ટૅક વ્યૂહ: હાઈડ્રોફાર્મિંગ ટેકનોલોજી: ટનલની નીચે થઈ રહી છે અફલાતૂન ખેતી! | મુંબઈ સમાચાર

ટૅક વ્યૂહ: હાઈડ્રોફાર્મિંગ ટેકનોલોજી: ટનલની નીચે થઈ રહી છે અફલાતૂન ખેતી!

-વિરલ રાઠોડ

ભારત એક કૃષિપ્રધાન દેશ છે. કૃષિક્ષેત્રનું સશક્તીકરણ અનેક એવા પાસાઓમાં પ્રત્યક્ષ- પરોક્ષ રીતે અસર કરે છે. પ્રાકૃતિક એટલે કે ઓર્ગેનિક ફાર્મિંગથી અસાધારણ સફળતા ખેતીના સેક્ટરમાં પ્રાપ્ત થઈ છે. ઓછી જગ્યામાં મોટી ઉપજ અને કેમિકલ ફ્રી ફાર્મિંગથી લાખો ખેડૂતો સધ્ધર થઈ રહ્યા છે. કૃષિક્ષેત્રે ડ્રોનથી દવા છંટકાવ સુધીની અદ્યતન ટેકનોલોજીથી નોંધનીંય કહી શકાય એવું પરિવર્તન આવ્યું છે.

હવે માટી વગર અને જમીન વગર પણ ખેતી થાય એવું કોઈ કહે તો આશ્ર્ચર્ય અવશ્ય થાય. ખેતીની પદ્ધતિઓમાં ઘણીખરી રીત ઈઝરાયલની અનુસરવામાં આવે છે. બીજી તરફ, જાપાન કૃષિક્ષેત્રે ટેકનોલોજીમાં માઈલસ્ટોન ઊભા કરી રહ્યો છે. માટી વગર અને જમીન વગર, હવામાં માત્ર એક ટેકાથી છોડવા અને રોપા ઉછેરીને ખેતી કરે છે. સૂર્યપ્રકાશની હાજરી ખેતી માટે અનિવાર્ય છે. એવું માનવામાં આવે તો આ વાત જાપાને ખોટી પાડી છે. માત્ર જરૂરી તાપમાન અને યોગ્ય લાઈટ તૈયાર હોય એટલે શાકભાજીથી લઈને ફળ પકવવા માટે બીજી કોઈ જરૂર નથી…!

જાપાનનું ફાર્મિગ સેક્ટર એને હાઈડ્રોફાર્મિંગ કહે છે. વર્ટિકલ ફામિર્ંગની પારંપરિક ટેક્નિકની તુલનામાં તે વધુ ઊપજ, ઓછી જમીન પર શક્ય અને રૂફટોપ નીચે પણ શક્ય છે. આવનારા ત્રણ દાયકા સુધી જાપાન કૃષિક્ષેત્રે અવ્વલ રહી શકે એવી ટેકનોલોજી વિકસાવીને ખેતી કરી રહ્યું છે. જમીનના ઘાસ સહિત આખું લેયર-સ્તર ઉખાડીને બીજે રોપી શકાય એ પ્રકારના મશીન, ફુવારાઓ, સોલાર પેનલ આધારિત લાઈટિંગ અને વોટર સપ્લાયમાં અક્કલ કામ ન કરે એવી વસ્તુઓથી ખેતીમાં સદ્ધરતા પ્રાપ્ત કરે છે.

જાપાનને ભૂકંપનો દેશ કહેવામાં આવે છે એટલે સામાન્ય રીતે જે ખેતીને યોગ્ય જમીને જોઈએ એટલી ત્યાં નથી ઉપરાંત, કેટલાંક શહેરો જેમકે ઈબારાકી, ટોકાચી, ઓકીનાવામાં જમીનની ક્ષમતા અને ફળદ્રુપતા એક સરખી નથી. ત્યાંનો આસપાસનો પહાડી પ્રદેશ ખેતીમાં એકરસતા માટે વિધ્નરૂપ છે. ભૌગોલિક વિષમતા વચ્ચે જે ખેતી થાય છે એમાં સૌથી વધુ સ્વીકૃત પદ્ધતિ છે હાઈડ્રોફાર્મિંગ.

આ પણ વાંચો…ટૅક વ્યૂહઃ સ્માર્ટફોન ખરાબ થાય એ પહેલાં… ઓળખી લો એનાં કેટલાંક જરૂરી સંકેત

નવા રસ્તા બનાવતા પહેલા એના ડાઈવર્ઝન તૈયાર કરવા પડે. એ રસ્તાની હાલત કેવી હોય એ સૌ જાણે છે, પણ જાપાનમાં ડાઈવર્ઝન વ્યવસ્થિત ન હોય તો નવા રસ્તા માટેના કામ માટે મંજૂરી જ નથી મળતી તો પછી એ રસ્તાનું પછી શું થાય? એ રસ્તા પર સાઈકલિંગ ટ્રેક બને છે. રસ્તામાં કોઈ ટનલ આવતી હોય તો રૂટ ડાઈવર્ટ કરી એ ટનલમાં ખેતી થાય છે. આ ટેક્નિકની ખાસ વાત એ છે કે, એને વિશાળ જમીનની જરૂર નથી. માટીની વધારે પડતી જરૂર નથી. ટેરેસથી લઈને ટનલ સુધી ચોક્કસ પાક સરળતાથી લઈ શકાય છે. આ પદ્ધતિમાં કોઈ એક બીજનું રિસર્ચ થાય પછી એનો રિપોર્ટ બને છે. કેટલું ખાતર, માટી કેટલી, પાણી કેટલું, પવન કેટલો અને સૂર્યપ્રકાશ કેટલો અને ક્યાં સુધી…આના રિપોર્ટનો અભ્યાસ કર્યા બાદ શરૂ થાય છે ખેતી. ટનલને વ્યવસ્થિત રીતે સાફ-સફાઈ કરી એમાં ઉપરની તરફ નાના-નાના કુંડા આકારના પોટ મૂકીને એમાં માટી ભરીને ખેતી કરવામાં આવે છે. આવું કરવાથી પાકે શું? ટામેટા, મરચા, લીંબુ, ઈત્યાદિનું ઓછા સમયમાં મબલખ ઉત્પાદન લણી શકાય. આને ડોમ ફામિર્ંગ અથવા ટનલ ખેતી કહે છે.

હવે ટનલનો રસ્તો જ બિનઉપયોગી હોય તો એને તોડવાના બદલે ખેતીમાં ઉપયોગમાં લેવાય છે. જમીન પર ખેતી અને ઉપરની તરફ આ પ્રકારની ઊપજને પકવવામાં આવે છે. ટોકિયો સિટીની ઊંચી ઊંચી ઈમારતમાં જ્યાં પાર્કિંગ પ્લોટ અંડરગ્રાઉન્ડ છે ત્યાં બધી જ જગ્યા નથી વપરાતી. આવી જગ્યામાં થાય છે ટનલ ફાર્મિગ. મોલ કે માર્ટના વેપારીઓ પણ આ માટે સહમત થઈને ખેતીને પ્રાધાન્ય આપે છે. આ ઊપજને મોટા નફા સાથે વેચવા કરતાં ક્યારેક વહેંચી લે છે તો ક્યારેક એ ઊપજ કમાવી આપે છે.

શહેરીકરણમાં ગીચતા એક તરફ સમસ્યા ઊભી કરે છે એવામાં આ પ્રકારના અભિગમ ખેતીને સાચવીને કંઈક નવું કરી ઉપજ કેન્દ્રી બનાવવામાં જાપાનનો વિકલ્પ જડે એમ નથી. પાવડો, કુહાડી, તગારૂ જેવી વસ્તુ ખેતીમાં પાયાની છે. જાપાનમાં બોક્સ, રૂટ કટર, ફ્રીઝ બોક્સ (જે આપણે ત્યાં થર્મોકોલનું મળે એ ત્યાં બેટરીવાળું મળે), જેવી વસ્તુ ખેતીના દૈનિક વપરાશમાં લેવાય છે. ઓર્ગેનિક ફાર્મિગથી ખેતીક્ષેત્રે ઉપયોગમાં લેવાતી વીજળીમાં 40 ટકાનો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ, સોલાર પાવર સપ્લાયથી ઈન્ડોર ફાર્મિંગને ફાયદો થયો છે.

હાઈડ્રોપોનિક્સ ટેક્નિકમાં 90 ટકા પાણીની બચત થાય છે. આ પાછળનું કારણ એ છે કે, રિપોર્ટ કાર્ડમાં લખ્યું હોય એટલું જ પાણી આપવાનું થાય છે. ફુકુઓમાં સિટીમાં એક બિનઉપયોગી અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાં ખાસ આયુર્વેદિક પ્લાન્ટને ઉછેરીને તબીબી ક્ષેત્રે સીધા ઉપયોગમાં લઈ શકાય એ વ્યવસ્થા કરવામાં આવી છે. ટનલની નીચે જ્યાં માણસનું જવું શક્ય નથી ત્યાં જાપાન પાસે પોતાનું દેશી ઉત્પાદન રોબોટ તો છે જ. મોટા મોટા ખેતરમાં રોબોટ જમીનની ઊલટસુલટ કરવામાં મદદ કરે છે. પથ્થર દૂર કરવામાં ઉપયોગી થાય છે. ખેતરમાં લગાવેલા અઈં સેન્સર વાતાવરણની મોબાઈલ પર એવી અપડેટ આપે છે કે, ખેતરમાં પાણી ભરાય એ પહેલા જ કેટલાક પાકને બચાવવામાં સફળતા મળે. વાહ જાપાન…!

આઉટ ઓફ બોક્સ
જાપાનના મોટાભાગના રાજ્યમાં કેમિકલ ફ્રી ખેતી થાય છે. જ્યાં જરૂર હોય જંતુનાશકની અને ખેતીને ઉપયોગી એવા કેમિકલ્સની એને શહેરી વિસ્તારથી દૂર રાખવામાં આવે છે. આવા ફાર્મિંગ માટે ત્યાં સરકારની મંજૂરી ફરજિયાત છે.

આ પણ વાંચો…ટૅક વ્યૂહ : રસ્તા તૂટવાના તો દૂર… એના પર તિરાડ સુધ્ધાં નથી પડતી

    Mumbai Samachar Team

    એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

    સંબંધિત લેખો

    Back to top button