અણગમતી લાગે એવી ઘટના પાછળ કુદરતનો કોઈ સંકેત હોઈ શકે…

સુખનો પાસવર્ડ – આશુ પટેલ
જીતેન્દ્ર
થોડા દિવસો અગાઉ એક પરિચિત યુવાનનો ઉત્સાહભેર કોલ આવ્યો કે ‘તમને આમંત્રણ આપવા કોલ કર્યો છે. મેં એક પોશ સોસાયટીમાં મોટો ફ્લેટ લીધો છે એમાં પૂજા રાખી છે. તમારે આવવાનું જ છે.’
મેં તેને અભિનંદન આપ્યા. તેણે કહ્યું, ‘મને તમારી વાત યાદ આવે છે કે ‘તારી નોકરી ગઈ એની પાછળ કદાચ કોઈ સારો સંકેત હશે.’ હવે મને લાગે છે કે એ વખતે સહકર્મચારીઓએ મારી વિરુદ્ધ ખટપટ કરીને મને નોકરી છોડવાની ફરજ પાડી એ ઘટના ‘બ્લેસિંગ ઇન ડિસગાઈસ’ જેવી હતી. જો મેં નોકરી ન છોડી હોત તો હું હજી એ જ ઓફિસમાં, એ જ ખટપટ વચ્ચે નોકરી કરી રહ્યો હોત!’
થોડાં વર્ષો અગાઉ તે યુવાને કોલ કર્યો હતો. એ વખતે તે હતાશ થયેલો હતો. તેણે ફરિયાદના સૂરે કહ્યું હતું: ‘હું બેકાર થઈ ગયો છું. હું મારું કામ નિષ્ઠાથી કરતો હતો, પણ ઓફિસમાં આંતરિક રાજકારણને કારણે મારે નોકરી ગુમાવવી પડી. મારા પગારને કારણે મારું ઘર ચાલે છે. હવે મારી નોકરી ગઈ એટલે મારા કુટુંબનું ગુજરાન કેમ ચાલશે.?’
એ વખતે તે ખૂબ અફસોસ કરી રહ્યો હતો કે ઓફિસના કેટલાક દુષ્ટ કર્મચારીઓએ તેની સાથે રાજકારણ રમીને એવી સ્થિતિ ઊભી કરી કે તેણે રાજીનામું આપવું પડે. નહીં તો મેનેજમેન્ટ તેને નોકરીમાંથી કાઢી મૂકે.
એ વખતે મેં સાંત્વના સાથે સલાહ આપતાં કહ્યું હતું: ‘તારી સાથે આ કદાચ સારા માટે પણ બન્યું હોઈ શકે. તું તેજસ્વી યુવાન છે. નોકરી કરવાને બદલે તારો પોતાનો વ્યવસાય શરૂ કર.’
તે યુવાને નાના પાયે એક વ્યવસાય શરૂ કર્યો. થોડાં સંઘર્ષ પછી તેને એ વ્યવસાયમાં સફળતા મળી અને ધીમેધીમે તેણે પોતાનો બિઝનેસ જમાવી દીધો. હવે તે સફળ બિઝનેસમેન બની ગયો છે અને જીવનને માણી શકે છે.
તે યુવાનનો કોલ આવ્યો હતો ત્યારે મેં તેને કેટલાક કિસ્સાઓ કહ્યાં હતાં, જેમાં કોઈ તબક્કે માણસને કોઈ સ્થિતિ અણગમતી લાગે પણ પાછળથી તેને સમજાય કે એ સ્થિતિ તેના સારા માટે સર્જાઇ હતી.
તે યુવાન સાથે વાત થઈ ત્યારે મને ફિલ્મ અભિનેતા જીતેન્દ્રએ કહેલો એક કિસ્સો યાદ આવી ગયો. તેમના જીવનનો એ કિસ્સો વાચકોએ પણ જાણવા જેવો છે.
જીતેન્દ્ર 1976માં દક્ષિણના જાણીતા ફિલ્મમેકર ડી. રામા નાયડુની એક ફિલ્મમાં અભિનય કરી રહ્યા હતા. એ ફિલ્મના શૂટિંગ માટે તેમણે મુંબઈથી ચેન્નાઈ જવાનું હતું. તેમની ફ્લાઈટ સાંજના સાત વાગ્યાની હતી, પરંતુ એ એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી કે ફ્લાઇટ બે કલાક મોડી છે. જીતેન્દ્રએ એરપોર્ટ પરથી પત્ની શોભાને કોલ કર્યો. શોભાજીએ કહ્યું કે ‘આજે કરવા ચોથ છે અને કુદરત પણ ઈચ્છે છે કે તમે કરવા ચોથમાં ચંદ્ર ઊગે ત્યારે મારી સાથે હો. હવે તમારી પાસે સમય છે તો ઘરે આવી જાવ.’
જીતેન્દ્રએ વિચાર્યું કે આમ પણ ફ્લાઇટ મોડી થઈ છે તો થોડીવાર માટે ઘરે જતો રહું.
એ વખતે તેઓ પાલી હિલ રહેતા હતા અને પાંચ દાયકા અગાઉ મુંબઈમાં આટલો હેવી ટ્રાફિક પણ નહોતો રહેતો. તે પાછા ઘરે જતા રહ્યા. ઘરે પહોંચ્યા એ વખતે શોભાજી ચંદ્ર ઊગવાની રાહ જોઈ રહ્યાં હતાં. તેમણે જીતેન્દ્રને કહ્યું કે ‘હવે તમે આજે ચેન્નાઈ ન જતા.
આમ પણ ફ્લાઈટ મોડી છે એટલે તમે મોડા નીકળશો તો રાતે મોડા પહોંચશો અને સવારે પાછું તમારે શૂટિંગ માટે સેટ પર પહોંચવાનું છે. એના કરતાં તમે વહેલા ઊંઘી જાવ અને સવારની ફ્લાઈટ લઈને ફ્રેશ મૂડમાં ચેન્નાઈ પહોંચજો.’ પત્નીના આગ્રહથી જીતેન્દ્ર રોકાઈ ગયા.
થોડીવાર પછી પત્ની સાથે તેમના ઘરની બાલ્કનીમાં ગયા. એ વખતે તેમણે જોયું કે એરપોર્ટ પર આકાશમાંથી આગનો ગોળો નીચે રનવે તરફ જઈ રહ્યો છે!
એ પછી થોડીવારમાં તો જીતેન્દ્રના ઘરનો ફોન સતત રણકવા લાગ્યો. ત્યારે ખબર પડી કે તે જે ફ્લાઈટમાં જવાના હતા એ ટેક ઓફ થઈ એ સાથે જ તૂટી પડી હતી!
જેમને ખબર હતી કે જીતેન્દ્ર આ ફ્લાઈટમાં ચેન્નાઈ જવાના છે તે બધા જીતેન્દ્રના ઘરે કોલ કરવા લાગ્યા હતા. તેમને ધ્રાસકો પડ્યો હતો કે જીતેન્દ્ર આ ફ્લાઈટમાં છે, પરંતુ પત્નીના આગ્રહને કારણે જીતેન્દ્ર રોકાઈ ગયા હતા એટલે બચી ગયા હતા!
એ ફ્લાઇટ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી અને એ પ્લેનમાં સવાર તમામ 96વ્યક્તિઓ મૃત્યુ પામી હતી! જીતેન્દ્રની સહઅભિનેત્રી રાની ચંદ્રા એ ફ્લાઈટમાં હતી તેનું પણ અકાળે મૃત્યુ નીપજ્યું હતું.
એ કિસ્સો યાદ કરતા જીતેન્દ્રએ કહ્યું હતું કે ‘મને ફ્લાઇટ મોડી થઈ ત્યારે થોડી અકળામણ થઈ હતી કે હું ચેન્નાઈ મોડો પહોંચીશ અને સવારે પાછું મારે વહેલા ઊઠીને સેટ પર પહોંચવું પડશે, પરંતુ શોભાના આગ્રહને કારણે હું રોકાઈ ગયો અને મેં સવારની ફ્લાઈટમાં જવાનું નક્કી કર્યું એને કારણે હું બચી ગયો.’
આપણા જીવનમાં ઘણી વખત એવી ઘટના બનતી હોય છે કે જે ઘટના આપણને અણગમતી લાગે, પરંતુ પછી એ ઘટનાને કારણે આપણા પરથી મોટી ઘાત ટળી જાય અથવા તો આપણું અહિત થતાં રહી જાય એવું પણ બનતું હોય છે.
આપણે ત્યાં કહેવત છે કે ‘જે થાય એ સારા માટે.’ એટલે ઘણી વખત આપણને જે વાત કે ઘટના અણગમતી લાગતી હોય એની પાછળ કુદરતનો કોઈ સંકેત હોઈ શકે.



