વાર- તહેવાર : તિબેટમાં બૌદ્ધ દેવતા કેવી રીતે બન્યા ગણપતિબાપ્પા?

- દિક્ષિતા મકવાણા
ગણપતિદાદા એક એવા આપણા દેવ છે,જેને જાતભાતના રૂપે-સ્વરૂપે આપણે રજૂ કરી શકીએ. એ બધા જ સ્વરૂપે એના ભક્તોને બડા પ્યારા લાગે! મહારાષ્ટ્ર સહિત અનેક દેશ વિદેશમાં ગણેશ ઉત્સવ ગયા સપ્તાહથી શરૂ થયો છે.
ગણપતિની ઓળખ ફક્ત ભારત પૂરતી મર્યાદિત નથી. કાળક્રમે એ નેપાળ, તિબેટ, શ્રીલંકા, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ, મંગોલિયા, જાપાન, કંબોડિયા અને ઘણા બૌદ્ધ પ્રભુત્વ ધરાવતા દેશોમાં દેવ – દેવતા તરીકે પૂજવામાં આવી રહ્યા છે.
એ બધા વચ્ચે- ખાસ કરીને તિબેટનો ઇતિહાસ ખૂબ જ રસપ્રદ છે, જ્યાં એક તરફ ગણપતિને મુશ્કેલી સર્જનાર `વિધ્નકર્તા’ માનવામાં આવતા હતા તો બીજી તરફ, એમને ઘણી જગ્યાએ બૌદ્ધ તાંત્રિક દેવ તરીકે સ્થાન મળ્યું છે.
અત્યારે ચાલી રહેલા ગણેશ ઉત્સવ દરમિયાન એ જાણવું ઘણું રસપ્રદ રહેશે કે ગણપતિ તિબેટિયન બૌદ્ધ પરંપરામાં કેવી રીતે આવ્યા અને એમને લામા પરંપરા (લામ ધર્મ) સાથે શા માટે અને કઈ રીતે સાંકળી લેવામાં આવે છે?
ગણપતિદાદા તિબેટમાં કેવી રીતે પ્રવેશ્યા?
ભારત અને તિબેટ વચ્ચે પ્રાચીન કાળથી સાંસ્કૃતિક અને ધાર્મિક આદાન-પ્રદાન થઈ રહ્યું છે. નાલંદા અને વિક્રમશિલા જેવા મહાવિહારોના ઘણા આચાર્યો તિબેટ ગયા અને ત્યાં ધર્મનો ઉપદેશ આપ્યો. આ સાથે તાંત્રિક બૌદ્ધ પરંપરા (વજ્રયાન) માં હિન્દુ દેવતાઓને ધર્મપાલ અથવા રક્ષક દેવતાઓ તરીકે અપનાવવામાં આવ્યા.
ગણપતિનું તિબેટીકરણ મુખ્યત્વે આઠમી-નવમી સદીમાં ગુરુ પદ્મસંભવ (ગુ રિનપોચે) ના સમયગાળા દરમિયાન થયું હતું. એવું માનવામાં આવે છે કે એ સમયે બૌદ્ધ પ્રથામાં અવરોધને પ્રતીકાત્મક રીતે `વિઘ્ન’ કહેવામાં આવતા હતા અને ગણપતિને આ અવરોધના દેવ માનવામાં આવતા હતા અને એમની પૂજા અને નિયંત્રણ માટે કાયદો બનાવવામાં આવ્યો હતો.
તિબેટીયન બૌદ્ધ પરંપરામાં ગણ પતિનાં વિવિધ સ્વરૂપ
તિબેટિયન કલા અને સાહિત્યમાં ગણપતિ વિવિધ સ્વરૂપોમાં જોવા મળે છે, જેમકે …
મહાકાલ ગણપતિ:
અહીં એમને શક્તિ અને સમૃદ્ધિના પ્રદાતા માનવામાં આવે છે. એમને સફેદ ગણપતિ (સિદ્ધિ ગણપતિ) કહેવામાં આવે છે, જેમના હાથમાં રત્ન કે મધુપત્ર છે. આ સ્વરૂપ સમૃદ્ધિ અને ધર્મના રક્ષક્નું છે.
લાલ કે નૃત્ય કરતા ગણપતિ:
આ સ્વરૂપમાં એ નૃત્ય મુદ્રામાં જોવા મળે છે, જે ઊર્જા -શક્તિ અને આનંદનું પ્રતીક છે.
મહા-વિઘ્નેશ્વર:
કેટલાક ગ્રંથોમાં આ દેવતાને વિરોધી શક્તિઓના સર્જક તરીકે વર્ણવવામાં આવ્યા છે. એમને કડક તાંત્રિક વિધિઓથી સાધકો દ્વારા નિયંત્રિત કરવામાં આવતા હોવાનો ઉલ્લેખ છે.
લીલા – નીલ ગણપતિ:
વિવિધ તાંત્રિક પ્રથાઓ સાથે આવો રંગમાં તફાવત સંકળાયેલો છે. આ દર્શાવે છે કે તિબેટી ધાર્મિક પ્રથામાં ગણપતિનું સ્થાન બહુપક્ષીય રહ્યું છે.
લામવાદ સાથે ગણપતિનું જોડાણ
લામવાદ એ તિબેટિયન બૌદ્ધ ધર્મનું નામ છે. તેનું મૂળ સ્વરૂપ તાંત્રિક બૌદ્ધ પરંપરા છે. અહીં તાંત્રિક દેવમંડળનું ખૂબ મહત્ત્વ છે. ગણપતિને અહીં ક્યારેક સમૃદ્ધિના સહાયક દેવ' તો ક્યારેક
અવરોધક દેવતા’ માનવામાં આવ્યા છે.
લામા સાધકો એમની ધાર્મિક વિધિઓમાં ગણપતિનું આહવાાન કરે છે, જેથી સાધનામાં આવતા અવરોધ દૂર થાય. ઘણી જગ્યાએ, ગણપતિને મહાકાલ (રક્ષક દેવ) ના સાથી તરીકે પણ પૂજવામાં આવે છે. આ રીતે આપણા ગણપતિ બાપ્પા લામા ધર્મ સાથે સંકળાયેલા છે.
તિબેટી લોકવાયકામાં ગણપતિ
એક વાયકા મુજબ જ્યારે ધાર્મિક પ્રવૃત્તિઓમાં સતત અવરોધ આવવા લાગ્યો ત્યારે પદ્મસંભવે તાંત્રિક સાધના કરીને ગણપતિને પ્રસન્ન કર્યા અને એમને `ધર્મ રક્ષક’ તરીકે સ્થાપિત કર્યા. એવું પણ કહેવાય છે કે ગણપતિજી બૌદ્ધ દેવ મહાકાલ સાથે રહે છે અને સાધકોને અપાર ભૌતિક સમૃદ્ધિ આપે છે. નૃત્ય કરતા ગણપતિની મુદ્રા તિબેટી ચિત્રો (થાંગકા) અને મૂર્તિઓમાં વારંવાર જોવા મળે છે, જે આનંદ અને શક્તિના પ્રતીક છે.
તિબેટમાં ગણપતિ ધ્યાન અને સમૃદ્ધિના રક્ષક છે
તિબેટમાં બૌદ્ધ દેવતા તરીકે ગણપતિની સ્થાપના એ હકીકતનું પ્રતીક છે કે ભારતીય સંસ્કૃતિ અને ધર્મ દ્વારા સમયાંતરે પડોશી સંસ્કૃતિઓ પર ઊંડો પ્રભાવ પાડ્યો છે. તિબેટિયન બૌદ્ધ ધર્મમાં એમને ક્યારેક અવરોધ દૂર કરનારા `વિધ્નહર્તા’ દેવ માનવામાં આવતા તો ક્યારેક એમને ધ્યાન અને સમૃદ્ધિના રક્ષક તરીકે સ્વીકારવામાં આવતા. એટલું જ નહીં, ગણેશના તહેવારો અને પૂજા, ઈત્યાદિ એશિયાથી યુરોપ અને અમેરિકા સુધી હજુ પણ જીવંત છે.
ગણેશનું આ વૈશ્વિક સ્વરૂપ આપણને શીખવે છે કે એ માત્ર અવરોધો દૂર કરનાર નથી, પણ વિભિન્ન સંસ્કૃતિઓને જોડનાર પ્રતીક પણ છે. એમના સ્વરૂપમાં આપણે ભારતીય આધ્યાત્મિકતા, તિબેટી તંત્ર, જાપાની કલા અને થાઈ માન્યતા, ઈત્યાદિ પણ સ્પષ્ટ સંકળાયેલી જોવા મળે છે.
આપણ વાંચો: ટૂંકુ ને ટચઃ ઈ-પાસપોર્ટ ને સામાન્ય પાસપોર્ટ વચ્ચે શું તફાવત?