રોકાણકારનો ખરો શિક્ષક છે એની પોતાની ભૂલ!

રોકાણ જગતમાં અનેકવિધ ગેરરીતિ ચાલતી રહે છે, જે સાવ બંધ થવી મુશ્કેલ છે. જોકે, રોકાણકારોની રક્ષા માટે નિયમન સંસ્થાઓ-કાનૂન હોય છે, પરંતુ ખરેખર તો રોકાણકાર જ પોતાની રોકાણની ભૂલોના અનુભવોથી જે શીખે એ જ વધુ અસરકારક બની રહે છે …
ઈન્વેસ્ટમેન્ટ વર્લ્ડ – જયેશ ચિતલિયા
ફયુચર્સ-ઓપ્શન્સ ટે્રડિગથી દૂર રહો, તેમાં તમારી માટે જોખમ છે, ઘણાં લોકો લોસ કરે છે, ઈન્ટ્રા ડે ટે્રડિગમાં બહુ બધાં ખોટ ભોગવે છે, તેમાં પડવાનું ટાળો, આઈપીઓમાં રોકાણ કરવામાં ધ્યાન રાખો, અહી ખોટા શેર્સ આવી જવાનું રિસ્ક હોય છે…
આવી ચેતવણી કરી-કરીને સરકાર, નિયમન સંસ્થાઓ વરસોથી રોકાણકારોની રક્ષા કરવાના પ્રયાસ કરતા રહ્યા છે. આ એમનું કામ છે, પરંતુ કયાં સુધી? અને કયાં-કયાં?
એક ચર્ચાનો વિષય એ છે કે રોકાણકારોને છેતરપિંડી કે ગેરરીતિ સામે રક્ષણ આપો એ બરાબર છે. બાકી રોકાણ કરવા વિશે તેમને પોતાને પણ શીખવા દો. એ પોતાની ભૂલોમાંથી શીખશે તો પાકકા ઘડે ઘડાશે.
જેમણે મંદી જોઈ જ નથી…
ભારતીય રોકાણકારોમાં છેલ્લાં અમુક વરસમાં એક એવો વર્ગ પ્રવેશ્યો છે, જેણે શેરબજારમાં મંદી જોઈ નથી, ભયંકર કડાકાની કન્સિસ્ટન્સી જોઈ નથી, કોઈ મોટા આર્થિક કૌભાંડ જોયા નથી, કે જેની શેરબજાર પર અસર થઈ હોય અને જેને કારણે માર્કેટ કડડડભૂસ થયું હોય… આ વર્ગે મહદઅંશે તેજી અથવા વૃદ્ધિના દિવસો અને ભાવો તેમ જ ઈન્ડેકસની નવી-નવી ઊંચાઈ જોઈ છે.
બીજા શબ્દોમાં કહીએ તો જેમણે તેજી-મંદીની બંનેની સાઈકલ જોઈ ન હોય એવા રોકાણકારોને એક રીતે અપરિપકવ કહેવાય. તેથી જ હવેના મોટાભાગના રોકાણકારો આડેધડ રોકાણ કરતા રહ્યા છે અને તેમાં માર્કેટ આડેધડ વધતું રહ્યું હોવાનું પણ માનવામાં આવે છે. આ સંજોગોમાં અનેક ઈન્વેસ્ટર્સ સતત ભૂલ કરતા રહ્યા છે. એ લોકો નિયમન તંત્ર હોય કે એકસપર્ટ વર્ગની વાત ધ્યાનમાં લેતા નથી અને એમને પોતાના નિર્ણયમાં ભૂલ લાગતી નથી, એ ભૂલ સ્વીકારતા નથી કે પછી સુધરતા પણ નથી, જેથી હવે એવો મત વ્યકત થાય છે કે ભારતીય ઈન્વેસ્ટરોને ભૂલ કરવા દો અને તેમની ભૂલોમાંથી શીખવા દો.
જોકે બજારના લેભાગુ કે સ્થાપિત હિતોની ગેરરીતિથી બચાવવા અને એમને સ્વયંથી જ બચાવવા એ બંને વાતમાં ફરક છે માટે એમને પોતાની જ ભૂલોમાંથી બચાવવાનું બંધ કરવું અને તેમાંથી શીખવવાનું શરૂ કરવું જોઈએ.
લોકો ચેતવણી સાંભળે છે, પણ…
શેરબજારમાં દાયકાઓથી જે-તે સરકાર કે નિયમનકાર ઈન્વેસ્ટરો માટે એક રક્ષણાત્મક તરીકેની ભૂમિકા ભજવતા રહ્યા છે. આ ઈન્વેસ્ટર્સ પ્રોટેકશની દીવાલ ઊભી કરવામાં સરકાર કે નિયમન તંત્ર એક યા બીજી નીતિ ઘડતા રહ્યા છે અને લોકોને નિયમિત સલાહ-ચેતવણી આપતી રહે છે, તેમ છતાં સરકારી જાહેરખબર-ચેતવણી વાંચી-સાંભળીને કેટલાં લોકોએ સિગારેટ છોડી? દારૂ છોડયો? ગુટકા છોડી દીધા?
ભૂતકાળમાં બચતકારો શું કરતા હતા?
દાયકાઓ પૂર્વે સામાન્ય પ્રજા બિનઅનુભવી હતી ત્યારે લોકોને એમના નિવૃત્તિ કાળમાં કે મુશ્કેલીના સમયમાં કામમાં
આવે એ રીતે એમને નાણાંની બચત કરવાની ફરજ પાડવાનું સરકારને સારું જ સૂઝ્યું હતું. 1952માં એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ (ઈપીએફ) યોજના સત્તાવાર રીતે લાગુ કરાઈ હતી. તે અનુસાર, દરેક ઔપચારિક ક્ષેત્રના કર્મચારીઓના પગારનો અમુક હિસ્સો ફરજિયાત રીતે આ ફંડમાં જમા કરવાનું શરૂ કરવામાં આવ્યું. લોકો પોતાનાં બધાં નાણાં વર્તમાનમાં જ વાપરી ન નાખે અને થોડા ભવિષ્યને માટે પણ બચાવે એવું સરકારે રક્ષણાત્મક અભિગમવાળું પગલું ભર્યું હતું.
શું રોકાણકારોને કોઈ અકકલ જ નથી?
આજે અર્થવ્યવસ્થા પરિપક્વ થઈ રહી છે ત્યારે ઈન્વેસ્ટરોને વધુ પડતા પંપાળવાને બદલે સમજાવાની જરૂર વધુ છે. લોકોને લેભાગુઓ-સ્કેમસ્ટર્સની ગેરરીતિથી બચાવો, પણ એમને પોતાની રીતે ભૂલ કરવા દો અને એમાંથી જ એમને શીખવા દો….
ભારતીય શેરબજારમાંની ઓપ્શન માર્કેટનો જ દાખલો લઈએ તો છેલ્લા અમુક મહિનાઓથી, ઓપ્શન્સ સેગ્મેન્ટમાં રીટેલ ઈન્વેસ્ટરોને થતા આર્થિક નુકસાન વિશે નિયામકો અને નિષ્ણાંતો સતત સલાહ અને ચેતવણી આપતા રહ્યા છે, જેનાથી વ્યાપક માન્યતા એવી પ્રતિત થાય છે કે ઈન્વેસ્ટરોને પોતાને ખબર જ નથી પડતી કે એ પોતે શું કરી રહ્યા છે.
એ ડે ટે્રડિગને તાબે થઈ ગયા છે, ઓપ્શન્સ ટે્રડિગના વલણને રોકવા માટે `સેબી’એ અત્યારસુધીમાં કેટલીયવાર નિયમો બદલ્યા, સજાગ કર્યા, સતર્ક રહેવાનું કહ્યું, તેમ છતાં પણ લોકો બેફામ રોકાણ કરે છે, આડેધડ રોકાણ કરે
છે, શું આ વર્ગને કોઈ સમજણ નથી? એ પોતાનાં નાણાંને કેમ જોખમમાં મૂકી રહ્યા છે?
સ્માર્ટ ઈન્વેસ્ટર્સનો વર્ગ વધશે…
એ ખં કે લોકો આવાં આડેધડ રોકાણમાં નાણાં ગુમાવતા હોય છે, પરંતુ આ પ્રકારની ખોટ જ તેમને અનુભવી ખેલાડી કે શિક્ષક બનાવતી હોય છે. ભારતીય અર્થવ્યવસ્થા અને તેની બજારો પરિપક્વ બની ગઈ છે ત્યારે આવી બાબતોનું તો આપોઆપ સમાધાન આવી જ જશે.
કૃત્રિમ મર્યાદાઓને બદલે કુદરતી મર્યાદાઓને છૂટો દોર આપવો જોઈએ. ઓપ્શન્સ માર્કેટ કેવી રીતે કામ કરે છે એની જેમને ખબર નહીં હોય તેઓ સતત નુકસાન કરવાનું પસંદ નહીં કરે અને આખરે આ સેગ્મેન્ટમાં ટે્રડિગ કરવાનું બંધ કરી દેશે. આમ કરવામાં શરૂઆતમાં તકલીફ થશે, પરંતુ એ પછી વધુ સજાગ અને કાબેલ ઈન્વેસ્ટરોનો પાયો વિસ્તરશે. સમય સાથે અને અનુભવ સાથે શાણપણ વધે છે. દેશના બચતકારો-રોકાણકારો અને દેશના અર્થતંત્ર માટે આ સમજણ અને વિવેક અનિવાર્ય છે.
આ પણ વાંચો…ઈન્વેસ્ટમેન્ટ વર્લ્ડ: રોકાણજગતમાં પ્રવેશતા પહેલાં આટલી પાયાની જાણકારી જરૂરી…



