ઉત્સવ

હેં… ખરેખર?! : 33 હજાર ફૂટથી વગર પેરેશૂટે પડ્યાં ને જીવતાં રહ્યાં, બોલો!

  • પ્રફુલ શાહ

Vesna Vulovic હા, આ મહિલાને નામે અનોખો વિશ્વ-વિક્રમ છે. આમાં એમની કોઈ કરામત, હિંમત કે કાબેલિયત નથી પણ નિયતિ અને નસીબનો ભૂરપૂર સાથ મળ્યો.

વેસ્ના વુલોવિક (3 જાન્યુઆરી, 1950 – 23 ડિસેમ્બર, 2016) એક સર્બિયન યુવતી અને એર હોસ્ટેસ. 1972ની 26મી જાન્યુઆરીનો દિવસ વેસ્ના ક્યારેય ભૂલી ન શક્યા. તેઓ જાટ ફલાઈટ 367માં સ્વીડનના સ્ટૉકહોમથી સર્બિયાના બેલગ્રેડ જતા હતા. આ ફલાઈટમાં કુલ 28 માનવી હતા. બધુ એક સમુસૂતરું ચાલતું હતું, વિમાન લગભગ 33 હજાર ફૂટની ઊંચાઈએ પહોંચ્યું ત્યાં સુધી.

એર હોસ્ટેસ વેસ્ના વુલોવિક ખાવાનું કે કંઈક ટ્રોલીમાં લઈને પ્રવાસીઓ તરફ આગળ વધી રહી હતી ત્યારે ફલાઈટના લગેજ વિભાગમાં જોરદાર ધડાકો થયો. વિસ્ફોટ એટલો ભયંકર હતો કે હવામાં જ વિમાનમાં આગ ફાટી નીકળી અને ત્રણ ટુકડા ધરતીને મળવા ઝડપભેર નીચે ધસવા માંડ્યા. આ ત્રણેય ટુકડા જ્યાં પડ્યાં ત્યાં ચોમેર બરફ જ બરફ હતાં. બરફની ચાદર પર વિમાનના ટુકડા ભડભડ બળી રહ્યા હતા.

આ વિમાન એટલે કે એના ટુકડા પડ્યા હતા ચેકોસ્લોવેકિયાના શ્રીબસ્કા કામેનિસ નામના સ્થળે. યોગાનુયોગે એ સમયે સ્થાનિક ગ્રામજન બ્રુનો હોંકે ત્યાંથી પસાર થયા. તેમણે કોઈકના કણસવાનો અવાજ સાંભળ્યો. બીજા વિશ્ર્વ યુદ્ધ દરમિયાન તબીબ તરીકે આપેલી સેવાના અનુભવથી તેઓ સમજી ગયા કે કોઈક ભયંકર પીડામાંથી પસાર થઈ રહ્યું છે. આસપાસ જોયું તો ભયંકર રીતે ઘાયલ થયેલી એક યુવતી મદદ માટે આજીજી કરતી દેખાઈ. હોંકેએ ખૂબ કાળજીપૂર્વક એ યુવતીને વિમાનના કાટમાળમાંથી બહાર કાઢી. એના શરીર પર ઠેરઠેર ઈજા થઈ હતી. હોંકેને લાગ્યું કે આનાં પગના હાડકાં તૂટી ગયા હોવા જોઈએ.

બ્રુનો હોંકેએ ઘાયલ યુવતીને શક્ય એટલી ઝડપભેર હૉસ્પિટલ પહોંચાડી, ત્યાં સુધી એ કોમામાં સરી પડી હતી. દસ-દસ દિવસ કોમામાં રહ્યા બાદ હોશમાં આવ્યા બાદ સૌને ખબર પડી કે એનું નામ વેસ્ના વુલોવિક હતું. દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં બેઠેલી એની સિવાયની એક-એક વ્યક્તિ મરણ પામી હતી, પરંતુ 33 હજાર ફૂટની ઊંચાઈએથી પેરેશૂટ વગર પડવા છતાં એ જીવી ગઈ એ કોઈ માની શકતું નહોતું. છતાં ધારણાથી સશક્ત હતી વાસ્તવિકતા ને જીવતીજાગતી વેસ્ના.

જીવી ગયાનો આનંદ સાથે વેદના અને લાચારી ય લાવ્યો હતો. એના શરીરનાં કમર નીચેના ભાગને લક્વો મારી ગયો હતો. બે પગે ચાલવાનું અશક્ય હતું. આ ઉપરાંત માતા બનવાની શક્તિ ગુમાવી દીધી હતી.

વેસ્નાના જીવી જવામાં લોકોને જલદી વિશ્વાસ ન બેઠો. આને લીધે તપાસ-સંશોધન થવા માંડ્યા કે વેસ્ના વુલોવિક કેવી રીતે જીવતી રહી. એ સમયનાં અખબારો એક પછી એક કારણ પીરસવા માંડ્યાં હતાં.

સૌથી પહેલું જે કારણ બહાર આવ્યું એ વિવાદાસ્પદ પણ બની ગયું. જીવતા બચી જવાનું સૌથી પહેલું અને મોટું કારણ એ હતું કે વેસ્ના વુલોવિકનું લો બ્લડપ્રેશર હોવાનું. નિષ્ણાતોએ સમજ પાડી કે બહુ ઊંચાઈ પર કોઈ દુર્ઘટના થાય તો પ્રવાસીઓના બ્લડપ્રેશર ખૂબ જ વધી જાય. એને લીધે ઑક્સિજન ઘટી જવાથી હૃદય ફાટી જાય. દુર્ઘટના ગ્રસ્ત વિમાનના બધા કમનસીબ પ્રવાસીઓ સાથે પણ એવું થયું હતું, પરંતુ વેસ્નાનું બ્લડપ્રેશર પહેલેથી જ ઓછું હોવાથી તેને આ બાબતની ઘણી ઓછી અસર થઈ અને તે બચી ગઈ.

આપણ વાંચો:  ઈકો-સ્પેશિયલ : છલકાઈ જતા તમામ આઈપીઓ સારા જ હોય એ જરૂરી નથી

પરંતુ આ કારણ જાહેર થયા પછી સવાલ ઊગી નીકળ્યો કે જો વેસ્નાને લો બ્લડપ્રેશર હતું તો પછી એરહૉસ્ટેસ તરીકે નોકરી મળી કેવી રીતે? આનો ખુલાસો ખુદ વેસ્નાએ વરસો બાદ કર્યો હતો. એને પહેલેથી જ લો બ્લડપ્રેશર રહેતું હતું પણ ઈન્ટરવ્યૂ અગાઉ તેણે ખૂબ કોફી પીને બ્લડપ્રેશરને સામાન્યવત બનાવ્યું હોવાથી તે મેડિકલ ટેસ્ટમાં પાસ થઈ ગઈ અને એરહૉસ્ટેસ તરીકે નોકરી મળી ગઈ હતી.

સૌથી આશ્ર્ચર્ય, અચરજ કે આઘાતની બાબત એ હતી કે દુર્ઘટના ગ્રસ્ત વિમાનમાં વેસ્ના વુલોવિકની ડ્યૂટી જ નહોતી, વેસ્ના નામની અન્ય એક એરહૉસ્ટેસની હતી, પરંતુ સમાન નામને લીધે ગોટાળો થવાથી વેસ્નાએ ફરજ પર હાજર થવું પડ્યું હતું.! (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button