લગ્ન સમયે કઈ સ્ત્રી સૌથી સુંદર દેખાય?

બોલો, તમે શું કહો છો? – જૂઈ પાર્થ
દર વર્ષે સારાં મુહૂર્ત જોવાય અને લગ્નની સીઝન જામે. ઢોલ ઢબૂકે ને ઝાંઝર ઝમકે, મહેંદી, મામેં, ફુલેકું, ફટાણા, વર ઘોડે ચડે ને જાનૈયા સંગ હરખનાં તેડા કરાય. ભીંતે ગણપતિ ચિતરાય ને બંન્ને પક્ષે કંકોતરી લખાય. પહેલી કંકોતરી ગણપતિને અને પછી સગાં સંબંધીઓમાં વહેંચાય. ઓઢી નવરંગ ચુંદડી, પાયે ઝાંઝરનો ઝણકાર માંડવામાં આવે મલપતા મલપતા લાલ સફેદ પાનેતરમાં સજ્જ, શુકનનું ઘરચોળુ ને જમણા કાંડે બાંધેલ મીંઢોળ માપસરનો મેકઅપ, લાલ ચાંદલો ને ભમ્મરોની ઉપર કાઢેલા પીર… આભૂષણમાં હાર, બુટ્ટી, કાનસેર, ટીકો, દામણી, કંગન, કંદોરો, હાથપાન, પગપાન, પાયલ, બિછીયા… સોળે શણગાર સજેલી છોકરી દુલ્હન બને છે ત્યારે ખરેખર તેનું રૂપ સોળે કળાએ ખીલી ઉઠે છે. એવું કહેવાય છે કે કોઈ પણ સ્ત્રી સૌથી વધુ સુંદર ત્યારે દેખાય છે જ્યારે તે દુલ્હન બને છે!
અને કેમ ના લાગે માત્ર તેનો શણગાર જ તેનું સૌંદર્ય વધારે છે એવું થોડું હોય છે?! મોટાભાગનાં ભારતીય પરિવારોમાં છોકરી સમજણી થાય ત્યારથી તેને એક જ સપનું બતાવવામાં આવે છે કે મોટા થઈને તેણે એક દીકરી મટી એક શ્રેષ્ઠ વહુ- પત્ની અને માતા બનવાનું છે.
દીકરીને સંસ્કાર પણ આ પ્રમાણે જ અપાય છે. આમ, લગભગ દરેક દીકરીનું સપનું પણ પોતાની જાતને સાસરામાં શ્રેષ્ઠ સાબિત કરી પિયરનાં સંસ્કાર ઉજાળ્યાનું સર્ટિફિકેટ લેવાનું હોય છે. જે સપનાનું પહેલું સોપાન એટલે લગ્ન. લગ્ન સમયે સજેલા શણગારની સાથે સપનું પૂં થયાનો સંતોષ પણ દુલ્હન બનેલ છોકરીનાં રૂપને નિખારે છે તેથી તે અતિસુંદર લાગે છે. આ સાથે જીવનસાથી સ્વરૂપે તેને જીવનનો આધારસ્તંભ મળ્યાની લાગણીથી તેનો આત્મવિશ્વાસ બુલંદી પર પહોંચે છે.
આમ દુલ્હનનાં સુંદર દેખાવા પાછળનાં કારણો જોઈએ તો એક નહિ, પરંતુ અનેક છે, પણ ક્યારેય વિચાર્યું છે કે લગ્ન પ્રસંગે બીજી પણ એક સ્ત્રી ખૂબ સુંદર દેખાતી હોય છે? વિચારો તો કોણ હશે એ? એ સુંદર સ્ત્રી એટલે દીકરાની મા! સાસુ બન્યાનાં હરખ કરતાંય દીકરો એક યોગ્ય હાથમાં સોંપાયાની લાગણીની ટશર તેમનાં ગાલ પર ફૂટે છે અને જાણે સમગ્ર સૃષ્ટી પોતાનાં પાલવમાં સમાઈ ગયાની લાગણી થતી હોય તેમ ઠાવકાઈથી લગ્ન પ્રસંગે સૌને હળેમળે છે તો વહુને ઘરનાં બારણે પોંખે છે. પોતાનાં પડછાયાને આવકારવાનાં ઓરતા તેમનાં હોઠોનું સ્મિત બની ફરકે છે.
સાસુ-વહુ આમતો એક ટુકડી- ટીમનાં જ કહેવાય કે જેમનું અસ્તિત્વ પોતાનાં પરિવારને સુખી કરવામાં રેડાઈ જાય છે. વરની મા પછી સૌથી વધુ ખુશ દેખાતી સ્ત્રી કોણ હોઈ શકે? આવે છે કોઈ વિચાર? સાચું વિચાર્યું… એ છે વધૂની મા દીકરીનાં જનમતાં જ હજી તો આનંદની છોળો શમી ના હોય ત્યાં તો દીકરી પરણાવવા યોગ્ય થઈ જાય છે.
આ અવસર જેટલો હરખનો છે એટલો જ એક દીકરીનાં માતા- પિતા માટે કઠિન. તેમ છતાંય ચોરીમાં ક્નયાદાન કરતી વખતે એક માતાનાં ચહેરા પર વિનમ્રતા સાથે પણ જે ગુમાન હોય છે, પોતાનો સંસ્કાર વારસો બીજે આંગણ જઈ રોપાવવાનું અભિમાન હોય છે, પોતાનાં ઘરની ભાગ્યલક્ષ્મી બીજાનાં ઘરની સૌભાગ્યલક્ષ્મી બનશેનો ભાવ હોય છે અને આ બધું જ પોતાની અંદર ઉદ્ભવતા અસલામતી, વિદાય, વિરહ, ડર જેવા નકારાત્મક ભાવોને શાંત રાખે છે. ક્નયાદાનનાં મહિમાની સામે કોઈ લાગણીઓ એટલી અસરકારક નથી હોતી કે જે દીકરીની માતાને લાગણીથી ધ્વસ્ત કરી શકે. તો પછી દીકરી એટલે કે વધૂની માતાને ખૂબ સુંદર દેખાવાનો હક છે જ અને તે સુંદર લાગે પણ છે.
બાહ્ય સુંદરતા હંમેશાં આંતરિક સુંદરતા પર આધાર રાખે છે. કહે છે ને સાદગીમાં જ સુંદરતા રહેલી છે. લગ્નપ્રસંગે પ્રસંગની મુખ્ય સ્ત્રીઓ દુલ્હન, વરની મા અને વધૂની મા ગમે એટલી ચિંતા, નબળા વિચારો કે પછી ભવિષ્યની અસલામતીની વચ્ચે પણ સૌથી વધુ આનંદ લઈ સૌથી વધુ સુંદર પણ દેખાઈ શકે છે એ પણ કોઈ હરીફાઈ કે દેખાદેખી વિના!
હાં તો હવે તમે કહો, તમારી દ્રષ્ટિએ સુંદર સ્ત્રી કોણ? આ સુંદર સ્ત્રી વિશે બોલો.
તમે શું કહો છો?
આ પણ વાંચો…કંઈ વાંધો નહીં, બદલી નાખશું… નવું લેશું!



