આજે આટલું જઃ લાગે સરળ એ વસ્ત્ર છે માફી જ મોટું શસ્ત્ર છે

શોભિત દેસાઈ
શ્રાવણ ભાદરવાના મંગલોત્સવ ચાલી રહ્યા છે પૂરા વિશ્વમાં… જગત આખું માફીમય બની ગયું હોય એવું મને લાગે છે. અહીં મુંબઈમાં વરસાદ વરસે છે કે નભથી માફી, એ નક્કી નથી થતું. કશેક ઠંડકને બદલે માફી ઉન ભેદવાની કોશિશ કરતી હોય એવું થાય છે. અરબસ્તાનના ઊંટને હાકલા પડકારા દેવા સૂરજ માફી બનીને સંગત કરે છે કે શું?! આવા માફીમય સર્વત્રમાં 1996ની એક વાત વહેંચવી છે. માર્ચ 1996. વાજપેયી પહેલી વખત વડા પ્રધાન બન્યા એના થોડાક વરસ પહેલાં…
એક પ્રાથમિક ભાષ્યકાર દ્વારા વાજપેયીના કાવ્યસંગ્રહનું ગુજરાતીમાં ફક્ત લિપ્યાંતર કરેલું પુસ્તક પ્રકાશિત થવાનું હતું સાંજે નવભારત અમદાવાદ દ્વારા. એ પહેલાં, બપોરની રાજકીય બેઠકમાં એ વખતના શંકર સિંહ વાઘેલા, નરેન્દ્ર મોદી ઈત્યાદિ સાથે અમે સાંજની બેઠકમાં હાજર રહેનારા કવિઓ પણ જોડાયેલા.
વાજપેયીએ એક બુદ્ધની કક્ષાની વાત સ્ટેજ પરથી કહી: ‘મારા હિન્દી કાવ્યસંગ્રહનું અનાવરણ થયું વડા પ્રધાન નરસિમ્હા રાવ દ્વારા દિલ્હીમાં. જૈસે કંઈ દિલોંકી ઉપસ્થિતિમેં દો દિલ મિલ રહે હો ઐસા મંગલમય માહોલ થા હવાઓમેં. તો ક્યા હુઆ વો કાન્ગ્રેસમેં હૈં ઔર મૈં ભાજપા મેં. દિલોં કે રિશ્તે રાજનીતિ સે કંઈ બડી, હિમાલય કી ઊંચાઈ પર હૈ.’
વાક્ય પર નોબેલ પુરસ્કાર વિતરીત થવા જોઈએ સાહેબો! હાજી… તે હું તો બપોરનો એવો અવાક થઈ ગયો’તો કે પરમ મિત્ર ચિનુ મોદી, મનોજ ખંડેરિયા, રમેશ પારેખ મને આટલો લાંબો સમય ચૂપ જોઈને પોતે અવાક થઈ ગયા. હું!? અને ચૂપ?! અસંભવ… હવે એ સાંજની હળવી વાત. આવા મહાસમર્થ ગુજરાતી કવિઓ સાથે વાજપેયી અને એનો સૂત્રધાર હું. સિતાંશુ પણ હતો સાંજના કવિ સંમેલનમાં, પણ પેટમાં ગડબડ હોવાથી મનની અસ્વસ્થતાને કારણે જલદી નીકળી ગયો.
વાજપેયી હોય એટલે હાજરી તો પુરાવવી જ પડે ને! એ બપોરે રાજકીય બેઠકમાં વાજપેયીએ એક શીતળ લહેર માઈક પરથી વહેતી કરી હતી! ‘આજ શામ મેરે કાવ્ય સંગ્રહ કી પ્રસ્તુતિ પર એક કવિ સંમેલન હૈ. મેરી બાત કરું તો મૈ કવિ સંમેલનોમેં નહીં જાતા. ક્યોંકી મુઝે એકતો મેરી કવિતા વહાં સૂનાની પડતી હૈ… ઔર… ઔરોંકી સુનની પડતી હૈ!!!’
આ પણ વાંચો…આજે આટલું જઃ સ્વીકારીએ તમામ, જીવન તર બનાવીએ…
આપણી તળ કાઠિયાવાડીમાં કહું તો ‘આને તે કેમ પહોંચાય?!’ પણ આ તમારો આજ્ઞાંકિત શોભિત દેસાઈ એ સાંજે વાજપેયીના આવા મસમોટા હિમાલયને લગભગ આલ્પ્સ બનીને પહોંચેલો. વાજપેયીને રજૂ કરતા પહેલા બપોરનો એમનો કિસ્સો મારી ભાષામાં એ જ શબ્દો સાથે મૂકતા મેં કહ્યું ‘વાજપેયીસાબ, મૈ તો આપકા બેટા હું. મેરી ક્યા ઔકાત કી મૈં આપસે કુછ કહું. લેકીન આપકે ઈસ પ્રશ્નકા મેરે પાસ હલ હૈ. આપ બેફિક્ર હો કર ઝુરુર જાઈએ કવિ સંમેલનમેં ઔર ઔરોંકી સૂને ન સૂને, અપની કવિતા ઝુરુર સૂનાઈયે, નિદા ફાઝલી કે ઈસ શેર કો ઝહનમેં રખતે હુએ કી…
કભી કભી યું હી હમને અપને જી કો બહલાયા હૈ
જીન બાતોં કો ખુદ નહીં સમઝે, ઔરોંકો સમઝાયા હૈ…
વાજપેયી અઢી વરસના ભૂલકાંની માફક અઢી મિનિટ હસેલા ને ત્યારે અઢી અક્ષર પરમ સિદ્ધ થતાં મેં મારી સગ્ગી આંખે જોયેલા એ અકબંધ છે. એ પછી એ ત્રણ વખત વડા પ્રધાન થયા. નથી હું દિલ્હી ગયો કે ક્યાંય મળવાની કોશિશ કરી કે નથી આ વિષે ક્યાંય વાત કરી. મળ્યાને મુકદ્દર સમજવું અને ગયાનું ગાન કરવું એ મારો મુદ્રાલેખ છે.
આ વાતનું પાછી માફીની વાત સાથે સાયુજ્ય સાધું તો વડા પ્રધાન નરસિમ્હા રાવ અને વિપક્ષ નેતા અટલ બિહારી વાજપેયીના આવા રાજકીય અલૌકિક સંબંધ પર વિચારે ચઢ્યો અને તરત એક અલગ રંગની ગઝલ આવી પાંચ શેરની, જે ‘નવનીત સમર્પણ’માં તરત જ છપાઈ અને એ પછી આદિલ મન્સુરીનાં ષષ્ટિપૂર્તિ સમારોહ નિમિત્તે અમેરિકા ગયા હું અને ચિનુ મોદી ‘ઈરશાદ’ ત્યારે તો આ ગઝલે આખું અમેરિકા નામનું ગામ ગજવેલું.
લોસ એન્જલસ જૈન સેંટરમાં ડો. વિક્રમ કામદારે તો આ ગઝલને UNOના હેડક્વાર્ટર પર લગાડવાનું સૂચન વહાવ્યું હતું. એ ગઝલ આજે ત્રીસ વર્ષે પોતાના ત્રણ જૂનાં ઉપવસ્ત્રો બદલી, બે જૂનાં વસ્ત્રો રાખી 9 નવાં વસ્ત્રો સજાવી તમને સત્કારવા કંકુ ચોખા લઈ તૈયાર ઊભી છે. સ્વીકારશો ને એનો આવકાર?!
માયાના ઘોડે ચઢ્યા અસવાર! કર
મોક્ષ માટે તું અહમ્ સંહાર કર
ક્ષણ પૂરી જીવીને ઓછો ભાર કર
એમ વૈતરણીમાં નૌકા પાર કર
તું છે જેનાથી અહીં સહેજે વધુ
એ નિરાધારોને તું આધાર કર
મોટા ભાગે તો બળેલાં છે હૃદય
આભમાંથી એમને મલ્હાર કર
આપ દુનિયાને વધારે, કમ લઈ
વટ-વચનથી તું જુદો વેપાર કર
છે અહીં મૌજુદ એ સૌ તું જ છે
એમ માની જાતનો વિસ્તાર કર
શક્તિ સંચારિત થવા તૈયાર છે
જા! જઈ સહરાને અનરાધાર કર
થા સમર્પિતભાવ સાથે તું સમક્ષ
અન્ય માટે તું તને નાદાર કર
આખું જગ તારે અગર હો જીતવું
શસ્ત્ર ને અસ્ત્રોની બુઠ્ઠી ધાર કર
માફીથી મોટો નથી કોઈ ઇલાજ
પ્રેમથી ઊભા બધા બીમાર કર
વેર લેવાનો નવો રસ્તો કહું
શત્રુ પર તાજો નવો ઉપકાર કર
શોભિત દેસાઈ
1995 થી 20/08/2025
આજે આટલું જ…
આ પણ વાંચો…આજે આટલું જઃ ખૈરાત ચાલે છે