ઉત્સવ

આપણા દિવસો ભરાઈ ગયા છે?

હાસ્ય વિનોદ – વિનોદ ભટ્ટ

આપણા સાહિત્યકાર સ્વામી આનંદે પોતાના મૃત્યુ સંબંધે લખ્યું કે, હું તો મારો સામાન બાંધીને, ટિકિટ કપાવીને, રેલવે પ્લૅટફૉર્મ પર ક્યારનો આવી ગયો છું, પણ કમબખ્ત ટે્રન હજી આવતી નથી… પણ આપણે જેની રાહ ક્યારેય જોતા નથી એ મૃત્યુ-ટે્રન નજીકના ભવિષ્યમાં આવી રહી છે એવા વાવડ કેટલાક વૈજ્ઞાનિકોએ આપ્યા છે. આપણો અંત બહુ નજીક છે, જોકે વિલ યાને વસિયતનામું કરવા જેટલો સમય હજી આપણી પાસે છે. વીમો લેવો હોય તો વીમો પણ લઈ શકાય, પણ એ બધું 16મી જુલાઈ પહેલાં પતાવી દેવું પડે. કારણ એટલું જ કે, ગુરુ નામના ગ્રહ સાથે ધૂમકેતુ અથડાવાનો છે – એને કારણે આખેઆખી પૃથ્વી હતી – ન હતી થઈ જશે.

પરશુરામે તો બ્રહ્માંડને ન-ક્ષત્રી કરી હતી, પણ આ ધૂમકેતુ તો પૃથ્વીને ન-પૃથ્વી કરવા તૈયાર થઈ ગયો છે. આમાં પૃથ્વીનો કશો વાંક નથી, પણ ધૂમકેતુની જેની-તેની સાથે ટક્કર લેવાની, અથડાવાની હૉબી છે, આ વખતે ગુરુનો વારો છે આ અથડામણથી ગુરુ કે ગુરુવાર કરનારાઓ બચશે કે નહીં એની કોઈ વિગત ખગોળશાસ્ત્રીઓએ નથી આપી, પણ આ વિસ્ફોટને કારણે પૃથ્વીવાસીઓ પર ઘણું મોટું જોખમ છે.

પણ ધારો કે ધૂમકેતુનું મન ફરે, અથવા તો ગુરુ સાથે તેને સામાધાન થઈ જાય તો બીજી એક આગાહી પ્રમાણે 14મી ઑગસ્ટ 2126ના રોજ આ ધૂમકેતુ પૃથ્વી સાથે સીધો અથડાશે – તે ગુરુ સાથે અથડાય કે પૃથ્વી સાથે, નુકસાન તો આપણને જ થવાનું છે. લગભગ પાંચ કિલોમીટર વ્યાસ ધરાવતો આ ધૂમકેતુ એક સેકંડની 60 કે તેથી પણ વધુ ઝડપે, હાઈ-વે પર બેફામપણે દોડતા વાહનથીય વધુ ઝડપે તે પૃથ્વી સાથે અથડાશે ને તેથી જે વિસ્ફોટ થશે તેની આગળ બૉમ્બેમાં થયેલ બૉંબ-વિસ્ફોટની કોઈ વિસાત નહીં હોય. બે કરોડ મેગાટનનો આ વિસ્ફોટ હશે

.’ બીજા વિશ્વયુદ્ધ વખતે જાપાનના હિરોશીમા પર જે બૉંબ ઝીંકાયો હતો એના કરતાં આ વિસ્ફોટ 16 લાખ ગણો વધુ તાકાતવાન હશે. જોકે આથી ધૂમકેતુને કોઈ જ ફાયદો થવાનો નથી, તે વરાળ બનીને ઊડી જશે. પણ તેના આ રીતે ઊડી જવાથી પૃથ્વી પર અંદાજે 100 કિલોમીટર વ્યાસનો ખાડો પડી જશે, જેમાંથી ધૂળ ને ઢેફાં નીકળશે. જેની માત્રા એકડાની પાછળ પંદર મીંડાં ટનથી વધારે હશે. અને પહેલી જ વાર આટલા મોટા ખાડા માટે સરકારના પી.ડબલ્યુ.ડી ખાતાને દોષ નહીં દઈ શકાય.

પૃથ્વી પર પડેલ જંગી ખાડામાંથી ઊડેલી ધૂળ ચોમેર છવાઈ જશે ને મહિનાઓ સુધી હવામાન ખાતા તરફથી એમ કહેવામાં નહીં આવે કે, આકાશ સ્વચ્છ રહેશે. કશું જોઈ શકાશે નહીં. ના ટી.વી. પણ નહીં, કેમકે પૃથ્વી પર ઘોર અંધકાર ફેલાઈ જશે. આથી જીવિત વેપારીઓ મીણબત્તીના કે ટૉર્ચના ધૂમ કાળા બજાર કરી શકશે. ધૂમકેતુની ટક્કરથી પૃથ્વી પર ઠેરઠેર આગ લાગશે જે કોમી નહીં હોય. આ આગ ઠારવા માટે આપણી પાસે ફાયરબ્રિગેડવાળા નહીં હોય – એ પણ ધુમાડો બનીને આકાશમાં વિહરતા હશે.

આને કારણે ચંદ્ર અને તારાઓ તો નહીં જ દેખાય. સૂરજ પણ ધૂંધળો બની જશે. તેની ગેરહાજરીને લીધે સોલર કુકર પણ બિનઉપયોગી બની જશે. આ ઉપરાંત સૂરજ અજ્ઞાત સ્થળે ચાલ્યો જશે. એથી પૃથ્વી પર મહિનાઓ સુધી એટલી કાતિલ ઠંડી પડશે કે હીટરો પણ ઠંડીથી ઠૂંઠવાઈ જશે. ભયંકર ઠંડી અને અંધકારને કારણે પૃથ્વી પરના માનવોનો નાશ થશે. માત્ર થોડાંક પુણ્યશાળી જળચર પ્રાણીઓ કે જેમની જિજીવિષા પ્રબળ હશે, ને આયુષ્યરેખા લાંબી હશે, તે જ જીવી જશે.

આ રીતે માનવજીવનનો નાશ એ પૃથ્વી માટે, કંઈ નવી વાત નથી. ભૂતકાળમાં માત્ર સીતાજી માટે જ નહીં, અનેક લોકો માટે, અનેક વાર પૃથ્વી ફાટી ચૂકી છે. જેને શૂ-મેકર (અર્થાત્‌‍ મોચી) કહે છે એવા નામધારી ધૂમકેતુ સિવાય પણ અબજો ધૂમકેતુઓ, કારણ વગર સૂર્યની આસપાસ ફરતા હોય છે. પણ હેલી ધૂમકેતુને પ્રજા દ્વારા અગાઉ એકવીસ વાર જોવામાં આવ્યો છે.

(ધૂમકેતુ બનાવવાની રૅસીપી: 70 ટકા પાણી, પ્રમાણસર મીથેન, ઍમોનિયા એટાઈસાઈનોજેન) આ હેલી ધૂમકેતુએ દેખા દીધાનો સર્વ પ્રથમ ઉલ્લેખ ઈ.સ. પૂર્વે 239માં મળે છે. ચીનાઓને બધું વહેલું દેખાય છે- ધૂમકેતુ પણ તેમણે ઈ.પૂ. 83 અને ઈ.પૂ. 11માં જોયાની માહિતી તેમના ગ્રંથોમાં જળવાઈ છે. પણ એ વખતે આ ધૂમકેતુનું નામ હેલી ધૂમકેતુ નહોતું. એડમન્ડ હેલી નામના ખગોળશાસ્ત્રીએ અઢારમી સદીમાં તેનો વિશદ અભ્યાસ કર્યો હોવાથી ધૂમકેતુને પૂછ્યા વગર તેને હેલી ધૂમકેતુ નામ આપવામાં આવ્યું.

કરોડો વર્ષ પહેલાં આ હાથીકાય પ્રાણી ડાયનાસોરનું પૃથ્વી પર સામ્રાજ્ય હતું એવું પચાસ વર્ષ પહેલાં જ જન્મેલા વૈજ્ઞાનિકો દાવાપૂર્વક કહે છે. વીસ કરોડ વર્ષ પૂર્વે આ પ્રાણીનું પૃથ્વી પર આગમન થયું હતું. પણ માત્ર છ કરોડ વર્ષ પહેલાં જ આ પ્રાણીઓ પૃથ્વી પરથી અદૃશ્ય થઈને જ બીજે ક્યાંક ચાલ્યાં ગયાં એની પાછળ ધૂમકેતુનો હાથ કે તેની પૂંછડી હોય એમ બને. એમ પણ કહેવાય છે કે, જગન્નાથ મંદિર કે સરકસના હાથીની જેમ ડાયનાસોરને પાળી શકાતું નહીં હોય એટલે સ્વર્ગેચ્છુકો ગાય અને કૂતરાંને રોટલા નાખતા એ રીતે આ પ્રાણીને રોટલા નીરવાનો રિવાજ એ સમયે નહીં હોય, આ કારણે અપૂરતા પોષણ કે પછી ડાયેટિંગને કારણે તે નાશ પામ્યાં હશે!

હાલમાં અસ્તિત્વમાં છે એ સૃષ્ટિની ઉંમરે ઘણી નીની છે, ઓછી છે -માત્ર દસ લાખ વર્ષ. દસ લાખ વર્ષ અગાઉ તેનો જન્મ થયો હતો. પૃથ્વી અથવા તો ધૂમકેતુ માટે બાર-પંદર લાખની કોઈ વિસાત નથી. આપણા જેવા ગરીબજનોને તે આંકડો મોટો લાગે એટલું જ.

1989ની 21મી, માર્ચે આવી જ એક દુર્ઘટના બનતાં બનતાં રહી ગઈ. અડધા કિલોમીટરના વ્યાસવાળી એક ઉલ્કા પૃથ્વીની નજીક માત્ર 7 લાખ કિલોમીટરથી પસાર થઈ ગઈ હતી. જો તે પૃથ્વી સાથે ભટકાઈ હોત તો બનવાજોગ છે કે તમે આ લેખ વાંચવામાંથી બચી ગયા હોત.

કરોડો વર્ષથી ધૂમકેતુ તેમ જ અન્ય નાના ઉપગ્રહોને નિયમિત રીતે જ્યાંત્યાં પડતાં નાખવાની ટેવ છે. ચન્દ્ર અને બુધના ગ્રહ પર જે ખાડાઓ પડ્યા છે, તે આવા ધૂમકેતુઓ અથડાવાથી પડ્યા છે. શનિ ઘણી વાર માણસોને ખાડામાં નાખે છે, જ્યારે ધૂમકેતુ તો શનિમાંય ખાડા પાડે છે… ધૂમકેતુ આજ-કાલ પૃથ્વી પર પણ આ પ્રકારના ખાડા પાડવાના પ્લાન ઘડી રહ્યો છે જેથી બુધ અને શનિને આશ્વાસન રહે.

સોફિયા સેગાનિસ પાયરો દી ઓર્બિદ પૂચિઆતો નામની સિસ્ટર મેરી ગેબ્રિલે લંડનના `ટાઈમ્સ’માં એક મોટી જાહેરખબર તેમ જ પ્રજાને ચેતવણી આપી છે કે જુલાઈ માસના મધ્યભાગમાં ધૂમકેતુ બૃહસ્પતિના માથે પડવાનો છે, અને આથી ગુરુનું શું થશે એની માહિતી આપવાને બદલે પૃથ્વીનો નાશ થવાની આગાહી કરવામાં આવી છે. 1986માં દૂરબીનની મદદ વગર પોતાની દિવ્ય દૃષ્ટિથી સિસ્ટમ ગેબ્રિલે જાણી લીધું હતું કે, 1994માં ધૂમકેતુના અથડાવાથી ભારે અનર્થ થવાનો છે. આથી જો કે ગેબ્રિલને ખાસ કશું નુકસાન પહોંચવાનું નથી, ધૂમકેતુ તેની ગરીબી સિવાય કશું જ લૂંટી શકે તેમ નથી. ધૂમકેતુને બદલે એક કાર અથડાવાથી ગેબ્રિલ ગંભીરપણે ઘાયલ થઈ હતી. અપંગ થવાથી પરણવાને બદલે તેણે સાધ્વી થવાનું પસંદ કર્યું.

તે અપંગ હોવાને કારણે પવિત્ર મેરીએ આ સિસ્ટર મેરી ગેબ્રિલને સામે ચાલીને દર્શન આપ્યાં એવો આ સ્ત્રીનો દાવો છે. મૅરીના અલૌકિક દર્શનથી તેનામાં એક અદ્ભુત શક્તિ વિકસી હતી જેના આધારે `સુપર નેચરલ વિઝન્સ’નામનું ભવિષ્યવાણીઓથી ભરપૂર પુસ્તક તેણે લખ્યું હતું. આ પુસ્તક પ્રગટ થવાથી રાબેતા મુજબ, પ્રકાશક અઢળક ધન કમાયો છે, પણ આ લેખિકાને તેણે કાણી કોડી પણ પરખાવી નથી – આ પ્રકાશક સામે તેણે દાવો માંડ્યો છે, કોર્ટને કદાચ તેણે અરજ પણ ગુજારી હશે કે આ નાણાં તેને સોળમી જુલાઈ પહેલાં મળી જાય તો સારું, આ નાણાં તે પૃથ્વીના પ્રલય પહેલાં વાપરી શકે. વિમાન-ચાલક કંપનીઓને તેણે તાકીદ કરી છે કે, જુલાઈના મધ્યમાં તેમણે વિમાનોને આકાશમાં તરતાં મૂકવાં નહીં, ડૂબી જવાનો યોગ છે.

ટૂંક સમયમાં 2126ના જ્યારે પણ ધૂમકેતુ ગુરુ કે પૃથ્વી સાથે ટકરાશે ત્યારે તે આપણી પૃથ્વી સાથે જ નહીં, આપણી ગરીબી, બેકારી, મોંઘવારી અને ભ્રષ્ટાચાર સાથેય તેને ટકરાવું પડશે. શક્ય છે કે આમાં ધૂમકેતુના ભુક્કા બોલી જાય. એક સેકંડમાં 60 કિલોમીટરની ઝડપે જતો પદાર્થ 2126માં 132 વર્ષો બાદ કેટલે દૂર નીકળી ગયો હશે તે કહેવું શક્ય નથી- મોંઘવારી અને ભ્રષ્ટાચારની બાબતમાંય એવું છે.

પરંતુ વૈજ્ઞાનિકો કરતાં અમારી ચિંતા જરા જુદા પ્રકારની છે. અમને અમારા શબ્દોની ચિંતા થાય છે, તેનું આયુષ્ય કેટલું ! ઓછામાં ઓછું અગિયાર અઠવાડિયાંનું ને! વધુમાં વધુ એકસો બત્રીસ જ વર્ષનું ! પછી તો ધેમકેતુ સાથેની ટક્કરમાં અમારા શબ્દો પણ ધુમાડો બનીને અવકાશમાં ઓગળી જશે. એટલે તો થાય છે કે તો પછી અમારે શા માટે લખવું? બસ, અહીં અટકીએ છીએ…

આ પણ વાંચો…હાસ્ય વિનોદ : બગાસું ખાતા નેપ્ચૂન મળ્યો…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button