ઈકો-સ્પેશિયલ: હજી બહુ મોટી સંખ્યામાં રોકાણકારો આવવાના બાકી છે!

-જયેશ ચિતલિયા
શેરબજારમાં પ્રવેશેલા અને પ્રવેશતા નવા રોકાણકારોનું ધ્યાન ક્યાં વધુ હોય છે? આ વર્ગની પસંદગી શું હોય છે અને શું હોવી જોઈએ? એની જોઈએ, એક ઝલક…
એક નાના શહેરમાં એક સાહસિક વેપારીએ ચપ્પલ બનાવવાનું કારખાનું શરૂ કરવાનું નક્કી કર્યું ત્યારે એના એક સલાહકારે તપાસ કરીને જાણ્યું કે ‘એ ગામમાં તો ચપ્પલ પહેરવાનો રિવાજ જ નથી… અહીં કોઈ ચપ્પલ પહેરતું નથી માટે અહી કારખાનું નાખવાનો કોઈ અર્થ નથી… ખોટમાં જશો…!’
આ સાંભળી પેલા વેપારી કહે: ‘હવે તો મારો નિર્ણય એકદમ પાક્કો થઈ ગયો કે અહી કારખાનું નાખવું જ રહ્યું, કારણ કે જયાં કોઈ ચપ્પલ પહેરતું નથી ત્યાં જ એક દિવસ ચપ્પલ પહેરવાનો એવો ચસકો લાગશે કે દરેક જણ ચપ્પલ પહેરશે અને સમયાંતરે નવાં-નવાં ચપ્પલ પણ પહેરતા થશે, તેથી આ શહેરમાં તો ચપ્પલની ડિમાંડ ચાલતી જ રહેશે!’
આ છે એક વેપાર સાહસિકનું વિઝન, જે ભવિષ્યને જોઈ શકે છે ને તેનો અંદાજ લગાવી આયોજન કરી શકે છે.
શેરબજારને પણ આ વાત લાગુ…
હવે આ જ વાતને શેરબજારની દૃષ્ટિએ જોઈએ. એક સમય હતો જયારે શેરબજાર એટલે સટ્ટા બજાર, કૌભાંડ, ગરબડ-ગોટાળા વગેરે માન્યતાઓ ચાલતી. બહુ મોટો વર્ગ તેનાથી દૂર જ રહેતો, ખાસ કરીને નાના બચતકારો તો કલ્પના પણ ન કરતા આ બજારમાં પ્રવેશવાની અને કોઈ પ્રવેશે તો એને એમ ન કરવાની સલાહ અપાતી. ધીમે-ધીમે લોકોમાં આ બજાર વિશેની ગેરસમજ દૂર થતી ગઈ અને સમજ વધતી ગઈ, જેમાં નિયમન તંત્ર અને સરકાર સહિત બજારે પણ લોકોમાં જાગૃતિ ફેલાવવાની ભૂમિકા ભજવી, બાકી સંજોગો કામ કરતા ગયા.
આજે શેરબજારમાં પ્રત્યક્ષ તેમ જ પરોક્ષ રીતે કરોડો લોકો સક્રિય થયા છે અને સમય સાથે વધતા પણ રહ્યા છે. નાનામાં નાના બચતકારો પણ શેર લેતા થયા છે. આ જ બજારમાં પ્રવેશવાનો માર્ગ મ્યુચ્યુઅલ ફંડ પણ છે, જે મારફત પણ નાના રોકાણકારો આવતા ગયા છે.
આ પણ વાંચો: ઈકો-સ્પેશિયલ : મહાકુંભની મહા સફળતાનું મહા અર્થકારણ
કોવિડ બાદ ટર્નિંગ પોઈન્ટ
આ બજારમાં એક મોટો જબરદસ્ત ટર્નિંગ પોઈન્ટ કોરોના વાઈરસના કપરા સમયમાં આવ્યો. કોવિડને પગલે ભારતીય શેરબજારમાં રીટેલ રોકાણકારોનો બહુ મોટો પ્રવાહ આ માર્કેટમાં પ્રવેશ્યો પરિણામે ડિમેટ એકાઉન્ટ્સની સંખ્યા સતત વધતી ગઈ. મજાની વાત એ છે કે સલામતીમાં જ માનતા સીધા સાદા આ ઈન્વેસ્ટરોએ પણ જોખમ લેવાનું પસંદ કર્યું, તેથી એમના પોર્ટફોલિયોનો 70 ટકાથી વધારે હિસ્સો ઈક્વિટીમાં ફાળવ્યો. તાજેતરમાં આ માહિતી એક સર્વેમાં પ્રગટ થઈ છે.
ઈક્વિટી શેરને જોખમ માનવામાં આવે છે તેમ છતાં તેના તરફ આકર્ષણ વધતું રહ્યું છે, જેમાં 45 ટકા એવા યુવાનો છે, જે 30થી ઓછી વયના છે. એ પોતાના મુખ્ય ઈન્વેસ્ટમેન્ટ વિકલ્પ તરીકે ઈક્વિટીને પ્રાધાન્ય આપે છે. જોખમ ઉઠાવવાનું પસંદ કરતા આ જનરેશન-ઝેડ ઈન્વેસ્ટરો શેરબજારમાં મૂડીરોકાણમાં ત્રણ વર્ષ કરતાંય ઓછો અનુભવ ધરાવે છે તેમ છતાં એમણે પોતાના પોર્ટફોલિયોનો 70 ટકાથી વધારે હિસ્સો ઈક્વિટીમાં ફાળવ્યો છે. જોકે 42 ટકા ઈન્વેસ્ટરો લાંબા ગાળાના સંપત્તિ સર્જન પર એમનું ધ્યાન કેન્દ્રિત કરે છે, જ્યારે 32 ટકા લોકો એમના ઈન્વેસ્ટમેન્ટમાંથી ધીરજ રાખીને આવક મેળવવામાં રસ ધરાવે છે.
આ પણ વાંચો: ઈકો-સ્પેશિયલ : મ્યુચ્યુઅલ ફંડ સલાહકારો-વિતરકોએ સોશિયલ મીડિયા પર શું કરવું – શું ન કરવું?
જાગૃતિ અને શિક્ષણનું મહત્ત્વ…
નિયમન સંસ્થા ‘સેબી’એ તાજેતરમાં તેના એક અહેવાલમાં જણાવ્યું હતું કે ડેરિવેટિવ્ઝ સોદાઓમાં ઊંચાં જોખમો હોય છે અને તેમાં 90 ટકા જેટલા સહભાગી ટ્રેડર્સો નુકસાન કરતા હોવાનું સત્તાવાર નોંધાયું છે. આ વિષયમાં હવે ‘સેબી’ વધુ સક્રિય બની પગલાં લઈ રહી છે અને રોકાણકાર વર્ગમાં પણ અવેરનેસ વધી
રહી છે.
શેરબજારોમાં ઈલેક્ટ્રૉનિક ટ્રેડિંગ-ઓનલાઈન મંચ વધુ ને વધુ ફેલાતો જતાં અને ટેકનોલૉજી તેમાં સતત સહાયરૂપ થતી હોવાથી રોકાણ કે ટ્રેડિંગ કરવાનું ઝડપી અને સરળ બન્યું છે, જે પણ લોકોને આકર્ષવામાં એક મહત્ત્વનું કારણ બન્યું. વધુમાં, અનેક નવા ફાઈનાન્સિયલ પ્રોડક્ટ્સ લોન્ચ કરાતાં હોવાથી વધુ ને વધુ સંખ્યામાં ઈન્વેસ્ટરો શેરબજારોમાં જોડાતા ગયા છે.
ફાઈનાન્સિયલ સાક્ષરતાની વિવિધ પહેલ મારફત ભારતીય રિઝર્વ બૅન્ક પણ ફાઈનાન્સિયલ જ્ઞાનનો ફેલાવો કરવામાં સક્રિય રહી છે. મ્યુચ્યુઅલ ફંડ ઉધોગ પણ બહુ મોટી અને મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. અલબત્ત, આ જાગૃતિનું કાર્ય આજે પણ ચાલુ છે અને તેની જરૂર પણ ખરી, કારણ કે હજી પણ લોકોમાં ગેરસમજ અથવા લાલસા અને ભ્રમ વધુ કામ કરી રહ્યા હોવાથી જાણતા-અજાણતા લોકો આ બજારમાં ખોટા માર્ગે ચાલીને ફસાય છે અને પછી પસ્તાય છે.
આ પણ વાંચો: ઈકો-સ્પેશિયલ: ટ્રમ્પના કારણે વૈશ્ર્વિક ટેરિફ યુદ્ધ ફાટી નીકળે તો પણ…
રોકાણકારોની નિયમિત નજર….
આ સર્વે કહે છે તે રોકાણકારોનો મોટો વર્ગ શેરોના ભાવો પર નિયમિત નજર રાખે છે. એક મોટો વર્ગ દરરોજ માર્કેટ અપડેટ્સ ચેક કરે છે અને 22 ટકા લોકો મહિનામાં અમુક વાર ધ્યાન આપે છે. જોકે વ્યાપક રુચિ હોવા છતાં વાસ્તવિક ઈન્વેસ્ટમેન્ટ ભાગીદારી હજી ઘણી ઓછી ગણાય. 37 ટકા ઈન્વેસ્ટરો સ્ટોક્સ અને મ્યુચ્યુઅલ ફંડ્સને વધારે પસંદ કરે છે. 41 ટકા ઈન્વેસ્ટરો એમના પ્રાથમિક બચત વિકલ્પ તરીકે હજી પણ ઓછાં જોખમવાળા અને ઓછા લાભવાળા માર્ગ – બૅન્ક ડિપોઝિટ્સ પર નિર્ભર રહેવાનું પસંદ કરે છે.
કોવિડ બાદ ભારતીયે શેરબજારોમાં રીટેલ ભાગીદારીમાં નાણાકીય વર્ષ 20-24માં 26 ટકા અને નાણાકીય વર્ષ 2023-24માં 25 ટકાનો ઉછાળો નોંધાયો હતો. આ જ દર્શાવે છે કે રિટેલ ઈન્વેસ્ટરોનો વિશ્વાસ વધ્યો છે. અલબત્ત, હાલ બજારના બૂરા સમય અને ગ્લોબલ અનિશ્ર્ચિતતાને લીધે રોકાણકારો માર્કેટથી દૂર થયા છે, જોકે આ એક કામચલાઉ તબક્કો છે.
આ પણ વાંચો: ઈકો-સ્પેશિયલ : 2024માં આઈપીઓ: વિશ્વસ્તરે આપણું સ્થાન મહત્ત્વનું બની રહ્યું છે!
માર્કેટનો અભ્યાસ જરૂરી…
વર્તમાન સમય શેરબજારમાં વોલેટિલિટી વધુ રહી છે, તાજેતરમાં ભારે કડાકા પણ જોવાયા અને મૂડીધોવાણના ગંભીર કિસ્સા પણ નોંધાયા તેમ છતાં રોકાણકારોમાં અનુભવ સાથે પરિપક્વતા વધી રહી છે. આ વાત મૂડીબજારના અને દેશના આર્થિક વિકાસ માટે પણ આશાસ્પદ છે. મૂડીબજાર સટ્ટા કરતાં ઈન્વેસ્ટમેન્ટનું સ્થાન બને તેમ જ અહીં વિશ્વાસ તથા સલામતીનું સ્તર વધે એ ઇચ્છનીય છે. આ દિશામાં સરકાર અને સેબી ઉપરાંત કૉર્પોરેટસ વર્ગે પણ સક્રિય ભૂમિકા ભજવવી રહી. બાકી રોકાણકારોના વિશાળ વર્ગે પણ અભ્યાસ સાથે જાગૃત થવું આવશ્યક છે.
અલબત્ત, અહી એ સંકેત સમજવો જોઈએ કે ભારતીય શેરબજારમાં લાંબા ગાળાનો વિશ્વાસ રાખવો, કારણ કે અહીં હજી બહુ મોટી સંખ્યામાં રોકાણકારો પ્રવેશવાના બાકી છે.