હાસ્ય વિનોદ : બગાસું ખાતા નેપ્ચૂન મળ્યો…

- વિનોદ ભટ્ટ
કોઈ માણસ બગાસું ખાતો હોય ત્યારે જ એના મોંમાં પતાસું એકાએક જઈ પડે તો તે ચોક્કસ રાજી થાય, સિવાય કે એને ડાયાબિટીસ થયો હોય.
આ નેપ્ચૂન ગ્રહનું પણ બરાબર આવું જ થયું છે. હર્ષલ નામના વિજ્ઞાનીએ 1781માં યુરેનસની શોધ કરી અને આ યુરેનસ વિશે વધુ વિગતો જાણવા તેની સામે દૂરબીન માંડીને જોવામાં આવ્યું તો દૂરબીનની અડફેટે નેપ્ચૂન ચડી ગયો. આમ અકસ્માતે તે ઈસવીસન 1846માં શોધાયો, તેની ઉંમર 154 વર્ષની ગણાય, પણ ગાંધીજી કરતાં તે માત્ર 23 વર્ષ જ મોટો કહેવાય. હા, તે મોટો ખરો, પણ મહાન નહીં. જો કે તેને ખબર નથી, પરંતુ તે આપણી અસ્મિતાનું જીવંત સ્વરૂપ છે. તેને વિશે તેમ જ અસ્મિતા અંગે આપણે અંધારામાં હતા. અસ્મિતા જેવો શબ્દ નર્મદને કદાચ તેણે જ સુઝાડયો હશે, જે ત્યાર બાદ કનૈયાલાલ મુનશીએ ગુજરાતી સાહિત્યમાં ચલણી સિક્કાની જેમ ચલાવ્યો, જે આજેય ચાલે છે.
આ નેપ્ચૂન આમ તો અંગ્રેજી નામ છે, પણ આપણે ત્યાં તે વરુણદેવના નામે ઓળખાય છે. તેને ગુરુ તેમ જ શુક્રનો વિસ્તાર કહ્યો છે. તે મહાજ્ઞાની છે. તે કવિઓનો કવિ અને લેખકોનો લેખક છે. એ અર્થમાં તે કવિવર રવીન્દ્રનાથ ટાગોર છે અથવા તો ગુજરાતી લેખક સુરેશ જોશી છે. આ બન્ને સાહિત્યકારો લેખકો માટે લખતા હતા એટલે ક્યારે તો પોતાને પણ ન સમજાય એવું અઘરું લખી નાખતા.
મોટા મંદિરોમાં પાછલા દરવાજેથી ભગવાનનાં દર્શન કરાવવાનો ઈજારો એ મંદિરોના પૂજારીઓનો હોય છે એમ ઈશ્ર્વરનો સાક્ષાત્કાર કરાવવાનો ઈજારો નેપ્ચૂનના હાથમાં છે, તેની પાસે એની પરમિટ છે. જે આવતી કાલે બનવાની છે એવી ઘટનાઓના દૃશ્યો, ટીવીની મદદ વગર કે જ્યોતિષીઓને પૂછયા વગર તે આજે બતાવી દે છે. જે કાલે બનવાનું છે એનાં સપનાંય તે આજે આપી દે છે. પરીક્ષાની ભાષામાં કહેવું હોય તો તે પેપર ફોડી નાખે છે.
ટૂંકમાં જે અલૌકિક ચીજો છે તે નેપ્ચૂનના સામ્રાજ્ય હેઠળ છે. રાહુ-કેતુની પેઠે નેપ્ચૂન અને હર્ષલ બન્ને એકબીજા સાથે સગા ભાઈ જેવો સંબંધ રાખે છે. અને બન્ને વચ્ચે કોઈ મુદ્દે ગેરસમજ ન થાય એ વાસ્તે નેપ્ચૂન-હર્ષલે એમ.ઓ.યુ. (મેમોરેન્ડમ ઑફ અન્ડસ્ટેન્ડિંગ-પરસ્પર સમજૂતીનો કરાર) કર્યો છે. આ કરાર મુજબ હર્ષલે ભૌતિક ચીજોને પોતાની સાથે જોડી છે. તેણે બુદ્ધિ અને તર્કને પોતાની સાથે રાખ્યાં છે. જ્યારે નેપ્ચૂનનો સંબંધ લાગણીઓ અને ભાવના સાથે છે. ભાવનાને અત્રે સંકુચિત અર્થમાં નહીં લેતા એને અધ્યાત્મના અર્થમાં લેવાની છે. આમ નેપ્ચૂન હૃદયથી જીવે છે, હર્ષલ બુદ્ધિથી જીવે છે. બન્ને એકબીજાની આડે આવ્યા વગર પોતપોતાની રીતે જીવે છે.
જોકે હર્ષલ કરતાં નેપ્ચૂને સૂરજથી પોતાને વધારે આઘો રાખ્યો છે. દૂર રહેવાથી ઓછું દઝાય છે એ પણ ખરું. સૂર્યથી તે ચાર અબજ, પચાસ કરોડ, ચાલીસ લાખ કિલોમીટર દૂર આવેલો છે. સૂર્યની પ્રદક્ષિણા તે 165 વર્ષે પૂરી કરે છે. આપણા દિવસ-રાત ચોવીસ કલાકના હોય છે એમ તેના દિવસ-રાત ફક્ત છ કલાકના હોય છે. તો બીજા કેટલાક વિજ્ઞાનીઓના મતે ત્યાં દિવસ-રાત પંદર કલાકના હોય છે. જો કે આ બેમાંથી એક પણ વિજ્ઞાનીએ નેપ્ચૂન પર જઈ આ અંગે પાકી ખાતરી કરી નથી, પણ એક જમાનામાં મેં થોડાક મહિના સરકારી નોકરી કરી હતી એટલે મારું સરકારી મન ત્યાં પંદર કલાક જેટલો લાં…બો સમય સાંખી લેવા તૈયાર નથી એટલે આપણે અત્રે – અર્થાત્ તત્રે – ત્યાં છ કલાકના દિવસ-રાત સ્વીકારીને ચાલીશું. આથી અહીંની ગણતરી પ્રમાણે ત્યાં પંદર વર્ષની ઉંમરે માણસ નોકરીમાંથી રિટાયર થાય છે અને છ કલાકના જ દિવસ-રાત હોય તો દિવસ માત્ર ત્રણ જ કલાકનો હોય, એનો અડધો સમય એટલે કે દોઢ કલાકની નોકરી સરકારી કચેરીઓમાં રહે. ઑફિસનો પટાવાળો હજી તો ઓફિસે જઈ ચા-પાણી પતાવી ઑફિસમાં સાફસૂફી શરૂ કરે, બે-ચાર બીડીઓ ફૂંકી નાખે ત્યાં સાહેબો આવવા માંડે. પટાવાળો હજી તો મસ્ટર કહેતાં હાજરીપત્રક લઈ હાજર થઈ જાય એટલામાં તો ઑફિસના કલાકો પૂરા થઈ ગયા હોય એટલે મસ્ટરમાં સહી કરી સાહેબો ઘર તરફ ચાલવા માંડે અને પટાવાળો ઑફિસ બંધ કરવાના કામે લાગે.
પૃથ્વી માટે પણ નેપ્ચૂન બહુ દૂરનો ગ્રહ છે, જેથી જાતકની કુંડળી સુધી પહોંચતા તેને ખાસ્સી વાર લાગે છે. જાણીબૂઝીને તે પણ વધારે વાર લગાડે છે, કેમ કે તે પૂરતી તપાસ કર્યા વગર ગમે તેની કુંડળીમાં ધસી જતો નથી. તે સંવેદનશીલ જાતકોમાં પણ જે અતિશય સંવેદનશીલ હોય એની જન્મકુંડળીમાં પણ એકદમ સંવેદનશીલ હોય એ જગ્યા પર જઈને ગોઠવાય જાય છે અને તેની હાજરીનો સાક્ષાત્કાર પામી જાતક તરંગો-વમળો અનુભવે છે. એમાંય જાતકના લગ્ને બેઠેલો નેપ્ચૂન કાચના વાસણ જેવો અત્યંત નાજુક હોય છે. જો કે તેના પર ‘ગ્લાસ વિથ કેર ’ કે એવું કશું લખ્યું નથી હોતું.
લગ્ને યા ચંદ્ર સાથે રહેલા નેપ્ચૂનવાળી વ્યક્તિના શરીરના પરમાણુ અત્યંત સંવેદનશીલ અને લજામણીના છોડ જેવા હોય છે. આવો જાતક મીડિયમ (અથવા ધંધે કુરિયર યા આંગડિયો) તરત જ બની જાય છે. ઉચ્ચ આત્માઓ તેમ જ બૂટલેગર્સ, સ્મગલર્સ અને શુદ્ધ કેફી દ્રવ્યોની હેરાફેરી કરતા નિમ્ન કક્ષાના આત્માઓ આવા મીડિયમની કાયમ રાહ જોતા હોય છે. આ કારણે સરકારી ભાષામાં કહીએ તો પ્રથમ વર્ગના જ નહીં, બીજા, ત્રીજા અને ચોથા વર્ગના આત્માઓ પણ આવા જાતકનો કબજો આસાનીથી લઈ શકે છે. નેપ્ચૂન સાથે સૂર્ય, બુધ, ગુરુ અને ચંદ્ર જેવા શુભ ગ્રહોનો અંશાત્મક દૃષ્ટિ સંબંધ થાય તો પણ પ્લેટોનિક લવ (શુદ્ધ ગુજરાતી ભાષામાં કહેવું હોય તો મનમાં પરણવું અને મનમાં જ વૈધવ્ય મેળવવું!) ધર્મભગિની પ્રેમ અર્થાત્ ધર્મની બહેન દ્વારા મળતો શુદ્ધ પ્રેમ-જેની શુદ્ધતા અંગે લોકો અંદરોઅંદર કાનાફૂસી કર્યા કરતા હોય, ભક્તિભાવ અથવા તો જેના ભાવ બોલાતા હોય એવી પ્રોફેશનલ ભક્તિ, દિવ્ય અનુભૂતિઓ – જે સાંકડા ગળાના સમાજના ગળે ક્યારેય ઊતરતી નથી, યોગ (અર્થાત્ યોગાનુયોગ જે બને છે કે), વિઝન (માત્ર વિઝન, ટેલિવિઝન નહીં), લેખન – એટલે કે એવું લેખન જે વાંચતા વાંચક ત્રાસી જાય એવું ગૂઢ એટલે કે અઘરું ડ્રોઇંગ વગેરે સર્જે છે. સંક્ષેપમાં સર્જનાર માટે બધું સારું અને લાભદાયી થાય છે, પણ તેનો ભોગ બનનાર માટે આમ કહી શકાતું નથી. આ નેપ્ચૂન શુક્ર જેવા ગ્રહના શુભ યોગમાં સારા રાગ-રાગિણીનું જ્ઞાન આપે છે અથવા તો વિકલ્પે પ્લેબેક સિંગર બનાવે છે અને જેનામાં પ્લબેક સિંગર બનવાની પણ ત્રેવડ ન હોય તેવા જાતક પર મહેરબાન થઈ તેને પ્રસિદ્ધ પાર્શ્ર્વગાયકોના નકલચી બનાવે છે અને આવો જાતક જે તે ગાયકની એવી તો અદ્ભુત નકલ કરી શકે છે કે અસલ ગાયક જે અંતરામાં બેસૂરો થયો હોય તે અંતરામાં બરાબર એ જ જગ્યાએ તે પણ બેસૂરો થઈને નકલકારની પોતાની પ્રતિષ્ઠા ઉજાગર કરે છે. ઉદાહરણ તરીકે વોઈસ ઑફ મુકેશ, વોઈસ ઑફ રફી, વોઈસ ઑફ કિશોરકુમાર વગેરે, વગેરે, વગેરે…
રાજ કપૂર જેવા ગ્રેટ શોમેનને બુધ-નેપ્ચૂનની યુતિ હતી અને શુક્ર-નેપ્ચૂન વચ્ચે અંશાત્મક અર્ધત્રિકોણ હતો. આ જ કારણે જે જે સ્ત્રીઓને એણે ચાહી એમાંની એક પણને એ પરણી ન શક્યો અને જેને એ પરણ્યો એને બાળકોથી વિશેષ કશું આપી ન શક્યો. મંગળ-નેપ્ચૂનના શુભ યોગોમાં સારી તર્કશક્તિ ખીલે છે અને આ તર્કશક્તિથી જાતક ડિટેક્ટિવ બની શકે છે, પણ જો એને ડિટેક્ટિવ થયા પછીય કોઈ કેસ ન મળે, માખીઓ મારવાના દિવસો આવે તો આ ગાળાનો સદુપયોગ કરી તે ડિટેક્ટિવ વાર્તાઓનો લેખક થઈ શકે છે. આ જાતક ચૂસ્ત સ્વદેશી પ્રેમી હોય તો પણ ડિટેક્ટિવ વાર્તા – લેખન પૂરતો એનો વિદેશપ્રેમ એને નડતો નથી અને ધારો કે જાતકની રુચિ લેખન દ્વારા પ્રજાને કંટાળો આપવાની ન હોય તો તે વિકલ્પે આયુર્વેદાચાર્ય પણ થઈ શકે છે. એમાં તો બસ, સ્વાવલંબી બની એણે પોતાનાં નામ આગળ ધન્વંતરિરત્ન અથવા ધન્વંતરિશ્રેષ્ઠ લખેલું પાટિયું દવાખાનાની બહાર ટિંગાડી દેવાનું રહે, કેમ કે આમાં તો હિસાબ અને જોખમ સોએ સો ટકા દરદીના માથે જ હોય છે.
ચંદ્ર અને નેપ્ચૂનના નબળા સ્થાનમાં અશુભ યુતિ વળગાડ આપે છે. આ જાતકને ભૂત-પ્રેત જ નહીં, જીવતા માણસ પણ ક્યારેક વળગે છે અને જેની કુંડળીમાં નેપ્ચૂન સાથે મંગળ હોય તો મનોરોગી અને એવા મનોચિકિત્સક બને છે. આ નેપ્ચૂનના તાબામાં તમામ મંદિરો, મઠો, આશ્રમો, યાત્રાધામો, યાત્રાધામોમાં ચાલતી સારી-નરસી પ્રવૃત્તિઓ, અખાડા-પ્રવૃત્તિઓ તેમ જ અખાડા મનોવૃત્તિઓ અને આધ્યાત્મિક શાળાઓનો સમાવેશ થાય છે. આટલું ઓછું હોય તેમ ડાહ્યા-ગાંડા માટેની ઈસ્પિતાલો, છોકરાઓએ તરછોડ્યાં હોય એવાં મા-બાપો નાછૂટકે જેમાં રહેવા ચાલ્યાં જાય છે તે વૃદ્ધાશ્રમો પણ આ ગ્રહના ચાર્જમાં છે.
શુક્રનું એ વિરાટ અને વ્યક્ત સ્વરૂપ હોવાથી આખેઆખો ફિલ્મ ઉદ્યોગ (ઍટેચ્ડ વિથ માફિયાઝ) તેમાં કામ કરતાં ડુપ્લિકેટો, જેમને ફાલતું ગણવામાં આવે છે એવા ઍકસ્ટ્રાઓ પણ આવી જાય છે. ઉપરાંત અંગ્રેજી ફિલ્મો નહીં જોનારાઓને ખબર ન પડે અથવા તો અંગ્રેજી ફિલ્મો જોનારને પણ અણસાર ન આવે એ રીતે હિન્દી વાર્તાઓ ઘડી કાઢવામાં નિષ્ણાત એવા લેખક-જાતકોની કુંડળીમાં આ યોગ અંશાત્મક રીતે પડેલો હોય છે.
આ નેપ્ચૂન તો દરિયા પર આધિપત્ય જમાવી બેઠો છે. અશુભ ગ્રહોથી ઉશ્કેરાઈને તે ધ્રુજારો બતાવે ત્યારે દરિયાઈ તોફાનો આવે છે, જેમાં ભલભલા મગરમચ્છો અને દાણચોરીના માલથી છલોછલ ભરેલાં જહાજો ડૂબી જાય છે. આ નેપ્ચૂનના પ્રભાવને લઈને હાજી કાસમ જેવાઓની વીજળીઓ વેરણ થઈને આ દરિયામાં ગરક થઈ જાય છે તો ક્યારેક ટાઈટેનિકને જળ-દોસ્ત કરી નાખે છે! આથી અલબત્ત, ગુણવંતરાય આચાર્ય જેવા નવલકથાકારને એક સુંદર દરિયાઈ નવલકથા લખવાનો મસાલો મળે છે તેમ વિદેશી ફિલ્મકારોને ટાઈટેનિક જેવી અદ્ભુત ફિલ્મો ઉતારી એવૉર્ડો ગજવે કરવાની તક આપે છે.
નેપ્ચૂન સૂક્ષ્મ, આત્માથી પણ વધુ સૂક્ષ્મ અને પારદર્શક ગ્રહ છે, જે દેખાતો નથી એટલે તરત જ મીડિયમ બની જાય છે. ના, મીડિયા બનવામાં તેને જરાય રસ નથી… નેપ્ચૂનને જે જે રોગમાં દિલચસ્પી છે અથવા તો નેપ્ચૂન પ્રભાવિત જાતકને થતાં રોગોમાં ભય નામના માનસિક રોગને યોગ છે. ભય ન હોય ત્યાં ભય દેખી છળી મરવું, અંધારામાં રજજુને સર્પ અથવા તો પત્નીને ભૂત યા પલીત સમજીને ગભરાઈ જવું, ચીસાચીસ કરી મૂકવી, યાદશક્તિ ઘટી જવી. જોકે આવા જાતકો ભૂલકણો સ્વભાવ હોવાથી ઉધાર લીધેલા નાણાં પરત કરવાનું ભૂલી જાય છે. એટલી સહેલાઈથી ધીરેલા નાણાં પરત લેવાનું ભૂલી જતા નથી. આ એમની વિશેષતા છે. જીવનની ક્ષણભંગુરતાની યાદ સતત આવ્યા કરવાથી આવા જાતકો પોતાનું વિલ યાને વસિયતનામું વારંવાર ફેરવીને એમના વારસદારોનું બ્લડ પ્રેશર વધાર્યા – ઘટાડયા કરે છે. આ કારણે ક્યારેક એકાદ બે વારસદાર ઓછા થવાના યોગો ઊભા થાય છે.
નેપ્ચૂન એક સેતુ છે, જેના માધ્યમથી દેવો પૃથ્વી પર આવે છે અને પછી ભરાઈ પડ્યાની, પસ્તાવાની લાગણી અનુભવે છે. નેપ્ચૂનને ઈશ્ર્વરનો ઑફિશિયલ એજન્ટ ગણવામાં આવે છે. તે ધારે ત્યારે ઈશ્ર્વરને જાતકની આંખ સામે હાજર કરી શકે છે, પણ આ ગ્રહને ઈશ્ર્વરની જેમ આસાનીથી જોઈ શકાતો નથી. તેને નીરખવો હોય ગગનમાં તો અતિ સૂક્ષ્મ દૂરબીનથી જ તે જોવો પડે ને જાતકની કુંડળીમાં તેની કેવી અસરો પડે છે એ જોવા તો એથી પણ ભારે – ખાસ પ્રકારનાં દૂરબીનની સહાય લેવી પડે.
નેપ્ચૂનની અશુભ અસરો ખાળવા તેમ જ તે છે એથી પણ તેને વધારે દૂર રાખવા ઑપલ નામનું રત્ન વીંટીમાં પહેરાવવામાં આવે છે. આ રત્ન વાદળ જેવી આભાવાળું અને મેઘધનુષ્ય જેવા ઝબકારા મારતું હોય છે. પણ આ રત્ન એન્ગેજમેન્ટ વીંટીમાં વાપરી શકાતું નથી, સિવાય કે જાતક ઑક્ટોબર મહિનામાં જન્મ્યો હોય. ઑક્ટોબરમાં જન્મી ન હોય એવી વ્યક્તિ જો આ રત્ન ધારણ કરે તો એને કુંવારા રહેવાનો યોગ આવે છે. તે બીજાઓના લગ્નોમાં મહાલી શકે છે, પણ પોતાની લગ્નપત્રિકા કોઈને આપવાનો સુયોગ એને સાંપડતો નથી. આ રત્ન ધારણ કરનાર સિક્સ્થ સેન્સ અર્થાત્ છઠ્ઠી ઈન્દ્રિય ધરાવે છે ને સાતમી ઈન્દ્રિય ધરાવવા પ્રયત્ન કરે છે. આ રત્ન પહેરનારનો પ્રેમી (કે વાઈસે વર્સા) બેવફા નીવડે ત્યારે ઑપલ રત્ન ઝાંખું થવા માંડે છે, પણ પ્રિયતમ બેવફાઈ કરશે જ એવી શંકા-કુશંકા કરીને વારંવાર આ રત્ન સામે જોયા કરવાથી પણ તે ઝાંખું પડે છે એનો જાતકે ખ્યાલ રાખવો.. અસ્તુ.



