રોકાણકારો, આજા… ફસા જા વાયા સોશ્યલ મીડિયા!
શેરબજારની તેજી અને આશાવાદના પ્રવાહમાં તણાઇ રહેલા રોકાણકારોને આસાનીથી પટાવવા માટે લેભાગુઓ- કૌભાંડીઓ સક્રિય થઈ ગયા છે અને એમનું ‘શસ્ત્ર’ છે સોશ્યલ મીડિયા..!
ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા
તાજેતરમાં વળી નવા પેંતરામાં લેભાગુઓ ભારતીય રોકાણકારોને ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (એફપીઆઈ)ના રૂટ મારફત રોકાણની સુવિધા ઓફર કરી રહ્યા છે.
જો તમને કોઈ પણ કંપની કે મધ્યસ્થી તરફથી એવી ઓફર આવે કે તમને વિદેશી રોકાણકારો, એફપીઆઈ (ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ) અને એફઆઈઆઈ (ફોરેન ઈન્સ્ટિટયુશનલ ઈન્વેસ્ટર્સ) જેવી સુવિધા સાથે ભારતીય શેરબજારમાં કામકાજ-સોદા કરવાની ફેસિલિટિઝ-સગવડ કરી આપીશું, જેનાથી તમને વિશેષ લાભ થશે, વગેરે, વગેરે જેવા કોઈ દાવા કરે તો દોરવાઈ જવાને બદલે સાવચેત કે એલર્ટ થઈ જવું જોઈશે.
સોશ્યલ મીડિયાના માધ્યમથી આવી ઓફરો હાલ ચાલી રહી છે, જે ભારતીય રોકાણકાર વર્ગને આકર્ષે એવી છે, પરંતુ તે ગેરકાનૂની છે. સ્પષ્ટ ભાષામાં કહીએ તો આવી ઓફરની તદન ઉપેક્ષા જ કરજો.
નિયમન તંત્ર ‘સેબી’ ના કહેવાનુસાર ભારતીય રોકાણકારો માટે આ ‘એફપીઆઈ’ રૂટ ઉપલબ્ધ જ નથી. ‘સેબી’એ એફપીઆઈને ભારતીય શેરબજારમાં રોકાણ કરવા માટે કોઈ ખાસ રાહત આપી જ નથી તો અન્ય રોકાણકારોને કઈ રીતે મળે? ઓફર કરનારા લેભાગુઓ ભારતીય રોકાણકારોને એવું કહે છે કે તમને એફપીઆઈ રૂટના ટ્રેડિંગ પ્લેટફોર્મ મારફત રોકાણ કરવામાં વિશેષ સવલતો મળશે.
‘એફપીઆઈ’ના નામે છેતરપિંડી
આ લેભાગુઓ કે ફ્રોડસ્ટર્સ એવો દાવો કરે છે કે પોતે ‘એફપીઆઈ’ અને તેના કર્મચારીઓ સાથે સંકળાયેલા હોવાથી આવી કેટલીક સવલત એ મેળવી આપશે, જેમકે ભારતીય રોકાણકારને અલગ ટ્રેડિંગ અને ડિમેટ એકાઉન્ટસ ખોલાવવાની પણ જરૂર નહીં રહે….! રોકાણકારે માત્ર એફપીઆઈ; પ્લેટફોર્મ પર એકાઉન્ટ ખોલાવવા એક ખાસ એપ ડાઉનલોડ કરવાની રહેશે, જેના દ્વારા એ શેરબજારમાં ડાયરેકટ ટ્રેડિંગ કરવા ઉપરાંત આઈપીઓમાં પણ રોકાણ કરી શકશે.
આ લેભાગુઓ આવી ઓફર બહુ સલુકાઈથી પોતાના કથિત તાલીમ-શિક્ષણ કાર્યક્રમો અને માર્ગદર્શક સેમિનારોમાં આપે છે, જેથી તેમનું કામ આસાન બને છે અને એમને ટાર્ગેટ ઈન્વેસ્ટર્સ મળી જાય છે.
નિયમન તંત્રએ આવા લોકોથી સાવચેત રહેવાની સલાહ સાથે આ
વિષયમાં સ્પષ્ટ કયુર્ં છે કે ભારતીય રોકાણકારો માત્ર ‘સેબી’ રજિસ્ટર્ડ બ્રોકરો મારફત જ સોદા કરે, જેથી આવી કોઈ લે-ભાગુ ઓફરથી ગેરમાર્ગે
દોરાય નહી.
સોશ્યલ મીડિયામાર્ગ સરળ
ભારતીય અર્થતંત્રના વિકાસ અને દિશાની વાતો આપણે ગયા વખતે વિગતે કરી જ છે, તેથી પુનરાવર્તન ટાળીને એટલું સમજાવવું જરૂરી છે કે હાલ આપણા દેશમાં પણ રોકાણ આકર્ષવા તેમ જ રોકાણકારોના વર્ગને ખોટા સ્ટોકસ ભરાવી પોતાના ખિસ્સા ભરવા લેભાગુઓ સતત સક્રિય છે, તેનાથી વિશેષ સાવચેત રહેવું પડશે.
સોશ્યલ મીડિયા દ્વારા રોકાણકારોને આકર્ષવા ચાલતા અમુક
ગરબડ-ગતકડાં પ્રત્યે ધ્યાન દોરતા ‘સેબી’એ કહ્યું છે કે અમુક લેભાગુઓ વોટસએપ અને ટેલિગ્રામ, વગેરે જેવા ગ્રુપ પર પોતે એફપીઆઈ
(ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ) સાથે જોડાણ ધરાવતા હોવાના દાવા
કરે છે. આવી ઓફર થતી યોજનાઓ પ્યોર છેતરપિંડી છે. એમાં
પડતા નહીં…
સોશ્યલ મીડિયાના માર્ગે ભારતીય શેરબજારથી માંડી વિવિધ
સાધનોમાં રોકાણ કરવાની આકર્ષક ઓફરો આપવાના ગોરખધંધા
સંખ્યાબંધ લેભાગુઓ કરી રહ્યા છે. આ ‘માછીમારો’ રોકાણકારોને
ફસાવવા સતત નવી જાળ પાથરતા રહે છે, જેમાં વિવિધતા પણ ઉમેરાતી જાય છે.
ટીવી બિઝનેસ ચેનલ્સ પણ…
થોડો વખત પહેલાં એક બિઝનેસ ચેનલ પર એકસપર્ટસ સ્વરૂપે આવતા લોકો પોતાની સિન્ડિકેટ બનાવીને ઈન્સાઈડ માહિતી મેળવી અને ઈન્સાઈડર ટ્રેડિંગ અને સ્ટોક મેનિપ્યુલેશન મારફત કમાણી કરતા હોવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા હતા. ‘સેબી’ની તપાસમાં આ ગોરખધંધા ઉઘાડા પડતાં આ તમામ ટીવી એકસપર્ટસ અને એનાલિસ્ટસને બજારમાં કામકાજ કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે..
આ સિન્ડિકેટના કથિત એકસપર્ટસ-એનાલિસ્ટસ પોતે ટીવી ચેનલ પર જે સ્ટોકસની ભલામણ કરવાના હોય તેની માહિતી પહેલેથી પોતાના લાગતા-વળગતા લોકોને આપી દેતા. આ માહિતી મેળવનાર વર્ગ ટીવીમાં ભલામણ આવે તે પહેલાં જ એ શેરો ખરીદી લેતા. એ પછી તે ભલામણ ટીવી પર જાહેર થાય અને રોકાણકારો એ શેર લેવાનું શરૂ કરે કે ભાવ વધે ત્યારે આગોતરી માહિતી મેળવનાર પેલો વર્ગ શેર્સ વેચીને નફો ઘર ભેગો કરવા માંડે ત્યારપછી આ નફાનો હિસ્સો ટીવી ચેનલના ગેસ્ટ એકસપર્ટસ સાથે વહેંચી દેવામાં આવે…!
આ બધા વચ્ચે તેજીમાં ઝટપટ નાણાં કમાવાની લાહ્યમાં અને લાલચમાં ઘેલા રોકાણકારો સમજના અભાવે આવાં કૌભાંડના શિકાર બની જાય છે.
તેજીમાં વિશેષ સાવધાન…
સીધા-સાદા રોકાણકારોને ફસાવવા કેવા-કેવા ખેલ થાય છે તેના આવા અનેક પુરાવા બહાર આવતા જાય છે. જેમ તેજી અને બજાર ઊંચા રહેશે તેમ એક યા બીજા સ્વરૂપે આવી ગેરવાજબી પ્રવૃત્તિઓ ચાલતી રહેશે, રોકાણકારો પોતે સજાગ નહીં રહે તો એમનું નુકસાન નકકી છે.
ટૂંકમાં, બજારમાં ચાલતી તેજીથી કાયમ અંજાઇ જવું નહીં.
દિમાગ લડાવ્યા વિના કોઈ પણ શેરના આડેધડ વધતા ભાવના લોભમાં લપેટાઈ ન જવું.