ગુજરાતનું ભૂષણ: વનસ્પતિશાસ્ત્રી જયકૃષ્ણ ઇન્દ્રજી

વલો કચ્છ – ગિરિરાજ
કચ્છના અતિ સીમાવર્તી વિસ્તારમાં આવેલ લખપત ગામ. ચારે તરફ રણની ઊડતી રેતી, તપતી હવા અને સંઘર્ષમય જીવન. આ માટીમાં 1849માં જન્મેલો એક બાળક ભવિષ્યમાં સમગ્ર ગુજરાતનો પ્રથમ વનસ્પતિશાસ્ત્રી બનશે એ વિચાર તે સમયના કોઈ શિક્ષિત સમાજને પણ અશક્ય લાગ્યો હશે, પરંતુ કુદરત સાથેનો અતૂટ સંબંધ, અવિરત પરિશ્રમ અને જ્ઞાન પ્રત્યેની અસીમ તરસે આ બાળકને ઇતિહાસમાં અમર બનાવી દીધાં. આ બાળક તે બીજું કોઈ નહીં લાખેણા કચ્છના જયકૃષ્ણ ઇન્દ્રજી ઠાકર.
પરિવારની આર્થિક સ્થિતિ નબળી પણ સંસ્કારોથી સમૃદ્ધ. તેમનું ઔપચારિક શિક્ષણ માત્ર ચોથા ધોરણ સુધીનું જ. આજે જ્યાં ડિગ્રી વિના ઓળખ મુશ્કેલ લાગે છે, ત્યાં તેમણે સ્વઅભ્યાસને જીવનનો ધર્મ બનાવી લીધો અને સમગ્ર ગુજરાતમાં કચ્છનું નામ રોશન કરી દીધું. જયકૃષ્ણને ચાર ભાઇ. મોટાભાઇ રામકૃષ્ણ, સારા પુરાણી હતા. બીજા નંબરના પરમાનંદ, સારા જ્યોતિષ. ત્રીજા નંબરના ભાઇ ભાણજીભાઇ અને તેઓ સંસ્કૃત ભાષા અને વ્યાકરણ સાં જાણતા હતા. ચોથા નંબરના ભાઇ તે આપણા વનસ્પતિશાસ્ત્રી શ્રી જયકૃષ્ણ ઇન્દ્રજી. પાંચમા નંબરના ભાઇનું નામ વાલજીભાઇ સારા ભજનિક હતા. આમ પાંચેય ભાઇઓ જુદી જુદી શાખાઓનું જ્ઞાન ધરાવતા હતા.
જયકૃષ્ણ રામકૃષ્ણભાઈ સાથે માંડવીમાં રહ્યા. ત્યાંથી સિંધમાં પણ બે વર્ષ રહ્યા અને એ પછી મુંબઈ પહોંચ્યા. તે સમય દરમિયાન શાસ્ત્રીય સંગીતની તાલીમ મેળવી અને ફારસી પણ શીખ્યા. વચ્ચે બીજા ભાઈ સાથે મથુરા ગયા અને પુસ્તકોની દુકાન શરૂ કરી પણ વધુ ફાવ્યું નહીં, તબિયત બગડી ત્યારે એમની સારવાર કરનારા આયુર્વેદના પંડિત ભગવાનલાલજી ઇન્દ્રજીના સંપર્કમાં આવ્યા અને જીવનમાં પરિવર્તન સર્જાયું. તેઓ પંડિતજીના વનસ્પતિ અંગેના જ્ઞાનથી આકર્ષાયા અને તેમનાં કાર્યોમાં રસ લઈને કામ કરવા લાગ્યા. જીવનનિર્વાહ માટે તેમણે અલગ અલગ વ્યવસાયમાં અજમાવ્યું પણ તે ફાવ્યું નહીં હોય કદાચ એટલે જ કે તેમને પ્રકૃતિના રંગો અને ગંધોને સમજવું એ સ્વભાવમાં હશે.
એ પછી તો રસદ્રષ્ટિથી આગળ વધતા ગયા અને તેમણે અનેક ભારતીય અને વિદેશી વૈજ્ઞાનિકો સાથે સંવાદ સાધ્યો. છોડ એકત્રિત કરવું, તેનું વર્ગીકરણ કરવું, વિવિધ ભાષામાં તેનાં નામો શોધવા, તેના ઉપયોગો પર પ્રયોગ કરવો આ બધું તેમના દૈનિક જીવનનો ભાગ બની ગયું. ધીમે ધીમે તેઓ એવી કુશળતા સુધી પહોંચ્યા કે સૂકી પાંદડી જોઈને પણ તે કઈ વનસ્પતિની છે તે ઓળખી શકતા.
1886થી 1904 દરમિયાન તેઓ પોરબંદર રાજ્યના બગીચા અને જંગલ વિભાગના સંચાલક રહ્યા. આ દરમિયાન બરડા ડુંગર, જંગલ વિસ્તાર અને ગ્રામ્ય ભૂમિમાં તેમણે વનસ્પતિઓનું ઊંડું અધ્યયન કર્યું. નવા છોડ વાવ્યા, નાશ પામતી જાતિઓનું સંરક્ષણ કર્યું અને હરિયાળીના પ્રયોગો કર્યા. તેઓ ઈચ્છતા હતા કે પોતાનું જ્ઞાન સામાન્ય જનતા સુધી પહોંચાડવું. નિવૃત્તિ પછી તેમણે મહાગ્રંથ વનસ્પતિશાસ્ત્ર લખવાનું નક્કી કર્યું. હજારો વનસ્પતિઓનું વર્ણન, ચિત્રો, ગુણધર્મો અને ઉપયોગો ધરાવતું એ પુસ્તક એક વૈજ્ઞાનિક ખજાનો હતો. છાપકામનો ખર્ચ ભારે હતો. વિદેશી સહાયની ઓફર મળી, પરંતુ શરત હતી કે પુસ્તક અંગ્રેજીમાં છપાવવું. જયકૃષ્ણ ઇન્દ્રજીએ ગૌરવભેર ઇનકાર કર્યો. તેમના માટે માતૃભાષા જ જ્ઞાનનો સાચો માર્ગ હતી. અંતે તેમની પત્નીએ પોતાના ઘરેણાં વેચીને પુસ્તક છપાવ્યું.
તે પછી બરડાની વનસ્પતિ' તથાકચ્છ સ્વસ્થાનની વનસ્પતિ’ નામનાં બે વધુ પુસ્તકો તેમણે લખ્યાં. કચ્છ માટે લખાયેલું કચ્છીઓ માટે મહત્ત્વનું પુસ્તક એટલે પણ ગણી શકાય કેમ કે એમાં વનસ્પતિઓના ગુજરાતી ઉપરાંત કચ્છી અને સંસ્કૃત નામો પણ આપેલા છે. કચ્છમાં રણ સતત વિસ્તરી રહ્યું હતું. ઊડતી રેતી ખેતીને નષ્ટ કરતી હતી, પાણીનો અભાવ વધતો હતો. તેમણે ખાસ જાતની વનસ્પતિઓ શોધી જે રેતીને બાંધે, પવનની ગતિ ઘટાડે અને જમીનને જીવંત રાખે. તેમણે અનેક સ્થળે જંગલો ઊભા કરાવ્યા. રોજ કેટલાંક વૃક્ષો વાવ્યાં વિના ભોજન ન લેવાનો તેમનો નિયમ હતો. તેમના માટે વૃક્ષારોપણ ધાર્મિક સાધના સમાન હતું. તેમના આ ભગીરથ કાર્યને કારણે કચ્છ-ગુજરાતની અનેક વનસ્પતિઓ વિશ્વના વનસ્પતિશાસ્ત્રમાં સામેલ થઈ શકી. તેમણે અનેક સંદિગ્ધ વનસ્પતિઓની સ્પષ્ટતા કરી અને વનસ્પતિ માત્રને ઓળખવાની ગુચાવી બતાવી છે. વનસ્પતિ પરનાં આ ત્રણેય પુસ્તકો આજે પણ વૈદ્યો અને વનસ્પતિશાસ્ત્રના અભ્યાસીને મહત્ત્વનું માર્ગદર્શન પૂં પાડે છે.
ગુજરાતના વિખ્યાત વનસ્પતિશાસ્ત્રી બાપાલાલ વૈદ્ય જયકૃષ્ણજીના શિષ્ય અને પ્રશંસક હતા. તેમણે `વનસ્પતિશાસ્ત્રી જયકૃષ્ણ ઇન્દ્રજી’ નામથી તેમનું જીવનચરિત્ર લખેલું, જે 1931માં પ્રગટ થયેલું. કચ્છના ગોકુલદાસ બાંબડાઈએ પણ જયકૃષ્ણના કાર્યમાં ખૂબ સહાય કરેલી. પોરબંદર રહ્યા હોવાથી જયકૃષ્ણજી મહાત્મા ગાંધીના સંપર્કમાં પણ હતા, ગાંધીજીએ તેમની કાર્યસાધનાથી પ્રભાવિત થઈને તેમને ગુજરાતનું ભૂષણ કહ્યા હતા.
જીવનનાં અંતિમ વર્ષોમાં વ્યક્તિગત દુ:ખો આવ્યાં. પુત્રીના અવસાનનો આઘાત તેઓ સહન કરી શક્યા નહીં અને 1929માં તેમનું અવસાન થયું. આજે તેમની સ્મૃતિઓ ઓછી છે, પરંતુ તેમનું કાર્ય અમૂલ્ય છે. તેમના ગ્રંથો આજે પણ વૈદ્યો, વિદ્યાર્થીઓ અને સંશોધકો માટે માર્ગદર્શક છે. તેમના જન્મને આજે દોઢસોથી વધુ વરસ થયા. સ્વાભાવિક જ કચ્છે તેમનાં પ્રદાનને સમયાંતરે યાદ કરવા ઘટે!



