ઉત્સવ

આ નવા વર્ષે બ્રહ્માંડના કેવાં કેવાં અટપટા ભેદ-ભરમ ખૂલશે?

હમણાં ડિસેમ્બર મહિનામાં `જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ’એ ચાર વર્ષ પૂર્ણ કર્યાં છે ત્યારે 2025માં અખિલ બ્રહ્માંડના એણે અનેક રોચક રહસ્યો ઉકેલીને અપૂર્વ સિદ્ધિઓ મેળવી છે. હવે આ વેબ ટેલિસ્કોપ નવા વર્ષમાં શું શું વિસ્મય સર્જે છે એની આતુરતથી રાહ જોઈ રહ્યા છે જગતભરના ખગોળશાસ્ત્રીઓ…

ક્લોઝ-અપ – ભરત ઘેલાણી

જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ

બે હજાર પ્રકાશ વર્ષ દૂર સૌથી મોટું બ્લેક હોલ

વિસ્ફોટ પછી અધિક ઝળહળતો તારો – ભાગેડુ સુપરમેસિવ બ્લેકહોલની તસવીરો

લીંબુ આકારનો ગ્રહ

2025…જેમ્સ વેબસ્પેસ ટેલિસ્કોપની કેટલીક શોધ – સિદ્ધિ

  • તાજેતરમાં જ લીંબુ' આકારના એક ગ્રહની શોધજેમ્સ ટેલિસ્કોપે કરી છે, જે આપણા પૃથ્વી, ગ્રહથી 10 લાખ માઈલના અંતરે છે…
  • આજ રીતે `જેમ્સ’ ટેલિસ્કોપે 124 પ્રકાશ વર્ષ દૂરના બ્રહ્માંડના K-2 -18b’ નામના એક બાહ્યવકાશી ગ્રહ પર સજીવ સૃષ્ટિ હોવાના સંકેત પણ ઝિલ્યાં છે!
  • અથડામણ કરતાં તારા વિશ્વની અદ્ભુત તસવીરો ઝડપી છે…
  • વિસ્ફોટ પછી અધિક ઝળહળતો તારો – ભાગેડુ સુપરમેસિવ બ્લેકહોલનીતસવીરો…

નાના હતા ત્યારે આપણે બધા કાળા ડિબાંગ આકાશમાં જોજનો દૂર એવા ચમકતા ઝબકતા તારલાઓને વિસ્માયથી
બધા તાકી રહેતાં ત્યારે આપણી બા કે દાદીમા અંતરિક્ષના એ તારા- નક્ષત્રને આગંળી ચીંધીને એમની ઓળખ આપતાં : `આ છે ધ્રૂવનો અચળ તારો ને ત્યાં છે રોહિણી નક્ષત્ર.’

સમય વીતતો ગયો અને એ બાળસહજ વિસ્મયમાં જ્ઞાન- વિજ્ઞાન ઉમેરાતું ગયું અને ધરતી પરથી તારા-નક્ષત્રને સમીપથી જોવાં -ઓળખવા માટે દૂરબીન – ટેલિસ્કોપથી લઈને પ્લેનેટેરિયમ દ્વારા આકાશદર્શન ધીરે ધીરે સ્પષ્ટ થતું ગયુ. એ પછી તો કરોડો માઈલ દૂરના તારાદર્શન માટે માનવીએ અંતરિક્ષમાં ગોઠવી દીધેલા જંગી ટેલિસ્કોપની અદ્ભુત કામગીરી પણ માનવમાત્રને દિન-પ્રતિદિન અવાક કરતી ગઈ.

આજથી ચાર વર્ષ પહેલાં અમેરિકાની અંતરિક્ષમાં શોધખોળ કરતી સંસ્થા નાસા’ એ 10 અબજ ડૉલરના જંગી ખર્ચે તૈયાર થયેલું એક જંગીજેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ’ને વહેતું મૂક્યું હતું, જેણે કલ્પના પણ નહોતી એવાં અફાટ બ્રહ્માંડનાં અકળ એવાં અનેક રોચક રહસ્યો ઉકેલીને ખગોળવિજ્ઞાનીઓ સમક્ષ છતાં કર્યાં છે, જે માનવીના ભાવિ માટે ઉપકારક નીવડી રહ્યાં છે… આવા વિરાટ સ્પેસ ટેલિસ્કોપ જેમ્સ વેબની એ અવકાશી સિદ્ધિઓ વિશે વાત કરીએ એ પહેલાં થોડા ફ્લેશ બેકમાં…..

જેમ્સ વેબ ટેલિસ્કોપ’ ચિત્રમાં પ્રવેશ્યું એ પહેલાં સતત 31 વર્ષ સુધી ખગોળ જ્ઞાન – વિજ્ઞાન ક્ષેત્રે અંતરિક્ષમાં અદ્ભુત કામગીરી બજાવનાર 12 હજાર કિલોગ્રામ વજન ધરાવતું હબલરિટાયર’ થયું એની જગ્યા 7 ટનના અતિ આધુનિક વિરાટ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે લીધી છે ત્યારે એના વિશે પણ જાણવાની જિજ્ઞાસા જાગે એ સહજ છે, પણ એ પહેલાં હબલ' અનેજેમ્સ વેબ’ સ્પેસ ટેલિસ્કોપ બન્ને વચ્ચે શું સમાનતા છે અને નવું સ્પેસ ટેલિસ્કોપ અગાઉના કરતાંય કેટલું વધું આધુનિક અને કેવી કેવી વિશેષ કામગીરી બજાવી રહ્યું છે એ ઉપરાંત આ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપના આકાશ-અંતરિક્ષમાં આગમનથી માનવીની ખગોળ શોધ- સંશોધનમાં એ કેટલું ફાયદાકારક નીવડશે,ઈત્યાદિ જેવી બધી જ જિજ્ઞાસાના જવાબ અહીં ખાસ પ્રશ્નોતરી રૂપે આપણને જાણવા મળશે મુંબઈ નહે પ્લેનેટેરિયમ’ના પૂર્વ વડા ડો. જે.જે.રાવલ પાસેથી. ખગોળશસ્ત્રમાં અનન્ય પ્રદાન માટે માત્ર ભારત જ નહીં, વિશ્વભરમાં પંકાયેલા 82 વર્ષી આ ખગોળવિજ્ઞાની રાવલસાહેબ અહીં ઉપગ્રહ -અવકાશયાન અને અંતરિક્ષમાં રહેલાં વેધશાળા જેવાંહબલ’ તથા લેટેસ્ટ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ વિશે સરળ સમજણ સાથે ઘણી રોચક માહિતી પણ આપે છે, જેમકે…

પ્રશ્ન : ખગોળવિજ્ઞાનમાં ઉપગ્રહ – અવકાશયાન અને આવાં અવકાશી ટેલિસ્કોપ કેટલી હદે ઉપયોગી નીવડે?
ઉત્તર : ખગોળ કે કોઈ પણ વિજ્ઞાનમાં થિયરી ભવિષ્યનો માર્ગ દર્શાવે, પણ હકીકત તો નિરીક્ષણ થાય તો જ એ થિયરી ન રહેતાં ચોક્કસ સિદ્ધાંત બને. હવે વાત રહી ખગોળવિજ્ઞાનમાં ઉપગ્રહ- યાન અને ટેલિસ્કોપની. અંતરીક્ષના પદાર્થો આપણી ધરતી-પૃથ્વીથી લાખો માઈલના અંતરે છે એટલે એનું ઘેરબેઠાં નજીક દર્શન -નિરીક્ષણ ટેલિસ્કોપ દ્વારા જ થઈ શકે. જો કે ચંદ્ર કે મંગળ કે બીજા ગ્રહોની આસપાસના ઉપગ્રહોને બહુ જ મર્યાદિત રીતે દૂરબીન દેખાડી શકે. એ બધાના નિરીક્ષણ માટે માનવીએ રોકેટ-યાન દ્વારા ઉપગ્રહો જ ત્યાં મોકલવા પડે.

પ્રશ્ન : હબલ’ કેવું હતું અને એ પછી અંતરિક્ષના દ્રશ્યમાં પ્રવેશ્યું છે એજેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ’ કેવું છે?
ઉત્તર : આજથી 35 વર્ષ પહેલાં 2અબજ ડૉલરના ખર્ચે તૈયાર થયેલું હબલ’ આજે પણ એને સોંપેલી કામગીરી બજાવી રહ્યું છે, પરંતુ આટલાં વર્ષોમાં અંતરિક્ષ સંશોધનમાં લેટેસ્ટ ટેકનોલોજીઆવી ગઈ છે. સમગ્ર બ્રહ્માંડનો સિનારિયો બદલાય રહ્યો છે એટલેહબલ’ને ધીરે ધીરે નિવૃત કરીને અતિ આધુનિક જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ’ને અનેકવિધ કામગીરી માટે ચાર વર્ષ પહેલાં તરતું મૂકવામાં આવ્યું છે, જે હજુ આગામી 15 વર્ષ સુધી પૂર્ણ રીતે કાર્યરત રહેશે. હા, એ ખરું કે આપણા 31 વર્ષ સુધી કામગીરી બજાવનારહબલ’ની કેટલીક મર્યાદા હોવા છતાં એણે ખગોળીય નિરીક્ષણોમાં ઈતિહાસ રચ્યો છે. અત્યાર સુધીમાં એણે અનેક ગેલેક્સી ( આકાશગંગા ઉર્ફે મંદાકિની)- અનેક તારાના જન્મસ્થાન-નિહારિકા-તારાના વિસ્ફોટ-ગુના ગ્રહ પર ધૂમકેતુનું ખાબકવું, વગેરે ઐતિહાસિક અવકાશી ઘટનાઓના દસ્તાવેજી પુરાવા સાથે `હબલ’ એનો સાક્ષી રહ્યો છે.

જોકે બીજી તરફ, બ્રહ્માંડમાં નવું નવું શું ચાલી રહ્યું છે એને જબરી જિજ્ઞાસા સાથે કે કયા નવા ગ્રહોમાં માનવી જેવાં જીવ વસે છે- પૃથ્વી પછી બીજે કયાં વસી શકાય એવાં સંશોધન માટે ખગોળશાસ્ત્રી-વિજ્ઞાનીઓને હબલ’ કરતાં પણ અતિ શક્તિશાળી ટેલિસ્કોપની જરૂર હતી અને આમ અંતરિક્ષના તખ્તા પર કેનેડા તેમજ યુરોપની અન્ય સ્પેસ એજન્સીઓના સહિયારા પ્રયાસથી લોન્ચ થયેલું આજની તારીખે વિશ્વનું સૌથી પાવરફૂલજેમ્સ વેબ ટેલિસ્કોપ’ અમેરિકાની સ્પેસ સંસ્થા નાસા’નું આ અતિ મહત્ત્વાકાંક્ષી મિશન છે. અત્યારની ટીમમાંનાસા’ના પ્રોગ્રામ સાયન્ટિસ્ટ તરીકે મૂળ ભારતીય એવાં લખૈનાનાં હસીમા હસન તેમજ ડૉ. નીકુ મધુસુદન પણ છે!

  • પૃથ્વીથી 15 લાખ કિલોમીટરના અંતરે અવકાશમાં નિર્ધારિત ભ્રમણકક્ષામાં સ્થિર થયેલા જેમ્સ વેબ ટેલિસ્કોપ'ના સ્પેસ કેમેરાહબલ’ કરતાં વધુ પાવરફૂલ છે. અનેક દૂરની ઓબજેક્ટ- પદાર્થ પીંડની છબી જેમ્સ વેબ ટેલિસ્કોપનાં ચાર ઈન્ફ્રારેડ કેમેરા ઝડપી લે છે. તે એવાં શક્તિશાળી છે કે ગેસયુક્ત વાદળોની આરપાર રહેલી પદાર્થની ઈમેજ આબેહૂબ ઝડપીને ધરતી પર આપણા ખગોળ વિજ્ઞાનીને પહોંચાડે છે. આ છબીઓની ખાસિયત એ છે કે `જેમ્સ’ના
    ઈન્ફ્રારેડ કેમેરા પ્રત્યેક તસવીરને અલગ અલગ 8 એન્ગલથી ઝડપીને એ બધાને ભેગી કરી એક તસ્વીર તૈયાર કરે છે, જેથી આપણા સંશોધનકારોને વિશેષ માહિતી પ્રાપ્ત થશે.
  • આ જ રીતે, ચન્દ્ર કરતાં ચાર ગણાં અંતરે સેટ થયેલું આ જેમ્સ વેબ ટેલિસ્કોપ ઈનફ્રારેડ કિરણો-તરંગોને પકડી શકે છે-ભેદી શકે છે-ઉકેલી પણ શકે છે આમ અંતરિક્ષનાં અનેક પડળ વીંધીને લાખો માઈલના અંતરે બ્રહ્માંડમાં રહેલા અન્ય ગ્રહોના વાતાવરણનો અભ્યાસ કરીને ત્યાં પણ જીવન છે કે નહીં એની શક્યતા જાણી અને એનું તાત્કાલિક પૃથ્થકરણ કરે છે.
  • આ રીતે જેમ્સ'ના ટેલિસ્સ્કોપ દ્વારા 13.5 અબજ વર્ષ પહેલાં અંતરિક્ષમાંબીગ બેંગ’- જબરા વિસ્ફોટ સાથે બહ્માંડનું સર્જન થયું એ પછી ક્રમશ :20થી 50 કરોડ વર્ષ દરમિયાન સર્જાયેલી 44 ગેલેકક્ષી એટલે કે આકાશગંગાની વીરલ તસ્વીરો પણ મેળવી છે!
  • આજ રીતે, થોડા સમય પહેલાં અત્યાર સુધીનો સૌથી મોટા બ્લેક હોલ મળી' આવ્યો હતો., જેનેBH-3′ નામ આપવામાં આવ્યું છે. આ બ્લેક હોલ આપણી પૃથ્વીથી બે હજાર પ્રકાશ વર્ષના અંતરે છે અને એ આપણા સૂર્યથી 33 ગણું વધારે કદ ધરાવે છે!

જ્યારે કોઈ સ્ટાર-તારાની આવરદા પૂરી થાય છે ત્યારે એ ધડાકા સાથે તૂટી પડે છે અને બ્લેક હોલ’ સર્જાય છે ત્યારે એનું ગુત્વાકર્ષણ એવું શક્તિશાળી બની જાય છે કે એ વિસ્તારની આસપાસના નાના ગ્રહ-તારાઓને પોતાની તરફ ખેંચી લે છે. પ્રકાશ પણ એની અસરમાંથી છટકી નથી શક્તો, પરિણામે એ વિસ્તાર કાળો ડિબાંગ દેખાય છે અને એટલે જ એબ્લેક હોલ’ તરીકે ઓળખાય છે.

આજે બ્રહ્માંડમાં આવા તો અસંખ્ય બ્લેક હોલ છે, જેને શોધવા કે ગણવા એકદમ અશક્ય જ છે. આમ છતાં અનેકવિધ સંશોધનો પછી ખગોળશાસ્ત્રીઓના અંદાજ મુજબ આજે 40 અબજ આવા બ્લેક હોલ છે, જે લગભગ 90 અબજ પ્રકાશ -વર્ષના વ્યાસમાં છે!

આમ અખિલ બ્રહ્માંડમાં અવિરત રહસ્યો સર્જાતાં જ રહે છે. અતિ આધુનિક ઉપગ્રહ – અવકાશયાન અને અવકાશી ટેલિસ્કોપની મદદથી એને કાળાં માથાનો માનવી સતત ઉકેલવા મથતો જ રહે છે. પરિણામે આજે અનેક રોચક રહસ્ય છતાં થઈ રહ્યાં છે.

મુંબઈ `નહે પ્લેનેટેરિયમ’ના પૂર્વ વડા અને વિશ્વવિખ્યાત એવા ખગોળવિજ્ઞાની ડો. જે.જે.રાવલ બ્રહ્માંડ વિશે વિસ્મય પમાડે એવી એક વધુ રોચક માહિતી આપતા કહે છે :

`આપણે બ્રહ્માંડનો તો એક અંશ માત્ર ઓળખીએ છીએ એ બ્રહ્માંડમાં 100 અબજ ગેલેકસી છે-500 અબજથી વધુ તારા છે. આ બ્રહ્માંડમાં તો 500 અબજ સૂર્ય છે અને ચોંકી ન જતા, બે તારા વચ્ચે 45 અબજ (જી હા, 45 અબજ!) કિલોમીટર જેટલું તો અંતર છે..!’

આમ જેમ અંતરિક્ષ કે બ્રહ્માંડનો કોઈ અંત નથી એમ નવું નવું જાણવાની માનવીની ઉત્કંઠા- જિજ્ઞાસાનો પણ કોઈ અંત નથી માટે બ્રહ્માંડમાં આવી અજાણી આકાશગંગાઓ તારા- ગ્રહો સુપરનોવા અને આવાં ભેદી બ્લેક હોલની શોધ અવિરત ચાલાતી જ રહેશે અને માનવી બ્રહ્માંડનાં અકબંધ ભેદ-ભરમ ઉકેલતો જ રહેશે!

આ પણ વાંચો…ક્લોઝ-અપ: અજબ મ્યુઝિયમોની અનોખી દુનિયા

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button