તમારો ગુરુ કેવો છે?

હાસ્ય વિનોદ – વિનોદ ભટ્ટ
જેનો ગુરુ બળવાન હોય એ જાતક ખાવા-પીવાનો (હા, પીવાનો પણ) શોખીન હોય. આ કારણે દાબીને ખાય. પરિણામે વિશાળ પેટવાળો બને. સો નહીં, લાખ કામ મૂકીને ખાવું એવી મનોવૃત્તિ હોવાને લીધે અકરાંતિયાની પેઠે ખાવાથી ડાયેરિયાની તકલીફ રહે. હા, કબજિયાત ન થાય. મીઠાઈ તરફ પ્રીતિ વધારે હોવાથી ડાયાબિટીસ વહેલો-મોડોય ઘર ભાળી જાય ખરો. મેદને લીધે ઊંઘ આવે, આથી ચોરોનું ભાગ્ય ખૂલે.
ગુરુથી પ્રભાવિત માણસની એક ખાસિયત એ હોય છે કે તે બેઠાં બેઠાં કાયમ પગ હલાવતો હોય – જરૂરી નથી કે તે દરજીકામ કે છરી-ચપ્પાને ધાર કાઢવાનો વ્યવસાય કરતો હોય. તે કોઈની સાથે વાત કરતો હોય ત્યારે જીભ કરતાં ચહેરાના હાવભાવની મદદ વધારે લેતો હોય. ટી.વી. પર આવી વ્યક્તિઓ બહેરા-મૂંગા માટેના સમાચારો કે કાર્યક્રમોમાં ખપમાં આવે. તે ઘણો લોભી હોય, ધુતારાને તેનું સરનામું આપવાની જરૂર ન રહે – એ લોકો આવી બાબતોમાં સ્વાશ્રયી હોય છે.
ગુરુથી પ્રભાવિત વ્યક્તિ શેખીખોર હોય છે. સાથે ભુલકણીય હોય છે. એથી તેણે મારેલી બડાશ વિશે ભૂલી જવાથી તે પકડાઈ જાય છે. પરિચિત લોકો તેની વાતમાંથી ચાલીસથી પચાસ ટકા બાદ કરીને વધેલી સિલકને જ સાચી માને છે, જો કે એમાંય તેને ફાયદો જ છે – પંદરથી ત્રીસ ટકા જેટલો.
પૃથ્વીવાસીઓ પર જેનો પ્રભાવ છે એ ગુરુ નામનો આ ગ્રહ, ચૌદસો પૃથ્વીઓ તેમાં સમાઈ શકે એટલો મોટો છે. ગુરુમાં જો ચૌદસો પૃથ્વીઓ રહી શકે એટલી મોકળાશ હોય તો ત્યાં જમીનના ભાવ ઘણા નીચા હશે. ડાઉન પેમેન્ટમાં કદાચ મફતથીય ઓછા ભાવે જમીન મળી શકે. કોન્ટ્રેક્ટરો અહીંની જેમ તકલાદી બાંધકામ કરીને નફો રળી શકે.
સૂર્યની પ્રદક્ષિણા તે 11.86 વર્ષમાં કરે છે, લગભગ 12 વરસ જ સમજો ને, પણ ત્યાં ‘બાર વરસે બાવો બોલ્યો’ જેવી કહેવતો, બાવાની વસતિ હશે તોય ચલમણાં નહીં હોય. ગુરુ પર એક નહીં, ચાર ચાર ચંદ્ર આવેલા છે, પણ આપણે ત્યાં માત્ર અમાસની રાતે જ ચાંદો ગાયબ હોય છે એમ ત્યાં ચારમાંનો કેલિસ્તે નામનો ચંદ્ર કાયમ અદૃશ્ય હોય છે, કેમ કે તે વાયુનો બનેલો છે.
ત્યાં માનવવસતિ હોય તો ચંદ્રના પ્રભાવને લીધે અહીં કરતાં ત્રણેક ગણા વધુ પાગલો ત્યાં હોવા જોઈએ. આમ હોય તો ત્યાં પાગલોની સંખ્યા કરતાં ડાહ્યા માણસોની સંખ્યા ઓછી હશે. તેથી પાગલોને સમાજમાં છૂટા મૂકીને ડાહ્યા માટે અલગ વ્યવસ્થા કરવી પડે. સર્ટિફાઈડ પાગલોને આપવામાં આવે છે એવાં સર્ટિફિકેટ ત્યાં શાણાઓને આપવાં પડે.
ગુરુ અર્થાત્ બૃહસ્પતિને દેવોના આચાર્ય ગણવામાં આવે છે. આ ગુરુ સાત્ત્વિક છે, જ્યારે શુક્ર રાજસી છે. શુક્ર અથવા તો ભૃગુઋષિને દાનવોના આચાર્ય ગણવામાં આવેલ છે. ગુરુ એટલે સરળતા, ઉદારતા, પવિત્રતા, નમ્રતા, સાદાઈ, ન્યાય, ધર્મ વગેરે વગેરે. અન્ય જે કંઈ ગુણો ગુરુ માટે વાપરવાના રહી ગયા હોય તે બધાનો સમાવેશ વગેરે વગેરેમાં કરી લેવો.
જ્યારે શુક્ર એટલે શૃંગાર, કામુકતા, ભોગવિલાસ, ઉચ્છૃંખલતા, ઉડાઉગીરી, મોહ, આકર્ષણ ને પ્રેમ અથવા તો પ્રેમાભાસ. ગુરુને અધ્યાત્મ જોડે સંબંધ છે, એટલો શુક્રને પાર્થિવ ભોગવિલાસ અને સુખસમૃદ્ધિ સાથે છે. આમ તો બંને સામસામે છેડે છે, છતાં બંને ભેગા થાય તો સંભોગથી સમાધિ સુધી પહોંચી શકાય. આ કામ આપણે ત્યાં ભગવાન રજનીશે કર્યું છે. એ શુક્રને ગુરુની ઊંચાઈ સુધી લઈ ગયા છે. આ બંને ગ્રહોથી પ્રભાવિત હોય તેમનું મિત્રવર્તુળ બહોળું હોય છે. (શુક્રવાળાને સ્ત્રીમિત્રો વધારે હોય છે. ગુરુથી પ્રભાવિત જાતકો પણ શુક્રવાળાઓની ઈર્ષા કરતા હોય છે.)
રેશનલિસ્ટોને તમ્મર આવી જાય એવા ચમત્કારો બળવાન ગુરુને લીધે સર્જાય છે. આવા જાતકને કોઈ ને કોઈ ક્ષેત્રમાં સફળતા મળે છે અથવા તો તેને સફળતા મળી છે એવું લોકો માનતા થઈ જાય છે. તેની આબરૂ કરતાં તેની વગ વધારે હોવાથી લોકો પોતાનાં છોકરાંને પરીક્ષામાં પાસ કરાવવાથી માંડીને લાંચ લેતાં પકડાયેલા પોતાના સાળા કે સાઢુભાઈને છોડાવવા માટે દબાણ કરવા આવે. આ કારણે વ્યસ્તતા ઘણી રહે. ‘પાઈની પેદાશ નહીં ને ઘડીની નવરાશ નહીં’ જેવી કહેવતો આવા જાતકો માટે જ બનાવવામાં આવી હોય છે.
પણ જો કુંડળીમાં ગુરુ દૂષિત હોય તો એની અસર સૌ પહેલાં જાતકના શરીર પર પડે, શરીર પાતળું-કૃશ રહે, આર્થિક પ્રશ્નો તેને તથા તેના લેણદારોને સતાવ્યા કરે. ‘એક સાંધતા તેર નહીં, તેત્રીસ તૂટે’ જેવી નવી કહેવત સવારમાં ઊઠતાં તેમ જ રાત્રે સૂતી વેળાએ યાદ આવે. પુત્ર ન હોય તો તેની (ને હોય તો પણ તેની)ચિંતા પજવે. તનથી ન થવાય તો મનથી વ્યભિચારી થવાય. પોતાની પત્ની ગમે નહીં. લગ્નેતર સંબંધની ઇચ્છા સતત થયાં કરે (જો આ માત્ર દૂષિત ગુરુનો વાંક નથી, બધી જ રાશિવાળાને આવું થતું હોય છે.) પોતાની પત્ની સાથે ન મળે તેનાથી વધારે ઝડપથી પરસ્ત્રી સાથે મન મળી જાય.
નિંદાખોરી પ્રિય હોય – આ કારણે છાપાંમાં પત્રકારની નોકરી મેળવવા મન તડપે. કફની પ્રકૃતિ રહે. ખરાબ વિચારો આવવાને લીધે મોડી રાત સુધી ઊંઘ ન આવે, આથી અપચાની બીમારી લાગુ પડે. મગજની યાતના ઠેઠ પેટ સુધી પહોંચી જાય.
પરંતુ ગુરુ બીજા સ્થાને હોય તો તે વ્યક્તિ બચત સારી કરી શકે અને પોતાની (તેમજ અન્યની) અર્થવ્યવસ્થા સંભાળી શકે. આમ જેને પોતાનાં ને પારકાનાં ધન અંગે સમાન ભાવ હોય તેને નાણાંની તકલીફ જીવનપર્યંત રહેતી નથી અને પૈસાને જ સુખ ગણવામાં આવતું હોય તો તે શ્રેષ્ઠ સુખને પામે છે.
આપણાં શાસ્ત્રોએ સૂર્ય અને ચંદ્રની પેઠે ગુરુને પણ સાત્ત્વિક ગ્રહ તરીકે ઓળખાવ્યો છે, જ્યારે બુધ ને શુક્ર રાજસી પ્રકૃતિ ધરાવે છે અને મંગળ, શનિ તામસી ગણાય છે. ચંદ્ર અને ગુરુ એકબીજાથી કેન્દ્રમાં હોય એટલે ગજકેસરી યોગ થયો ગણાય. ચંદ્ર-ગુરુ ભેગા થાય કે સામસામે હોય, ચંદ્રથી ચોથા સ્થાને હોય કે દસમા સ્થાને હોય ત્યારે એવી સ્થિતિ રચાય છે અને ગુરુ અનુક્રમે મીન, વૃશ્ર્ચિક, કર્ક કે ધનનો હોય તો આ યોગ જાતકને ન્યાલ કરી દે છે.
જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે આ યોગમાં જન્મ ધારણ કરનાર માણસ પહેલાં માણસની જેમ શત્રુઓ ઊભા કરે છે ને પછી સિંહની જેમ એ બધાને ખતમ કરે છે.
એ સભાઓમાં વિદ્વાન હોવાની છાપ ઊભી કરે છે – વિદ્વાન હોવા કરતાં વિદ્વાન હોવાની છાપ ઊભી કરવી કેટલી અઘરી છે એ આપણે જાણીએ છીએ. તે કેટલાક વિરોધાભાસી ગુણો પણ ધરાવતો હોય છે. દા. ત. સંતોષી અને લોભી. જે વ્યક્તિ સંતોષી હોય તે લોભી નથી હોતી. આ ઉપરાંત જે નમ્ર, ધૈર્યવાન, પ્રગતિશીલ હોય તેને મોટાઈનો મોહ હોય છે, તેના કુળ વિશે લોકો ગમે તે માનતા હોય, પણ ખુદનો મત ઘણો જ ઊંચો હોય.
સહેજ ફૂલણજી હોય છે. એટલે કોઈ થોડાં સારાં-ખોટાં વખાણ કરે તો દાન પણ આપી દે છે. દાનવીર કહેડાવવાની તેની હોબી હોય છે. ઉપરાંત દાન માગવા આવનારાઓને સલાહ, શિખામણ અને ઉપદેશ આપવાનો વધારાનો શોખ પણ તે ધરાવે છે. દાનેચ્છુ લોકો પણ તેને પ્રેમથી સાંભળતા હોય છે અથવા તો એવો દેખાવ કરે છે. આમ ભલે તે દાનવીર હોય, પણ નાની પરચૂરણ બાબતોમાં કરકસરિયો હોય છે ને અમુક બાબતોમાં એ કંજૂસની જેમ વર્તે છે. તે થોડોઘણો ‘બોર’ પણ હોવાથી પોતાની જ વાતો કરીને બીજાંઓને કંટાળાથી થકવી નાખે છે.
ચંદ્ર માતાનો કારક હોવાથી આ યોગમાં જન્મેલા જાતકને પોતાની માતા તરફ અત્યંત મમત્વ ને લાગણી હોય છે, તેના માતૃપ્રેમને બિરદાવવાને બદલે તેની પત્ની કટાક્ષમાં તેને ‘સન-માયકા’ (માવડિયા)નું સંબોધન કરતી હોય છે. ને જાતક તેની મા પાસે બેઠો હોય ત્યારે કંટાળીને તેની અર્ધાંગિની તેને કહેતી હોય છે કે માના ખોળામાંથી હેઠા ઊતરો તો આપણે થોડું બહાર ફરી આવીએ. આ વૃત્તિ પુરુષોમાં જ નહીં, સ્ત્રીઓમાં પણ હોય છે. સાસરે વળાવેલી દીકરી પિયરની યાદ આવતાં રડવા માંડે છે.
જેને ગજકેસરી યોગ હોય તે વ્યક્તિમાં વફાદારીનો ઊંચો ગુણ જોવા મળે છે. જો કે શ્ર્વાનોમાં વફાદારીનો ગુણ હોવા છતાં, તેમનામાં ગજકેસરી યોગ હોવાને લીધે જ વફાદારી છે એમ કહી શકાય નહીં, પણ તે ભારતના વડા પ્રધાન, રાષ્ટ્રપતિ કે અમેરિકન પ્રેસિડેન્ટનો પાળેલો શ્ર્વાન હોય, તેમના ખોળામાં રમતો હોય તો તે ગજકેસરી યોગમાં જન્મ્યો છે એવું નિ:શંક માની શકાય.
જન્મસ્થાનથી ગુરુ 3, 8 કે 12મા સ્થાને હોય તો એવા જાતકને વિદ્યાની સાધનામાં નાની-મોટી ઉપાધિઓ આવતી હોય છે. ટૂંકમાં ઉપાધિ મેળવવા માટે તેને ઘણી ઉપાધિ વેઠવી પડે છે ને કોઈ વાર પેપરસેટર કે એક્ઝામિનરનું પાકું સરનામું ન મળવાથી છેવટે કંટાળીને તે વિદ્યાભ્યાસ (જે શુદ્ધ ગુજરાતીમાં ‘પાસ’ થવું કહે છે તે) છોડી દે છે.
કુંભરાશિમાં અગિયારમે રહેલો સ્વગૃહી ધનનો ગુરુ સટ્ટો, જુગાર, લોટરી, રેસ કે પ્રેમલગ્નોથી આકસ્મિક ધનયોગ કરે છે. (કદાચ આથી જ લગ્નને જુગાર ગણવામાં આવે છે. મીનમાં પડેલી ગુરુવાળી સ્ત્રીઓ અતિ સુંદર નમણી, પણ લગ્ન બાદ સ્થૂળ (જેને ઠાવકી ગુજરાતીમાં જાજરમાન કહે છે.) સુશીલ, પ્રગલ્ભ, પ્રભાવશાળી ને સર્વ ગુણો ધરાવનારી હોય છે. દુભાગ્યે તેમના પતિને આ સદ્ગુણો ક્યારેય દેખાતા નથી.
ગ્રહોમાં અપવાદ માત્ર એક રાહુ જ છે. રાહુ દાનવ છે એની તેને પોતાનેય ખબર છે એટલે તેનું કાયમી વર્તન શુદ્ધ દાનવ જેવું રહે છે. તે કોઈની સાડાબારી રાખતો નથી. ગુરુને પણ તે ગાંઠતો નથી. આથી કુંડળીમાં રાહુ કોઈની સાથે આમ તો ન જોડાય, પણ તેને ગુરુ જોડે જોડાવાનું થાય ત્યારે વિપ્રચાંડાલ નામક યોગ થાય છે. આ યોગને કારણે ગુરુને જ સહન કરવાનું થાય છે. ટ્રેક્ટર સાથે અથડાવાથી સાઇકલનો ભુક્કો થઈ જાય તેમ.
આ રાહુથી ખુદ ગુરુ જ પીડાય છે તો પછી આવા યોગવાળો જાતક આમાંથી કેવી રીતે બચી શકવાનો? આ યોગમાં સપડાયેલા માણસને સમાજમાં બદનામ કરવાની, તેનું ચારિત્ર્યહનન કરવાની એક પણ તક રાહુ જતી કરતો નથી. એ રીતે જોઈએ તો રાહુ એ ‘યલો જર્નાલિઝમ’- પીળું પત્રકારત્વ – કરતાં તંત્રી જેવો છે , જેને બ્લેકમેઈલિંગમાં જ રસ છે. આવા કિસ્સામાં તો ગુરુ ધારે તો પણ જાતકને મદદ કરી શકતો નથી.
એમ કરવા જતાં નાહકનો પોતે વગોવાઈ જાય. જાતકને, પોતાનાં નહીં, પણ રાહુનાં કારસ્તાનને લીધે અસહ્ય નાણાભીડ રહે, તેને કારણે નાણાકીય ગોટાળામાં નામ સંડોવાય, પણ પછી પુરાવાના અભાવે શકનો લાભ મળવાથી છૂટી જવાય અવળચંડાઈ કરી જાતકના જીવનમાં તેની ઇચ્છા નહીં હોવા છતાં આડા સંબંધો ઊભા કરે-કરાવે છે અને આ બધી કનડગત ગુરુ લાચાર નજરે જોયા કરે છે. જાતક તરફ સહાનુભૂતિ બતાવવા સિવાય બીજી મદદ તેને કરી શકતો નથી.
આમ તો ગૃહસ્થાશ્રમ ને વાનપ્રસ્થાશ્રમ જેવા ચાર વર્ણાશ્રમો બાદ કર્યા પછીના બધા જ આશ્રમો, મંદિરો, મઠો તેમાં રહેતા સાધુ, સંતો ને મહંતો વગેરે ગુરુના આધિપત્યમાં હોય છે. ગુરુનો જ આ ક્ષેત્રાધિકાર છે, પણ ગુરુની સાથે રાહુ જોડાવાથી આશ્રમ ભ્રષ્ટાચારનો અખાડો બની જાય છે. ચેલાઓને તેમના ગુરુ જેવી વિશિષ્ટ સેવાઓ કરવાનો લાભ નહીં મળવાથી તે ગુરુને છાપે ચઢાવે છે.
ગુરુએ ‘લાક્ષણિક’ ઢબે પડાવેલી તસવીરો (તેમજ વીડિયો ફિલ્મ વગેરે) અખબારવાળાઓને, પ્રકાશનાર્થે, પ્રજાહિતાય મોકલી આપે છે. ગુરુઓની આ બધી પાપલીલાઓ ચેલકાઓ માત્ર રાહુની પ્રેરણાથી જ બહાર લાવતા હોય છે. પણ પછી તેમના ભક્તોની પ્રાર્થનાને લીધે આ સંતમહંતો મોટા ભાગે નિર્દોષ છૂટે છે. આમ તો દોષમુક્ત થઈ છૂટી જવાનો યશ ગુરુને જ આભારી છે, કેમ કે ગુરુની દૃષ્ટિમાં અમી છે.
હસ્તરેખાશાસ્ત્રની દૃષ્ટિએ જેનો ગુરુ બળવાન હોય તે જાતક (રાજકારણમાં ન પડ્યો હોય ત્યાં સુધી) આદર્શવાદી, પરોપકારી, ત્યાગી અને અધ્યાત્મવાદી હોય છે. તે કોઈને (તક મળે નહીં ત્યાં સુધી) છેતરતો નથી. વધારે ખોટું બોલતો નથી અને સત્ય નગ્ન હોય છે એની ખાતરી કરાવવા કેટલીક વાર તો એવી જ ભાષામાં સત્યનું ઉચ્ચારણ કરે છે.
શારીરિક, માનસિક અને આર્થિક હાલત સુધારવી હોય તેણે ગુરુની વીંટી પહેરવી. ગુરુની અંતર્દશા નિવારવા માટે ગુરુના નંગની વીંટી પોતાના ફેમિલી જ્યોતિષીની સલાહ પ્રમાણે પહેરી શકાય.
ગુરુના શત્રુ શુક્ર ને બુધ છે. શનિ સાથે તેને મૈત્રી પણ નથી કે દુશ્મનાવટ પણ નથી. બરાબર પોલીસ અને પ્રજાજનોના સંબંધો જેવું – ન ઉસકી દોસ્તી અચ્છી, ન ઉસકી દુશ્મની…



