ક્લોઝ અપ: મનનાં સુખ - શાંતિ માટે આ છે સાત સોનેરી સલાહ.! | મુંબઈ સમાચાર
ઉત્સવ

ક્લોઝ અપ: મનનાં સુખ – શાંતિ માટે આ છે સાત સોનેરી સલાહ.!

  • ભરત ઘેલાણી

આજની ડિજિટલ ક્રાન્તિના પ્ર્તાપે આપણા અનેક પ્રશ્નના ઉકેલ હાથવગા થયા છે, પણ એ બધાની વચ્ચે આપણી મનની શાંતિ હણાઈ ગઈ છે, પણ આજના દૈનિક જીવનમાં મનની શાતા-શાંતિ માટે વનવાસ લેવાની જરૂર નથી. આપણા ઋષિમુનિઓથી લઈને આજના યુગના આરોગ્યશાસ્ત્રી તથા મનોવિજ્ઞાનીઓ અહીં દર્શાવે છે જીવન સરળ બનાવવાની 7 ‘સેવન સ્ટાર’ જડ્ડીબુટી …

બહ્માંડની કોઈ અગોચર શક્તિ જેને આપણે કુદરત કહીએ છીએ એણે દરેક કાર્યનો એક નિયત સમય ગોઠવી રાખ્યો છે. એને આપણી અનુકૂળતાએ ગોઠવીએ છીએ.

જો કે, પ્રાણઘાતક કોરોના વાયરસ જેવી કટોક્ટી સર્જાય ત્યારે માનવીની માનસિક-શારીરિક અને આર્થિક સહિત બધી જ યંત્રણા ખોરંભે ચઢી જાય છે. એ વખતે લગભગ પ્રત્યેક માનવીની માનસિક સજ્જતા કેવી ગંભીર રીતે વેર-વિખેર થઈ જાય છે એનો અનુભવ આપણને બધાને થઈ ગયો છે.

સવા બે વર્ષની યાતના પછી આપણે બધા ધીરે ધીરે એમાંથી બહાર આવી રહ્યા છીએ, પરંતુ અગાઉની આપણી મૂળભૂત કુદરતી શાંતિ પાછી ફરી નથી. એ માટે આજે પણ બધા ઝઝૂમી રહ્યા છે.

પળે પળે પલટાઈ રહેલી આ ઝડપી જિંદગીમાં મનની પેલી આપણી ચિરપરિચિત નિરાંતને પુન: કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ. છે એના કોઈ સચોટ ઉપાય?

હા, છે ચપટી વગાડતા જ હાથવગા થાય એવા નહીં, પણ ધીરજ સાથે એ દિશામાં પ્રયાસ કરવાથી એનાં સચોટ પરિણામ જરૂર મળે.

મનના આવાં સુખચેન માટે યોગાચાર્ય-આરોગ્યશાસ્ત્રના નિષ્ણાતોએ એનાં શ્રેણીબદ્ધ ઉપાય સૂચવ્યા છે. તનને તંદુરસ્ત કરવા-રાખવા શરૂઆત તો મનથી જ કરવી પડે અને જ્યારે મનની વાત આવે ત્યારે એને શાંત રાખવા માટે શ્વાસની ક્રિયા-પ્રક્રિયા ઝીણવટથી જાણવી-શીખવી પડે.

આમ જુઓ તો શ્વાસ લઈને હૃદયને ધબકતું રાખવાની ક્રિયા કોઈને શીખવવી નથી પડતી. એ તો માના ગર્ભાશયમાં પ્રાણ પુરાય ત્યારથી કુદરતે આપેલી દેન છે, પણ શ્વાસ આપોઆપ લેવાતા રહે પૂરતું નથી. આપણા ષિમુનિઓની શીખ મુજબ આપણે ખરી રીતે શ્વાસ-ઉચ્છવાસની ક્રિયા અમલમાં મૂકીએ તો અનેક રોગ-બીમારીને ટાળીને શાંતિમય લાંબું આયુષ્ય ભોગવી શકીએ..

આપણે આજની સાંસારિક-વ્યવસાયિક આધિ-વ્યાધિ ઉપરાંત પ્રાકૃતિક નિયમોની અવહેલના કરીને પેદા કરેલા પ્રદૂષણને લીધે અનેક મુસીબત જાણતા અજાણતા આપણે વહોરી લીધી છે. એ બધાં બંધનમાંથી મુક્તિ મેળવવા જરૂરી છે અમુક ચોક્કસ નિયમોનું પાલન..

જાણીતા આરોગ્ય નિષ્ણાતો અને બ્રીધિંગ એકસપર્ટસ એમનાં વિવિધ તલસ્પર્શી સંશોધન પછી સાતેક જેટલા નિયમ તૈયાર કર્યા છે, જેને અનુસરવા સરળ છે. એમના કહેવા અનુસાર આપણે રોજ સવારે એને અનુસરીએ તો આપણી કાર્યક્ષમતા વધવાની સાથોસાથ તબિયત પણ જરૂર ઝિંગાલાલા થઈ જશે.

આ પણ વાંચો…ક્લોઝ અપ : સર, આઈ હેવ ડન ઈટ…! જાણો રિલ નહીં પણ રિયલ હીરોની સ્ટોરી, તેની જ જુબાની

આ છે 7 સોનેરી સલાહના તબક્કાવાર અમલમાં મૂકવા જેવા નિયમ

સોનેરી સલાહ 1) :

આપણાં પૌરાણિક શાસ્ત્રોમાં પરોઢનું – ખાસ કરીને બ્રહ્મ મુહૂર્તનું વિશેષ મહત્ત્વ છે. બ્રહ્મ મુહૂર્ત એટલે સૂર્યોદય પહેલાંનો દોઢ કલાક… આ સમય આરોગ્ય માટે શ્રેષ્ઠ ગણાય છે. આ વેળા વાતાવરણમાં પ્રદૂષણ ઓછું ને પ્રાણવાયુનું પ્રમાણ વધુ હોય છે. આવે વખતે સકારાત્મક વિચાર વધુ આવે છે, જે આપણી સર્જનાત્મક કાર્ય સક્ષમતા વધારે છે. ઊઠીને તરત જ તન – શરીરને ‘ભીનું’ કરવું જોઈએ એટલે કે પાણી પીવું જરૂરી છે. પાણી જો સહેજ ઊનું સતપ હોય તો વધુ સારું. ખાલી પેટે પીધેલું આવું પાણી તનમાં ચેતનાનો સંચાર કરે છે.

સોનેરી સલાહ 2) :

આ સમયે 10-15 મિનિટ મેડિટેશન કરવું ધ્યાન ધરવું ઉપકારક નીવડે છે. આગલી રાતના આપણા વેરવિખેર વિચારોને પ્રાત:કાળમાં એ મનના એક ખૂણે કેન્દ્રિત કરે છે-ચોક્કસ દિશા તરફ વાળી તન-મનને સાંકળી લઈ એ સકારાત્મક ઊર્જા પેદા કરે છે.

સોનેરી સલાહ 3) :

આ ધ્યાન ધરવા દરમિયાન આપણા શ્વાસ-ઉચ્છવાસની ક્રિયા-પ્રક્રિયા એક પ્રકારનું સમતુલન રચે છે, જે શરીર માટે ઉપકારક છે. કહે છે કે સૈકાઓ પૂર્વે આપણા ઋષિમુનિઓ કે વૈદિક વિદ્યાના જાણકારો એમના શિષ્યોને પ્રાણાયામ અને ધ્યાન ધરવાની 112થી વધુ રીત -પદ્ધતિ શીખવતા!

સોનેરી સલાહ 4) :

કેટલાક નિષ્ણાત શ્વસન ક્રિયા માટે 4-7-8ની ફોર્મુલા અજમાવવા કહે છે. હોઠ બીડીને 1-2-3-4નો આંક ગણીને શ્વાસ અંદર લો પછી સાતના આંક સુધી શ્વાસ રોકી રાખો ને ત્યારબાદ વારાફરતી આઠના આંક સાથે શ્વાસ છોડો-બહાર કાઢો શ્વાસ લેવા- છોડવાની આવી 8 પ્રકારની ‘કસરત’ છે, પણ આ 4-7-8નો વ્યાયામ સરળ અને સચોટ ગણાય છે.

આવી એક્સરસાઈઝ પછી હળવી શારીરિક કસરત પણ કરી શકાય. મન-તનનું આવું સંયોજન ફાયદાકારક નીવડે છે.

સોનેરી સલાહ 5) :

આપણે બધા ખાસ કરીને આજની ‘જનરેશન ઝેડ’ એક ભૂલ અચૂક કરે છે. એ છે ઊઠતાંની સાથે જ મોબાઈલ ઊંચકીને વોટ્સ ઍપ જોવાં બેસી જવાની….સવાર સવારમાં આ વૃત્તિ-પ્રવૃત્તિ તમારા વિચારોને અસ્ત વ્યસ્ત કરી નાખશે. દિવસની તમારી કાર્યક્ષમતામાં એ છીડું પાડશે. તમે પણ આવી આ ‘હની ટ્રેપ’માં સપડાતાં બચજો.

માની લીધું, દિવસ દરમિયાન તમે એક સાથે એકથી વધુ કામ કરી શકો છો. માની લીધું એમાં તમને બીજા કરતાં વધુ ફાવટ છે, પણ મનોચિકિત્સકોની વણમાગી સલાહ છે કે ‘મલ્ટિટાસ્કર મત બનો.’

ત્રણ-ચાર કામ ઉપરછલ્લાં કરવાં પછી મનોમન અફસોસ કરવો એનાં કરતાં એક કામ વધુ સારી રીતે સંપન્ન થાય એનાથી મનને વિશેષ સંતોષ પહોંચે છે. ‘બાવાના બેય બગડે’ એનાં કરતાં બાવાનું એક કામ થાય એ વધુ સારું!

સોનેરી સલાહ 6) :
દિવસ દરમિયાન યાદ આવે એ રીતે આડેધડ કામ કરવાને બદલે આગલી રાતે કામની અગત્યતા મુજબ એક આગોતરી કાર્યસૂચિ બનાવી લો પછી એને જ તબક્કાવાર અનુસરો પછી જો જો, બધાં કામ સારી રીતે પતી પણ જશે અને વધારાનો સમય પણ ફાજલ મળશે.

સોનેરી સલાહ 7) :

‘સૌથી પહેલાં મર્કટને પકડો..!’ એટલે કે છૂટ્ટો મૂકેલો વાંદરો ઊછળકૂદ વધુ કરે. એને પકડવો મુશ્કેલ છે માટે એને પહેલાં પકડી લો બીજા શબ્દોમાં કહીએ તો દિવસનું સૌથી અઘરું લાગતું કામ પહેલાં હાથમાં લો એ ‘પકડાઈ’ જશે તો બીજાં કામમાં ટેન્શન ઓછું ને એ બધાં વધુ સરળતાથી પાર ઊતરશે.

બાહ્ય અને આંતરિક ઊથલપાથલ વખતે મનને કઈ રીતે શાંત અને સમતુલ રાખી કાર્યક્ષમતા કઈ રીતે વધારવી એની આપણે જે અહીં દર્શાવી એવી 7 સોાનેરી સલાહ જેવા એવાં જ કેટલાંક ઉપાય-નિયમો સુનમ્યા માસુનો નામના એક જાણીતા બૌદ્ધ ભિક્ષુએ એમનાં ‘ડોન્ટ વરી’ પુસ્તકમાં વર્ણવ્યા છે. એ પણ કહે છે કે મન- શાંતિની શરૂઆત વહેલા જાગીને નાની નાની ટેવ જીવનમાં અપનાવી લેવાથી થાય છે. અશાંતિ નામના શત્રુનો વધ કરવો હોય તો પહેલો ઘા રાણાનો!

આ પણ વાંચો…ક્લોઝ અપ :વિરોધની અજબ દુનિયા , દુનિયાભરના ગજબ વિરોધ!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button