આજે આટલું જ: જગતજીત જગજીત સિંગ ને દિપોત્સવ… | મુંબઈ સમાચાર
ઉત્સવ

આજે આટલું જ: જગતજીત જગજીત સિંગ ને દિપોત્સવ…

શોભિત દેસાઈ

જગજીત સિંગ ભારતના સ્વરનભમાં સદાના ઉદયમાન સૂર્ય છે. 1965માં મુંબઈ આવી, સરદારજી છાપ પાઘ દાઢીથી મુક્તિ પામી સિદ્ધિ સફળતાના પગથિયાં આરોહતા ગયા ઠેઠ 2011 સુધી. ગઝલો એવી ચુસ્તાઈથી પસંદ કરી સુરનાં વાઘા ધરે જાણે પરમ વૈષ્ણવ કૃષ્ણને શૃંગાર માટે ના તૈયાર કરતો હોય !

સરકતી જાયે હૈ રુખસે નકાબ આહિસ્તા આહિસ્તા
નિકલતા આ રહા હૈ આફતાબ આહિસ્તા આહિસ્તા
અમીર મિનાઈ

દુનિયા જિસે કહતે હૈં જાદુકા ખિલોના હૈ
મિલ જાયે તો મિટ્ટી હૈ ખો જાયે તો સોના હૈ
નિદા ફાઝલી

હઝારોં ખ્વાહિશેં ઐસી કી હર ખ્વાહિશ પે દમ નિકલે
બહોત નિકલે મેરે અરમાન લેકિન ફિર ભી કમ નિકલે
ગાલિબ

યાદ નહીં ક્યા ક્યા દેખા થા સારે મંઝર ભુલ ગયે
ઉનકી ગલીયોંસે જો ગુઝરે અપના હી ઘર ભૂલ ગયે
નઝીર બાકરી

અબ મૈ રાશનકી કતારોંમેં નઝર આતા હું
અપને ખેતોંસે બિછડનેકી સઝા પાતા હું
ખલીલ ધનતેજવી

આ વાત આજે એટલે છેડી કે આવા જગજિત સિંગની સ્મૃતિઓ અખંડ રાખવા જગજિતસાગરના કેટલાક મરજીવા ‘જગજિટેરિયન્સ’ના નામે ઇન્ટરવ્યૂ આધારિત યુટ્યુબ ચેનલ વહાવે છે અને 10 ઓક્ટોબર નિર્વાણદિન અને 8 ફેબ્રુઆરી જન્મદિન નિમિત્તે કોઈક ને કોઇક શહેરમાં આયોજન દ્વારા જગજિત સિંગ ઉપર ચાહકોનું ગુલાબજળ છાંટી એમને જીવતા કરે છે. આ 10મીએ ગઝલના જગત્ ગુરુ જગજીત સિંગ પર બનેલી ફિલ્મ *કાગઝ કી કશ્તી પરમ દિવસે જ વડોદરામાં જોઈ, એ તમારી જાણ ખાતર પૂરી 2 કલાક 10 મિનિટની ડોક્યુમેન્ટ્રી ફિલ્મ શાહરુખ, કપૂર, રોશન, જોહર, દત્ત ઈત્યાદિના આખા બોલિવૂડને ભાડમાં જવા રવાના કરે તો નવાઈ નહીં.

ફટાકડા ફટફટ ફુટવાની અને બાળકો બહુ હરખાવાની શરૂઆત સપરમા દહાડામાં થાય એ પહેલા રસ્તા ઉપર દીવડા – તારામંડળ – ટીકડીની ડબ્બી અડધી ચડ્ડીમાં સજ્જબચ્ચા કે યુવાન સ્ત્રીધન કે વયના વૃદ્ધ પાસેથી વધુ ભાવે ખરીદી એમના દિવસો દિવાળી લાયક બનાવી ચોપડે પુણ્ય જમા કરાવાનો સુનહરો મોકો ચૂકી ના જતા.

તમને સમજદારોને ફક્ત ઇશારો ઉપર તો ખરો જ, નીચે પણ…

ચાલવા આજે સવારે નીકળ્યો જ્યાં…

ને ચડ્યું આંખે, લઈ આશાભરી એક મીટ, મંદિર બહાર ઊભું રાહ જોતો પાંચ પરિવાર…

એકસરખો નીરખતો બાજુમાં ઊભા ઈડલી વેચતી સાઇકલ…

એમની સાથે ગયા જોડાઈ તન પર ચાબખા મારી કુતૂહલ રાહદારીઓ તરફ ઉડાડતા બે જણ…

હું બદલતો માર્ગ મંદિરનો પહોંચ્યો સાઈકલની બાજુમાં…

જૂજ કાગળિયા કર્યા હળવા મેં ખિસ્સામાંથી
દુંદુભિ કે નાદ કોઈએ કશા ના સાંભળ્યા પણ સાત જીવતાજાગતા.
સાઈકલ થોડીક અમથી તો ગળી ચાલ્યા ગજબની લહેરમાં…
આંખ જ્યારે પણ ભીનીછમ થઈને વરસાવે દુઆ…
છે અજબ અણમોલ હંમેશાં…
છે હજી બાકી કવિતા આ…પકડતો જાય છે છંદ તું?!
ભાન પાછું આવ્યું જેવું કે તરત હું ઘેર પહોંચ્યો મંદિરે હાજર થવાનું ભૂલીને…
બારણું ખોલી અને શું
જોઉં છું!
છે ઊભા સાક્ષાત્
સર્જક સાથ વાહક ને વિનાશક…
ગુરુપતિ, અકલંક, અકલંકર…
મને ભેટે છે આવીને…
ઉતારે છે સ્વયમ્ ત્રિદેવ મારી આરતી…
પુષ્પ ઈત્યાદિ મને ધરતાં કહે છે કાનમાં…
શું? એ તમે જાણો જ છો ને?!
આજથી આંખોમાં વાવેતર ચલો! કરીએ શરૂ…શેનું? તમે જાણો જ છો ને?!
આ કવિતા છે કે નહીં, કરશે જ નક્કી એ સમય…
મેં તો તમને માત્ર એક કીમિયો બતાવ્યો સાવ ખાલીખમ હૃદય સાથે અહીં છો ત્યાં સુધી હળવા રહેવાનો…
આવજો…
પાછા મળીશું કોઈ આવી ક્ષણ ઉપર…

આજે આટલું જ…

આ પણ વાંચો…આજે આટલું જ: આ આખું નાટક શા માટે?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button