ઉત્સવ

ટીવીમાંથી ભૂત નીકળે ખરું?

હાસ્ય વિનોદ – વિનોદ ભટ્ટ

લેખકોને કેટલાક લોકો જિજ્ઞાસાથી પૂછતા હોય છે કે તમને દાળ ભાવે કે કઢી? રસગુલ્લા વધુ પ્રિય કે ગુલાબજાંબુ? લાલ બૂટ પહેરવા ગમે કે કાળા? ગાયનું દૂધ વધારે માફક આવે કે ભેંસનું? તમે ભૂત-પ્રેતમાં માનો છો? એક સામયિક દ્વારા અમને આ છેલ્લો સવાલ પૂછવામાં આવ્યો ત્યારે અમે એક ગંભીર માંદગીને લીધે હૉસ્પિટલમાં પહોંચી ગયા હતા ને ભૂત (કાળ) થવાની તૈયારીમાં જ હતા.

ભૂત માટે કોઈકે કહ્યું છે કે સાચો પ્રેમ એ ભૂત જેવો છે. દરેક જણ એના વિશે વાતો કરતાં હોય છે પણ એને જોનારા બહુ ઓછા હોય છે. ઈશ્ર્વરથી નહીં ડરનારા ઘણા માણસો ભૂતથી ડરતા હોય છે કેમકે ઈશ્ર્વર કોઈને વળગતો નથી.

અને અમારી વાત કરીએ તો ભૂતથી અમે ડરતા નથી. ભૂત અમારાથી ગભરાય છે કે નહીં તેની અમને ખબર નથી પણ ભૂત-પ્રેતની વાતો સાંભળવી કે વાંચવી (અલબત્ત, દિવસના ભાગમાં) અમને ગમે છે… થોડા સમય પહેલાં જ ભૂત-પ્રેતના થયેલ અનુભવો વિશેનો મુંબઈના એક પરિવારનો કિસ્સો વાંચવા મળ્યો. ટીવીમાંથી ભૂત નીકળે એ વાત જ આમ તો રોમાંચક છે. આપણા દૂરદર્શન પર ઘણી વાર પ્રધાનો દેખા દેતા હોય છે. ટીવીમાંથી તે બહાર પણ આવતા હોય છે, પરંતુ ભૂત આ રીતે ટીવીમાંથી બહાર આવી કોઈના ઘરમાં ઘૂસી જાય એ ઘટના કોઈ રૅશનાલિસ્ટના ગળે નહીં ઊતરે… ઝી ટીવીના હૉરર શોમાંથી નીકળીને કેટલાંક ભૂતો મુંબઈના પરાં વિસ્તાર ગોવંડીમાંના એક ઘરમાં વગર પાઘડીએ ઘૂસી ગયા ને એ પરિવારની 60 વર્ષની વૃદ્ધા, બે દીકરા અને બે પુત્રવધૂઓનાં નાકે દમ લાવી દીધો. કોઈ માણસ ગમે તેના ઘરમાં ઘૂસી જાય તો તેને ગેરકાયદે પ્રવેશનો ગુનો ગણી કાયદો એ ઘર-માલિકના હક્કનું રક્ષણ કરે છે, પણ ભૂત બાબતે કાયદો આવું રક્ષણ આપી શકતો નથી. હા, ભૂતકાળમાં એટલે કે સત્તરમી સદીના એક ન્યાયાધીશે, કોર્ટમાં ધોળા દિવસે હાજર થઈ એક પ્રેતે આપેલી જુબાની માન્ય રાખી હતી, પણ એ વાત અહીં કરવા જેવી નથી.

અહીં જેની વાત કરી એ કુટુંબના સભ્યોને ટીવી પર ઝી હૉરર શો જોવાની લત પડી ગઈ હતી. એક પણ હપ્તો તે ચૂકતા નહીં. અને ભૂતો પણ તેમને ટીવીના માધ્યમથી કાયમ જોતાં હોવાથી આ બધાં સાથે રહેવાની તેમની ઈચ્છા થઈ ગઈ હોય પણ તે આ ઘરમાં આવીને ભૂતની જેમ જ વર્તવા માંડ્યાં ને તેમની હરકતોથી તંગ આવીને એ લોકો પોતાનું ઘર છોડીને બીજે રહેવા ચાલ્યાં ગયાં.

એક રવિવારે ઝી હૉરર શો જોયા બાદ મોડી રાતે વૃદ્ધા સૂઈ ગયાં તો ઊંઘમાં તેમને લાગ્યું કે કોઈ તેમને પથારીમાંથી ધક્કા મારીને બહાર હડસેલી રહ્યું છે, પણ કોઈ શરીર દેખાયું નહીં… અરે એક રાતે આ માજીને મોટા માથાવાળો એક રાક્ષસ દેખાયો. તેમને પૂછવામાં આવ્યું કે દેખાવમાં એ રાક્ષસ કેવો હતો? પેલી ટીવી કંપનીની જાહેરખબરમાં આવે છે એવો ? માજીએ કહ્યું કે ના, આ તો પહેલી વાર જ તેમના ઘરમાં આવ્યો હતો. માથું તડબૂચ જેટલું મોટું હતું ને દાંતની જગ્યાએ ડંખ હતા, પણ તેણે માત્ર દર્શન આપીને માજીને બિવડાવ્યાં. કદાચ આટલું જ કામ તેને સોંપાયું હશે!

આ ભૂતોએ કામની વહેંચણી કરી લીધી હોય તેમ તે જુદી જુદી વ્યક્તિઓને અલગ અલગ પરચો આપતાં. વૃદ્ધાના દીકરાને મા કરતાં જરા જુદો અનુભવ થયો. મોડી રાતે કોઈ તેની છાતી પર ચડી બેઠું. આથી તેનો શ્ર્વાસ રૂંધવા લાગ્યો. તેને થયું કે કોઈ ચોર-બદમાશ તિજોરી-કબાટની ચાવી મેળવવા માટે તેને આ રીતે ડરાવતો હશે, પણ કોઈ માણસ નજરે પડતો નહોતો… જ્યારે બન્ને પુત્રવધૂઓએ એકસાથે ફરિયાદ કરી કે મોડી રાતે કોઈ જાણે અમારી ગળચી પકડતું હતું. પહેલાં તો અમને એમ થયું કે કદાચ સાસુ હશે, પણ એ સાસુ નહોતાં.
(સાસુ હોત તો ગળચી જરા વધારે સખતાઈથી પકડત!) ગરદન પકડીને એમને બેઠાં કરી દેવામાં આવતાં… અને આ બધાંને ઘરમાં કોઈનાં ભારે પગલાં અવારનવાર સંભળાયા કરતાં.

પરંતુ તેમના પાડોશીઓ ઈર્ષાથી કે પછી ગમે તે ભાવથી કહે છે કે ભૂત હોય તો અમારા ઘેર ન આવે? એ લોકો તો હપ્તેથી ટીવી લાવ્યા છે, જ્યારે અમે તો ઍટ એ સ્ટ્રોક પેન્ટ કરીને એમનાથીય મોંઘું ટીવી ખરીદ્યું છે. અમે આખો દિવસ ટીવી ચલાવીએ છીએ ને મોડી રાત સુધી બારણાંય ખુલ્લાં રાખીએ છીએ. આ બધાં એકસાથે પાગલ થઈ ગયાં હોય એવું લાગે છે.

એક મનોવિજ્ઞાનિકની સલાહ માગી તો તેણે આ પરિવારના સભ્યોને જણાવ્યું કે તમારે ભૂતોને તમારા ઘરમાંથી હાંકી કાઢવાં હોય તો તમારો ટીવી કાઢી નાખો, પણ આ લોકોને તો ટીવી પણ એટલું જ વળગ્યું છે. એટલે પછી ડૉક્ટરના વિકલ્પે તેમણે ભૂવાની મદદ લીધી. ભૂવાએ ઘરમાં અમુક જગ્યાએ ખાડો ખોદી થોડાંક હાડકાં બહાર કાઢીને આ લોકોને બતાવી માહિતી આપી કે આ મકાન ભલે નાનું છે, તમને પાંચ જણને રહેવામાં સંકડાશ પડતી હશે પણ 13થી ય વધારે ભૂતો આ મકાનમાં રહેતાં હતાં. એમાં પણ છેલ્લું ભૂત તો બહુ જ જક્કી હતું. માંડ ગયું. પણ પેલી કહેવત પ્રમાણે ભૂતો આ ઘર ભાળી ગયાં છે એટલે ટીવીમાંથી નીકળીને તમને પજવ્યા કરે છે. આ કારણે ઘરમાં તમે બન્ને સાથે નહીં રહી શકો. એટલે પછી આ પરિવારને ખાતરી થઈ કે ભૂતો તો અહીંથી નહીં જ જાય તેથી આ લોકો બીજે, જ્યાં ભૂત ન હોય ત્યાં રહેવા ચાલ્યાં ગયાં છે. પણ જો ટીવી કે ઘરને બદલે ભૂત તેમના મગજમાં જ રહેવા આવી ગયાં હશે તો કોઈ પણ ઘર તેમને ભૂત વગરનું નહીં ભાસે… મંછા ભૂત ને શંકા ડાકણ… એવી પણ એક કહેવત આપણે ત્યાં પ્રચલિત છે.

આપણે અહીં જે પરિવારની વાત કરી તે પરિવાર વહેમી કે અલ્પશિક્ષિત હોઈ શકે, પણ ભણેલ-ગણેલ ને વિચારશીલ માણસોય ભૂત-પ્રેત જોયાની વાત કરે ત્યારે થાય કે ભૂત સાલું હોય તો હોય પણ ખરું. આપણી હિન્દી ફિલ્મના અમર ગાયક કુન્દનલાલ સાયગલે પોતે પણ તેમના જીવનમાં આવો બનાવ બની ગયાનું એ દિવસોમાં જાહેર કર્યું હતું. એક વાર તે મોડી રાતે પોતાની કારમાં જતા હતા. રસ્તામાં કાર ખોટવાઈ ગઈ. તેમણે વિચાર્યું કે ચાલીને ઘેર જાઉં, મિકેનિક કાલે ગાડીને ગૅરેજમાં લઈ જશે. ચાલતા ચાલતા તે એક ઘટાદાર વૃક્ષ નીચેથી પસાર થતા હતા, ત્યાં વૃક્ષ પરથી અવાજ આવ્યો:

સાયગલસાહબ તો નહીં? તેમણે અવાજની દિશામાં ઉપર જોયું, કોઈ દેખાયું નહીં. ‘હું તમારા ગળાનો આશિક છું. અંગત કારણસર મેં આત્મહત્યા કરી હતી. હવે હું આ ઝાડ પર રહું છું. મને તમારું પેલું ગીત સંભળાવશો?’ પેલાએ ફરમાઈશ કરી ને સાયગલે ત્યાં ઊભા રહીને પેલાનું પ્રિય ગાયન સંભળાવ્યું.

ગીત પૂરું થયું અને બીજી જ ક્ષણે ઉપરથી હીરાની એક કીમતી વીંટી પડી. પેલાએ તે ઈનામ પેટે રાખી લેવાની વિનંતી કરી. સાયગલે તે રાખી લીધી ને કહેવાય છે કે જીવનના છેલ્લા શ્ર્વાસ સુધી તેમણે એ વીંટી પહેરી હતી… જોકે સાયગલ એ વખતે તેમનું અતિ પ્રિય પીણું પીને કારમાં નીકળેલા કે કેમ એવું તેમને કોઈએ પૂછ્યું નહીં હોય…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button