ઉત્સવ

તને ઓઢીને સૂવું છે

આજે આટલું જ – શોભિત દેસાઈ

શિયાળાની ઋતુ શરુ થાય ને મારે તો બારે મેઘ ખાંગા થાય. તમે કહેશો વ્હોટ નોનસેન્સ?! મેઘ ને બધું, ખાંગા ને બધું ચોમાસે થાય. અરે ના ભૈ! મારે તો ચોમાસા કરતાં અનેક ગણી રમ્ય ઋતુ એટલે શિયાળો. એમાય કોક કોક શિયાળા તો એવા આવે કે કોઈના નામની રજાઈ ઓઢીને સૂઈ રહેવા સિવાય કાંઈ કરતાં કાંઈ કરવાનું મન ન થાય એવો શિયાળો.

ધીમું ધ્રુજતા મૂકે છે ઉચ્છવાસોથી વરાળોને
અને આશ્ર્ચર્યથી તાક્યા કરે છે એક ગંજેરી
અને મોસમ રેશમી હોય ને! એટલે આજુબાજુ ઉપરનીચે બધું/બધાં ગાતાં હોય એવું લાગવા માંડે… ખરું કે નહીં?!
થઈ સૂનેરી રંગમાં ચકચુર- ગાતાં હોય છે
દર સવારે પંખીઓ ભરપૂર ગાતાં હોય છે
માંડણી સાથે વિધિસર ગાનનો ક્યાં છે સમય!
સૂર્ય સામે ઓસ ક્ષણભંગુર ગાતાં હોય છે
છે બધા માથાફરેલા સાધકો સુરતાલનાા
વટહુકમ સૌ ફાડી, ફેંકી દૂર-ગાતાં હોય છે
ભાવ ખાવાની જૂની આદત છૂટી છે ક્યાં હજી?!
બોલકા ચહેરા બહુ મગરુર ગાતાં હોય છે
શુદ્ધ છે એ મહેફિલોના ક્યાં કદી મોહતાજ છે?
ગણગણી અથવા જઈને દૂર ગાતાં હોય છે
એક સરસ છે કલ્પના કે થાય જ્યાં મારો પ્રવેશ
જન્નતો, જન્નતનશીનો, હૂર ગાતાં હોય છે
નાશ કરવાની ય છે તાકાત કુમળા સુરમાંં
મેઘતાંડવમાં નદીના પૂર ગાતાં હોય છે
એમની સરગમનું સ્તર નોખું કદાચ હોઈ શકે?!
હીટલરો, ઔરંગઝેબો ક્રુર ગાતાં હોય છે
શિવ શર્માની જરા નખલી અડી જ્યાં તારને
એકસાથે આંઠ-દસ સંતુર ગાતાં હોય છે
એમણે મારા સુધી જ્યાં પહોંચવું નક્કી કર્યું
મારા ઘરનાં સૌ ગરીબ ગોપુર ગાતાં હોય છે
શક્ય છે, વિનવો અગર શોભિતને તો માને નહીં
પણ થયા જેવા જરા ચકચુર- ગાતાં હોય છે

(2)

સાધનામાં થઈને ગાંડાતૂર- ગાતાં હોય છે
પંખીઓ શબ્દોને બદલે સુર ગાતાં હોય છે
એક તરફ તારાજી સાથે નાશ ને બીજી તરફ
કાપતા પાણી બહુ સુમધુર ગાતાં હોય છે
કોઈએ જોયા નથી આવા ભીનાછમ એમને
વાદળાં પાછળ લપાઈ ખૂર ગાતાં હોય છે

ખૂર=સૂર્ય

એને પણ તો બહુ નડે છે ખુદનું આ ખારાપણું
જ્યાં પડ્યા છાંટા કે દરિયે નૂર ગાતાં હોય છે
આંગળીઓ ફૂલ જેવી પાંખડી થૈ ના ફરે
ચાર સ્વર તો પણ સતત તંબુર ગાતાં હોય છે
ભૈરવીનો પાતળો રવ રંગ ગઝલોનો મુકે
આસમાનો મેઘમાં ધેધુર ગાતાં હોય છે.
ઈશ્કની મોસમમાં પ્રેમીઓની મસ્તી તો જુઓ!
થઈ ભલેને અરજી નામંજૂર- ગાતાં હોય છે
તાપણાનાં લાકડાને શોધવા પૂરતા ઉઠી
ઠારમાં થઈને ઠરી એ ઠુર ગાતાં હોય છે
હું બકું છું હોડ લખવાની પવન એ વાત પર
ચાંદનીમય પાંદડા મશહૂર ગાતાં હોય છે
આખરી શ્ર્વાસોમાં ગુંજારવ અનલહકનો જ છે
ગાળીયાવાળા ગળે મન્સુર ગાતાં હોય છે
થાય છે ફિનિક્સ બેઠા રાખમાંથી એટલે
થઈ જઈ સંપૂર્ણ ચકનાચૂર – ગાતાં હોય છે.

તમને બધાને ગાતાં કરીને હવે મારે મારી અર્ધસમજની વાત કરવી છે. થયું એવું કે શ્રીમાન રજત દિલીપ ધોળકિયાની અસીમ કૃપાથી 1973માં મહેંદી હસનના છંદે ચઢ્યા અને ફૈઝ એહમદ ફૈઝની ગઝલના સૂર કાનમાં રેડાયા…

આયે કુછ અબ્ર કુછ શબાબ આયે
ઉસકે બાદ આયે જો અઝાબ આયે

(થોડાં નશીલાં વાદળ અને થોડાં રૂપ આવે, એ પછી જે સજા આવવાની હો એ આવે) હવે બફાટ ત્યાં થયો કે તમારો પરમ શોભિત જે ગઝલની એન્સાઈક્લોપીડિયા તરીકે નવાજાય છે, એ સ્વયમ્ની મહામૂર્ખામીમાં ‘આવે ને બદલે ‘આવ્યા’ સમજતો રહ્યો… તે ક્યાં સુધી? ઠેઠ 2025 સુધી… પણ આ કેવળજ્ઞાન થયું કે મારી બાળસમજ બદલ દંડ ભરવા માટે એ જ છંદ અને કાફિયા-રદીફ પર એક ગઝલ બનાવીને વ્યાજ સાથે સાટુંય વાળી દીધું છે. તવજ્જો ઓર વો ભી ખાસ ચાહુંગા…

ચુસ્ત પરહેજના હિસાબ આવે
આંખની નહેરથી શરાબ આવે
સાગરે ઉનો આફતાબ ઉતરે
આભમાં શીત માહતાબ આવે
આપનું નામ લઇ કરે જે શરુ
અંતે તો એ જ કામિયાબ આવે
રંગ નિરખું, સુગંધને ચૂમૂં
હોઠના એવા કૈં ગુલાબ આવે
આખેઆખી ધરી દઉં હું તને
મંદિરે લઇ તું ફૂલછાબ આવે
આપનો હાથ ઝાલી બેઠો છું
આજ પણ ફક્ત એવા ખ્વાબ આવે
રાજકુંવરી જે ગુમ છે વર્ષોથી
લઈને નમણો કોઈ નવાબ આવે
કંઇક પુછું તને ઈશારાથી
ને ઢળી પાંપણે જવાબ આવે
માલિકીહક છે આજ પણ અકબંધ
મારી સામે જ એ શબાબ આવે
પ્રેમને જોતો હોય નફરતથી
એની બાકીની વય ખરાબ આવે

આજે આટલું જ…

આપણ વાંચો:  રોકાણના સરળ ને બહેતર વિકલ્પ તરીકે ઈટીએફ અજમાવવા જોઈએ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button