ઊડતી વાત: રાજુ રદીને બર્થ-ડે પર કેક કેવી રીતે કાપવી છે? | મુંબઈ સમાચાર

ઊડતી વાત: રાજુ રદીને બર્થ-ડે પર કેક કેવી રીતે કાપવી છે?

-ભરત વૈષ્ણવ

‘ગિરધરભાઇ, જન્મ દિવસની ઉજવણી કરવી જોઇએ કે ન કરવી જોઇએ?’ રાજુ મને આર્ટિફિશ્યલ ડફોળ માને છે. રાજુ રદીના ગાંડાઘેલા મનમાં સવાલોનું વલોણું વલોવાય અને સવાલોનું નવનીત નીકળે એ મને ધરે છે. રાજુએ મારા ઘરમાં ઘૂસી જઇ સોફામાં દોઢસો રતલની કાયા ઝીંકી. નાજુક નમણી નાર સમો સોફા હચમચીને ચિત્કારી ઊઠયો.

‘રાજુ, કોના જન્મ દિવસની ઉજવણી કરવાની છે?’ મેં રાજુને સામો પ્રશ્ર પૂછ્યો.

‘ઓફ કોર્સ મારો જન્મ દિવસ ‘રાજુએ સીનો તાણીને જવાબ આપ્યો.

‘રાજુ, તારા જન્મમાં તારું કોઇ યોગદાન ખરું? આપણે જન્મ લઇએ ત્યારે કોના ઘરે, કયા દેશમાં, કંઇ નાતમાં, રાત્રે કે દિવસે જન્મ લઇશું એને લઈને આપણી સંમતિ કયાં લેવામાં આવે છે.?’

‘ગિરધરભાઇ, જન્મદિવસ દરેક માટે મહત્ત્વનો હોય છે.

લોકો અલગ રીતે જન્મદિવસની ઉજવણી કરે છે. આવો જ એક જન્મદિવસ હાલમાં સોશ્યલ મીડિયા પર ભારે ચર્ચામાં છે. આ રામુ કિંગ નામની ભેંસનો જન્મદિવસ છે. કેક પર રામુ કિંગના ફોટો સાથે ફટાકડા ફોડ્યા અને આખા ગામે તેના બર્થ-ડેમાં ભાગ લીધો હતો. અનેક લોકો પાલતુ પ્રાણીઓનો જન્મદિવસ પણ ઊજવે છે. અમદાવાદમાં એક પરિવારે કૂતરાના જન્મની ઉજવણી માટે એક મોટી પાર્ટીનું આયોજન કર્યું. આ સમારોહમાં પરિવારે લગભગ 7 લાખ રૂપિયા ખર્ચ્યા હતા.’ રાજુએ જન્મદિવસ વનવી ઉજવણીની રીત જણાવી.

આ પણ વાંચો…ઊડતી વાતઃ રાધારાણીએ કેટલા ડૉલરમાં પોપટ પાળ્યો…?

‘રાજુ, 5હેલાના જમાનામાં જન્મદિવસે દૂધથી સ્નાન કરવામાં આવતું. મંદિરે જઇને દેવદર્શન પૂજા કરવામાં આવતી હતી. વડીલોને પગે લાગી આશાર્વાદ લેવાતાં. બપોરે બધાને ભાવતા ભોજન ખવરાવતા ત્યારે બર્થ ડે કેક કે હેપી બર્થ ડેના રાગોડા કે કોરસગાન ન હતા…’

‘ગિરધરલાલ, તમે રાધારાણીભાભીને જન્મ દિવસ પર કેવી અને કેટલી ભેટસોગાદ આપો છો?’ રાજુએ મારી દુખતી નસ પર પગ મૂકી દીધો.

‘રાજુભાઇ, તમે ભેટની કયાં માંડો છો? તમારા દોસ્તારને તો મારો જન્મદિવસ કે લગ્નતિથિ યાદ રહેતી નથી. લગ્નતિથિને તો શહીદદિવસ માનીને તમારા ભાઈબંધને તાજિયા કાઢવા હોય છે.’ રાધારાણીએ ટિપોઇ પર ચાના કપ પછાડ્યા.

‘રાજુ, મોટા માણસો જન્મ દિવસ પર જે ભેટ આપે છે. તે આપણા માટે આફત બની રહે છે. પાકિસ્તાનના યુટયુબરે તેની પત્નીને બર્થ ડે પર ગધેડાની ગિફ્ટ આપેલી. પેલી બેગમને ગધેડીને બકી કરે કે બચકા ભરવા તેની જ સમજ પડતી ન હતી.! થોડાં વર્ષ પહેલાં મુકેશ અંબાણીએ નીતુ ભાભીને જન્મ દિવસ પર ‘માત્ર’ અઢીસો કરોડ રૂપિયાની લકઝરી યાટ ભેટ આપેલી. આ સમાચાર વાંચીને તારી રાધારાણી પર મારા પર જે ભડકી છે કે વાત જ ન પૂછો…’

‘ગિરધરભાઇ. આપણે જગજીતસિંહની કાગજ કી કસ્તી વો બારીશ કા પાની ગણગણી શકીએ અને આપણે બાળપણમાં વરસાદ આવે એટલે કાગળની હોડી પાણીમાં તરતી મૂકી શકીએ. બીજું શું?’ રાજુએ કહ્યું.

‘રાજુ, હવે બર્થ ડેની ઉજવણી વિકૃત અને હિંસક થતી જાય છે. જન્મદિવસની પૂર્વ રાત્રિ એટલે કે બાર વાગ્યે મિત્રો બર્થ ડે બોય પાસે કેક કપાવે છે. પછી બર્થ ડે બોયની મિત્રો જ ધોલાઇ કરે છે. કેટલાક કિસ્સામાં મરણતોલ મારથી બર્થ ડે બોયનો બર્થ ડે જ ડેથ ડે બની જાય છે. મેં રાજુને સાંપ્રત પ્રવાહ જણાવ્યો.

‘ગિરધરલાલ, બર્થ ડે કેક કેવી રીતે કાપવાની હોય?’

‘રાજુ, બર્થ ડે કેક સોય, કટર, બ્લેડ, કટારી,ખંજર, ગુપ્તી, ચમચી, કાંટા, ચપ્પુ, કાતર, કરવત,આરી,છરીથી કાપી શકાય.’ મેં રાજુને કેક કાપવા માટેના એકથી એક ચડિયાતા વિકલ્પ જણાવ્યા.

‘ગિરધરલાલ, કેક તલવારથી કાપવા પર કોઇ કાનૂની પ્રતિબંધ કે મનાઇ છે?’ રાજુએ મનની વાત મને પૂછી.

‘રાજુ,તલવારથી કેક કાપવા પર કોઇ પ્રતિબંધ હોઇ શકે નહીં. જન્મદિવસ તમારો, કેક તમારી, તલવાર તમારી તો પોલીસે પારકા મામલામાં પંડિત કે કાજી શું કામ બનવું જોઇએ?’ મેં દૂબળા કાજી જેવો ધરખમ પ્રશ્ર પૂછ્યો.

‘ગિરધરભાઇ, લશ્કરમાં કોઇ મેજર કે કર્નલ સાથે ઓળખાણ ખરી?’ રાજુએ સવાલ પૂછ્યો.

‘હા. કેમ? શું કામ છે?’

‘ગિરધરભાઇ, આગલા મહિને મારો જન્મદિવસ છે. મારે મારી બર્થ ડે કેક મિસાઇલથી કાપવી છે. એટલે મિસાઇલનો વેંત કરવો છે. તમારાથી મિસાઇલની વ્યવસ્થા થઇ શકશે?’

રાજુએ મહેચ્છા વ્યક્ત કરી. રાજુ દિવાળીમાં ફોડવા લવિંગિયા કે ટેટા લાવવાના હોય એ ટોનમાં મને સવાલ કરતો હતો.

રાજુને શું જવાબ આપું? રાજુએ મારા પર પર મિસાઇલ દાગી હોય તેમ હું હકકોબક્કો રહી ગયો.

આ પણ વાંચો…ઊડતી વાત : રાજુ રદ્દીને ‘તગડું’ પ્રમોશન કઈ રીતે મળી ગયું?!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button