હેં… ખરેખર?!: 600 વર્ષથી વરસાદ વગરનું શહેર લીમા!

- પ્રફુલ શાહ
અહીં નથી પૂર આવતા, નથી ગટર છલકાતી, નથી ભરાયેલા પાણીથી વાહન વ્યવહાર થંભી જતો, નથી રેઈનકોટ વપરાતો કે નથી છત્રી ખરીદાતી. હા, આ લીમા શહેરની વાત છે. વરસાદ વગરના શહેરની કલ્પના જ કેટલી અશક્ય લાગે ને? લીમા એટલે પેરૂનું પાટનગર. વિશ્વભરમાં લીમા ‘રેઈનલેસ સિટી’ એટલે વરસાદ વિહોણા શહેર તરીકે ઓળખાય છે. અલબત્ત, અહીં વરસાદ સદંતર નથી પડતો એવું સાવ નથી. અહીં વરસે માંડ દસથી પંદર મિલીમીટર વરસાદ પડે, જે વિશ્ર્વના સૌથી સુકા પ્રદેશ ગણાતા સહરાના રણમાં પડતા સરેરાશ વરસાદથી ય ઓછો છે.
એટલું જ નહિં, લીમામાં ન વાવાઝોડું આવે, ન બરફ પડે કે આકરા તોફાન આવે. આવું બે-પાંચ કે 40-50 વર્ષથી નહિ પણ 600 વર્ષથી ચાલે છે. ખુદ લીમાવાસીઓ જ હળવાશમાં પોતાના શહેરને ‘રેઈનલેસ’ ગણાવે છે. એટલે જ ઘણા ઘર પર છત સુધ્ધાં બનાવાતી નથી. પરંતુ દાયકાઓથી વરસાદ વિહોણા હોવાથી લીમાવાસીઓ અહીં કેમ રહે છે? ખૂબ સુખેથી ને આનંદમાં રહે છે. કોઈને ક્યારેય લીમા છોડવાનો વિચાર સુધ્ધાં આવતો નથી. એવું શા માટે?
કારણ કે 600 વર્ષના વરસાદના અભાવ એટલે કે દાયકાઓના દુકાળ છતાં લીમામાં કોઈ તકલીફ નથી. વાપરવાનું અને પીવાનું પાણી પૂરતું મળી રહે છે. શહેર એકદમ લીલુંછમ છે. અનાજની ખેતી થાય છે. ઉદ્યોગો છે. ભવ્ય ઐતિહાસિક વારસો એટલો સમૃદ્ધ છે કે વિશ્વભરમાં પર્યટકોના ધાડેધાડા ઊતરી આવે છે.
આ બધું કંઈ રીતે શક્ય છે ભલા? થોડું વિગતવાર સમજીએ. દક્ષિણ આફ્રિકાની સૌથી ઊંચી પર્વતમાળા એન્ડીઝ પર્વતોના પૂર્વીય ઢોળાવ પર લીમા વસેલું છે. અહીં હવા નીચે ઊતરે છે. મુખ્ય પવન સમુદ્રની સપાટીને સમાંતર ફૂંકાય છે. સમુદ્રતટની હવા ઠંડા પાણી સાથે ક્રિયા-પ્રતિક્રિયા કરે છે.
આના ફળસ્વરૂપે ઠંડા હવાના પ્રવાહો વાદળો ઘટ્ટ થવાથી વરસાદને અટકાવે છે. આથી વરસાદ વરસી શકતો નથી. માત્ર ધુમ્મસ અને ભેજ બને છે. આને લીધે લીમાનું હવામાન શુષ્ક નથી બલકે ખૂબ ભેજવાળું રહે છે. આથી અહીં જ્યારે-ત્યારે નજીવો વરસાદ પડે એ પણ પાણીના ટીપાંને બદલે ધુમ્મસના જાડા સ્તર તરીકે આવે છે. એ શહેરને ઘેરી લે છે અને ભીની જમીન પર ઘટ્ટ થઈ જાય છે.
આ કારણોસર વરસાદની સદંતર અને સતત ગેરહાજરી છતાં લીમાનું હવામાન આખું વર્ષ ઠંડું રહે છે. અહીં વધુમાં વધુ તાપમાન 23 ડિગ્રી અને ઓછામાં ઓછું 16 ડિગ્રી સેલ્સિયસ હોય છે. આથી અહીં કાયમ વસંત ઋતુ જેવો નજારો રહે છે.
હવે રહ્યો પીવાના પાણીનો સવાલ. લીમાવાસીઓની તરસ છિપાવે છે અપ્રિખ નદી. એન્ડીઝ પર્વતમાંથી પીગળતા બરફથી આ નદીને પાણી મળે છે. વધુમાં સમુદ્ર અને રિમાર્ક નદી હોવાથી સંખ્યાબંધ ભૂગર્ભજળ છે. આને લીધે પાણી માટે મારામારીની નોબત આવતી નથી કે દુકાળનો ભય રહેતો નથી.
આ શહેરમાં અનેક બગીચા છે, લીલોતરી છે. સ્પેનિશ સંસ્કૃતિથી છલોછલ લીમા સાઉથ આફ્રિકાના સ્વીટ્ઝર્લેન્ડ તરીકે ય ઓળખાય છે. એનો સમાવેશ રહેવા માટેના વિશ્વમાં શ્રેષ્ઠ શહેરોની યાદીમાં થાય છે. શેરીએ શેરીએ ફુલો અને વૃક્ષોની હારમાળા સ્વાગત કરે. શહેરભરમાં 200થી વધુ બગીચા છે.
સદંતર વરસાદ વગર પણ લીમા વિશ્ર્વના અન્નભંડાર તરીકે ઓળખાય છે. એનાથી મોટી સિદ્ધિ કઈ હોઈ શકે? અહીં અનાજ ઉપરાંત રોકડિયા પાક લેવાય છે. પશુપાલનનો વ્યવસાય ફુલ્યો ફાલ્યો છે. સ્થાનિકોની આકરી મહેનતથી લીમા બની ગયું છે પેરૂનું ઔદ્યોગિક કેન્દ્ર. લીમાથી વિદેશમાં અનેક ઉત્પાદનોની નિકાસ પણ થાય છે.
અહીંના પ્રાચીન ચર્ચ વિશ્વ-વિખ્યાત વારસો છે. 1830માં બંધાયેલા ચર્ચની જાળવણીમાં ઘણું શીખવા જેવું છે. પ્રાચીન બાંધકામના રાખરખાવ અને સમારકામમાં ભરપૂર ગંભીરતા, નિષ્ઠા અને કલાત્મકતા ઊડીને આંખે વળગે-ટૂંકમાં લીમા એટલે લીમા.
આપણ વાંચો: વિશેષઃ સુપ્રીમ કોર્ટના વારંવાર ફટકાર છતાં… યે ‘ઈડી’ હૈ કે માનતા નહીં…!