સર્જકના સથવારેઃ પરંપરા ને આધુનિકતાના સંગમ સમા ‘નાઝ’ માંગરોળી

- રમેશ પુરોહિત
મુંબઈમાં રંગભવનની જાહોજલાલી હતી. સાત દિવસની નાટ્ય મહોત્સવની ઉજવણી, મુશાયરા, સામાજિક મિલન સમારંભો અને શાસન પુરુસ્કૃત કાર્યક્રમો રંગભવનમાં ઉજવવામાં આવતા. 14મી ઑગસ્ટનો ઈન્ડિયન નેશનલ થિયેટરનો મુશાયરો અત્યારે સંભારણું બની ગયો છે. પણ એક જમાનામાં કવિતા પ્રેમીઓ આવા અવસરની કાગને ડોળે રાહ જોતા હતા.
આવા મુશાયરામાં દર વર્ષે ભાગ લેતા અને મુશાયરાને જીવંત કરી દેતા એક શાયરની આજે વાત કરવી છે. આ શાયર છે ‘નાઝ’ માંગરોળી. મુશાયરાની સદારત જેમણે વર્ષો સુધી કરી હતી એ વિદ્વાન મુરબ્બી જ્યોતિન્દ્ર દવે શરૂઆતમાં બે ઓપનિંગ બેટ્સબેન ‘નાઝ’ માંગરોળી અને જયંત શેઠને રજૂ કરતા.
એક વખત મુશાયરો અવાજો વચ્ચે સ્થિર થવાની કોશિશમાં હતો ત્યારે નાઝનું નામ બોલાયું. મૂછમાં વ્યંગપૂર્ણ હાસ્ય કર્યા પછી બોલ્યા ‘હવે ડોશીઓ ફેશનેબલ બની છે…’ અને હકડેઠ્ઠ મેદનીમાં હાસ્યનો દેકારો બોલી જાય છે. સામે મરક મરક હસતા ઊભા હોય નાઝ, સ્ટેજ પર બેઠેલા કવિમિત્રો તરફ સૂચક મસ્તીમાં જાણે કહેતા ના હોય, ‘દેખ લો… યે પહેલા છક્કા…’ નાઝભાઈ હઝલના માહેર હતા. પછી શરૂ થાય છે ગઝલનો દોર. શેર રજૂ થાય છે અને શ્રોતાઓ પકડમાં આવી જાય છે. શેર છે:
આવશે દોડીને મળવા તને નદીઓ સામે,
છે શરત એટલી, પહેલાં તું સમંદર થઈ જા.
‘નાઝ શે’ર કે મુક્તક રજૂ કર્યા પછી મૂછમાં હસતો ચહેરો જાણે એમનો ટ્રેડમાર્ક!’ મર્મીઓ જાણી જાય કે આ હાસ્યમાં ભારોભાર વ્યંગ છે. જમાના પર કટાક્ષ જેમ કે:
દેશની વધતી જતી વસતિથી સૌ ગભરાય છે
છોકરા-કંટ્રોલની વાતો બધે ચર્ચાય છે,
આ નવા યુગની કરામત જોઈ લેજો, દોસ્તો
વાંઝિયાઓ મૂછ ઉપર તાવ દેતા જાય છે.
આ મુક્તક 1961ની સાલમાં રજૂ કર્યું હતું. જમાનાની તાસીર પર જબરદસ્ત વ્યંગ છે. નાઝ માંગરોળી રાજકારણ માણસ, પણ નખશિખ સમાજસેવક. એમનું વ્યક્તિત્વ દેબાગ હતું અને કરુણા સભર લાગણીથી છલોછલ કવિત્વના એ સ્વામી હતા. આઝાદી પછીની રાજકારણની, સમાજની અને ગાંધી મૂલ્યોની અવદશા જોઈને એમનું ઋજુ કવિ હૃદય કહે છે કે :
લઈને દોલતનો સહારો ‘નાઝ’
આ દુનિયા મહીં
એક નઠારો પણ બની જાએ છે
સારો એક દિન
‘નાઝ’ ભારતના ભાગલાના અને લોકોની વ્યથા અને વેદનાના સાક્ષી હતા. કવિ હૃદય કલ્પાન્ત કરી ઊઠે છે:
ઉમીદો ને ઉમંગોના સદનમાં આગ લાગી ગઈ
થયા આઝાદ ને ત્યાં તો વતનમાં આગ લાગી ગઈ
એમણે પલટાતી પરિસ્થિતિ અને નેતાઓની ખુલ્લેઆમ લૂંટફાટ જોઈને કવિએ કરેલો કટાક્ષ તો જુઓ :
‘નાઝ’ વણજાર એ મંઝીલ પર પહોંચે ક્યાંથી?
રાહબર જેનો બની જાય લૂંટારો કોઈ
ઉર્દૂના એક શેરમાં રાહબરને કેવામાં આવ્યું છે કે ખેર! અમને લૂંટારાઓ સામે ફરિયાદ નથી પણ આ તારી રાહબરીનો સવાલ છે -હમેં રેહજનો સે ગીલા નહીં યે તેરી રેહબરી કા સવાલ હૈં.
કવિ ગઝલના રંગ ‘તગઝૂઝૂલ’ને વિસારે પાડતા નથી. પ્રણયના, પ્રેમના, આવેશના અને ઉન્માદના દિવસોય યાદ કરી લઈને કહે છે:
મહોબ્બતમાં અરે! આ કેવો અત્યાચાર થાય છે
ખતા આંખો કરે છે ને જિગર પર વાર થાય છે
ભલા ફૂલોનો રસ પીનાર ભમરો પ્રીત શું જાણે
પતંગાથી જઈ પૂછે કોઈ કેમ પ્યાર થાય છે
મહોબ્બત છે અનોખી મુજ ઈબાદત પણ નિરાલી છે
પડે છે જ્યાં કદમ એના હું ત્યાં સિજદા કરી લઉં છું.
*
દિલમાં મળે જો આપના થોડી જગા મને
સમજું બેઉ જગતની મળી ભવ્યતા મને
*
તમે તો દૂર જઈ બેઠા હૃદયના તારને છેડી
અને અહીંયા અમારા તનબદનમાં આગ લાગી ગઈ.
*
બુઝાવું રૂપ-સુરાની તૃષા હું કેમ કરી
પીઉં છું જેમ વધુ તેમ પ્યાસ લાગે છે.
*
સેંકડો ફૂલનો ભ્રમર પી ગયો રસ ને એ છતાં
કોઈ કમી થઈ નહીં એના હૃદયની પ્યાસમાં
*
તૌબાની વાત નાસેહા ઘડપણ મહીં વિચારશું
રગ રગ મહીં જવાનીનો બાકી હજી ખુમાર છે.
*
લાખ કીધા યત્ન પણ બુદ્ધિનું કંઈ ચાલ્યું નહીં
દિલ પ્રણય-આવેશમાં છેવટ દીવાનું થઈ ગયું
મિલન પછી વિયોગ, વિરહ અને હિજ્રનો લાંબો સમય આવતો હોય છે. મિલનના પ્રસંગો જૂજ હોય છે પણ વિરહની વ્યથા થકવી દેતી હોય છે. આ શાયરે પણ જુદાઈના સમયમાં ઠીક ઠીક ખુમારી દાખવી છે અને રોદણાં તો ક્યારેય નહીં જોઈએ વિરહની વ્યથાના ચંદ શેર:
ચમકે છે પ્રભાકર દિવસના ને રાતે શશી ને તારાઓ
પણ વિરહી હૃદયને દુનિયામાં અંધકાર નિરંતર લાગે છે
*
હવે તો દૂર થઈ જશે તમારા દિલની શંકાઓ
લૂંટાવા આજ મહેફિલમાં જવાની લઈને આવ્યો છું
*
દિવસો ગયા વિહારના, રાતો ગઈ કરારની
જીવન નીરસ બની ગયું શિક્ષા મળી એ પ્યારની
નાઝ માંગરોળી પરંપરાના માહોલમાં ગઝલ કહેતા થયા એ વાત સાચી પણ એમણે આધુનિક મિજાજ અપનાવીને પરંપરાને પાછળ રાખી દીધી હતી, જેમ કે:
યુગ મહીં વિજ્ઞાનના પણ માનવી લાચાર છે
કાળની એક ચાલ પણ એનાથી સમજાતી નથી
*
તારી તલાશમાં પ્રભુ ખોવાઈ એમ હું ગયો
મારી જ છું તપાસમાં આજ હું આસપાસમાં
*
આકાર વિનાના ઈશ્ર્વરનો આકાર બનીને રહેવું છે
ઈન્સાનને આજે દુનિયામાં કિરતાર બનીને રહેવું છે
ગઝલમાં સાકી, સુરા, સનમ, જામ અને સુરાહીની વાતો ન આવે તો શાયરીનો અસલી રંગ બેરંગ લાગે. આપણા આ શાયર જામની અને મયની વાત કરે છે પણ સંયમની પ્યાસ વિસરતા નથી :
પરિવર્તન ચાહક છો તો સૌ ચાલો સુરાલયમાં
કે ત્યાં પળમાં બધાની જિંદગી બદલાઈ જાય છે
દુ:ખદર્દ જીવનનાં ભૂલી જવા હું ‘નાઝ’ મદિરા પીતો નથી
છલકાવું છું પ્યાલા નયનોના જો ભાર હૃદય પર લાગે છે.
*
શાયર છું મુજને ‘નાઝ’ સુરાની નથી જરૂર
પીધા વગર સદા હું રહું છું ખુમારમાં
*
ના અડે મય્યતને મુજ પરહેઝગારો કોઈ પણ
મુજ જનાજો લઈ જવાને મયકશો બોલાવજો
જ્યાં સદા હો ધૂમ યારો મય અને મસ્તી તણી
કોઈ એવા મયકદામાં કબ્ર મુજ ખોદાવજો
ફાતેહા પઢવા અગર આવો તમે મુજ કબ્ર પર
સાથમાં અંગૂરની ચાદર ચઢાવા લાવજો
નાઝભાઈ સમાજના પ્રશ્નોના ઓતપ્રોત હતા. એમની સામાજિક નિસ્બત તારસ્વરે વ્યક્ત થઈ છે. દીન દુ:ખિયાની હાલત જોઈને એમના કવિ હૃદયે જે વ્યથા વ્યક્ત કરી છે તે વાસ્તવિક અને સચોટ છે.
વણજાર અમારી મંઝીલ પર પહોંચે તો પહોંચે કેમ કરી?
હર એક પથિકને ‘નાઝ’ અહીં સરદાર બનીને રહેવું છે.
*
મેં કાળની સાથે કુદરતના વહેણોને
ફરતાં જોયાં છે
કાટાંઓ હસતા દીઠા છે ને ફૂલને
રડતાં જોયા છે.
*
કેવો આ ઈન્કિલાબ જગતમાં થયો પ્રભુ
તારા ઘડેલા માનવી તુજથી ફરી ગયા
*
તેં કોઈને અર્પી નિર્ધનતા, તો કોઈને દૌલત શા માટે?
તારા જ ઘડેલા માનવમાં આવો રે! તફાવત શા માટે?
*
ધનવાન જગતમાં એશ કરે,
કંગાલ જગતના કષ્ટ સહે
જર ઘરથી તુજને ઉલ્ફત છે,
કંગાલથી નફરત શા માટે?
શાયર ‘નાઝ’ માંગરોળીનું પ્રદાન શાશ્વત છે અને જે તે સમયના પ્રહરી બનીને એમણે કવિધર્મ બજાવ્યો છે એ ઘટના ખુદ ગૌરવપ્રદ છે.
આપણ વાંચો: કેનવાસઃ મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમ શું છે?