ઉત્સવ

કવર સ્ટોરી: આમ તો ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત થઈ છે ત્યારે… હવે આંતરિક સુરક્ષા ને પ્રજાની શિસ્ત અતિ મહત્ત્વની છે

-વિજય વ્યાસ

‘ઑપરેશન સિંદૂર’ દ્વારા સરકારે અને ભારતીય સૈન્યએ દુશ્મન એવા પાડોશી પાકિસ્તાનને જોઈતાં પાઠ ભણાવી દીધા છે… આપણા સીમાડાની સુરક્ષા માટે ભારતીય સૈન્ય સતર્ક છે. આમ છતાં, પ્રજા તરીકે આપણે પણ અમુક ફરજ પૂરતી ગંભીરતાથી બજાવવાની છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે યુદ્ધના તણાવનો માહોલ છે. પહલગામમાં પાકિસ્તાન પ્રેરિત-સંચાલિત આતંકવાદી હુમલામાં 28 પર્યટકોનાં અકાળ મોત થયાં પછી દેશભરમાં જોરદાર આક્રોશ છે.. પાકિસ્તાને કરેલી નીચ હરકતનો જવાબ આપવા ભારતે પણ દુશ્મન પાકિસ્તાન પર ત્રાટક્વું જોઈએ એવી લોકોની પ્રબળ લાગણી હતી. પાકિસ્તાનને એક વાર તો પાઠ ભણાવવો જોઈએ એવી લોકોની મનસા હતી. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે લોકોની લાગણીને સમજીને પાકિસ્તાન સામે જોઈતી લશ્કરી કાર્યવાહી કરીને 100થી વધારે આતંકવાદીઓને ઉપર પહોંચાડી દીધા છે. આતંકવાદી અડ્ડાઓનો સફાયો કરી નાખ્યો અને છેક પાકિસ્તાનના પંજાબ લગી ઘૂસી જઈને ભારતની તાકાતનો પરચો આપી દીધો છે.

પાકિસ્તાને ભારત પાસેથી આવા તાત્કાલિાક તેજાબી જવાબની અપેક્ષા નહોતી રાખી તેથી આપણા પ્રતિ- હુમલાને કારણે પાકિસ્તાન બઘવાઈ ગયું છે. પાકિસ્તાને નાક બચાવવા માટે ભારત પર હુમલાના પ્રયત્નો કરી જોયા, પણ ફાવ્યા નથી. પાકિસ્તાની ડ્રોન અને મિસાઈલોના ભુક્કા બોલાવી દઈને પાકિસ્તાનના નાપાક બદઈરાદા પર આપણા સૈન્યએ પાણી ફેરવી દીધું છે.

આ લખાઈ રહ્યું છે ત્યારે ભારત- પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત થઈ છે. આમ છતાં, પાકિસ્તાન તેની જાત બતાવ્યા વિના રહેવાનું નથી તેથી હજુ ભવિષ્યમાં અવળચંડાઈઓ કરશે જ. પાકિસ્તાનની ભારત પર સીધું આક્રમણ કરવાની હિંમત નથી ને હૈસિયત પણ નથી. ભારતની લશ્કરી તાકાત પાકિસ્તાન કરતાં અનેક ગણી વધારે છે. આ સંજોગોમાં ભારત પર આક્રમણ કરે તો ભારત ગણતરીના કલાકોમાં પાકિસ્તાનનો ખેલ ખતમ કરી નાખે એ વાત પાકિસ્તાન સારી રીતે જાણે છે તેથી ભારત અને પાકિસ્તાન વચ્ચે ફુલ ફ્લેજ્ડ – સીધા યુદ્ધની શક્યતા નહિવત છે , પણ આડકતરો જંગ ચાલુ રહે એ શક્યતા નકારી ના શકાય. ભારતે પણ ‘ઑપરેશન સિંદૂર’ પૂર્ણ થઈ ગયું છે એવું ન જાહેર કરતા પાકિસ્તાનને કડક શબ્દોમાં એવી ચીમકી પણ આપી છે કે અમારી વિરુદ્ધ કોઈ પણ જાતની આતંકવાદી પ્રવૃતીને અમે દેશ પર આક્રમણ સમજીને વળતાં પ્રહાર કરીશું!

આવા સંજોગોમાં એ સવાલ અત્યારે મહત્ત્વનો છે કે જંગ ફરી શરૂ થઈ જાય તો શું કરવું એ સરકારે નિર્ણય લેવાનો છે અને આર્મીએ તેનો અમલ કરવાનો છે. સરકાર અને આર્મી પોતાની ફરજ અત્યારે બજાવી રહ્યાં છે પણ યુદ્ધ જેવી સ્થિતિ ચાલુ રહે તો રાજ્ય સરકારોએ પણ સજ્જતા બતાવીને આંતરિક સુરક્ષા મજબૂત કરવી પડે. સાથે સાથે પ્રજાએ પણ હકારાત્મક ભૂમિકા ભજવવા તૈયાર રહેવું પડે, કેમ કે યુદ્ધની સામાજિક, આર્થિક, માનસિક એમ તમામ પ્રકારની અસર પડતી હોય છે.

આ પણ વાંચો….કવર સ્ટોરી: જાતિ આધારિત જનગણના સામાજિક આર્થિક ફાયદાના નામે રાજકીય લાભ ખાટવાનો ગૅમ પ્લાન?

યુદ્ધમાં જોડાનારી પ્રજાએ આર્થિક નુકસાની માટે પણ તૈયાર રહેવું પડે અને સુખ-સગવડો જતી કરવા પણ તૈયાર રહેવું પડે. બ્લેકઆઉટ જાહેર થાય તો લાઈટો બંધ કરીને બંધ ઘરમાં લાઈટો વિના ગરમીમાં બફાવા પણ તૈયાર રહેવું પડે ને ટીવી-ઈન્ટરનેટ બંધ થઈ જાય તો મનોરંજન વિના પણ ચલાવવું પડે. યુદ્ધના કારણે અનિશ્ર્ચિતતાની સ્થિતિ હોય છે તેથી સતત અસલામતીનો અનુભવ થાય ને માનસિક તણાવ પણ થાય. આ માનસિક તણાવ માટે પણ લોકોએ તૈયાર રહેવું પડે. યુદ્ધ દરમિયાન વસ્તુઓની અછત સર્જાય એ સામાન્ય વાત છે તેથી તેના માટે પણ સજ્જતા કેળવવી પડે.

ભારતની આજની પ્રજા માટે આ બધી વાત નવી છે કેમ કે ભારતની પ્રજાએ છેલ્લે યુદ્ધ જેવી સ્થિતિ કારગિલ યુદ્ધ વખતે 1999માં જોઈ હતી. પાકિસ્તાને કારગિલમાં સીધું આક્રમણ નહોતું કર્યું પણ આતંકવાદીઓની સાથે પોતાના સૈનિકોને કારગિલમાં ઘૂસાડી દીધા હતા, પણ ભારતીય લશ્કરે ‘ઓપરેશન વિજય’ હાથ ધર્યું અને પાકિસ્તાનના લશ્કરને ખદેડીને છેવટે પોતાના વિસ્તારો પાછા કબજે કર્યા હતા. કારગિલ વિજય સાથે ઈન્ડિયન આર્મીની યશગાથામાં વધુ એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું અને પાકિસ્તાનની કલંકગાથામાં વધુ એક કાળું પ્રકરણ ત્યારે ઉમેરાયું હતું.

કારગિલમાં ભારત અને પાકિસ્તાનનાં આર્મી સામસામે લડ્યાં ખરાં પણ એ પૂર્ણ યુદ્ધ નહોતું. કારગિલ યુદ્ધ કારગિલ પૂરતું મર્યાદિત હતું. કારગિલ યુદ્ધને 26 વર્ષ થઈ ગયાં તેથી એ યુદ્ધ જોનારી પેઢી પણ અત્યારે મોટી થઈ ગઈ છે.

ભારત છેલ્લે પૂર્ણ કક્ષાનું યુદ્ધ 1971માં લડ્યું હતું જ્યારે બાંગ્લાદેશને આઝાદ કરાવવા ઈન્દિરા ગાંધીએ ભારતીય લશ્કરને મોકલ્યું હતું. 1971ના યુદ્ધની અસર પાકિસ્તાન સાથેની સરહદે જોડાયેલાં બધાં રાજ્યોમાં હતી તેથી તેને ભારતે જોયેલું છેલ્લું યુદ્ધ કહી શકાય. બાંગ્લાદેશ યુદ્ધને 55 વર્ષ થઈ ગયાં ને એ યુદ્ધ જોનારી પેઢીમાંથી મોટા ભાગનાં લોકો હયાત નથી. એ પછીની બે-ત્રણ પેઢીએ કદી યુદ્ધ જોયું નથી. 1971ના યુદ્ધ પછી જન્મેલા ભારતીયોમાં મોટા ભાગના લોકો દાદા-દાદી કે નાના-નાની બની ગયાં છે.

આ પેઢીએ પોતાનાં માતા-પિતા કે દાદા-દાદી ને નાના-નાની પાસેથી યુદ્ધની વાતો સાંભળી હતી, યુદ્ધના અનુભવો પણ સાંભળ્યા પણ એમની પાસે પોતાનાં સંતાનોને સંભળાવવા માટે યુદ્ધની કથાઓ નહોતી ને પોતાના પૌત્ર-દોહિત્રોને કહેવા માટે યુદ્ધના અનુભવો નથી. આ કારણે હાલના ભારતમાં જેમને સંપૂર્ણ યુદ્ધનો અનુભવ હોય કે સાક્ષી હોય એવા લોકોની સંખ્યા બહુ ઓછી છે.

આ પણ વાંચો….કવર સ્ટોરી : હવે મુત્સદ્દીગીરી સાથે મિલિટરી ઍક્શન લેવાનો સમય પાકી ગયો છે…!

આજની પેઢીને યુદ્ધનો અનુભવ નથી. તેના કારણે યુદ્ધ જેવી સ્થિતિમાં શું કરવું તેની પણ એમને સમજણ નથી. સરકારે મોક ડ્રીલ સહિતના કાર્યક્રમો દ્વારા લોકોમાં એ સમજણ અને જાગૃતિ લાવવાની કોશિશ કરી છે, પણ સરકાર પર બધું ના છોડાય. લોકોએ પોતાની રીતે શિસ્તબદ્ધ બનીને વર્તવું જરૂરી છે.

ભારતીયોએ આ શિસ્ત એટલે પણ કેળવવી પડે કેમ કે ભારત ચોતરફથી દુશ્મનોથી ઘેરાયેલું છે. પાકિસ્તાન તો આપણું દુશ્મન છે જ પણ બાંગ્લાદેશ, ચીન કે નેપાળ પણ આપણાં દોસ્ત નથી. બાંગ્લાદેશ, ચીન અને પાકિસ્તાનનું ત્રેડ રચાઈ ગયું. આ ત્રણેય દેશોનો એક કોમન એજન્ડા ભારતની બરબાદી છે. ત્રણેય ભેગાં થઈને પણ ભારતને સીધા યુદ્ધમાં હરાવી શકે તેમ નથી તેથી પાકિસ્તાનને આગળ કરીને ચીન અને બાંગ્લાદેશ ભારતને પરેશાન કરવા મથ્યા કરશે. આ સંજોગોમાં ભારતના નાગરિકોની જવાબદારી વધી જશે.

દુનિયામાં ઈઝરાયલ સહિતના ઘણા દેશો સતત યુદ્ધના માહોલમાં જ રહે છે તેથી આ દેશોના નાગરિકોની સજ્જતા વધારે હોય છે. મોટા ભાગના નાગરિકોએ મિલિટરી ટ્રેનિંગ લીધેલી હોય છે.

આ કારણે સામાન્ય નાગરિકોમાં પણ જોરદાર શિસ્ત હોય છે. ભારતીયોમાં એ પ્રકારની શિસ્ત નથી એ જોતાં ભવિષ્યની પેઢીઓ માટે મિલિટરી ટ્રેઈનિંગ ફરજિયાત બને એવું પણ થાય. ભારતીયોએ અત્યારથી પોતાની માનસિક સજ્જતા બતાવવી પડે.

આંતરિક સુરક્ષા પણ મહત્ત્વની છે કેમ કે આતંકવાદી હુમલા મોટા ભાગે આંતરિક સુરક્ષામાં ચૂકના કારણે થતા હોય છે અને ભારત આ બંને મોરચે થોડુંક વધારે સતર્ક થાય તો બહારના અને અંદરના દુશ્મનોને એ જરૂર હંફાવી શકે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button