ઉત્સવ

કેનવાસ : હેલોવીન ઉજવતા દેશો કરતાં વધુ ભૂતકથા ને ભૂતિયા સ્થળો તો ભારતમાં છે!

  • અભિમન્યુ મોદી

દર વર્ષે ઓક્ટોબરના અંતથી નવેમ્બરની શરૂઆતના દિવસોમાં ઘણા દેશ હેલોવીન વીક ઉજવે છે. હેલોવીનનું અઠવાડિયું એવો સમય છે જ્યારે લૌકિક અને અલૌકિક દુનિયા વચ્ચેની સીમાઓ ઝાંખી થઈ જાય છે. સેમહેન સેલ્ટિક ફેસ્ટિવલ એટલે કે વાવણીની ઋતુ પૂરી થાય પછી અને ઠંડીની સીઝન શરૂ થાય ત્યારે હેલોવીન ઉજવવાની પ્રથા જૂની છે. આ હેલોવીન ઉત્સવ પશ્ચિમી દેશોના લોકોને આત્મા- ભૂતાવળ અને અદ્રશ્શ્ય શક્તિ સાથે સાંકળવાનો મોકો આપે છે. લોકો હળવાશથી ભૂતપ્રેતના વેશ ધારણ કરે છે. ભારતના લોકો પણ હેલોવીનથી અજાણ નથી. મોટા શહેરોમાં ક્યાંક ક્યાંક હેલોવીન પાર્ટીઝ શરૂ થઇ ગઈ છે. વિદેશમાં વસતા ભારતીયો તો હેલોવીન વિકની ઉજવણી કરે પણ છે.

જોકે અહીં મુદ્દો એ છે કે આ ભૂતપ્રેતની વાતમાં પણ ભારત પશ્ચિમી દેશો કરતાં જોજનો આગળ છે. ભારતમાં ઘણા ભૂતિયા લોકેશન છે, જેની સાથે અનેક ચિત્રવિચિત્ર કથા સંકળાયેલી છે, જેમકે…

દિલ્હીમાં એક મહેલ આવ્યો છે જેનું નામ છે ‘ભૂલી ભટિયારી કા મહાલ.’ 14મી સદીના મધ્યમાં ફિરોઝ તુઘલક દ્વારા બંધાયેલો આ મહેલ ખરેખર તો શિકારીઓ માટેનું છૂપું સ્થાન હતો. હાલના દિલ્હીમાં પ્રખ્યાત હનુમાનજીની પ્રતિમાની નજીક રસ્તાની બાજુમાં જ આ જગ્યા આવેલી છે. તેની કથા એવી છે કે ભટિયાર જાતિની એક મહિલા પોતાનો રસ્તો ભૂલી ગઈ ને આ સ્થળ પર જ મૃત્યુ પામી. ત્યારથી તેની આત્મા આ ખંડેરમાં ભટકે છે એવું કહેવાય છે. આ સ્થળ એકદમ એકાંતભર્યું છે. વળી તે વિસ્તારમાં ઘણા ગુનાઓ પણ થયા છે માટે આ સ્થળને લઈને એક કરતાં વધુ ભૂતકથાઓ પ્રસરી છે.

આપણે ભૂતમાં માનીએ કે ન માનીએ, પણ સજાગ નાગરિક તરીકે એટલું વિચારી શકાય કે આ સ્થળ દર્શાવે છે કે શહેરનો વધતો જતો વિસ્તાર કેવી રીતે એક સમયના બહારના જંગલને ગળી જાય છે પરિણામે કેવી રીતે ઉપેક્ષા પામેલાં સ્થળો ભૂતકથાને જન્માવે છે.

મધ્યપ્રદેશમાં ગઢ કુંદર કિલ્લો છે. ઓરછાની ઉત્તરે એક ટેકરી પર આવેલો આ નાનો કિલ્લો 15મી સદીમાં ખાંગર રાજવંશના શાસન હેઠળ હતો, જેની બુંદેલાઓ સાથે દુશ્મનાવટ હતી. એક ખાસ લગ્નની રાત્રે હત્યાકાંડ થયો. જ્યારે ખાંગર દારૂના નશામાં હતા ત્યારે સશસ્ત્ર બુંદેલાઓએ કિલ્લા પર હુમલો કર્યો હતો આવી સ્થાનિક લોકવાયકા છે. આજે આ કિલ્લો શાંત અને અવાવરું છે, એ ખાલી ગઢમાંથી ફક્ત પક્ષીઓના અવાજ સાંભળવા મળે છે. નજીકમાં કોઈ મોટા ગામ નથી, ફક્ત છૂટાછવાયા ઘરો છે. સ્થાનિક લોકો માને છે કે આ સ્થળમાં ભૂત વસે છે તેથી મોટાભાગના લોકો ત્યાં જતા નથી.

અંગ્રેજોના જમાનાથી લઈને હમણાં સુધી રોસ ટાપુ તરીકે ઓળખાતો નેતાજી સુભાષચંદ્ર બોઝ ટાપુની ભૂતકથા પણ પ્રચલિત છે. આપણને ખબર છે કે આંદામાન ટાપુઓમાં બ્રિટિશ જેલો હતી. આશરે 1864 થી 1867 સુધી ત્યાંના કેદીઓએ બેરેક, એક ચર્ચ, એક બજાર, એક સ્વિમિંગ પૂલ અને મુખ્ય કમિશનરનું ભવ્ય નિવાસસ્થાન બનાવવા માટે મહેનત કરી. દાયકાઓ સુધી કેદીઓ સાથેના ક્રૂર વર્તન થયું હતું. 1940ના દાયકામાં આ ટાપુ ત્યજી દેવામાં આવ્યો હતો.

આજે તે જંગલ વિસ્તારમાં ઇમારતો ચણાઈ રહી છે – અને આ શહેરી વિકાસ સાથે મૃત કેદીઓની ભટકતી આત્માઓની વાર્તાઓ પણ સાંભળવા છે. અહીં રાતે લાઈટ એન્ડ સાઉન્ડ શો થાય છે, પણ સ્થાનિક લોકોને પૂછીએ તો કહે છે કે મોડી રાતે અહીં આત્માઓ ભટકે છે…

‘બાજીરાવ મસ્તાની’ ફિલ્મ પછી મહારાષ્ટ્રનો શનિવાર વાડાનો ગઢ વધુ જાણીતો થયો છે. 1732માં બંધાયેલો આ કિલ્લો મરાઠા સામ્રાજ્યના શક્તિશાળી પેશ્વાઓનો ગઢ હતો.

એક જમાનામાં આ ગઢ લોકોની ચહલપહલથી ગુંજતો રહેતો, પરંતુ 1773માં યુવાન પેશ્વા નારાયણ રાવની હત્યા કરવામાં આવી હતી. અહેવાલ મુજબ, તેમના કાકા અને કાકીએ જ અંગરક્ષકોને હત્યાનો આદેશ આપ્યો હતો. પછી, 1828માં, આગ લાગવાથી કિલ્લો બળીને રાખ થઈ ગયો, જેમાં ફક્ત કિલ્લાની અમુક દીવાલો અને પ્રવેશદ્વાર જ બચ્યા. સ્થાનિક દંતકથા એવી છે કે નારાયણ રાવનું ભૂત પૂર્ણિમાની રાત્રે મદદ માટે બૂમ પાડે છે : ‘કાકા, માલા વચવા …કાકા, મને બચાવો!’

રાજસત્તા, કાવતરું, વિશ્વાસઘાત આ બધા સંજોગોની જયારે અથડામણ થાય છે ત્યારે એ બધા ફક્ત ઈતિહાસનાં પુસ્તકોમાં જ નહીં, પરંતુ સમયના વહેણમાં પણ પોતાની છાપ છોડી જાય છે…

આ બધા વચ્ચે કદાચ ભારતનું સૌથી પ્રખ્યાત ભૂતિયા સ્થળ એટલે અલવર-રાજસ્થાનનો ભાનગઢ કિલ્લો. 17મી સદીમાં રાજા ભગવંત દાસે તેમના પુત્ર માધો સિંહ માટે બંધાવેલો આ કિલ્લો અરવલ્લી પર્વતોની તળેટીમાં સરિસ્કા અભયારણ્યની પાસે આવેલો છે.

એની સાથે બે મુખ્ય દંતકથા સંકળાયેલી છે. એક: તપસ્વી બાલાનાથે આ કિલ્લાને આશીર્વાદ આપ્યા હતા કે તેનો પડછાયો તેમના નિવાસસ્થાન પર ક્યારેય ન પડે. જ્યારે તે થયું ત્યારે તે વિનાશમાં પરિણમ્યું. બીજી દંતકથા એ છે કે એક તાંત્રિક રાજકુમારી રત્નાવતીથી મોહિત થઈ ગયો ત્યારે પોતાને વશ કરવાની બધી યોજના એ રાજકુમારીએ નિષ્ફળ બનાવી દીધી એટલે રોષે ભરાયેલા તાંત્રિકે એ ભૂમિને શ્રાપ આપ્યો… આજે એ કિલ્લો ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણના નિયંત્રણ હેઠળ છે. અહીં સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલાં પ્રવેશ પ્રતિબંધિત છે.

વારસો અને ઉપેક્ષા આ મહત્ત્વના શબ્દો છે. આમાંના ઘણાં સ્થળો ફક્ત ભૂતોને કારણે જ નહીં, પણ તેમનો ભૂતપૂર્વ હેતુ બંધ થઈ જવાને કારણે પણ ભૂતિયા બન્યા. બીજા કારણોમાં પર્યટન, અર્થતંત્ર અને જે તે સ્થળની રજૂઆતની કળા પણ કારણભૂત બની જાય છે ત્યારે ભૂત નામનું ગેબી તત્ત્વ એને યાદ રાખવાનો માર્ગ બની જાય છે. પરિણામે સત્તાવાર ઇતિહાસ ક્યારેક ભૂલી જાય છે.

વળી જે તે સ્થળ સાથે જોડાયેલું ‘ભૂતિયા ’ ટેગ મુલાકાતીના અનુભવને વધુ રોચક બનાવે છે…ત્યારે તમે ફક્ત ખંડેર જોતા નથી – તમે કંઈક અનુભવો છો. તે લાગણી શક્તિશાળી છે. ડર પણ રોમાંચ આપે છે. ભલે હેલોવીન પશ્ર્ચિમી દેશોમાં ઉજવાતો તહેવાર છે પણ ભારતનો પોતાનો ભૂતિયા વારસો દર્શાવે છે કે અદ્રશ્ય તાકાત સાથે માણસની જોડાવાની ઇચ્છા સાર્વત્રિક છે.

આ હેલોવીન સીઝનમાં એ સવાલ મહત્ત્વનો નથી કે ભૂત હોય છે કે નહિ? પણ જે તે ત્યજી દેવાયેલા સ્થળ અને આપણો ઈતિહાસ શું છે તે મહત્ત્વનું છે. આપણે આપણા ભૂતકાળમાંથી શું શીખીએ છીએ અને વર્તમાનને કેવી રીતે બેહતર બનાવીએ છીએ તે મહત્ત્વનું છે.

બાકી ભૂત-બૂત જેવું કઈ હોતું નથી. એ બધી મનની માન્યતા અને ભ્રમણા માત્ર છે.

આપણ વાંચો:  બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે : વર્લ્ડકપ વિજય: મહિલાઓની રસોડાથી રમતના મેદાન સુધીની અફલાતૂન સફર

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button