ઉત્સવ

સંસ્કૃત- હિન્દી- ગુજરાતીમાં ગઝલ અવતારતા બહુઆયામી કવિ હર્ષદેવ માધવ

સર્જકના સથવારે – રમેશ પુરોહિત

દેવવાણી સંસ્કૃત એ ભારતની તમામ ભાષાઓની જનની છે. સરસ્વતીનું મહાન વરદાન પામેલા બહુ ઓછા સાત્ત્વિક મનુષ્યો ગીર્વાણગિરાના કૃપાપાત્ર હોય છે એમાં એક મહત્ત્વનું નામ છે હર્ષદેવ માધવ. સમગ્ર ભારતના શૈક્ષિણક અને સાહિત્ય જગતમાં એમનું નામ અને કામ બોલે છે. વિદ્વતા અને સર્જકતાનો સુભગ સમન્વય એમના સર્જનમાં નેત્રદીપક બની રહે છે.

ગીત અને ગઝલમાં સમાન ગતિથી કાર્યરત આ કવિનું વ્યક્તિત્વ બહુ આયામી છે. એમના વિશે પ્રથમ થોડી વિગતો જાણવી જરૂરી છે તેથી ખબર પડે કે એમનો કાવ્યપિંડ કેવી રીતે બંધાયો છે.

આ કવિનું મૂળ નામ હર્ષવદન મનસુખલાલ જાની છે. ભાવનગરની બાજુમાં સોળેક કિલોમીટર દૂર સમુદ્રકાંઠે આવેલા વરતેજમાં 20 ઑક્ટોબર, 1954માં જન્મેલા આ કવિના માતા પ્રાથમિક શિક્ષિકા હતાં. નાનપણથી વાચનનો શોખ. જૂની ચોપડીઓ મળે તો પસ્તીમાંથી લઈ આવે અને આખેઆખી પી જાય.

ઉમર ખય્યામ અને ચેખોવ જેવા સર્જકો વાચ્યા અને અગિયારમા ધોરણમાં હતા ત્યારે કવિતાઓ પ્રકાશિત થવા લાગી. કાવ્ય સાહિત્યનાં તમામ સ્વરૂપોમાં વિહાર કરતા આ કવિ સંસ્કૃત, હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં કાવ્યો ઉતારે છે. અનુવાદ નહીં પણ અનુસર્જન કરે છે. ભાષાની પ્રવાહિતા સુસંસ્કૃત અને સરળ છે. એમણે પ્રથમ વર્ગમાં પ્રથમ નંબરે એમ.એ. તથા બી.એડ્ કર્યું. ઈ.સ. 1990 ‘મુખ્ય પુરાણોમાં શાપ અને તેનો પ્રભાવ’ વિષય પર તેઓ પીએચ.ડી. થયા હતા.

જ્ઞાન પામવાનો અને પ્રદાન કરવાની શૈક્ષણિક કારકિર્દી અમદાવાદની એચ.કે. આર્ટ્સ કૉલેજમાં સંસ્કૃત વિભાગના અધ્યક્ષ તરીકે સેવા આપી છે. ભારતની છ યુનિવર્સિટીમાં પીએચ.ડી.ના માર્ગદર્શક તરીકે કામ કર્યું છે.

હર્ષદેવનો પહેલો ગીત-ગઝલ સંગ્રહ ‘હાથ ફંફોસે આંધળા સુગંધને’ ઈ.સ. 1985માં તથા પ્રયોગશીલ ગઝલોનો સંગ્રહ ‘પાન સરનામું ન જાણે ઝાડનું આ દેશમાં’ ઈ.સ. 1997માં પ્રગટ થયો હતો. તેમાં તેમની નાટ્ય સૂચિવાળી ગઝલ, ચાડિયાની ગઝલ, ઋતુ સંહાર ગઝલોનું ગુચ્છ, ઝુરાપાની ગઝલ, જન્માષ્ટમી, તેમજ નરસિંહ મહેતાનો ચોરો જોઈને – વગેરે ગઝલો વિશિષ્ટ રદીફ અને પ્રયોગશીલ અભિગામને લીધે વાચકોનું – અભ્યાસીઓનું ધ્યાન ખેંચે છે. ‘કાલોડસ્મિ’ ઈ.સ. 2000માં આપે છે તેમાં અંગ્રેજી, સંસ્કૃત, ગુજરાતી, હિન્દી ભાષામાં પોતે જ રચેલા અનુવાદિત કાવ્યો સમાવેશ થાય છે.

‘તન્હાઈયોં કી પરવરિશ’નામનો હિન્દી ગઝલ-સંગ્રહ પ્રગટ થયો છે. આ કવિ ગીત-ગઝલ, છાંદસ-અછાંદસ ઉપરાંત હાઈકુ, તાતન્કા, ત્રિપદી, મોનોઈમેજ, વ્યંગ જેવા વિવિધ કાવ્ય સ્વરૂપોમાં અધિકારપૂર્ણ વિહાર કરે છે. સર્જનની સહજતા જેટલી સંસ્કૃતમાં છે એટલી જ ગુજરાતી, હિન્દીમાં પણ છે. એમની કલમમાંથી બિનઆયાસ છંદ અવતરે છે એમ જ લય પણ લહેરાય છે. ભાષાની, ભાવની અને અભિવ્યક્તિની તાજગી આકર્ષક છે.

ગીતોમાં લોકલય છે તો સાથે સાથે સંવેદનાને અનુરૂપ લય નિરૂપ્યો છે. સંસ્કૃત કાવ્યનો અભ્યાસ આ કવિને પરંપરા સાથે નાતો રાખવા પ્રેરે છે, પણ નવીન ગઝલની આધુનિકતાનું આકર્ષણ બીજી બાજુ ખેંચે છે એટલે આ કવિ બન્ને પલડામાં સમતોલ રહીને એમની વિશિષ્ટ શૈલીમાં, તાજગી સભર ભાષામાં અને અસલી મિજાજમાં ગઝલો આપે છે.

ગઝલના બાહ્યસ્વરૂપને અને આંતરતત્ત્વને નિભાવીને, નીખારીને, ગઝલની ખુમારી અને ખુદ્દારીને તરાશીને, રંગે તગઝ્ઝૂલ અને તરવુફના તેવરને બરકરાર રાખીને ગઝલના પોતને બેરંગ કર્યા વગર સાંગોપાંગ ગઝલ કહેવી એ કસાયેલી કલમનું કામ છે. હર્ષદેવ પાસેથી આવી સંઘેડાઉતાર સાંગોપાંગ ગઝલ મળે છે અને મળતી રહેશે. એવી અપેક્ષા છે.

ત્રણ ભાષામાં ગઝલ પ્રગટાવીને અનેક પ્રયોગો કરીને આ કવિ પોતાના કવિત્વને અને પ્રયોગશીલતાને ઉજાગર કરે છે. નવી પરિભાષા અને ગુજરાતી, ઉર્દૂ, તત્સમ અને અંગ્રેજી શબ્દોનો છોછ રાખ્યા વગર ગઝલના બાહ્યસ્વરૂપને જુદો જ પરિવેશ આપે છે.

ગીતમાં અવનવા પ્રયોગો કરે છે તો સંસ્કૃત નાટ્યનાં પાત્રો અને શકુંતલા કાવ્યો આપે છે. ‘શકુંતલાનું સંવેદન’ ગીતમાં ‘સખી, મને વલ્કલ જરાક ઢીલું બાંધ…’ ‘એવા ઉપાડથી શકુંતલાની લાગણીઓને વહેતી કરે છે:’

પગવાસી થાકને હું રસ્તો પૂછું તો પછી
પાંપણમાં ઝરણું છલકાય
મારી છાતીમાં મારા પાળેલા હરણાની
ઠેક મને આજે અથડાય
અને ‘શકુંતલાનું ગીત આ રીતે આવે છે:’
પાણીની માયાવી પાથરેલી જાળ
એમાં દુર્ભાગી હું છું કે દરિયા ?
પથ્થર ફેકું કે ફૂલ સંભવે તરંગ કેમ?
સગપણમાં પથ્થર છે અહીંયાં
કવિની સામાજિક નિસબત અને દરેક પાત્રમાં ઊપસતી વિડંબના અને પીડા આબેહૂબ વર્ણનથી સાકાર થાય છે જેમ કે ‘ઢોલીનું ગીત’:
થાપીના ઘાવ કાળા ડમ્મર ઝીંકાય
મારા ખાલીપા તોય નથી તૂટતા
દાંડિયુંની ત્રમઝૂટે દોથો પોલાણ મારા
ચામડાનાં કેમ નથી ફૂટતા?
હર્ષદેવને અનેક માન-અકરામ, એવોર્ડ પ્રાપ્ત થયા છે. અનેક સંપાદનોમાં એમની રચનાઓને સ્થાન મળ્યું છે. એમના કેટલાક ચુનંદા શેરને માણીએ:
હજુ પાંપણો બંધ ને બંધ છે તો-
અચાનક ઉઘાડી રહ્યું કોણ ડેલી?
*
બ્હાવરી દોડી જતી મનની નદી
મોસમી વાતાવરણ દરિયા સુધી
*
જળ ને નાજુક ફીણ વચ્ચે એમ સ્પર્ધા થાય છે
ચાંદનીનું વસ્ત્ર કોનાથી તરત પ્હેરાય છે
*
કાંગરા ખરશે કદી શ્રદ્ધા તણાં
એ પછી તારો ય ઈશ્ર્વર તૂટશે
*
ભીંતમાં અજવાસની બારી ખૂલે,
કોણ મારામાં જ છલકાવે મને?
*
ક્યાં ઝરણ ફૂટી રહ્યું છે પ્હાડમાં,
આજ ચોમાસું છે હાડેહાડમાં.
*
તું ભલે ધસમસ નદીનું નામ આપે છે મને
હું ય દરિયાના કહે તે વેશમાં આવી શકું
*
મેં કોઈ એક ઝાડને બોલાવવા કહ્યું
ત્યારે મને મળી ગયું ટહુકામાં એક ઝાડ
*
ગેરહાજર હોય છે જળ આમ તો મળવા વિશે
ક્યાંક માણસમાં ખારાપાટ જેવું હોય છે
*
સ્વપ્ના શાહી ઝરૂખે યાદની બાંદી લઈ
તું કહે તો વીંઝણામાં જીવ ઢોળીશું તને
*
નામ તો મારું લખેલું બારણા ઉપર હશે
ઘર ખરું જોવા જશો તો ત્યાં વ્યથાનું આવશે
*
ઓટલાઓ હાથ ઘસતા હોય છે શેરી મહીં
સામ-સામા બે ઝરૂખે વેર જેવું છે કશું?
*
કોઈ જુએ સ્વપ્ન, કોઈ આગ, કોઈ આગિયા
પ્રેમની પણ જાત છે જાહેર અથવા ખાનગી
*
નહીં તો ઉદાસીઓ રહેત કોના આશરે
મારા સિવાય કોણ અહીં ખાનદાન છે?
*
એકલી જાતી નદીને વાદળાં
આંતરી રસ્તે જ લૂંટી જાય છે
*

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button