કવર સ્ટોરી : અભિવ્યક્તિના નામે સદંતર જૂઠાણાં ફેલાવતાં સોશ્યલ મીડિયાને કઈ રીતે નાથી શકાય?

-વિજય વ્યાસ
દિલ્હીમાં આરૂષિ તલવાર હત્યાકાંડ થયો ત્યારે ‘મીડિયા ટ્રાયલ’ શબ્દ અત્યંત પ્રચલિત બન્યો હતો. 13 વર્ષની આરૂષિની 15 મે, 2008ના રોજ હત્યા થઈ હતી. પહેલાં આરૂષિની હત્યા એમના જ ઘરમાં રહેતા નેપાળી નોકર હેમરાજે કરી હોવાની શંકા વ્યક્ત થયેલી, પણ બે દિવસ પછી હેમરાજની પણ લાશ મળતાં એ કેસમાં નવો ટ્વિસ્ટ આવી ગયેલો. એ પછી આરૂષિની હત્યા બદલ એનાં માતા-પિતા નુપૂર તથા ડો. રાજેશ તલવારની ધરપકડ થયેલી. એમના પર સામે સગી દીકરીને પતાવી દેવાના આરોપ મૂકાયેલો. તલવાર દંપતીને સીબીઆઈ કોર્ટે આજીવન કારવાસની સજા પણ ફટકારેલી, પણ અલાહાબાદ હાઈકોર્ટે એ બંનેને નિર્દોષ છોડી મૂક્યાં હતાં.
આરૂષિની હત્યાથી શરૂ કરીને તલવાર દંપતીના નિર્દોષ છૂટકારા સુધીનો સમયગાળો 9 વર્ષનો હતો. આ 9 વર્ષમાં અભૂતપૂર્વ મીડિયા ટ્રાયલ ચાલી. ઘરનોકર હેમરાજ તથા આરૂષીને શારીરિક સંબંધ હતા ત્યાંથી માંડીને ડો. રાજેશ તલવારને એમની સાથે કામ કરતી સાથી મહિલા ડોક્ટર સાથે સેક્સ સંબંધો હતા.
એટલું નહીં, એ પતિ-પત્ની એમના મિત્રો સાથે ‘વાઈફ સ્વેપિંગ (પત્નીઓની અદલા-બદલી!) કલબ’ પણ ચલાવતાં હતાં ત્યાં સુધીની વાતો વહેતી થઈ હતી. મીડિયામાં દરરોજ આરૂષિ હત્યા કેસની મસાલેદાર ખબરો આવતી ને લોકો તેની મોજ લેતાં. મીડિયાએ આરૂષિનાં માતા-પિતાને હત્યારાં ચિતરી દીધેલાં, પણ પછી ના એમનો ગુનો સાબિત થયો કે ના બીજી કોઈ વાત કદી સાબિત થઈ.
ભારતમાં અત્યારે પણ એવો જ માહોલ યથાવત છે. ફરક એટલો જ છે કે, ‘મીડિયા ટ્રાયલ’ના બદલે ‘સોશિયલ મીડિયા ટ્રાયલ’ ચાલે છે. ભારતમાં કોઈ પણ ઘટના બને એટલે સોશિયલ મીડિયા પર તેનું પિષ્ટપિંજણ કરતી જમાત તૂટી પડે છે અને કોઈ પણ પ્રકારના આધાર કે પુરાવા વિના એવી એવી ભળતી જ વાતોનો મારો ચલાવી દે છે. તોડી-મરોડીને રજૂ કરાયેલી વાતો, અર્ધસત્યો અને જૂઠાણાં દ્વારા લોકોનાં માનસને કલૂષિત કરવાનો ખેલ મંડાઈ જાય છે.
‘સોશિયલ મીડિયા ટ્રાયલ’ ચલાવતા આ ગિધડા પાછા કોઈને છોડતા નથી. ‘નરેન્દ્ર મોદી અને અમિત શાહ વચ્ચે હવે બનતું નથી’ ત્યાંથી માંડીને ‘મોહન ભાગવત હવે મોદીને સત્તા પરથી હટાવી દેવા માગે છે’ ત્યાં સુધીની વાતોના તડાકા મરાય છે.
મોદી 75 વર્ષના થાય કે તરત એમને સત્તા છોડવા માટે ફલાણાએ ને ઢીંકણાએ અલ્ટિમેટમ આપી દીધું છે એવી વાતો પણ જોરશોરથી ચાલે છે. આ બધી વાતોનો કોઈ નક્કર આધાર નથી હોતો અને ‘કહેવાતાં સૂત્રો’ના નામે દે ઠોકાઠોક ને જે જીભે ચડે એ બકી દેવાય છે.
આ જ સોશિયલ મીડિયા દ્વારા કોઈ પણ વાતને હિંદુ-મુસ્લિમનો રંગ આપીને કોમવાદનું ઝેર પણ ભરપૂર ફેલાવાય છે. હરિયાણાની યુવા ટેનિસ ખેલાડી રાધિકાની એના પિતા દીપક યાદવે હત્યા કરી નાખી તેમાં પણ સોશિયલ મીડિયાવાળા લવ જિહાદનો એંગલ શોધી લાવ્યા છે…. ઈનામુલ હક નામના એક્ટરને રાધિકાનો પ્રેમી ગણાવીને એક દીકરીનું ચારિત્રહનન કરી નાખવામાં આવ્યું છે…. પહલગામમાં આતંકવાદી હુમલો થયો ત્યારે આ હુમલો સ્થાનિક લોકોની મદદથી થયેલો એવું સાબિત કરવા માટે સોશિયલ મીડિયા પર ભરપૂર ઉધામા થયેલા.
આ તો થોડાંક તાજેતરનાં ઉદાહરણ આપ્યાં, પણ એ સિવાય સોશિયલ મીડિયા પર બીજો એટલો એંઠવાડ ઠલવાય છે કે જોઈને જ ઊબકા આવી જાય. ઈતિહાસ, રાજકારણની વાતોને વિકૃત રીતે રજૂ કરવી, પોતાના વિરોધીઓનું ચારિત્ર્યહનન કરવું ત્યાંથી માંડીને સાવ અવૈજ્ઞાનિક અને અંધશ્રદ્ધાને પ્રેરે એવી વાતોનો આડેધડ પ્રસાર કરવા સુધીનાં પાપ સોશિયલ મીડિયા એટલે કે ડિજિટલ મીડિયા પર આચરવામાં આવી રહ્યાં છે.
આ પણ વાંચો…કવર સ્ટોરી : બિહારમાં મતદાન યાદીની સુધારણા: કેન્દ્રીય ચૂંટણી પંચના વાદ-વિવાદ ને વિખવાદ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લોકોના અવાજને બુલંદ કરવા માટેનાં શક્તિશાળી પ્લેટફોર્મ છે, પણ કમનસીબે તેમના પર કબજો કરીને તેને કૂથલી અને નરાતર જૂઠનો અડ્ડો બનાવી દેવામાં આવ્યાં છે. ભારતમાં ડિજિટલ મીડિયા બેફામ છે તેમાં શંકા નથી. આ રોગ આપણા એકલાનો નથી પણ આખી દુનિયા સોશિયલ મીડિયાથી પરેશાન છે જ તેથી ડિજિટલ મીડિયાને નાથવા માટેના નિયમો બને એ જરૂરી છે, પણ ભારતમાં મોટો ખતરો તેના દુરુયોગનો છે.
તાજેતરમાં એક કેસની સુનાવણી દરમિયાન આપણી સર્વોચ્ચ અદાલતે વડા પ્રધાન અને ‘રાષ્ટ્રીય સેવા સંઘ’ વિશે વાંધાજનક કાર્ટુન્સની આકરી ટીકા સાથે અર્થસભર ટિપ્પણી કરીને દિશા-નિર્દેશ આપતા કહ્યું કે આજકાલ સોશિયલ મીડિયા પર જે બેફામ વાણીવિલાસ ચાલે છે એ અભિવ્યક્તિને નામે સ્વતંત્રતાનો દુરુપયોગ જ છે એને નાથવી જરૂરી છે…પણ અભિવ્યક્તિની આઝાદી પર સેન્સરશિપ ન હોવી જોઈએ. અહીં સ્વ-નિયંત્રણ મૂકવું બહુ જરૂરી છે ..!
સર્વોચ્ચ અદાલતની વાત સાચી છે. ભારતમાં અત્યારે સોશિયલ મીડિયા પર નિયંત્રણ માટે બહુ આકરા કાયદા નથી છતાં બે રીતે દુરુપયોગ થાય જ છે. પહેલું સરકાર પોતાની સામે અવાજ ઉઠાવનારનો અવાજ દબાવી દેવા માટે કાયદાનો ઉપયોગ કરે છે અને બીજું પોતાને માફક આવે એવા કચરાને રોકવા માટે કાયદાનો ઉપયોગ નથી કરતી. આ વાત કોઈ એક પક્ષની સરકારની નથી પણ દેશમાં તમામ સરકારો આ રીતે જ વર્તે છે.
કેન્દ્રની નરેન્દ્ર મોદીની ભાજપ સરકાર હોય, પશ્ચિમ બંગાળની મમતા બેનર્જીની તૃણમૂલ કૉંગ્રેસની સરકાર હોય, તમિળનાડુમાં સ્ટાલિનની ડીએમકેની સરકાર હોય કે કર્ણાટકની સિધ્ધરામૈયાની કોંગ્રેસ સરકાર હોય…આ બધી સરકાર પોતાની સામેના અવાજને દબાવી દેવા માટે કાયદાનો ધરાર દુરુપયોગ કરે છે.
બીજી તરફ આ જ સરકારો પોતાના વિરોધીઓ સામેના કુપ્રચારને રોકવા માટે કશું જ કરતી નથી. બલકે, આડકતરી રીતે તેને પ્રોત્સાહન આપે છે. દરેક સરકાર પણ ડિજિટલ મીડિયાને પ્રોત્સાહન આપવાના બહાને પોતાના એજન્ડાને આગળ ઘપાવવામાં ને વિરોધીઓની મેથી મારવામાં અતિ ઉત્સાહી યુ-ટ્યુબ ચેનલો સહિતનાં પ્લેટફોર્મ્સને આર્થિક મદદ પણ કરે છે. આ કહેવાતી મદદ ખરેખર તો પ્રજાના પરસેવાની કમાણીથી ભરાતી સરકારી તિજોરીનાં નાણાંનો વ્યય છે પણ આ વ્યયને રોકી શકાય તેમ નથી.
આ પણ વાંચો…કવર સ્ટોરી : ચીન શા માટે પોતાની કઠપૂતળી જેવા નવા દલાઈ લામા લાવવાના પેંતરા ઘડી રહ્યું છે?
આપણે ત્યાં જિલ્લા-તાલુકા પંચાયતનો સભ્ય પણ પોતાને તિસમારખાં સમજતો હોય છે ને સરકારી અધિકારીઓ પણ પોતાને તુર્રમખા માનતા હોય છે. ‘આપણી વિરુધ્ધ તો કશું ના આવવું જોઈએ ’ એવા મદમાં રહેનારી આ જમાત કાયદા કે નિયમોનો દુરુપયોગ કરે જ તેમાં શંકા નથી. તેના કારણે દેશમાં એક પ્રકારની સેન્સરશિપ આવી ગઈ છે…
આ સેન્સરશિપ પણ દેશના હિતમાં નથી કેમ કે અત્યારે ગણતરીનાં મીડિયાને બાદ કરતા બાકીનાં સત્તાધીશોનાં પાલતુ બની ગયાં છે તેથી સોશિયલ મીડિયા લોકોનો અવાજ બુલંદ કરવા માટેનું સૌથી મોટું પ્લેટફોર્મ છે. ભારત લોકશાહી દેશ છે ને દરેક વ્યક્તિને વાણી સ્વાતંત્ર્યનો અધિકાર છે. સોશિયલ મીડિયા પર નિયંત્રણ મૂકવાનો કાયદો વાણી સ્વાતંત્ર્યના અધિકાર, અભિવ્યક્તિના અધિકારને છિનવી લેવાનું હથિયાર બની જાય એ સ્થિતિ લોકશાહી માટે ખતરારૂપ કહેવાય.
ડિજિટલ મીડિયાનો દુરુપયોગ કરનારાં સામે પગલાં લેવાવાં જ જોઈએ તેમાં શંકા નથી પણ આ પગલાં ન્યાયી રીતે લેવાવાં જોઈએ. રાજકારણીઓ હોય ત્યાં ન્યાયની અપેક્ષા રખાય જ નહીં એ જોતાં ભારત માટે ‘ઈધર કૂઆં, ઉધર ખાઈ’ જેવી સ્થિતિ છે. કાયદા બનાવાય તો અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય પર તરાપ મારવાનો શાસકોને પરવાનો મળી જાય ને કાયદા ના બનાવે તો ગંદવાડ ઠાલવવાનું ચાલુ જ રહે….