમાં મને રસ છે.
રહી તુલનાની વાત તો મહેરબાની કરીને મારી તુલના એમનાથી ન કરો. ક્યાં હું ક્યાં એ! હું ફરકું નહીં એમની આજુબાજુ… મને તો ભૂલી જ જાઓ આપ. એમની સાથે મારું નામે ય ન રખાય. અકબર તો કુતૂહલથી ઔર ભરાઈ ગયા. બોલ્યા કોઈ ફિકર નહીં. તો હું આવીશ. આજે જ જઈશું.
તાનસેને કહ્યું ઔર અડચણ છેકે એ ફરમાઈશથી નહીં ગાય. એવું નથી કે આપ આવો એટલે એ ગાય. અકબર બોલ્યા: તો કેવી રીતે એ ગાશે? તાનસેન બોલ્યા: મુશ્કેલ છે, બહુ મુશ્કેલ. એક જ ઉપાય છે, ચોરીથી સાંભળીએ તો. જ્યારે એ ઝંકૃત થાય ત્યારે સાંભળીયે તો છે. કાંઈ નક્કી નહીં. પણ હું પતો મેળવું છું. આમ તો સવારે ત્રણ વાગે ઊઠીને એ વગાડે છે.
વર્ષો એમની પાસે રહ્યો છું. એ ઘડી એ છોડતા નથી. જ્યારે તારામંડળ વિદાય લેવાની પાસે પહોંચતું હોય, હજુ સવાર થઈ ના હોય, રાત્રિ અને દિવસના એ મિલનસ્થળ પર એ અપૂર્વ ગીતોની વણઝારને આવકારે છે. એમનાથી અલૌકિક સંગીત જન્મે છે. આપણે છુપાઈ જવું પડશે. આપણે રાત્રે બે વાગ્યાથી બેસી જઈએ. કદી ત્રણ વાગે ગાય, કદિક ચાર વાગે, કદિક પાંચ વાગે. કોણ જાણે ક્યારે. આપણે લપાઈને બેસવું પડશે, ચોરી ચોરી સાંભળવું પડશે. જો એમને ખબર પડી જાય કે કોઈ છે તો કદાચ ન યે ગાયે. અકબરની તો જિજ્ઞાસા એવી ઉછાળા મારે કે બોલ્યા આપણે જઈશું જ…
પછી… પછી શું થયું?! તારાની વિદાય અને પૂર્વ દિશાની ક્ષિતિજ પરના ટપકાઓના મિલને અપૂર્વ સંગીત એ પરોઢે જન્માવ્યું કે નહીં? આવતા રવિવારે ઓશોની આ અદ્ભુત વાર્તા આગળ વધારીએ.
આજે આટલું જ…
આ પણ વાંચો…આજે આટલું જ : સાવ ખાનગી વાત (5)