હેં… ખરેખર?! જહાં નહાના મના હૈ!

- પ્રફુલ શાહ
દુનિયા આખી આધુનિકતાને રવાડે ચડીને પોતાની અતિ સુંદર પરંપરાને ઝડપભેર દફનાવી રહી છે. આવામાં ઘણાં આદિવાસી સમુદાયો પોતાના રિવાજ, પરંપરા અને સંસ્કૃતિનું જીવની જેમ જતન કરે છે. બહુ ભણેલાગણેલા ન હોવા છતાં પોતાની પરંપરા માટે લડવું પડે એટલી સમજ અને ઝનૂન પણ ધરાવે છે.
આવો જ એક આદિવાસી સમાજ છે હિમ્બા. આફ્રિકા ખંડના તાંઝાનિયા દેશમાં આ આદિવાસીઓની વસતિ અંદાજે પચાસેક હજાર જેટલી છે. રણ વિસ્તારની આસપાસમાં અને જંગલમાં રહેતા હિમ્બા લોકો પર્યાવરણની પૂજા કરે છે. આ લોકોનો જીવન-નિર્વાહ મુખ્યત્વે પશુ પાલન અને થોડી ઘણી ખેતી પર ચાલે છે.
આ લોકો રહે છે ત્યાં પાણીની ભયંકર તંગી હોય છે. આને લીધે સદીઓથી તેમનામાં નહાવાની મનાઈ છે. હજી આધુનિકતાના વાયરાથી ઘણાં બચીને રહેતા હિમ્બા લોકો આ રિવાજનો અમલ કરે છે. આ લોકો નહાતા નથી એટલું જ નહીં, હાથપગ સુદ્ધાં ધોતા નથી. કંઈ કામકાજ કર્યા કે જમ્યા બાદ પણ હાથ સાફ કરવા પાણીનો ઉપયોગ કરતા નથી.
જૈન મુનિઓ પણ નહાતા નથી કારણકે સૂક્ષ્મ જીવોનો નાશ ન થાય. તેઓ પાણીનો માત્ર ખપ પૂરતો ઉપયોગ કરે છે. આ જોઈને ઘણાંના મનમાં અનેક સવાલો ઉઠતા રહે છે.
આ આદિવાસીઓ વિશે આશ્ચર્યની બાબત એ છે કે નહાતી ન હોવા છતાં આફ્રિકામાં સૌથી સુંદર મહિલા તરીકે હિમ્બા મહિલાનું જ નામ આવે છે. હિમ્બા મહિલા જીવનમાં એકવાર, હા માત્ર એકવાર, સ્નાન કરે અને એ પણ એના લગ્ન વખતે. ક્યારેય સ્નાન ન કરવા કે હાથપગ સુદ્ધાં ન ધોવા છતાં તેઓ સાજી અને ખૂબસૂરત કેવી રીતે રહે છે?
હિમ્બા મહિલા પાણી પર નિર્ભર રહેવા કે એના અભાવ બદલ કકળાટ કરવાને બદલે રાજીખુશીથી અન્ય નુસ્ખા અપનાવે છે, જે સંપૂર્ણપણે કુદરતી હોય છે. આ બાબત તેમને સુંદરતા બક્ષવા સાથે રોગોથી મુક્ત રાખે છે.
તેઓ ખાસ જડીબુટ્ટીઓ પાણીમાં ઉકાળે છે. એ ઉકળતા પાણીની વરાળથી પોતાના શરીરને સાફ અને શુદ્ધ રાખે છે. આ સિવાય તડકાથી બચતા રહેવા માટે તેઓ ખાસ પ્રકારનું ઘરે બનાવેલું કુદરતી સામગ્રીમાંથી બનેલું લોશન આખા શરીર પર ચોપડે છે.
આ લોશન જાનવરોની ચરબી અને હેમાટાઈટ નામના ખાસ ખનિજમાંથી બને છે. આને લીધે ત્વચા સુંદર અને સ્વચ્છ ઉપરાંત સુગંધી પણ રહે છે. બોનસમાં ત્વચા તડકા અને જીવજંતુથી બચવા ઉપરાંત ચમકતી પણ રહે છે.
આ વરાળના સ્નાન અને લોશનના લેપની પરંપરા સદીઓથી ચાલતી આવી છે. આને લીધે તેમની ચામડી એકદમ લાલચોળ થઈ જાય છે.
હિમ્બા મહિલાએ ક્યારેય પુરુષ સમોવડી બનવાનો પ્રયાસ તો ઠીક, વિચાર સુદ્ધાં કર્યો નથી. કારણ એટલું કે પોતાના આદિવાસી સમાજમાં તે પુરુષથી સવાયી છે. હા, હિમ્બા નારી પુરુષથી વધુ મહેનત કરે છે, બાળકને જન્મ આપે છે અને ઉછેર પણ કરે છે. ઘરના બધા, ખાસ તો આર્થિક, નિર્ણય હિમ્બા નારી જ લે છે.
આવી સબળ-સુંદર નારી ધરાવતો હિમ્બા સુમદાય અર્ધ-વિમુક્ત સમાજ છે. પાણી તો માત્ર પીવા અને રાંધવા માટે ઉપયોગ કરનારા હિમ્બા લોકો પોતાના મૂળ, કુળ, પરંપરા અને કુદરત સાથે જે રીતે સદીઓથી જોડાયેલા છે એ આશ્ચર્ય સુખદ છે અને ન નહાવા સિવાય પણ એમની ઘણી પરંપરા એવી છે કે જે આજના કહેવાતા આધુનિકોને નીચાજોણું કરાવી દે.