ઉત્સવ

ઉફ…તોબા તોબા આ ગરમી…!

કવર સ્ટોરી -અભિમન્યુ મોદી

એક બાજુ આપણા શેરબજારમાં જે રીતે ઈન્ડેક્સમાં કડાકો થયો ને પાંચ દિવસમાં 20 કરોડથી વધુની રકમનું ધોવાણ થયું એનાથી રોકાણકારો ચિંતાના પરસેવે નીતરી ગયા તો બીજી બાજુ કલુષિત પર્યાવરણને લીધે ત્રાટકેલા વણનોતર્યા ઉનાળાના ઉકળાટે પણ બધાને ત્રાહિમામ્ પોકરાવી દીધા… હવામાનના આવા ફેરબદલાનું કારણ શું?

વ્હાઇટ હાઉસમાં અમેરિકાના માથાફરેલ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી વચ્ચે જે ઉગ્ર બોલાચાલી થઈ એનાથી અન્ય રાષ્ટ્રોમાં આગામી મહાયુદ્ધની શક્યતાનો ઉકળાટ છે.

આપણે ત્યાં ભારતમાં શાસન પક્ષ વચ્ચે એવી કોઈ ગરમાગરમ ચર્ચા થતી નથી (એવો દમદાર વિપક્ષ ક્યાં?) સંસદમાં નહીં તોપણ ભારતના વાતાવરણમાં ગરમી સતત વધી રહી છે.

સરેરાશ તાપમાનની દૃષ્ટિએ 2024 ભારતનું સૌથી વધુ ગરમ વર્ષ રહેલું છે, પણ ગઈ સાલનો એ રેકોર્ડ આ વર્ષે તૂટી જશે એવાં એંધાણ હમણાં ફેબ્રુઆરીથી આવી રહ્યાં છે. માર્ચ અંતમાં નાણાકીય વર્ષ પૂરું થાય એ પહેલાં 2025 સૌથી વધુ ગરમ વર્ષ તરીકે નવો વિક્રમ સરજી દે તો નવાઈ નહીં, કારણ કે મુંબઈ અને પશ્ચિમ ભારત અત્યારથી જ અભૂતપૂર્વ રીતે ગરમીનાં મોજાંનો અનુભવ કરવા માંડ્યું છે. મુંબઈમાં તો તાપમાનનો પારો છેક 38.4 ડિગ્રીના આંકને આંબી ગયો!

આ જોઈને ભારતીય હવામાન ખાતાએ બહુ ગંભીરતાપૂર્વક ચેતવણી આપી છે કે ઘણા પ્રદેશોમાં તાપમાન ઉનાળાના આગમન પહેલાં જ વધી જશે. આપણે ત્યાં ગરમીની મોસમ સામાન્ય રીતે માર્ચથી જૂન સુધી ચાલે છે, પણ હવે ઉનાળો માર્ચના અંત સુધી રાહ નહીં જુએ.

આમ તો સદીઓથી એવું થતું આવ્યું છે કે આખું ભારત એકસાથે હોળીના અગ્નિથી ઠંડીને એક વર્ષ માટે અલવિદા કહે અને ધૂળેટી પછી ઉનાળાનું વિધિવત્ આગમન થાય, પણ છેલ્લાં થોડાં વર્ષોથી વાતાવરણની ગતિવિધિઓ બદલતાં એવો સમય આવ્યો છે કે કેલેન્ડર અને પરંપરાઓમાં પલટાવ આવી ગયા છે. હવામાનમાં પરિવર્તન એ હદે આવ્યું છે કે હોળી સુધી હવે આપણી પ્રકૃતિ રાહ નહી જુએ. નિયત સમય પહેલાં જ ઉનાળો શરૂ થઈ જશે. પર્યાવરણનો બદલાવ નજીકના ભવિષ્યમાં રાષ્ટ્રીય ચિંતાનો વિષય હોવો જોઈએ.

તાપમાનમાં થઈ રહેલો આ અચાનક વધારો જાહેર આરોગ્ય, કૃષિ અને ક્લાઈમેટ ચેન્જની વ્યાપક અસર ચિંતામાં વધારી કરી રહ્યાં છે.

ફેબ્રુઆરીના અંતમાં, દરિયાકાંઠાના વિસ્તારો, ખાસ કરીને મુંબઈ અને મહારાષ્ટ્ર તથા ગોવાના કેટલાક ભાગમાં ખૂબ જ ઊંચું તાપમાન નોંધાયું હતું. 26 ફેબ્રુઆરીના રોજ, મુંબઈનું મહત્તમ તાપમાન 38.7 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું, જે આ સમયના સામાન્ય તાપમાન કરતા 5.9 ડિગ્રી વધારે હતું! એક જ વર્ષમાં આટલો બધો ફેરફાર ચિંતાજનક જ નહી, પણ આઘાતજનક છે. તેવી જ રીતે, દરિયાકાંઠાના મહારાષ્ટ્ર અને ગોવાના અન્ય વિસ્તારોમાં તાપમાન 370સી.થી વધુ નોંધાયું હતું, જ્યારે દરિયાકાંઠાના કર્ણાટક અને ગુજરાતમાં તાપમાન 350સી.થી 370સી.ની વચ્ચે રહ્યું હતું.

અમુક હવામાનશાસ્ત્રીઓ આ શરૂઆતની ગરમીને અપવાદરૂપે શુષ્ક શિયાળાને આભારી માને છે. દર વર્ષે સર્જાતી નોંધપાત્ર હવામાન પ્રણાલીઓના અભાવે સરેરાશ વરસાદ ઓછો થયો, જેનાં પરિણામે મધ્યપ્રદેશ જેવા વિસ્તારોમાં સતત ચક્રવાતી વિરોધી સ્થિતિ સર્જાઈ. આના કારણે પશ્ચિમ કિનારા પર ગરમ પૂર્વીય પવનો ફૂંકાય છે, પરિણામ સ્વરૂપ દરિયાઈ પવનોના આગમનમાં વિલંબ થાય છે અને જમીની પવન લાંબા સમય સુધી ફૂંકાય છે. એના કારણે તાપમાનમાં વધારો થાય છે.

નિષ્ણાતો કહે છે કે માનવ-પ્રેરિત ક્લાઈમેટ ચેન્જ આ હવામાન પરિવર્તનની ચરમસીમાઓને ફેલાવી રહ્યું છે. ક્લાઈમેટ સેન્ટ્રલ દ્વારા બહાર પાડવામાં આવેલા ‘ક્લાઈમેટ ચેન્જ ઈન્ડેક્સ’ (CSI) દર્શાવે છે કે માનવસર્જિત ક્લાઈમેટ ચેન્જને કારણે ગોવાના પણજીમાં તાજેતરના તાપમાનમાં ઓછામાં ઓછો પાંચ ગણો વધારો થવાની શક્યતા છે, જ્યારે મુંબઈમાં તે ઓછામાં ઓછા ત્રણ ગણું વધુ છે!

આ વાત સૂચવે છે કે ગ્રીનહાઉસ ગૅસનું ઉત્સર્જન ઘટાડવા માટે તાત્કાલિક પગલાં લીધાં વિના, આવી આત્યંતિક હવામાન ઘટનાઓ ભવિષ્યમાં વારંવાર બની શકે છે અથવા તો બનશે જ!

ભારતના ઘઉંના પાક માટે અત્યારથી પ્રસરી રહેલા ગરમીનાં મોજાં એક મોટા ખતરા સમાન છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ચેતવણી આપી છે કે માર્ચ 2025 અત્યાર સુધીના સૌથી ગરમ મહિનાઓમાંનો એક હોઈ શકે છે, જેમાં મહત્તમ અને લઘુતમ તાપમાન સામાન્ય કરતાં ખૂબ વધુ રહેવાની ધારણા છે. આ ગરમી ઘઉંના પાક પર પ્રતિકૂળ અસર કરી શકે છે,
જેના કારણે સતત ચોથા વર્ષે ઊપજમાં ઘટાડો થશે અને પૂરતો સ્થાનિક પુરવઠો સુનિશ્ચિત કરવા માટે વર્તમાન 40% આયાત કર ઘટાડવા અથવા દૂર કરવાની જરૂર પડશે.

IMD એવી પણ આગાહી કરે છે કે માર્ચથી મે – 2025 ના સમયગાળા દરમિયાન ભારતના મોટા ભાગના ભાગોમાં સામાન્ય તાપમાન મહત્તમ તાપમાન કરતાં વધુ રહેવાની શક્યતા છે. પરિણામે, ઉત્તર-પૂર્વ ભારત, દૂરના ઉત્તરીય વિસ્તારો અને દક્ષિણ દ્વીપકલ્પીય ભારતના કેટલાક ભાગો સિવાય, સમગ્ર દેશમાં ગરમીના દિવસોની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે.

આ પણ વાંચો…મુલાકાત : ગમગીનીએ આપી ગઝલ ગઝલે બક્ષી કામયાબી!

ભારતમાં ગરમીના મોજાની શરૂઆત આબોહવા પરિવર્તન દ્વારા ઊભા થયેલા પડકારો અને કૃષિ અને જાહેર આરોગ્યમાં અનુકૂલનશીલ પગલાંની જરૂરિયાત દર્શાવે છે. આ કપરી પરિસ્થિતિ વધતાં તાપમાનની અસરને ઘટાડવા માટે વૈશ્વિક અને સ્થાનિક પહેલની જરૂરિયાત પર પણ પ્રકાશ પાડે છે.

ટૂંકમાં, તાપમાનમાં આ રીતે અચાનક ફેરફાર કરીને ફરી એક વાર કુદરતે માનવજાતને ચેતાવણી આપી છે કે પર્યાવરણને વધુ ને વધુ દૂષિત થતાં અટકો, નહીંતર પ્રકૃતિ પણ એની એવી પ્રતિક્રિયા આપશે, જે બધા માટે પ્રતિકૂળ નીવડશે!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button