લો બોલો, તમે શું કહો છો? : ટીપે ટીપે સરોવર ભરાય એનું નામ બચત!

- જૂઈ પાર્થ
પરિવર્તન એ જીવનનો નિયમ છે. તે ધાર્મિક, સામાજિક અને આર્થિક કોઈપણ ક્ષેત્રે હોઈ શકે છે. જીવનશૈલી, મોંઘવારી, સામાજિક ધારાધોરણો, કમાણી જેવી દરેક બાબતમાં પરિવર્તન આવે જ. ભલે રૂપિયો સર્વસ્વ ના હોય, પરંતુ ગુજરાન ચલાવવા માટે, સારી રીતે રહેવા માટે તેની જરૂરિયાત નકારી પણ ન જ શકાય. પૈસાની જરૂર ક્યાં નથી પડતી રાજા રજવાડાથી હાલનાં સમય સુધીમાં વૈશ્વિક સ્તરે કેટલીયે આર્થિક ચડતી પડતી મંદી આવી હશે. તેમ છતાંય વિશ્વમાં નાણાકીય વહેવારો ચાલુ જ રહ્યા છે. જે તે દેશની અર્થવ્યવસ્થા અને આર્થિક સ્થિતિ પરથી તે દેશનાં નાગરિકોની ખર્ચ કરવાની ક્ષમતા નક્કી થાય છે. જેટલું કમાઈએ એટલું ખર્ચી નાખીએ તો જે દિવસે ના કમાયા તે દિવસનું શું?
આ દિવસે સમયાંતરે કરેલી બચત કામમાં આવે છે. જીવનની મૂળભૂત જરૂરિયાત – ખોરાક માટે પણ છેવટે પૈસા તો જોઈએ જ છે. દૈનિક આવક પર જીવનારા લોકોને જે દિવસે આવક નથી થતી તે દિવસે બચત તેમને બચાવે છે.
આપણે સૌએ બચતનો સૌથી મોટો લાભ જોયો હોય તે સમય હતો કોવિડનો. આ મહામારી જ્યારે વિશ્વભરમાં ફેલાઈ રહી હતી, લોકડાઉન હતું, ના કામે જઈ શકાય કે ના કામ મેળવી શકાય આવા સમયે જે લોકોએ બચત કરી હતી તેઓનો આ કપરો સમય નીકળી ગયો હતો.
-તો આ બચત શું છે?
બચત એટલે પોતાની દૈનિક, માસિક કે વાર્ષિક આવકમાંથી થોડો ભાગ ના વાપરીને બેંકમાં જમા રાખવો કે તે રકમનું રોકાણ સોના ચાંદી, શેર, મ્યુચ્યુઅલ ફંડ, જમીન મકાન વગેરેમાં કરવું એ. સરકાર પણ બચતને મહત્ત્વ આપવા માટે રોકાણની અલગ અલગ યોજનાઓ બહાર પાડે છે, જેનો દરેક નાગરિક લાભ લઈ શકે છે. જો બચત કરવું આટલું જરૂરી છે તો બચત શા માટે કરવી જોઈએ?
કારણ કે બચત કરવાનાં અનેક કારણો અને ફાયદા છે.
શિસ્તબદ્ધ રીતે બચત કરવાની આદતથી સમય જતાં એકસામટી સારી એવી એવી રકમ જમા થઈ જાય છે. આનું વ્યાજ પણ મળે છે અને સાથે વ્યકિત આર્થિક રીતે જવાબદાર પણ બને છે. બચત કરવાથી નકામા ખર્ચ પર કાબૂ આવે છે. આ ઉપરાંત, બચત કરવાથી નિવૃત્તિમાં મોટો લાભ થાય છે. પોતાની બચતથી જીવન નિર્વાહ માટે કોઈની પાસે હાથ નથી લંબાવા પડતા.
- બચતનાં કારણે કોઈ પણ પ્રકારની કટોકટીમાં રાહત રહે છે.
- બચત કરવાથી નાના મોટા દેવામાંથી બચી શકાય છે.
- બચતનાં કારણે માનસિક સંતોષ તેમજ શાંતિ લાગે છે.
- બચતથી અસાલામતીની જગ્યાએ સલામતીની ભાવના આકાર લે છે.
- બચતનાં કારણે ભવિષ્યની યોજનાઓ વધુ સારી રીતે ઘડી શકાય છે.
- બચત જ છે જેના કારણે આર્થિક સ્વતંત્રતાનો માર્ગ મોકળો બને છે.
- બચત કરવાથી બાળકોનું ભણતર અને ભવિષ્ય પણ ઊજળું કરવામાં મદદ થાય છે.
આ અને આવા બીજા અનેક ફાયદા છે બચત કરવાનાં. વડવાઓ હંમેશાં એક કહેવત કહેતા કે જે રૂપિયો બચાવી શકીએ તે કમાયા બરોબર છે. પહેલાનાં સમયમાં સંયુક્ત કુટુંબમાં પણ રૂપિયાની એટલી અછત નહોતી દેખાતી જેટલી વિભક્ત કુટુંબોમાં અત્યારે દેખાય છે. આપણાં વડવાઓ આપણા કરતાં વધુ બચત કરી શકતાં. તે સમયે જીવન નિર્વાહનો ખર્ચ ઓછો હતો તો સામે કમાણી પણ મર્યાદિત જ હતી. તેમ છતાં બચતની આવડત તેમજ રકમ મોટી હતી, કારણ કે તે સમયે ખર્ચ કરવાની જગ્યાઓ પણ મર્યાદિત હતી. જ્યારે આજે આવક કરતા જાવક વધી છે. ક્રેડિટ કાર્ડના ભરોસે પુષ્કળ ખર્ચ અને દેવુ થાય છે. મોજશોખ પાછળ રૂપિયા ખર્ચાય છે, ક્યારેક તો દેખાદેખીમાં રૂપિયા વેડફાય છે.
આવક અને એક ઘરમાં કમાવાવાળાની સંખ્યા વધવાની સાથે જાવક પણ એટલી જ વધી છે, પરિણામે ધાર્યા જેટલી બચત આજનાં સમયમાં નથી થઈ શકતી. બચત કરવા માટે કોઈ મહેનત કરે છે તો કોઈ દેવુ. અલબત્ત કંજૂસીની હદ સુધી બચત ના જ કરવી જોઈએ કે રોજીંદા જીવનમાં પણ પૈસા બચાવવાનાં લોભમાં વર્તમાન પર વાતે વાતે સમાધાન કરવું પડે. આમ ખર્ચ અને બચતનું ત્રાજવું સંતુલિત કરવું ખૂબ અઘં છે, પણ અશક્ય નહિ તો બચત વિશે બોલો,
તમે શું કહો છો?



