ઉત્સવ

લવસ્ટોરીઓ કેવી કેવી? રોમાંચ અને રહસ્યનું કોકટેલ

મિજાજ મસ્તી – સંજય છેલ

ટાઈટલ્સ: પ્રેમ અને વહેમમાં કંઇ પણ શક્ય છે. (છેલવાણી)
એક અમીર અને વયસ્ક પુરુષે અતિ સુંદર એવી યુવાન સ્ત્રી સાથે લગ્ન કર્યા. એના મિત્રો, સગાવહાલા, બધાંને નવાઈ લાગી કે આને આટલી સુંદર છોકરી આવાને મળી કઇ રીતે? પછી એક વખત પેલા અમીર પરુષે પણ પત્નીને પૂછી જ નાખ્યું, સાચું કહે, કે તેં મારી સાથે મારા આટલા બધાં પૈસાને લીધે જ લગ્ન કર્યા છે ને?

ના હવે… હમણાં જેટલાં છે એના કરતાં ૧૦૦-૨૦૦ રૂ. ઓછા હોત તો પણ કરત જ ને?! જુવાન પત્નીને પતિને ઠંડકથી કહ્યું.

રમૂજ હોય કે રોમાંસ હોય કે રાજકારણ, એમાં જાત જાતના ટિવસ્ટ આવતા હોય છે. આજકાલ તો એવી એવી લવસ્ટોરીઝ જાણવા મળે છે કે જેની આપણે કલ્પનામાં યે કલ્પના પણ ના કરી હોય. હમણાં ઉત્તરાખંડમાં એક પ્રેમિકાએ એના પ્રેમીની હત્યાનું એવું પ્લાનિંગ કર્યું હતું કે ક્રાઇમ સિરિયલના લેખકો રાજીનામા આપી દેશે. ૩૨ વર્ષના યુવાન અંકિતની લાશ હલ્દવાની પોલીસને એની કારમાંથી મળી. જ્યારે પોલીસે અંકિતની કાર ખોલી તો કારનાં એ.સી.માંથી કાર્બન મોનોક્સાઈડ લીક થઈ રહ્યો હતો. પહેલા તો પોલીસને લાગ્યું કે અંકિતનું મોત આ ગેસના કારણે શ્ર્વાસ રૂંધાવાથી થયું છે. પણ પોલીસે જ્યારે પોસ્ટમોર્ટમ કરાવ્યું તો અંકિતના પગમાં સાપના ડંખના નિશાન હતા અને શરીરમાંથી ઝેરના પુરાવા પણ મળ્યા હતા. પોલીસે વધારે તપાસ કરી ત્યારે અંકિતના ફોન કોલમાં એની પ્રેમિકા માહીની જાણકારી મળી. માહી અને અંકિત એકબીજાને પ્રેમ કરતા હતા, પણ અંકિત માહીના જીવનમાં બહુ દખલગીરી કરતો હતો એટલે કંટાળીને માહીએ અંકિતની હત્યાનું કાવતરું ઘડ્યું.

માહીએ અંકિતને મારવા એક મદારીની મદદ લીધી. માહીએ મદારીને ૧૦૦૦૦ રૂ. આપી અંકિતને ઝેરી સાપથી કરડાવ્યો. જેથી અંકિતની હત્યા એક નેચરલ ડેથ લાગે. ત્યાર બાદ અંકિતની લાશને કારમાં મૂકી એ.સી.નો ગેસ લીક કર્યો જેથી અંકિતની હત્યા થઇ એવું લાગે નહીં. પોલીસને વધારે અંતે ખબર પડી કે માહી, કોઇ નવા બોયફ્રેન્ડ સાથે નેપાળ ભાગી ગઈ છે. આ ‘ચાલુ’ પાત્રો અંગે ‘પોલીસ તપાસ ચાલુ’ છે.

ફિલ્મો નાટકોમાં ઘણી પ્રેમકથાઓ હોય છે જેનો અંત સુખદ નથી હોતો, જીવનમાં પણ દુ:ખદ તો હોય જ છે સાથે આંચકો જ આપનારો પણ હોય છે. એક થ્રિલર કથાઓની ચાહક સ્ત્રીના પતિનું બીજી સ્ત્રી સાથે અફેર હતું. ઘણાં દિવસોથી પતિ, પત્નીથી છૂટકારાનો પ્લાન બનાવતો હતો. એણે જોયું કે પત્ની બહુ રસથી એક રહસ્યમય નોવેલ વાંચી રહી છે જેમાં એક પાત્રનું ઝેર આપીને મર્ડર કરવામાં આવે છે. તો એના પરથી જ પ્રેરણા લઇને પતિએ પુસ્તકના દરેક પાનાં પર ઉપર ધીમું ઝેર ચોપડી દીધું. પત્ની જેમ જેમ જીભ પર આંગળી થૂંકથી ભીની કરીને પાનું ઉથલાવે એમ એમ પેટમાં રોજ થોડું થોડું ઝેર જાય અને સસપેન્સ નોવેલ ખતમ થાય ત્યાં સુધી ધીમે ધીમે એનું ઝેરથી મોત થાય. એમ જ થયું, એક બાજુ ઝેરવાળી રહસ્યકથા આગળ વધે ને બીજી બાજુ મોત તરફ પેલી વાચક પત્ની જવા માંડે!

છે ને કમાલનો કાતિલાના ક્લાઇમેક્સ?

ઈંટરવલ
ચલા જાઉંગા કહીં છોડ કે મૈં તેરા યહ શહર,
ના તો યહાં અમૃત મિલે, ના ઝહર. (આનંદ બક્ષી)

આજકાલ તો શહેરોની જેમ ગામડાંઓના સમાચાર પણ કમાલના હોય છે, જે વ્યંગ કે હાસ્યકથાઓ કરતાં યે બે ડગલાં આગળ હોય છે. ગામડું શબ્દ આવે એટલે ભોળા, સરળ એવા લોકોની ટીપિકલ છબી આપણી સામે આવે પણ દરેક વખતે એવું નથી હોતું. બિહારના બેતિયા જિલ્લાના એક ગામમાં રહેતી છોકરીએ એના પ્રેમીને એક અજીબ રસ્તો અપનાવ્યો જે કલ્પનાની બહારનો છે. એ છોકરી એના પ્રેમીને શીખવાડતી કે લાઈટ બંધ કરવા માટે ટ્રાન્સફોર્મરમાં શું શું કરવું પડે જેથી આખા ગામમાં વીજળી જ કપાઇ જાય. પેલો પાગલ પ્રેમી, રોજ રાતે ગામમાં વીજળી કાપીને એ છોકરીને ચોરીછૂપી અંધારપટમાં મળવા આવતો. હવે આમાં મુસીબત એ થઈ કે વીજળી કપાઇ જવાથી ગામમાં અંધારું થઈ જતું જેનો ચોર લોકો ફાયદો ઉઠાવવા માંડ્યા. હવે પેલા ચોરોને પકડવા ગામવાળાઓએ એક પ્લાન બનાવ્યો પણ એમાં ચોર લોકોને બદલે પેલા બે પ્રેમીઓ પકડાઇ ગયા અને આખી વાત બહાર આવી!

સદીઓથી પ્રેમમાં બેવફાઇ કે સંબંધ વિચ્છેદને લીધે અનેક ગૂંચવાડાઓ થતાં હોય છે. આપણી આસપાસ જ આઘાત આપતી આકર્ષણ કે આતંકની કથાઓ મોજૂદ હોય છે. જીવનનું સત્ય, એ ક્રૂરકથાઓ કરતાં વધુ કારમું હોય છે. જે કે- હમણાં યુ.પી.માં મુઝફ્ફરપુર જિલ્લામાં એક સ્કૂલના સંચાલકની હત્યા થઈ. તપાસ કરતા ખબર પડી કે એ સંચાલકની હત્યા એની પહેલાની શિક્ષીકા એવી પ્રેમિકાએ જ કરાવી હતી. મરનાર માણસ જે સ્કૂલનો એ સંચાલક હતો એની પ્રેમિકા પણ એ જ સ્કૂલમાં ભણાવતી હતી. એક વખત એ સંચાલક કામથી થોડા દિવસ માટે બહારગામ ગયો. એ પાછો આવ્યો ત્યારે એની પ્રેમિકાના લગ્ન થઈ ગયા હતા. સ્કૂલનો સંચાલક એની શિક્ષક પ્રેમિકાને હજુ પણ મળતા રહેવા માટે દબાણ કરતો હતો. પોતાના ‘વર્તમાન’માંથી ‘ભૂતકાળ’ને ગુમ કરવા પ્રેમિકાએ એના પ્રેમીને કાયમ માટે ‘ભૂતપૂર્વ’ બનાવવા કે મારવા માટે પાંચ લાખની સોપારી આપી સ્કૂલના સંચાલકને મરાવી નાખ્યો.

હવે આ પ્રાણઘાતક પ્રેમકથામાં સૌથી મોટો સવાલ એ છે કે એક શિક્ષીકા પાસે પાંચ લાખ ક્યાંથી આવ્યા?

વેલ… પ્રેમ, વહેમ અને વેરમાં કંઇપણ શક્ય છે!

એન્ડ-ટાઈટલ્સ
આદમ: તારા માટે જાન આપી શકું.
ઈવ: પહેલાં ઊભો થઇને ટી.વી.નું રિમોટ આપ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button