ઉત્સવ

કેનવાસ: સ્વાર્થી વૃત્તિ આપણા ડીએનએમાં લખી છે?!

અભિમન્યુ મોદી

‘કોઈ કોઈનું નથી રે …’ આવું ક્યારેક કોઈ વડીલ બોલતું હોય છે. દરેક માણસ બેસીને સુવે છે. આંખ બંધ કરીને કૂદકો તો કોણ મારે? અંધારું હોય કે અજવાળું, પહેલો કોળિયો તો સ્વમુખ તરફ જ વળે. માણસની આ ફિતરત છે-જન્મજાત પ્રકૃતિ છે કે એને પહેલો વિચાર પોતાના વિશે આવે છે. પોતાને જે વિચાર આવે એ જ સાચો લાગે છે. પોતાના ખોટા વિચારનો છેદ પણ એ પોતાના સાચા લાગતા બીજા વિચાર થકી કરે છે.

માણસ કરશે પોતાનું જ પહેલા. એરલાઇન્સમાં એવી સૂચના આપવી યથાર્થ છે ખરી કે ‘દુસરો કી સહાયતા કરને સે પહેલે અપના માસ્ક પહેલે પહેન લે…’ એરલાઇન્સમાં માણસો બેસે છે ને એ પહેલાં પોતાનું જ કરવાના. માણસ એકંદરે સ્વાર્થી પ્રાણી જ છે. નીટ સ્વાર્થ નરી આંખે ન દેખાય એટલા માટે એણે સમાજ વ્યવસ્થા અને દુનિયાદારીની નીતિઓમાં અમુક રીતરસમો એવી નાખી છે કે માણસ બીજા જીવ વિશે વિચારતો હોય એવી હવા બનેલી રહે. સાવ ઘમાસાણ ન મચે માટે આવા તત્કાલીન દંભો થોડા થિંગડા મારી દેતા હોય છે.

માણસ ભીખ શું કામ આપે છે? કારણ કે દસ રૂપિયા આપીને એ તો વાહન લઈને આગળ નીકળી જાય છે પણ પોતે સારો માણસ છે એની ફીલિંગ એને મળે છે. એ બીજાની પીડા જોઈ શકતો નથી માટે એ દાન કરે છે. જેટલા પણ દાતાઓ અને દાનેશ્વરીઓ છે જે પોતાના દાનનો હિસાબ બધે સામેથી મોકલતા રહે છે એ પરમાર્થે કરે છે કે પ્રસિદ્ધિ માટે કરે છે? ઓકે. બધા દાતાઓ એકબીજાની ઝેરોક્સ જેવા ન હોય. અમુક ગુપ્તદાનની પ્રથામાં માનતા હોય, પણ એ કોઈને મદદ કરવા પાછળ જરૂરતમંદની પીડા ઓછી થાય એ કારણ છે કે પોતે ખુદ તકલીફ જોઈ શકતા નથી અને અત્યારે સક્ષમ છે માટે ટેકો આપવા ગયા છે એ કારણ છે.

ફિલ્મ ‘જોલી એલએલબી-થ્રી’માં એક વકીલ ભારતના સૌથી ધનાઢય વ્યક્તિનો કેસ ન લઈને એક ગરીબ બાઈનો કેસ લે છે ત્યારે પેલી ધનાઢય વ્યક્તિ તેને મોંમાગી રકમ ઓફર કરે છે. વકીલ એ અમીર ઇન્સાનને પૂછે છે કે તમારી સઘળી અસ્કયામતોની ટોટલ વેલ્યુ શું? જવાબ મળે છે – છત્રીસ હજાર કરોડ. વકીલ કહે છે કે મને અઢાર હજાર કરોડ આપી શકશો? કારણ કે તમારી સામે પડેલી જે સ્ત્રીનો કેસ મેં હાથમાં લીધો છે એની પાસે કુલ સંપત્તિમાં માત્ર બે બકરી હતી જેમાંથી એક એમણે આપી દીધી છે એટલે કે એની સંપત્તિના પચાસ ટકા!

એક સમયે રાજા રજવાડાઓ ખુશ થાય ત્યારે પ્રજાને દાન કરે. ભગવાન પણ પ્રસન્ન થાય ત્યારે વરદાન આપવાની જાહેરાત કરે – એવી કથાઓ આપણે સાંભળી છે. અહીં દાનની વાતમાં મદદ અને સપોર્ટનો અર્થ અભિપ્રેત છે એ સમજવું. મુદ્દો એ છે કે જૂજ અપવાદ સિવાય સામાન્ય રીતે એક માણસ બીજાની મદદ ત્યારે કરે છે જ્યારે તે પોતે થોડો સક્ષમ હોય છે અને તેનો એવું કરવાનો મૂડ હોય છે. દુ:ખી માણસને કોઈની મદદે દોડવાનું મન થતું નથી. પોતે તકલીફમાં હોય ત્યારે બીજાની મુશ્કેલી દૂર કરનારા કેટલા? ઘર બાળીને તીરથ કારનારા ઘણા સજ્જનોને તીર્થમાંથી એટલીસ્ટ આશીર્વાદ મળે તે લાલચ હોય છે. એમાં કંઈ ખોટું પણ નથી.

આ પણ વાંચો…કેનવાસ: દરુમા ઢીંગલીથી તમે રમ્યા છો?

કોઈની દુઆ કે શુભેચ્છા કે આશીર્વાદ મળે અને તેની કામના રાખવી માણસને ખરાબ નથી બનાવતી. પણ સ્વાર્થી માણસની પ્રકૃતિ તો આ જ રહી છે – સોદાબાજીની. સ્વાર્થ એના જીન્સમાં છે. જ્યારે એક સાંધતા તેર તૂટતા હોય ત્યારે પાડોશીના ત્રણસો ત્રણ તૂટી ગયા હોય તો પણ એને કુમક પહોંચાડવાનો વિચાર સુધ્ધાં નથી આવતો. અને આ તો આપણે આદર્શ સંજોગોની વાત કરી. રોજિંદી જિંદગીમાં તો સામે જોવાનો પણ કોની પાસે સમય છે? દિવાળી સિવાય આપણે બક્ષિસ પણ આપીએ છીએ શું? બીજા માણસના કામે આવવાની પણ સીઝન હોય છે, એની પણ અલગથી મૌસમ આવે છે, એનો પણ દરેક માણસનો વ્યક્તિગત મૂડ હોય છે.

થોડી પણ ભયભીત સ્થિતિમાં બીજા વિશે વિચારવાની પણ શક્તિ જતી રહે છે. માનવતા નેવે મુકાઈ જાય છે. દયા, કૃપા, પરોપકાર, મદદ જેવા સદગુણો ભસ્મ થઈ જાય છે. આ આપણે સૌએ જોયું છે ને અનુભવ્યું છે. કોરોનાકાળ દરમિયાન લોકોએ એકબીજાની પુષ્કળ હેલ્પ પણ કરી છે. તંત્ર આટલા કરોડો લોકોની સેવામાં પહોંચી ન શકે એટલે માણસો માણસોની મદદ કરીને એ સમય કાઢ્યો. પણ એ જ સમયે એવા પણ ઘણા કિસ્સાઓ સામે આવ્યા જેમાં માણસાઈ પડતી મુકાઈ ગઈ હતી. એવા હજારો લાખો ઉદાહરણો છે, જેમાં એક માણસે પોતાનું જ વિચાર્યું હોય અને બીજાને તગેડી મુક્યા હોય.

એવા અનેક ઉદાહરણોમાંથી એક અસલી કહાની અમૃતની : ‘ટેકિંગ અમૃત હોમ…’ અમૃત સિંઘ અને ચંદન કુમાર નામના બે મિત્રોની સાચી કહાની, જેમાંથી એક ગુજરી ગયો. અડધે રસ્તે તરફડીને મરી ગયો. કેમ? કારણ કે સાજાનરવા લોકોએ એ બંને મિત્રોને તગેડી મુક્યા હતા.

એકવીસ દિવસનું લોકડાઉન પડ્યું. કાપડની મિલો અનિશ્ર્ચિત સમય માટે બંધ થઈ ગઈ. સુરતથી ઉત્તરપ્રદેશના ગામડા સુધી જવા માટે કોઈ ટ્રેન કે વાહન મળે એમ ન હતું. માંડ માંડ કરીને એક ટ્રકમાં છેક ઉપર બેસવાની જગ્યા મળી. ટ્રકમાં ઉપર બેસી બેસીને ઠંડી લાગતા તાવ આવ્યો. ટ્રકમાં નીચે બેઠા અને ઉધરસ આવી તો બીજા લોકોએ કોરોનાની બીકે બંનેને ઉતારી મુક્યા. હાઇ- વેની પાસેના ગામડાના લોકોએ પણ કોઈ મદદ ન કરી, માંડ પાણી પીવડાવ્યું. અમૃતને ઊંચકીને ચંદન કુમાર ચાલતો હતો.

અમૃતના રસ્તામાં જ શ્વાસ ખૂટી થઈ ગયા…આ જ લેખને આધારે ‘હોમબાઉન્ડ’ ફિલ્મ બની, જે ભારત તરફથી ઓસ્કર માટેની ઓફિશિયલ એન્ટ્રી બની. આ જ ફિલ્મને કાન ફિલ્મ ફેસ્ટિવલના નવ મિનિટ લાંબુ સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું. આંખના ખૂણા ભીના કરી દેતી આ વાર્તા આપણાં મનમાં એ સવાલ ઉભો કરે છે કે મુશ્કેલીના સમયમાં ક્રૂર થઈ જતા આ સમાજનો આપણે ભાગ છીએ? આ માણસ છે? જો આવો મનુષ્ય હોય તો માણસ અને જાનવરમાં થોડીક વધારાની બુદ્ધિ સિવાય તો બીજો કોઈ ફેર જ નહીં ને?

આ પણ વાંચો…કેનવાસ: ઝીંદગી કૈસી યે પહેલી હાયે…. !

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button