હાસ્ય વિનોદ : મંગળ અમંગળ

-વિનોદ ભટ્ટ
આપણી માતૃભાષાના વિખ્યાત હાસ્ય-સર્જક વિનોદ ભટ્ટનો આમ તો પરિચય આપવાનો હોય જ નહીં … એમની સદાય મરક મરક કરાવી જતી હાસ્ય કૃતિઓ જ વાચકોમાં આજે ય કેટલી લોકપ્રિય છે એ એનું પ્રત્યક્ષ પ્રમાણ છે…
એક સાવ નવા જ અલગારી વિષય સાથે આજથી ‘મુંબઈ સમાચાર’માં શરૂ થતી એમની આ લેખમાળા ‘મંગળ-અમંગળ’ વિશે પોતાની હળવી શૈલીમાં ખુદ વિનોદભાઈ શું શું કહે છે એ સંક્ષિપ્તમાં જાણવું પણ રસપ્રદ રહેશે…
ઓવર ટુ …
આથી, હું …વિનોદ ભટ્ટ, આજરોજ સત્ય-સંપૂર્ણ સત્ય તેમ જ ભેળસેળ વગરના ISI માર્કના શુદ્ધ સત્યના સોગંદ ખાઈને જાહેર કરું છું કે ‘મંગળ અમંગળ’ના લેખો દ્વારા હું વાચકોને હસાવવા સિવાય મને કશું જ અભિપ્રેત નથી… આ લેખમાળાના નામને કારણે કોઇના મનમાં થતી ગેરસમજ ટાળવા જણાવું છું કે આ હાસ્યરસનું પુસ્તક છે, જયોતિષવિજ્ઞાનનું નથી…
આ જાહેરાત કરવા પાછળનું કારણ એ છે કે મારા ગ્રહો આજ-કાલ ખરાબ ચાલી રહ્યા છે એટલે બનવા જોગ છે કે ‘મંગળ-અમંગળ’ જેવું શીર્ષક વાંચીને કોઇ વાચક એ વાચે ને તેને જ્યોતિષશાસ્ત્ર અંગેની જોઇતી એક પણ વિગત તેમાંથી ન જડે એટલે છેતરાયાની લાગણી સાથે સીધો તે ગ્રાહક સુરક્ષા મંડળ પાસે જઇને ફરિયાદ કરે કે આ લેખકે મારા મનમાં એવી ખોટી સમજ ઊભી કરેલી કે આ લેખમાળા જયોતિષ અંગેની છે, પણ આમાં એમાંનું કશું જ નથી….
વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રનો પ્રભાવ લોકો પર ઘણો છે, ભાઇઓ કરતાં બહેનો પર વધારે છે. અગાઉ મેં એક વાર મંગળ પર રમૂજ કરતો લેખ લખ્યો ત્યારે પણ એક ટેલિફોન ઓપરેટર બહેને મને કહ્યું હતું કે તેમની દીકરી બારમા ધોરણમાં બબ્બે વખત નાપાસ થઇ છે, તેનો મંગળ ભારે છે, તમે એ મંગળને પ્રસન્ન કરવાનો વિધિ કરી આપશો?
‘જોશી’ જેવી અટક કે પછી ‘મહાત્મા’ જેવાં વિશેષણ ધરાવનારા તરફ પ્રજાનો ભક્તિભાવ વધી જતો હોય છે. આપણા મહાત્મા ગાંધીનેય આનો અનુભવ થયો હતો. એક ડોકટરનાં પત્નીને ટી. બી. થયો હતો ને ઊંઘ નહોતી આવતી. એ બહેનને પોતાના ડોક્ટર પતિ કરતાં ગાંધીજીમાં વધારે શ્રદ્ધા હતી. તે દૃઢપણે એવું માનતી કે આ મહાત્માના હાથે સ્પર્શેલું ગંગાજળ પીવા મળે તો ઊંઘને આવ્યા વગર છૂટકો નથી. ગાંધીજીએ આ માટે પહેલાં તો ચોખ્ખી ના પાડી. પછી કદાચ કોઇએ તેમને કહ્યું હશે કે બાપુ, તમને ભલે ન લાગતું હોય, પણ તમે મહાત્મા હો તો હો પણ ખરા, તમારો હાથ અડકાવેલું પાણી આપવામાં શી હરકત છે? તમને એથી શો ફેર પડે છે? અને સાથીઓના આગ્રહથી તે સંમત થયા ને એ પવિત્ર પાણી પીવાથી દરદીને ઊંઘ આવવા માંડી.,,! ચમત્કારની વાતો આમ જ ફેલાતી હોય છે…
જ્યોતિષશાસ્ત્ર એ વિજ્ઞાન છે કે નહીં એની અત્રે ચર્ચા નથી કરવી, પણ કેટલાંક લોકો તો વિજ્ઞાનમાં નથી રાખતા એથીય વધારે શ્રદ્ધા જ્યોતિષમાં રાખતા હોય છે .
જ્યોતિષ તેમ જ મંત્ર-તંત્રમાં અનન્ય શ્રદ્ધા રાખનારાં કેટલીક વાર તો પોતે મેળવેલ વિજ્ઞાન પણ તડકે મૂકી દે છે. એક નાયબ કાર્યપાલક ઇજનેરે પોતાના કર્મચારીઓ પર વશીકરણ કરવા માટે તાંત્રિક વિધિ કરાવીને કચેરીના બારણા પર ઘોડાની નાળ લટકાવી દીધી હતી. પોતાના હાથ નીચેના માણસો, પોતે કહે એ રીતે, વગર વિચાર્યે ફાઇલો પર નોંધ મૂકીને પાસ કરી દે!
કાંકરિયા બાલવાટિકા ખાતે મારા પૌત્રોને ફરવા લઇ ગયો હતો. બાળકો ચકડોળમાં બેઠાં હતાં ને હું બાંકડે બેઠેલો. ત્યાં એક મુફલિસ જેવા માણસે મારી પાસે આવી મને પૂછયું : ‘સાહેબ, ઘોડાની મંત્રેલી નાળ જોઇએ છે?’ ‘એનાથી શું થાય?’ મેં પૂછયું. ‘ઘણુંબધું થાય. ધંધો ચાલતો ના હોય તો સારો ચાલે, ધંધો દોડવા માંડે, બાળકોના લગ્નનો પ્રશ્ન ઊકલી જાય. ગરીબી, બેકારી, ગૃહકલેશ, દુશ્મનોથી રક્ષણ, પાગલપન તેમ જ વિદેશગમન જેવા વિષયો પર અચૂક ફાયદો થાય. કોર્ટકચેરીનો કેસ ઉકલી જાય.’ તે અટકયો એટલે મેં પૂછયું: ‘લગભગ કેટલામાં પડે?’ ‘કાળા ઘોડાના જમણા પગની નાળનો ભાવ રૂપિયા બસો એકાવન છે, અને સફેદ ઘોડાના પગની નાળનો ભાવ એકસો એકાવન છે…’ તેણે નાળનો ભાવ જણાવ્યો. ‘એ બેમાં શો ફેર?’ મેં જાણવા માગ્યું.
‘કાળા ઘોડાની નાળ વધારે અકસીર, અઠવાડિયામાં રિઝલ્ટ મળે, સફેદ ઘોડાની નાળમાં સમય થોડો વધારે લાગે. શનિવારે નાહી ધોઇને નાળ ઘરના બારણે ચોડી દેવાની, તમે ઇચ્છશો એ કામ તરત જ થઇ જશે. કાળા ઘોડાની નાળ બિલકુલ પાવરફૂલ છે. ફકત બસો એકાવન રૂપિયાનો જ સવાલ છે…’ તે બોલ્યો. ખરેખર બસો એકાવન રૂપિયાનો જ સવાલ હતો, મારા પાકીટમાં માંડ એંસી રૂપિયા હતા. જોકે એ વખતે ઘોડાની નાળવાળાને મારી ગરીબીને બદલે તેની ખુદની ગરીબી દૂર કરવામાં વધારે રસ હતો. ખેર!…
અલબત્ત, અંગત રીતે હું બહુ આસ્તિક પણ નથી કે નાસ્તિક પણ નથી તે રેશનાલિસ્ટ તો છું જ નહીં. શુકન-અપશુકનમાં ખાસ માનતો નથી, પણ કોઇ સારા કામ માટે ઘરમાંથી બહાર નીકળતો હોઉં ત્યારે સામેથી આવતી ગાય મારી સામે શિંગડું ન વીંઝે તો મારા મનને સારું લાગે છે ને બિલાડી આડી ઊતરે તો મનમાં સહેજ ફડકો થાય છે કે કામ થશે કે પછી ધરમધક્કો પડશે?… એ જ રીતે કોઇના બેસણામાં ગયો હોઉ ને એ વિસ્તારમાં જ કોઇ સગા-સ્નેહી કે મિત્ર રહેતાં હોય તો તેમના ઘેર જવાનું ટાળું છું. કવિ ડો. સુરેશ દલાલે ભલે કહ્યું કે ‘હું એક બેસણામાંથી લગ્નની સત્કાર સમારંભમાં એવી રીતે જઉં છું જેમ મારા ડ્રોઇંગ-રૂમમાંથી બેડરૂમમાં જઉં છું.’ પણ એટલી સહજતાથી હું બેસણામાંથી કોઇ સ્વજનને મળવા જઇ શકતો નથી. એટલું જ નહીં, કોઇ એ રીતે મારે ત્યાં આવી ચડે ત્યારે મારા મનમાં કચવાટ થાય છે કે મારા બેસણાનું રિહર્સલ કરવા આવ્યો છે આ જણ!
જ્યોતિષશાસ્ત્ર સૈકાઓથી શ્રદ્ધાને બદલે વિવાદનો વિષય રહ્યો છે. આ શાસ્ત્ર શ્રદ્ધા, અંધશ્રદ્ધા અને અશ્રદ્ધા વચ્ચે વહેંચાયેલુ છે, રેશનાલિસ્ટો- બુદ્ધિવાદીઓ કહે છે કે જ્યોતિષ એ વિજ્ઞાન નથી, કલા છે- છેતરપિંડીની કળા! માણસ વધુમાં વધુ જ્યોતિષના નામે ધુતાતો હોય છે. જ્યારે રાહુ કે શનિ કોઇ સ્ત્રીને નડતો હોય અને આ નડતર દૂર કરવા, રાજી કરવા અમુક વિધિ કરવાથી તેનું પરિણામ તત્કાળ મળતું નથી. પતિ સામે ચાલતો છૂટાછેડાનો કેસ ગ્રહના નડતરનો વિધિ પત્યાના બીજા જ અઠવાડિયે પતી જતો નથી. (‘પતિ’ એમ ઝટ જતો નથી.) હરડે કે નેપાળો લીધાના અમુક ગાળામાં જ પેટના પ્રશ્ર્નનો નિકાલ આવી જાય છે એવું જ્યોતિષશાસ્ત્રમાં નથી થતું. અરે, જોડિયાં બાળકોનું ભવિષ્ય પણ અલગ અલગ હોય છે, આ કારણે તો હિન્દી ફિલ્મવાળાઓ ‘રામ ઔર શ્યામ’ અને ‘સીતા ઔર ગીતા’ જેવી મનોરંજક ફિલ્મો બનાવી શકે છે.
જોકે આ બધું હોવા છતાં એક શાસ્ત્ર તરીકે જ્યોતિષશાસ્ત્રની પ્રતિષ્ઠા હજારો વર્ષ જૂની છે. સંદર્ભ ગ્રંથોના જણાવ્યા પ્રમાણે જ્યોતિષશાસ્ત્રનો જન્મ ત્રણ હજાર વર્ષ પૂર્વે મેસાપોટેમિયામાં થયો હતો-જ્યોતિષશાસ્ત્રનેય ખબર નહોતી કે તેને કયાં જન્મ લેવાનો છે. ત્યાર બાદ ઇસવી સન પૂર્વે 6ઠ્ઠી સદીમાં તે ભારતમાં તેનો પ્રચાર-પ્રસાર થયો અને પછી ચીનમાં ગયું.
આજે તો વિજ્ઞાન પણ એવું કહેવાની સ્થિતિમાં નથી કે હવે ફલાણી સદીમાં જ્યોતિષનો અંત આવી જશે, કેમ કે માણસજાતમાં કુતૂહલ બનીને તે જીવી રહ્યું છે. હતાશ માણસો અને હોશિયાર જ્યોતિષીઓ આ પૃથ્વી પર હશે ત્યાં સુધી જ્યોતિષશાસ્ત્રનો વાળ પણ કોઇ વાંકો કરી શકે તેમ નથી-તર્કવાદીઓ પણ નહીં…!
… તો હવે આપણે નીકળીએ મંગળ -અમંગળ ગ્રહોના પ્રવાસે… આવતા સપ્તાહે વાંચો:
ના, સૂર્ય આજના વડા પ્રધાન જેવો નથી…