ઉત્સવ

કુદરતી ડિપ ફ્રિઝર યાકુત્સ્કના લોકોને માઈનસ 10 ડિગ્રીએ ગરમી લાગે!

હેં… ખરેખર?! – પ્રફુલ શાહ

શિયાળાના એંધાણ સાથે વસાણા, સ્વેટર, મફલર, ધાબળા, મસાલેદાર ચા, કોફી, રમ વગેરેની બોલબાલા વધી જાય. ઠંડી અને હુંફની જુગલબંધી વિશે ઘણું કહી શકાય.

ઠંડીના તાપમાનની વાત કરીએ તો 1983ની 21મી જુલાઈએ પૃથ્વી પરનો સૌથી ઠંડો દિવસ હતો. એન્ટાર્કટિકાના રશિયન વોસ્ટોક સ્ટેશન પર માયનસ 89.2 સેન્ટિગ્રેડ એટલે કે – 128 ફેરનહિટ ઉષ્ણતામાન નોંધાયું હતું.

મેરા ભારત મહાનના સૌથી ઠંડા દિવસ કે સ્થળ ક્યા? લદ્દાખના દ્રાસને નામે દેશનો ઠંડીનો રેકોર્ડ બોલે છે. અહીં માયનસ 45થી લઇને માઈનસ 60 ડિગ્રી ઠંડી પણ પડી ચુકી છે. હિમાચલ પ્રદેશની સ્પીતી ખીણમાં પારો માયનસ 30
સુધી પહોંચી જાય છે. ગુજરાતમાં કચ્છના નલિયામાં જોરદાર ટાઢ ધ્રુજાવી નાખે. 2023ની 16મી જાન્યુઆરીએ અહીં પારો બે ડિગ્રીએ પહોંચ્યો હતો, જે રાજ્યભરમાં ન્યુનતમ છે.

ભારતનાં મહાનગરોમાં સૌથી વધુ ઠંડી દિલ્હીમાં, 9.4 ડિગ્રી, 2019ની 31મી ડિસેમ્બરે નોંધાઈ હતી. મસ્ત મુંબઈએ 1962ની 22મી જાન્યુઆરીએ હાડ ઠારી નાખતી 7.4 ડિગ્રી વિક્રમી ઠંડી અનુભવી હતી.

જોકે આ બધાં સ્થળોનું યાકુત્સ્ક (Yakutsk) ની સરખામણીમાં ઠંડીની બાબતમાં કઇ ન ઊપજે હો. હા, રશિયાના સાઇબેરિયા સ્થિત આ છે વિશ્વનું સૌથી ઠંડું શહેર. અહીં શિયાળામાં તો અધધ ઠંડી પડે જ છે, બાકીના વર્ષનું સરેરાશ તાપમાન પણ આશરે માયનસ સાંઠ ડિગ્રી જેટલું હોય છે.

યાકુત્સ્ક માત્ર વિશ્વના સૌથી ઠંડા શહેર તરીકે જ નહિ પણ અને તેની એકદમ અલગ પ્રકારની જીવનશૈલી માટે પણ જાણવા જેવું ખરું. અહીં શિયાળામાં તાપમાન -60 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે પડી જાય છે અને ક્યારેક તો -64.4ઓઈ (અર્થાત -83.9ઓ ફેરનહીટ) સુધી પહોંચી જાય છે. આ વિક્રમી તાપમાન 5 ફેબ્રુઆરી, 1891ના રોજ નોંધાયું હતું.

આટલી ઠંડીમાં આખું શહેર જાણે કુદરતી ડિપ ફ્રીઝર બની જાય એ કહેવાની જરૂર રહેતી નથી. આથી યાકુત્સ્કના ખુલ્લા બજારોમાં વસ્તુઓ બગડતી જ નથી. અરે, માછલી માર્કેટમાં જરાય દુર્ગંધ આવતી નથી! કારણ એ કે અતિશય કે ઠંડીમાં બધું જ થીજી જાય છે.

અહીંના લોકોનો આહાર મોટાભાગે માંસ પર આધારિત છે. દુનિયાના સૌથી ઠંડા સ્થળના રહેવાસીઓને -10 ડિગ્રીએ ગરમી લાગે! હકીકતમાં અહીં દસ મિનિટથી વધુ સમય બહાર રહેવું જોખમી સાબિત થઈ શકે છે.

ટાઢની પરાકાષ્ઠા સમાન યાકુત્સ્કની વસતી અંદાજે 3,55,443 (2021ની ગણતરી પ્રમાણે) છે. અહિંની પ્રજા જાન્યુઆરીમાં સરેરાશ -42 સેલ્સિયસ તાપમાનમાં જીવે છે. આખા દિવસમાં સૂર્યદેવ માંડ માત્ર ચાર કલાક દર્શન
આપે. શહેરની ઇમારતો કોન્ક્રીટના થાંભલાઓ પર ઊભી છે જેથી ગરમીથી જમીન ન પીગળે.

અહીંના પ્રજાજનો ઠંડીથી બચવા માટે એક ઉપર એક એમ કેટલાય સ્તરના વસ્ત્રો એટલેકે ગરમ કપડાં પહેરે છે. આમાં મુખ્યત્વે રેંડિયર, સસલા કે શિયાળના ચામડા વપરાય. આમ છતાં ઘરની બહાર 10 મિનિટથી વધુ ઠંડીમાં રહેવાથી ફ્રોસ્ટબાઇટ (ચામડી થીજી-જામી જવી) થઈ જાય.

ટ્રાવેલ વ્લોગર અંકિતા કુમારના અનુભવ જાણવા જેવો છે : મેં બજારમાં એક મોટી માછલી ઉઠાવી હતી, પણ માછલીની જરાય ગંધ આવી ન હતી. અહીંના લોકો મુખ્યત્વે માંસાહારી છે કારણકે નહિતર ઠંડીને કારણે ખેતી કરવી શક્ય ન બને. હવે વધુ ઠંડી લાગે ત્યારે કુદરતી ડિપ ફ્રિઝર યાકુત્સ્કને યાદ કરજો.

આ પણ વાંચો…હેં… ખરેખર?!: માનવ સહવાસ વગર 33 વર્ષ નિર્જન ટાપુમાં વસવાટ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button