નાટકના આનંદ સામે સિરિયલ – ચિત્રપટ પાણી ભરે

- સ્પોટ લાઈટ – મહેશ્ર્વરી
કલાકારો વચ્ચે આપસી તાલમેલ બની ગયા પછી નાટક ભજવતી વખતે કલાકારો વચ્ચે અનોખો સંવાદ તો સર્જાય જ, વ્યાવસાયિક સંબંધો પણ ઘનિષ્ઠ બને. હકથી કહેવાનો ભાવ આવે. મારી નાટ્ય સફરમાં મને એવા ઘણા અનુભવ થયા છે જ્યારે ‘મહેશ્વરી બહેન, તમારે આ રોલ કરવાનો છે, ના નહીં પાડતા’ એવું કહેવામાં આવ્યું હોય. શ્રી દેશી નાટક સમાજનાં નાટકો હોય કે પછી કાંતિ મડિયા જેવા દિગ્ગજનાં નાટકો હોય કે પછી શૈલેષ દવે, રાગિણી, હોમી વાડિયા કે રસિક દવે હોય, તેમના ફરમાન આવ્યા અને મેં ‘જી હું કરીશ’ એવો હોંકારો આપી નાટકો પણ કર્યા છે. અમેરિકાના પ્રવાસેથી પાછા ફર્યા બાદ તરત આવેલો રસિક દવેનો ફોન એનું જ અનુસંધાન હતો.
અંગત રીતે લગ્નજીવન વસમું રહ્યું હતું, પણ રસિક દવેના ‘પરણ્યા એટલે પ્યારા લાડી’ નાટકમાં કામ કરી અલગ અનુભવ લીધો. રિહર્સલ કરી નાટક બરાબર બેસાડ્યું અને રસિક ઈચ્છતો હતો એ જ તારીખે નાટક ઓપન થઈ શક્યું. રંગભૂમિના કલાકારો અચાનક આવી પડેલા પડકારને પહોંચી વળવા ખૂબ સક્ષમ હોય છે. નાટકમાં મારી સાથે અજીત વાચ્છાનીની દીકરી તેમ જ એક મરાઠી આર્ટિસ્ટ હતો અને રસિક ડિરેક્ટ કરવા ઉપરાંત રોલ પણ કરી રહ્યો હતો. અગાઉના ઘણા હપ્તામાં મેં ગુજરાતી નાટકો પરથી બનેલી હિન્દી ફિલ્મો વિશે વાત કરી છે, એના ઉદાહરણ પણ આપ્યા છે. ‘પરણ્યા એટલે પ્યારા લાડી’માં ઊલટી ગંગા વહી હતી. આ નાટક હિન્દી ફિલ્મ ‘બદલતે રિશ્તે’ પર આધારિત હતું. પ્રણય ત્રિકોણની કથા ધરાવતી આ ફિલ્મમાં જીતેન્દ્ર, રિશી કપૂર અને રીના રોય હતાં. ફિલ્મ સુપરહિટ થઈ હતી, પણ ગુજરાતી નાટકો જોતા દર્શકોએ એને મોળો આવકાર આપ્યો. પરિણામે થોડા શો પછી નાટક બંધ પડી ગયું. ફરી એક વાર ઘરે હાથ જોડી બેસવાનો વારો આવ્યો.
અને એક દિવસ મને ‘રશ્મી શર્મા ટેલિફિલ્મ્સ’માંથી ફોન આવ્યો. નાટક કે ફિલ્મ માટે નહીં, ટેલીવિઝન ધારાવાહિક માટે. ‘સાથ નિભાના સાથિયા’ સિરિયલ માટે. મેઈન રોલ કરતી અભિનેત્રીની માતાનો રોલ હતો. મને ટીવી સિરિયલમાં કામ કરવાનો અનુભવ હતો એટલે મેં હા પાડી દીધી. મને ઓફિસમાં બોલાવી અને બધું નક્કી થઈ ગયું અને મને કહેવામાં આવ્યું કે ‘આવતી કાલથી તમારું શૂટિંગ શરૂ થઈ જશે. સમયસર આવી જજો.’ હું તો સમયસર શૂટિંગમાં પહોંચી ગઈ અને કામ શરૂ કરી દીધું.
મારા રોલનો વિસ્તાર ખાસ્સો હતો એટલે બે વર્ષ સુધી હું એમાં વ્યસ્ત રહી. આ ધારાવાહિક દર્શકોને બહુ પસંદ પડી અને મને યાદ છે ત્યાં સુધી એના બે હજારથી વધુ શો થયા. આ પ્રોડક્શન હાઉસનાં સર્જનો એટલા લોકપ્રિય થયા કે એક સમયે એક સાથે એના અલગ અલગ છ શો ટીવી પર પ્રસારિત થઈ રહ્યા હતા. નાના પડદા પર સફળતા મળ્યા બાદ મોટા પડદા પર એટલે કે ચલચિત્ર નિર્માણમાં પણ ‘રશ્મી શર્મા ટેલિફિલ્મ્સ’એ હાથ અજમાવ્યો. 2016માં આવેલી અમિતાભ બચ્ચન, તાપસી પન્નુની ‘પિન્ક’ પણ આ પ્રોડક્શન હાઉસનું જ નિર્માણ હતું. એ વાત ખરી કે ટીવી સિરિયલમાં કામ કરવાની મજા અલગ હોય છે. એમાં પૈસા વધુ મળે છે અને જો સિરિયલ લાંબી ચાલે તો મીટર પણ ચાલતું રહે છે. મેં સિરિયલો ઉપરાંત ચિત્રપટમાં પણ અભિનય કર્યો છે. જોકે, નાટક જેવા આનંદ – સંતોષ નથી મળ્યા એ હકીકત છે. રંગભૂમિની વાત જ ન્યારી છે.
નાટકનું માધ્યમ અભિનય છે અને અભિનયના કેન્દ્રમાં નટ રહ્યો છે એટલે એનું વર્ચસ્વ વધે એ સ્વાભાવિક કહેવાય. અલબત્ત, નટ નાટકની કથા કરતા વધુ પ્રભાવી બની જાય તો નાટક પાછળનો હેતુ દબાઈ જાય અને દર્શકોના સ્મરણમાં નટની અદાકારી વધુ રહે. આવું જો સતત થાય તો રંગભૂમિને નુકસાન થાય. જૂની રંગભૂમિમાં નટના પ્રભુત્વને કારણે અમૃત કેશવ નાયક, બાપુલાલ નાયક, પ્રાણસુખ ‘એડીપોલો’, મોહનલાલ, માસ્ટર અશરફખાન, પ્રભાશંકર ‘રમણી’, જયશંકર ‘સુંદરી’, મોતીબાઈ, માસ્ટર કાસમ, આણંદજી ‘કબૂતર’, મુન્નીબાઈ, માસ્ટર વસંત જેવા કલાકારો રંગભૂમિની શાન હતા. પોતાનાં પાત્રો દર્શકોના હૈયામાં જડાઈ જાય એ માટે આ કલાકારોએ પોતાની સૂઝબૂઝ કામે લગાડી. અભિનયમાં એક્કો સાબિત થવા ટ્રેઈનિંગ પણ લીધી. તાલીમ મેળવવા માટે કલાકારની નિષ્ઠા કેવી હતી એ સમજવા અમૃત નાયકની વાત જાણવા જેવી છે.
ગુજરાતી ઉપરાંત હિન્દી, મરાઠી અને ઉર્દૂ ભાષા શીખવા પર જોર આપ્યું. અભિનયને ધારદાર બનાવવા એક્ટિંગની ટ્રેઈનિંગ લેવા લખનઊ ગયા હતા. ‘યહૂદી કી લડકી’ જેવું ખ્યાતનામ નાટકના લેખક આગ હશ્ર કશ્મીરીના એક ઉર્દૂ નાટકમાં અમૃત નાયકનો રોલ ખાસ્સો ગાજ્યો હતો. ‘યહૂદી ની લડકી’ પરથી કલકત્તાની ન્યૂ થિયેટર્સ કંપનીએ તેમજ અન્ય બે ફિલ્મમેકરે એ જ નામની હિન્દી ફિલ્મ બનાવી હતી. બિમલ રોયે દિલીપ કુમાર – મીના કુમારીને લઈ ‘યહૂદી’ ફિલ્મ બનાવી હતી. દર્શકો અમૃત નાયકની ભૂમિકા પાછળ એ હદે ઘેલા થતા હતા કે નાટક પૂરું થયા પછી એમને જોવા અને એમનું અભિવાદન કરવા લોકો વન્સમોર કરતા હતા. નાટકનો કોઈ સંવાદ કે ગીત ગમી જાય અને વન્સમોર થાય એના તો અનેક ઉદાહરણ છે, પણ અમૃત નાયકનો ઠસ્સો અનેરો હતો. આ હતું અભિનેતાનું કાઠું, એનું સામર્થ્ય.
શ્રીમતી ઉત્તમલક્ષ્મીનું યોગદાન અનન્ય છે
અધ્યાપક કેશવલાલ જીવરામ જૈન લિખિત ‘સંગીત લીલાવતી’ નાટકના ગીત બેહદ પસંદ પડ્યા હોવાથી નાટક જોવા ગયેલા ડાહ્યાભાઈ ધોળશાજીને ‘નાટક કંપની કાઢી જુઓ તો ખબર પડે કે વન્સમોર કેમ અપાય’ એવું મેણું મારવામાં આવ્યું. ગુજરાતી નાટ્ય રસિકો કાયમ માટે મેણું મારનારા કલાકારના ઋણી રહેશે. ડાહ્યાભાઈને ખૂબ લાગી આવ્યું હશે અથવા એ પડકાર ઝીલી લેવાનું મન થયું હશે એટલે નાટક કંપનીને દેશી નાટક સમાજ નામ આપીને ચાલુ રાખી. કંપનીની સ્થાપનાના 10 વર્ષ પછી ડાહ્યાભાઈનું અવસાન થયું, પણ નાટક કંપની બંધ ન પડી. અલગ અલગ સંચારમાં નાટક કંપની આગળ વધતી ગઈ અને જનતાનું મનોરંજન થતું રહ્યું. સૂત્રો બદલાતા રહ્યા અને 1924માં હરગોવિંદદાસ જેઠાલાલ શાહ શ્રી દેશી નાટક સમાજનાં માલિક હતા. જોકે, 1938માં હરગોવિંદદાસનું અવસાન થયા પછી કંપનીનાં સૂત્રો બહારની કોઈ વ્યક્તિએ નહીં, તેમનાં પત્ની ઉત્તમલક્ષી બહેને પોતાના હાથમાં લીધા. ગુજરાતી રંગભૂમિના ઇતિહાસમાં એક અનોખા સર્જક તરીકે હંમેશાં ઉલ્લેખનીય રહેશે. ઉત્તમલક્ષી બહેન કેવળ ઘરરખ્ખુ નહોતા, કંપનીની માલિકી તેમના પતિના હસ્તક આવી ત્યારથી તેની વ્યવસ્થામાં રસ લેવા માંડ્યો હતો અને પતિનો સહકાર મળતા સંચાલન સંબંધી સારો અનુભવ તેમને મળી ગયો હતો. પતિના અવસાન પછી નાટક કંપની ચલાવવી એ તેમના જીવનનું ધ્યેય બની ગયું. કંપનીના સંચાલન ઉપરાંત તેમણે નાટકોના નિર્માણમાં રસ લેવાનું શરૂ કર્યું. એમણે એક પછી એક સુંદર, શિષ્ટ, હેતુલક્ષી, સમાજોપયોગી નાટકોની રજૂઆતને પ્રાધાન્ય આપવાની શરૂઆત કરી. એમની કોશિશ અને પહેલને કારણે જે નાટ્યકારો આગળ આવ્યા એમાં પ્રભુલાલ દ્વિવેદી, જી. એ. વેરાટી, પ્રફુલ્લ દેસાઈ, રઘુનાથ બ્રહ્મભટ્ટ, જીવણ લાલ બ્રહ્મભટ્ટ, રમણલાલ, નંદલાલ નકુભાઇ શાહ, કવિ મણિલાલ ‘પાગલ’ વગેરે નોંધપાત્ર છે. આ લેખકો દ્વારા રજૂ થયેલાં નાટકો શત પ્રયોગોની સીમા વટાવી ગયા હતા. તેમના સંચાલનમાં સંસ્થાએ એક અગ્રગણ્ય વ્યવસાયી નાટ્ય સંસ્થા તરીકે નામના મેળવી. શ્રીમતી ઉત્તમલક્ષ્મી સ્વતંત્ર માલિક થયા પછી રેલ કે દુષ્કાળ જેવા સંકટ સમયે નાટકો દ્વારા મદદ કરી હતી. ગુર્જર સન્નારીની નાટક કંપનીના માલિક તરીકે આવી યશસ્વી કારકિર્દી ભાગ્યે જ જોવા મળી.
આપણ વાંચો: કાળમીંઢ આર્થર રોડ જેલ: કોઈ એક નયે મહેમાન કી આને કી ખબર હૈ…!



